શતરંગ / ગીતા એટલે પોતાની મેક્સીમમ પોસીબલીટીઝને પામવાનું ગીત!
- ગીતા Talks જે લૌકિક સીમાડાઓ ઓળંગીને wisdomના મેદાનમાં પહોચી જાય પછી એ પણ કૃષ્ણસ્વરૂપ

- ગીતા Talks
જે લૌકિક સીમાડાઓ ઓળંગીને wisdomના મેદાનમાં પહોચી જાય પછી એ પણ કૃષ્ણસ્વરૂપ જ થઇ જાય છે.
કૃષ્ણનું અલૌકિક ગીત એટલે ગીતા. કૃષ્ણ લૌકિક રહીને જ જીવ્યા, પણ એમણે મનુષ્યજીવનની એટલી પોસીબીલીટીઝ ઉઘાડી દીધી કે આપણને એ અલૌકિક લાગે છે. કાજલ ઓઝા વૈદ્યની જાણીતી બુક ‘કૃષ્ણાયન’નું પેટા શીર્ષક છે કે ‘માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત...’ આ વાક્યને ઉલટું વિચારીને ય કૃષ્ણજીવનનો અભ્યાસ કરી શકાય કે ‘ઈશ્વર થઇ ગયેલા એક પુરુષની... એક પૂર્ણપુરુષની વાત...’
ગીતા એ આવા પૂર્ણપુરુષોત્તમેં ગાયેલું પોતાની મેક્સીમમ પોસીબલીટીઝને પામવાનું ગીત છે. જે એ પામી જાય છે એ જ્ઞાની છે, જે લૌકિક સીમાડાઓ ઓળંગીને wisdomના મેદાનમાં પહોચી જાય પછી એ પણ કૃષ્ણસ્વરૂપ જ થઇ જાય છે.
ગયા મંગળવારે આપણે ગીતાના ‘જ્ઞાન- વિજ્ઞાનયોગ’નો એટલે કે ૭માં અધ્યાયનો ૧૮માં શ્લોકને ઉઘાડ્યો હતો આજે થોડા વધુ વિસ્તારથી સમજીશું. શ્લોક છે:
उदारा: सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् |
आस्थित: स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ||
આ અધ્યાયમાં કૃષ્ણ કહે છે કે સારા કર્મ કરનાર એવા ચાર પ્રકારના લોકો મને ભજે છે, આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની...૧૭માં શ્લોકમાં કૃષ્ણ આગળ વધીને કહે છે કે, એ ચારેયમાંથી જે જ્ઞાની છે એ મને અને હું એને અત્યંત પ્રિય છુ .કૃષ્ણ આટલું કહીને પણ અટકતા નથી, એ આ શ્લોકમાં જ્ઞાનીનો અપૂર્વ મહીમા કરે છે: “उदारा: सर्व एवैते એટલે એ બધા એટલે એ ચારેય પ્રકારના લોકો શ્રેષ્ઠ / ઉદાર છે, પરંતુ જ્ઞાની તો મારો આત્મા છે ज्ञानी त्वात्मैव. त्वात्मैव મતલબ એ મારું જ સ્વરૂપ છે.એમ હું માનું છું मे मतम् કારણકે તે મારામાં ચિત પરોવી મારામાં જ એકયુક્ત થઈ જાય છે आस्थित: स हि युक्तात्मा મને જ સર્વોતમ માની મારો આશ્રય કરે છે. એ ઉત્તમ ગતિ પામે છે. એ મારામાં સ્થિત થાય છે. “
સરળ રીતે જોઈએ કે કૃષ્ણ કહે છે કે,” એ ચારેય પ્રકારના ભક્તો ઉદાર કે સારા છે, છતાં એ સર્વમાં જ્ઞાની તો સાક્ષાત મારુ સ્વરૂપ જ છે.”
નચીકેતાના પિતા ઉદાલક એક મોટો યજ્ઞ કરે છે, એમની પાસે ખુબ ગાયો હતી, તો યજ્ઞમાં આવેલા સૌને એમ છે કે આપણે ખુબ ગાયો દાનમાં મળશે પણ યજ્ઞ પૂરો થયા બાદ ઉદ્દાલક સૌને ઘરડી-બીમાર એવી ગાયો અલગ તારવીને દાનમાં પધરાવે છે, આ જોઇને બાળક નચિકેતા જ્યારે પિતાને આ વાતમાં ટોકે છે અને પ્રશ્ન કરે છે કે ‘તો તમે મને કોને દાનમાં આપશો?” ત્યારે ગુસ્સામાં પિતા ઉદ્દાલક નચિકેતાને યમને દાન કરે છે, નચિકેતા ત્યાં જઈને યમરાજને પ્રસન્ન કરે છે, ત્યારે યમ માંગવાનું કહે ત્યારે નચિકેતા જ્ઞાન માંગે છે. યમ બાળકને હીરા મોતી-સોના ચાંદી જે જોઈએ એ સંપત્તિ આપવા તૈયાર થાય છે, પણ બાળક નચિકેતા કહે કે, “તમે જે જ્ઞાનના બદલામાં આટલી સંપતી આપવા તૈયાર છો, તો એ જ્ઞાન કેટલું મુલ્યવાન હશે!?, મારે તો એ જ જોઈએ છે.” પછી એ નચિકેતા ઉપનીષદના ઋષિ બને છે. એ ‘કઠ ઉપનિષદ’ની રચના કરે છે.
આ શ્લોકમાંથી આપણે અને આપણી એજ્યુકેશન સિસ્ટમે પણ ઘણું શીખવા જેવું છે. ભણનાર વિદ્યાર્થીનો પહેલો ગોલ જ્ઞાન કે excellence હોવો જોઈએ એવું વાતાવરણ નિર્માણ થાય, માત્ર પરીક્ષાની ટકાવારી નહિ. છાશવારે પેપર ફૂટતાં રહે છે. એમાં સિસ્ટમનો દોષ તો ખરો જ પણ એ પેપર ફોડનાર અને ખરીદનાર જે છે એ આપણી વચ્ચેના લોકો જ ને?. આપણે કેમ પ્રમાણિક લોકોનું નિર્માણ નથી કરી શકતા?. ક્યાંક કશુક કાચું કપાય છે ને?! જાપાન, અને ફિનલેન્ડ જેવા દેશોના બજેટમાં એજ્યુકેશન પાછળ 15થી 20% સુધી ખર્ચ કરવામાં આવે છે. તપાસ કરજો આપણા બજેટમાં એજ્યુકેશન પાછળ કેટલો ખર્ચે ફાળવવામાં આવે છે.
કૃષ્ણ પોતે પણ મથુરા આવે છે ત્યારે કંસને મારીનેમથુરાની ગાદી એમના હાથમાં જ હોય છે. પણ એ ગાદી છોડીને ગુરુકુળની રાહ પકડે છે, એ જ્ઞાનની રાહ છે.
ગીતા વિચાર:
કૃષ્ણએ અનિવાર્ય સંજોગોમાં જ પોતાનું ઈશ્વરીય એશ્વર્ય કે જ્ઞાન પ્રગટ કર્યું છે. બાકી તો આ શ્લોકમાં કૃષ્ણે કહ્યું છે કે જ્ઞાની એ મારું જ સ્વરૂપ છે. આ વાતનો ઘણો દુરુપયોગ પણ થયો છે અને થઈ પણ શકે.. કોઈ પણ પોતાની જાતને જ્ઞાની કહીને ‘પોતે ઈશ્વર છે’, એમ કહે એવું થાય છે.આપણે ત્યાં ધાર્મિક સંસ્થાઓમાં આવું થતું હોય છે. લોકો માને પણ ખરા...અનુયાયીઓ કે ભક્તો એવું કરે એ તો સમજી શકાય એવી વાત છે પણ ક્યારેક તો જે-તે વ્યક્તિ જ પોતાને ઈશ્વરની જેમ સ્થાપિત કરવા લાગે. ત્યારે સમજવા જેવું એ છે કે જ્ઞાની એ છે કે જેને પોતે જ્ઞાની છે એનો કોઈ અહંકાર ના હોય.
- મિલી મેર








