શતરંગ / અચ્છા હૈ બહોત અચ્છા હૈ...
- છલકાયે જામ વિધુ વિનોદ ચોપરા પુણેની FTII માં ફિલ્મો વિશે ભણ્યા અને ભણતી વખતે જ એક પ્રોજેકટના ભાગરૂપ &ls

- છલકાયે જામ
વિધુ વિનોદ ચોપરા પુણેની FTII માં ફિલ્મો વિશે ભણ્યા અને ભણતી વખતે જ એક પ્રોજેકટના ભાગરૂપ ‘મર્ડર એટ મંકી હિલ’નામની શોર્ટ ફિલ્મ બનાવી અને એ ફિલ્મની બહુ સારી રીતે નોંધ લેવાઈ. એ પછી ‘સજા એ મૌત’નામની ફિલ્મ બનાવી અને ત્યારબાદ ફુલ લેન્થ ફીચર ફિલ્મ ‘ખામોશ’ બનાવી. નસીરુદ્દીન અને પંકજકપુર જેવા કલાકારની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘ખામોશ’ કોઈ વિતરક ખરીદવા જ તૈયાર ન થયા એટલે ફક્ત એક જ પ્રિન્ટ પર વિધુ વિનોદ ચોપરાએ મુંબઈના રીગલ થિયેટરમાં રિલીઝ કરી અને ફિલ્મ હાઉસફુલ થવા લાગી! પણ એક જ પ્રિન્ટ પર રિલીઝ કરવાને કારણે વિધુ વિનોદને કઈ કમાણી હાથમાં ન આવી!
‘મર્ડર એટ મંકી હિલ’ , ‘સજા એ મૌત’ અને ‘ખામોશ’ જેવી ફિલ્મોને વિવેચકોએ વખાણી પણ ખરી. એ વખતે આર્ટ અને કોમર્શિયલ એમ બે વિભાગ હિન્દી ફિલ્મોમાં હતા અને આર્ટ ફિલ્મો એવોર્ડ મેળવે અને કોમર્શિયલ ફિલ્મો પૈસા કમાય એવા વાતાવરણમાં વિધુ વિનોદ ચોપરા આર્ટ લેબલ લઈ આવ્યા પોતાની ફિલ્મોને કારણે.
આ આર્ટનું લેબલ દૂર કરીને એક સુપરહિટ સફળ કોમર્શિયલ ફિલ્મ બનાવવા માટે વિધુ વિનોદ ચોપરાએ એક સ્ટોરી લખી અને પોતે જ ફિલ્મ ડિરેક્ટ કરવાનું નક્કી કર્યુ. મુખ્ય ભૂમિકા માટે એ વખતે ખૂબ સેલેબલ અનિલકપુરને સાઈન કરી લીધો, બે ભાઈઓની કથા હતી જેમાં અનિલકપુરને કરણ નામનાં નાનાભાઈની ભૂમિકા ભજવવાની હતી અને એના મોટાભાઈની ભૂમિકા માટે નસીરુદ્દીન શાહ અને નાના પાટેકરના નામો વિધુ વિનોદ એ વિચારેલા પણ અનિલકપુરે વિધુ વિનોદને પોતાના મોટાભાઈની ભૂમિકા માટે જેકી શ્રોફના નામનું સૂચન કર્યુ. વિધુ વિનોદ તો જેકીના નામ પર માની ગયા પણ જેકીએ આ ભૂમિકા ભજવવાની ના કહી દીધી! જેકીએ વિધુ વિનોદ ચોપરાને કહ્યું કે, ‘મને કંઈ ખાસ એક્ટિંગ આવડતી નથી, મને આર્ટ ફિલ્મો નહીં ફાવે!’ એ પછી વિધુ વિનોદે જેકી શ્રોફને અનિલકપુરના મોટાભાઈ કિશનની ભૂમિકા કરવા મનાવી લીધા અને હિન્દી ફિલ્મજગતમાં એક સુપરહિટ ક્લાસિક ફિલ્મનું નિર્માણ થવાનું શરૂ થઈ ગયું ‘પરિન્દા’ નામથી. અન્ના નામના ખલનાયકના પાત્રમાં નાના પાટેકર અને હિરોઈન તરીકે માધુરી દિક્ષિત ને સાઈન કરવામાં આવી અને સહાયક પાત્રોમાં ટોમ ઑલ્ટર, સુરેશ ઓબેરોય, અનુપમ ખેર વગેરે લેવામાં આવ્યા.
સુરેશ ઓબેરોયની ભૂમિકા પહેલા ડેની ડેન્ગઝોપ્પા કરવાના હતા એટલે ફિલ્મમાં અબ્દુલ નામનું એ પાત્ર વાંસળી વગાડતું દેખાડવામાં આવેલું કારણકે ડેની પોતે બહુ સરસ વાંસળી વગાડી જાણતાં! પણ પછી એ ભૂમિકા સુરેશ ઓબેરોયને ફાળે ગઈ ત્યારે સુરેશ ઓબેરોય ડેનીના ઘરે જઈને એમની પાસેથી વાંસળી વગાડતા શીખ્યા અને અબ્દુલની ભૂમિકા કરી.
‘પરિન્દા’ ફિલ્મ માટે વિધુ વિનોદ પાસે ખૂબ જ ઓછું બજેટ હતું. ઓછા બજેટને કારણે મોટાભાગનું શૂટિંગ લોકેશનો પર કરવામાં આવ્યું, ફિલ્મના કલાકારોએ કપડાં પણ પોતાના ઘરના પહેર્યા અને જેકી શ્રોફની મોટરનો પણ ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવ્યો! ફિલ્મ ટોટલ 12 લાખના ખર્ચે બની ગઈ અને પાંચ કરોડની કમાણી કરી સુપરહિટ થઈ.
અન્ના બનતા ખલનાયક નાના પાટેકરની પત્ની અને પુત્રનો નાના પાટેકર સાથે એક ફોટો ફિલ્મમાં બતાવવામાં આવે છે હાર ચડાવેલો. એ ફોટામાં જે સ્ત્રી અને બાળક છે એ નાના પાટેકરની પત્ની અને પુત્ર છે, આ ફોટો નાના પાટેકરના ઘરેથી લાવવામાં આવેલો!
પરિન્દા ફિલ્મના ક્લાઈમેક્સ માટે ઘણા બધા લોકોની જરૂર હતી, બધા થર્ટી ફર્સ્ટ રસ્તા પર ઉજવતા હોય દરિયાકિનારે એ ભીડ ભેગી કરવા માટે વિધુ વિનોદ પાસે બજેટ નહોતું એટલે ખરેખરી ભીડ જ્યારે ઉજવણી કરતી હતી એના દ્રશ્યો શૂટ કરી લેવામાં આવ્યા અને એ પણ લાગલગાટ ત્રણ વર્ષના થર્ટી ફર્સ્ટના અને પછી એ બધું શૂટ એડીટ કરીને ક્લાઈમેક્સ નું દ્રશ્ય રચવામાં આવ્યું!
એન્ટોપ હિલ, બાબુલનાથ, ગેટવે ઓફ ઇન્ડિયા, કબૂતરખાના જેવા લોકેશનો ફિલ્મમાં ખૂબ જામ્યા અને આ બધા લોકેશનો જાણે ફિલ્મના પાત્ર બની ગયા!
આજના સુપરહિટ ડિરેકટર સંજય લીલા ભણશાળીએ ‘પરિન્દા’ફિલ્મમાં કોરિયોગ્રાફીની જવાબદારી સંભાળેલી અને વિધુ વિનોદ ચોપરાની એક્સ વાઈફ રેણુ સલૂજાએ એડીટિંગની જવાબદારી સંભાળેલી, સંગીત આર.ડી.બર્મન અને ગીતો ખુરશીદ હલ્લોરી એ લખ્યા, ચાર ગીતો પણ બે-બે વખત આવે એટલે ફિલ્મમાં સાત ગીતો થયેલા! તુમ સે મિલ કે...ગીત આજે પણ સુપરહિટ છે!
ફિલ્મ રિલીઝ થતા જ ઉપડી ગઈ અને વિધુ વિનોદ ચોપરા પણ કોમર્શીયલ સિનેમામાં આગળની હરોળમાં બેસી ગયા. નાના પાટેકરને નેશનલ અને ફિલ્મફેર બન્ને એવોર્ડ મળ્યા જેકીને પણ ફિલ્મફેર એવોર્ડ મળ્યો અને રેણુ સલૂજાને બેસ્ટ એડીટિંગનો એવોર્ડ મળ્યો.
ફિલ્મનાં એક દ્રશ્યમાં જેકી શ્રોફ નાના પાટેકરની ચારે તરફ આગ લગાવે છે, એ દ્રશ્યમાં નાના પાટેકર હીંચકા પર ઉભો હોય છે. આ સીન માટે નાના પાટેકરને ફાયરપૃફ સૂટ આપવામાં આવેલો પણ નાના એ ફક્ત ઉપરનું જેકેટ જ પહેરેલું, આગની જ્વાળાની ગરમીને કારણે નાના પાટેકર હીંચકા પરથી કૂદકો મારી ઉતરી ગયા અને ઇજાગ્રસ્ત થઈ ગયા, બે મહિના તો બેડમાં રહેવું પડયું! ફરી વખત આ સીન ભજવતા વખતે નાનાએ આખો ડ્રેસ પહેર્યો, આ સીન ફરી ભજવવાનું મુહરત ઠેઠ વરસ પછી આવ્યું!
ફિલ્મના એક દ્રશ્યમાં જેકી શ્રોફ અનિલકપુરને થપાટ મારે છે, એ દ્રશ્ય માટે કુલ સતર રિટેક થયેલા અને અનિલકપુરને સતર થપાટો ખાવી પડેલી, ખુદ અનિલકપુરનો જ આગ્રહ હતો એટલે એમના સંતોષ માટે જ સતર રિટેક કરવામાં આવેલા!
આજે પણ મુંબઈ અંડરવર્લ્ડની ફિલ્મોમાં વિધુ વિનોદ ચોપરાએ ખૂબ ઓછા બજેટમાં બનાવેલી ‘પરિન્દા’ ફિલ્મ ક્લાસિક ફિલ્મનું સ્થાન હકથી મેળવે છે.
- હકીમ રંગવાલા








