શતરંગ / ટાલ સે તાલ મિલા...
- વટથી, હકથી ને હુકમથી એક કાર્યક્રમમાં એક દાદાની ટાલને જોઈને બીજનો ચંદ્ર યાદ આવ્યો. અણિયાળી વળાંક વાળી ચમકતી ઘઉંવર્

- વટથી, હકથી ને હુકમથી
એક કાર્યક્રમમાં એક દાદાની ટાલને જોઈને બીજનો ચંદ્ર યાદ આવ્યો. અણિયાળી વળાંક વાળી ચમકતી ઘઉંવર્ણી ટાલ જાણે અષાઢી બીજના વાદળ પાછળ ઢંકાઈને હાઉકલી કરતી હતી. ત્યારથી વિચાર આવ્યો કે પુરુષોની ટાલ એ પૃથ્વી પર ચાંદના અવતરણની કથા છે.
તમે જ વિચારો. ના ના તમે સહમત જ થાઓ કે કોઈ આધેડ વયના પુરુષની ટાલ ને થોડા સફેદ વાળ બન્ને દૂરથી જુઓ તો આકાશમાં ઉગેલા ચંદ્રમાં અને આ ટાલમાં કોઈ ફરક નથી લાગતો.
હવે કલ્પના કરો કે ચાંદા વાળી બધી બાબતોને ટાલ રિપ્લેસ કરી દે તો શું થાય? નાસા વાળા લોકોએ ચંદ્રયાન નહિ ટાલયાન મોકલવું જોઈએ સ્પેસમાં. દરેક પ્રેમીઓએ પોતાની પ્રેમિકા માટે ચાંદ તારા તોડવાનો વાયદો કરવાને બદલે ટાલ સે ટાલ મિલા દુંગા વાળા વાયદા કરવા જોઈએ. કેમકે એ હાથવગા છે ને બ્રેક અપ થાય તો એ જ ટાલમાં માથું પણ ભટકાવી શકાય!
આમિર ખાનની ફના ફિલ્મનું ફેમસ સોંગ ચાંદ સિફારિશ જો કરતા તુમ્હારી બદલીને ટાલ સિફારિશ જો કરતા તુમ્હારી કરી દેવું જોઈએ. આ ટાલ પાછી અલગ અલગ પ્રકારની હોય છે. એમાં અલગ અલગ કોમ્બો પણ જડે. જેમકે, કાળા માથાના માનવી ઉર્ફે પુરુષની અડધા કાળા વાળ ને અડધી ટાલ, સફેદ વાળ ને ટાલ, only ટાલ, માથાની પાછળ ટાલ ને આગળ વાળ ને આગળ ટાલ ને પાછળ વાળ, વગેરે વગેરે. એમાં તમે customised combo તમારી રીતે કરી જ શકો.
વેવલા વેવલી માટે મને તારી આંખોમાં ટાલ દેખાય છે કહેવું વધુ રોમેન્ટિક લાગે કે નહિ? અરે બોસ, ફન પ્લસ રોમાન્સ લાગે. ફોમાન્સ કહી શકાય. આમેય આવા રોમાન્સ ફોર એટલે કે ચાર માસ, ચાતુર્માસ જેવા હોય એટલે ફોમાન્સ શબ્દ યોગ્ય રહેશે.
જેમને ટાલ હોય એમની સરખામણી ચંદ્ર જોડે થાય એટલે એમને કેટલો આનંદ થાય એ તો વિચારો. તેલ અને શેમ્પુ વાળા ટાલ દૂર કરો કહીને ખોટા ખર્ચ પણ ન કરાવી શકે કેમકે લોકો માટે ટાલ એ પૃથ્વી પરની ખૂબસૂરત ઘટના કહેવાય!
પત્નીઓને પણ પોતપોતાના ટાલિયા પતિઓ ગમવા લાગશે. બીજું, ચંદ્રને પૃથ્વીવાસીઓની ઈચ્છાઓ પૂર્ણ કરવાનો બોજ ઘટે એટલે એને ય શાંતિ. પોષ માસની પૂનમની ઉજવણીઓ અગાશીના બદલે ઘરના ડ્રોઈંગ રૂમમાં પણ થઈ શકશે. કરવા ચોથ માટે ચાંદો દેખાય કે ન દેખાય, ટાલિયો દેખાય એટલે ખાઈ લેવાનું ને ભૂખ્યા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ. પતિઓએ એ દિવસે ઘરે વહેલું આવવાનું બહાનું શોધવાની જરૂર નહિ કેમકે પત્નીને કોઈને કોઈ ટાલિયો મળી જ રહે!!
એક કાંકરે બે નહિ બાવીસ પક્ષીઓ મારવા જેવી વાત છે મિત્રો, વધાવી લેજો આ વાતને ને ટાલને ને ટાલ વાળાને ય તે. અમાસ, પૂનમ, બીજ દરેક પ્રકારની ટાલ મળી રહેશે. હા આમાં પૂર્ણ ટકલું લોકોને પૂનમના ચાંદ તરીકે ચાન્સ મળશે પણ સંપૂર્ણ વાળ વાળાને અમાસના ચાંદનો દરજ્જો નહિ મળે. ટાલ હૈ તો બાત હૈ, વાળ હૈ તો લાત હૈ!!
ચંદ્ર પાસે ચાંદની હોય એમ આપણે પણ ટાલ પાસે ટાકણી રાખીશું. અને એક આઈડિયા બીજો પણ છે. છોકરીઓ માટે પિંક અને પર્પલ ચાંદ ન મળે પણ ટાલ મળી શકે છે. રંગી નાંખવાની મૂંડી. લેડીઝ માટે આટલું તો કરી જ શકે ને આપણાં ભાઈલોગ. રંગબેરંગી, બ્લેક એન્ડ વ્હાઈટ, સપ્તરંગી, ત્રિરંગી ટાલ પણ કરી શકાય. છે ને ધાંસુ આઇડિયાઝ, રોયલ્ટી નહિ માંગુ ચિંતા ન કરશો.
બુદ્ધિ સાથે બારમો ચંદ્રમા હોવો કહેવત હવેથી ટાલ સાથે તેરમી ત્રેવડ હોવી તરીકે ફેમસ થશે. જ્યોતિષીઓ બારમે ચંદ્ર છે કહીને ડરાવી પણ નહિ શકે. પુરુષોએ બહુ બોજ રાખવાની જરૂર નથી. જે દિવસે ટાલનો મૂડ ન હોય એ દિવસ ટાલ ગ્રહણ જાહેર કરી દઈશું બસ! વળી આ ચંદ્ર તો રાત્રે જ દેખાય એવું કંઈ નહિ, ગમે ત્યારે ગમે ત્યાં નજરે ચડી જાય. કેવું સારું! સૂર્યને પણ ચિંતા નહિ ને ચાંદ સાથે હરીફાઈ પણ નહિ.
ટાલ સા મેહબૂબ હો મેરા કબ ઐસા મૈંને સોચા થા.. મંડી પડો નવા નવા ગીતો બનાવવા તમતમારે ને એ ય પાછા વટથી, હકથી ને હુકમથી..
- સ્નેહલ તન્ના








