શતરંગ / ગીતા આપણને આપણી અંદર દોરી જાય છે!
- ગીતા Talksકલાપીની પંક્તિની જેમ ‘જે પોષતું તે મારતું’ એમ આપણને જીવંતતા આપનારી ઇન્દ્રિયો જ આપણે ગાફેલ રહીએ તો આપણી

- ગીતા Talks
કલાપીની પંક્તિની જેમ ‘જે પોષતું તે મારતું’ એમ આપણને જીવંતતા આપનારી ઇન્દ્રિયો જ આપણે ગાફેલ રહીએ તો આપણી અધોગતીનું કારણ બને છે.
આપણા હોવાની જીવંતતા છે આપણી ઇન્દ્રિયો. ઇન્દ્રિયો આપણને બહારની દુનિયા સાથે જોડે છે. પણ અંદર તરફ જવું હોય તો? આપણી આસપાસ કોઈ ધીમેથી ગણગણાટ કરશે તોય આપણને સંભળાઈ જશે, પણ આપણી અંદર નસોમાં દોડતા લોહીને સાંભળવું હશે તો? આપણા શરીર ઉપર કોઈ કીડી ચાલતી હશે તો આપણને તરત ખ્યાલ આવશે, પણ અંદર તો સતત કેટલીય પ્રવુતિઓ ચાલતી હોય એને આપણે નથી અનુભવી શકતા. આપણી ઇન્દ્રિયો માત્ર બહારની સંવેદનો જ નોંધી શકે. પણ એ અનુભવોનો મૂળસ્ત્રોત આપણી અંદર છે.
વાત અંદરના તત્ત્વના આનંદમાં ઉતરવાની હોય કે કોઈ કામમાં એકદમ એકાગ્ર થઈને કામમાં અંદર ઉતરી જવાની હોય... એ યાત્રામાં જ્યારે આપણે દસે ય ઇન્દ્રિયો અને મનને કાબુમાં રાખતા થઈએ...તો જ આપણી બુદ્ધિ-પ્રજ્ઞા સ્થિર થાય...અત્યંત અઘરું છે પણ આપણે અગાઉ એક શ્લોકમાં કહેલું એમ અભ્યાસ અને વૈરાગ્યથી કાબુમાં રાખતા થઈએ ત્યારે ભીતર તરફ જવાતું હોય છે.
આપણે ગીતા talksના ગયા મણકાના ઇન્દ્રિયોને સંયમ રાખીને પ્રજ્ઞા સ્થિર કરવાની વાત કરતાં એક શ્લોક પર વિચારની શરૂઆત કરી હતી, આજે એ શ્લોક પર થોડા વધુ આગળ વિચારીએ...પણ પહેલા એકવાર શ્લોક ફરી જોઈએ લઈએ, બીજા અધ્યાયનો ૬૧મો શ્લોક છે કે,
तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्पर: |
वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ||2.61||
કૃષ્ણ અર્જુનને કહે છે કે “ બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને મારામાં લીન થા. કેમ કે ઇન્દ્રિયોને જે વશમાં રાખી શકે છે એની પ્રજ્ઞા, એની બુદ્ધિ પ્રતિષ્ઠિત થાય છે.”
આપણા શરીરનો વ્યવહાર દશ ઈન્દ્રિયો અને મનની ઉપર આધાર રાખે છે. દશ ઈંદ્રિયોમાં પાંચ કર્મેન્દ્રિય છે ને પાંચ જ્ઞાનેન્દ્રિય. પાંચ કર્મેન્દ્રિય કઈ?
वाक्पाणिदपायूपस्थानि इति पंचकर्मेन्द्रियाणि ।
1) વાક એટલે મુખ 2) પાણિ એટલે કે હાથ..હ્રસ્વ ઈ પાણિ જેમ કે પિનાકપાણિ એટલે જેમના હાથમાં પિનાક નામનું ધનુષ છે એ શિવ...તો મોં, હાથ, પગ,ગુદા અને ઉપસ્થ એટલે જેનેટલ્સ એ પાંચ કર્મન્દ્રિયો છે, જેના દ્વારા આપણા શરીરની દૈનિક દિનચર્યાના બધા કામ થાય છે.
એવી જ રીતે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. કઈ?
श्रोत्रंत्वक्चक्षुःरसनाघ्राणम् इति पंच ज्ञानेन्द्रियाणि ।
શ્રોતમ્ એટલે જેના દ્વારા સાંભળી શકીએ છીએ એ કાન, ત્વક એટલે ત્વચા, ચક્ષુ-આંખ, રસનો સ્વાદ જેના દ્વારા આવે છે એ જીભ અને ઘ્રાણ એટલે ગંધ પારખનાર નાક. શબ્દ, સ્પર્શ,રૂપ , રસ, ગંધ...
આમ પાંચ કર્મેન્દ્રીય અને પાંચ જ્ઞાનેન્દ્રીય અને આ બધાથી પાવરફુલ-બધાના બોસ જેવું મન. આ મન અગિયારમી ઇન્દ્રિય તરીકે પણ ઓળખાય છે.
આપણું શરીર એ આ સૃષ્ટિની નાનકડી પણ awesome replica છે, આબાદ પ્રતિકૃતિ...જે શરીરમાં નથી તે જગતમાં નથી. જે જગતમાં છે તે શરીરમાં છે. એથી આપણે ત્યાં કહેવાયું છે કે 'यथा पिंड ब्रह्मांडे' એટલે જો આપણે શરીરને પૂર્ણ રીતે ઓળખી શકીએ તો જગતને ઓળખીએ છીએ એમ કહેવાય.
આપણું આ સ્થૂળ શરીર એ તો આપણી બધી ક્રિયાઓનું માત્ર સ્થળ છે. જેમ કે આપણે જલેબી ખાધી એ ખાવાનું આ સ્થળ આ શરીર છે. જેમ કે આપણને શાક સમારતાં આંગળીએ ચપ્પુ વાગ્યું, તો એ ચપ્પુ વાગવાનું સ્થળ એ આંગળી છે. પણ આ સ્થૂળ શરીર દ્વારા એ અનુભવવાનું મીડીયમ આપણી ઇન્દ્રિયો છે. કશોક અવાજ સાંભળીયે એ અવાજ આમ તો આખા શરીર સાથે અથડાય છે. પણ એ અવાજ સાંભળે છે માત્ર કાન.
આપણી ઇન્દ્રિયો એ આપણું સુક્ષ્મ શરીર છે.આપણે દુનિયા વિષે જે કઈ પણ જાણીએ છીએ, એ બધું જ આ ઇન્દ્રિયો દ્વારા મળેલી કે અનુભવેલી માહિતી છે. એટલે કે જોઇએ, સાંભળીએ, સુંઘીએ, ચાખીએ, અને સ્પર્શ કરીને ભેગી કરેલી માહિતી છે. જો આ ઇન્દ્રિયો કામ કરતી બંધ થઇ જાય તો આપણે પોતાને કે દુનિયાને જાણી શકીએ? ઇન્દ્રિયો વિનાનું આપણું શરીર નિર્જીવ પદાર્થ વિશેષ કશું જ નથી. પણ કલાપીની પંક્તિની જેમ ‘જે પોષતું તે મારતું’ એમ આપણને જીવંતતા આપનારી ઇન્દ્રિયો જ આપણે ગાફેલ રહીએ તો આપણી અધોગતીનું કારણ બને છે.
ગીતામાં કૃષ્ણ અમુક વાતો જુદી જુદી રીતે ફેરવી ફેરવીને વારંવાર કહે છે કેમ કે એમને ખ્યાલ છે આ જે યોગ છે, આ જે સંયમ છે એ એકવાર નક્કી કરવાથી નથી આવતો...માણસે વારંવાર એની પ્રેક્ટીસ કરવી પડે છે. ક્યારેક વર્ષો સુધી ઇન્દ્રિયોને સંયમ રાખ્યા બાદ ય એક સ્ખલન બધું પૂરૂ કરી દે છે.
યોગનો મૂળ હેતુ આપણા અનુભવને આપણી સેન્સીસથી ઉપર વિકસાવવાનો છે. આપણને ભલે ઈશ્વરની શોધ ન હોય, આપણે ભલે સાધુ કે બાબાજી ન બનવાનું હોય તો પણ માત્ર સંસારમાં સફળતાથી રહેવું હોય, કોઈ પણ ડોક્ટર, એન્જીનીયર, કલાકાર, વિદ્યાર્થી કે મારી જેમ ગૃહિણી પણ હોઈ તો પણ શરીરને સમજવા, વધુ બહેતર બનવા પણ આ યોગ કામનો છે.
ગીતા વિચાર:
જે ઇન્દ્રિયોને સમજીને એ યોગનું ઊંડાણ પામે છે એને કોઈ ગુફામાં જઈને સાધના કરવાની જરૂર નથી, એ આપણી વચ્ચે જ રહેવા છતાં યોગી છે...
- મિલી મેર








