શતરંગ / ‘ઘોસ્ટીંગ’ - “જિનસે કભી બાતેં ખત્મ નહિ હોતી થી, ઉનસે બાત હી ખત્મ હો ગઈ”
- કાગળ પરના પંખી ટહુક્યાં ‘ઘોસ્ટીંગ&rsqu

- કાગળ પરના પંખી ટહુક્યાં
‘ઘોસ્ટીંગ’ આ શબ્દ હમણાં હમણાં આપણને બધાને બહુ સાંભળવા મળી રહ્યો છે. ખાસ કરીને સોશ્યલ મીડિયા પર આના અંગે બહુ જ કહેવાય છે અને આ એક એવો મુદ્દો છો કે જેનો અનુભવ બધા એ પોતાના જીવનમાં એકાદ વાર તો કર્યો જ હશે પણ કદાચ આ શબ્દ આપણને એ વખતે ખબર નહિ હોય તો શું છે આ ‘ઘોસ્ટીંગ? આમાં શું થતું હોય છે અને કોની સાથે થતું હોય છે? મૂળ ‘ઘોસ્ટ’ શબ્દ પર આવીયે તો ઘોસ્ટ એટલે ભૂત અથવા ભૂતિયા અને ભૂત કેવું હોય? અદ્રશ્ય. કોઈને ન દેખાય એવું....બસ આ જેટલી સાદી ભાષામાં આ વાક્ય લખ્યું છે એટલું જ તકલીફદાયક હોય છે કોઈનું આપણા જીવનમાંથી અદ્રશ્ય થવું....
‘ઘોસ્ટીંગ એટલે કે કોઈ વ્યક્તિ તમારી સાથે આજે વાત કરી રહ્યું છે કે જાણે તમારા માટે એટલી લાગણી છે પ્રેમ છે, તમે એમના જીવનમાં બહુ બધું મહત્વ ધરાવો છો, તમે જવાબ ના આપો તો પણ એ તમને મેસેજ કરે, તમારી રાહ પણ જુએ, તમારી બધી વાતો સાંભળે અને તમને બધી વાતો કહે પણ ખરા. તમને એવું લાગે કે તમે એમના માટે સ્પેશ્યલ છો..કંઈક તો કનેક્શન છે જેને પ્રેમ કહો કે લાગણી કહો કે બીજું કંઈક પણ એવું કંઈક જે તમને એની તરફ ખેંચતું હોય અને તમને એમ પણ લાગે કે જેવું તમે અનુભવો છો એવું જ એ પણ અનુભવે છે. તમે જેને જાણતા નથી એવું કોઈક તમારા જીવનમાં અચાનક આવે અને તમને વિશ્વાસ અપાવે કે તમે એના માટે સ્પેશ્યલ છો અને એની વાતો અને વર્તનના આધારે તમે વિશ્વાસ પણ કરી બેસો કે તમે સ્પેશ્યલ છો અને એક દિવસ અચાનક બધું બદલાઈ જાય....
જે તમને દરરોજ મેસેજ અને ફોન કરતું હતું એ હવે તમને મેસેજ કે ફોન ના કરે, તમે મેસેજ કરો તો જવાબ પણ ના આપે અને જુએ પણ નહિ....તમે બસ રાહ જોઇને બેસી રહ્યા હોવ કે હમણાં એ મેસેજ જોશે, હમણાં એ જવાબ આપશે, હમણાં એનો ફોન આવશે પણ ના એનો મેસેજ આવે ના ફોન આવે...અને ક્યારેક આવે તો એક નાનકડો મેસેજ આવે કે, “હું બીઝી છુ”. તમને સમજાય જ ના રહ્યું હોય કે કાલ સુધી તો બધું ઠીક હતું તો આજે અચાનક શું થઇ ગયું? શું ખરેખર સામેવાળો બીઝી હશે કે એ માત્ર તમારા માટે જ બીઝી હશે? ઘણી વાર તો તમે સેલ્ફ ડાઉટમાં આવી જાઓ છો કે મારાથી શું ભૂલ થઇ કે આ વ્યક્તિ મારી સાથે આવું કરી રહ્યો છે? તમને રાત્રે ઊંઘ આવવાની બંધ થઇ જાય, ભૂખ લાગવાની બંધ થઇ જાય.. તમે રડ્યા કરો, પથારીમાં પડ્યા રહો, તમને કામ કરવાનું મન જ ના થાય, સતત તમે એના સોશ્યલ મીડિયાના એકાઉન્ટને જોયા કરો, એ ઓનલાઈન છે કે નહી એ જોતા કરો, એ ઓનલાઈન હોય તો પણ તમને જવાબ ના આપે.. તમને સખત દુઃખ અને પીડા થાય અને સામેવાળાને કોઈ ફર્ક જ ના પડી રહ્યો હોય. તમને સતત એક જાતની અસુરક્ષા લાગવા લાગે કે ક્યાંક એને કોઈ બીજું મળી ગયું હશે? ક્યાંક હવે એ મારી સાથે ક્યારેય વાત નહિ કરે? કે પછી અમે કયારેય નહિ મળીયે? ઘણીવાર સામા-પાત્રનું ઇન્વોલ્વમેન્ટ એટલું હોય છે કે એને પેનિક અટેક આવવા લાગે છે કે એ ડીપ્રેશનમાં જતું રહે છે. અને તો પણ એને જવાબ નથી મળતો કે કાલ સુધી જે દરરોજ વાત કરતો હતો એ અચાનક ક્યાં ગાયબ થઇ ગયો? આને જ કહેવાય છે ઘોસ્ટીંગ... કે આજે જીવનમાં કશુંક છે, આજે જીવનમાં કોઈ છે અને કાલે અચાનક બધું હતું ન હતું થઇ જાય.
તો હવે પહેલો પ્રશ્ન કે ઘોસ્ટીંગ કરવું જોઈએ? એનો સીધો સાદો જવાબ છે ના.... ઘોસ્ટીંગ એટલું જ અમાનવીય છે જેટલું કોઈને મારીને મરવા પડી રહેવા માટે છોડી દેવું. જયારે આપણે કોઈની સાથે કોઈ પણ રીતે જોડાયેલા હોઈએ છીએ ચાહે મિત્ર તરીકે, ચાહે પ્રેમી તરીકે , ચાહે અન્ય કોઈ રીતે અને એ વ્યક્તિ માટેની તમારી લાગણીઓ બદલાઈ જાય છે તો એને સીધે સીધું કહો કે હવે તમે એના માટે શું અનુભવો છો, નહિ કે એને એવી પરિસ્થિતિમાં મુકીને જતું રહેવું કે એના મનમાં ઉઠતાં પ્રશ્નોના જવાબ એને જ ના મળે. જાણીજોઇને ઇગ્નોર કરવું, બીઝી હોવાના બધાના બતાવવા, આ બધું તમને ખબર નથી હોતી પણ સામેવાળા માણસના મન અને મગજ પર ઉપરછાપરી ઘા કરી રહ્યા હોય છે. બહુ અઘરી હોય છે એ વ્યક્તિ માટે આ આ સ્થિતિ જેને ઘોસ્ટીંગના નામે આપણે છોડીને જતા રહીયે છે. એ સતત તમારી બાજુ ખેંચાયા કરે અને એ જ ખેંચાણમાં ઘણી વાર એ તમને ઉપરાછાપરી કોલ કે મેસેજ પણ કરી દે છે. ત્યારે સામેવાળો એ લાગણી રાખનાર માણસ માટે ‘સાયકો’ ને એવા શબ્દો વાપરવા માંડે છે. એ તમારી લાગણીમાં લાચાર હોય છે તો એના માટે શું આ શબ્દો વ્યાજબી છે? દરેક માણસે એ સમજવા જેવું છે કે કોઈને કોઈના માટે લાગણી હોય છે તો જ એ એની પાછળ પાછળ ફરે છે, એને ફોન કરે છે અને મહત્વ આપે છે. વ્યક્તિ ખાસ નથી હોતો કોઈની લાગણી એને ખાસ બનાવે છે. અને તમને ખાસ બનાવવાવાળાં વ્યક્તિને આમ આ રીતે છોડીને જતું રહેવું અને એ પણ કહ્યા વગર એ ખુબ જ ખરાબ બાબત છે. એના કરતાં જે પણ કારણ છે કહો..સામેનું પાત્ર પહેલા ગમતું હતું પણ હવે નથી ગમતું તો કહો, એની લાગણીઓથી ડર લાગે છે તો પણ એને કહો, કમીટમેન્ટથી ડર લાગે છે તો પણ કહો, તમને બીજા કોઈનામાં રસ આવી ગયો છે તો પણ કહો અને એના સિવાય પણ કોઈ કારણ હોય તો કહો. બસ, કોઈને એવી પરિસ્થિતિમાં લાવીને ના મૂકી દો કે એને ના જાગવા માટેનું કારણ મળે ના જીવવા માટેનું મોટીવેશન. ઉલટાનું એને એમ લાગવા લાગે કે મારામાં જ કંઈ પ્રોબ્લેમ હતી એટલે જ મારી સાથે આવું થઇ રહ્યું છે.. એક વાત હમેશા યાદ રાખવાની છે કે ‘જબ વી મેટ’ ફિલ્મમાં અંશુમનના છોડ્યા પછી આદિત્ય આવીને ગીતને એનું મુલ્ય સમજાવે છે પણ આપણી જિંદગીના આદિત્ય આપણે જ છીએ...એટલે ઘોસ્ટીંગ કર્યું હોય, કરી રહ્યા હોય અથવા મનમાં આવા કોઈ વિચાર પણ આવતા હોય ને એવા તમામને મારું નમ્ર નિવેદન છે કે ઘરમાં કોઈ પેટ(પાલતું પ્રાણી) પણ પાડ્યું હોય ને તો એના માટે પણ લાગણી બંધાઈ જાય છે તો જેની સાથે થોડું પણ જોડાણ રહ્યું હોય ને એને માત્ર તમને પ્રેમ કરવા, તમને મહત્વ આપવા, તમને ગમાડવા અને ફર્સ્ટ પ્રાયોરિટીમાં રાખવા માટેની આટલી મોટી સજા ના આપતા કે એ જીવનભર કોઈના માટે લાગણી રાખી જ ના શકે.
બીજી બાજુ આપણે એ પણ સમજવાનું છે કે જો કોઈ તમારી સાથે આવું વર્તન કરે છે તો ટ્રસ્ટ મી મિત્રો, સામેવાળાને ફોન નથી કરવો એટલે જ નથી કરતો, મેસેજ નથી કરવો એટલે જ નથી કરતો, તમારી જાતને ના છેતરતા કે એ તો બિચારો બીઝી છે, ફસાયેલો છે, એની પાસે ટાઈમ નથી વગેરે..એ જે કરે છે એનાથી એ સંપૂર્ણ સભાન છે. અને જે કરે છે એ જાણીજોઈને જ કરે છે. તમે સ્વીકારો કે નહી સ્વીકારો પણ હકીકત એ જ હોય છે કે તમારી લાગણીઓ સાથે રમત રમાઈ ચુકી છે અને આ રીતે રમત રમાયા બાદ તમે એના માટે લાખ રડશો, કરગરશો પણ અમનાવીય વર્તનના આરે આવી ગયેલા આ લોકો કયારેય પાછા વળીને જોવા પણ નહિ આવે કે તમે જીવો છો કે મરો છો કારણ કે એમને કોઈ ફર્ક જ નહિ પડતો હોય..
એટલે સ્વીકારી લો કે એ જે હતું એ હવે હતું જ થઇ ગયું છે અને હવે ફરી એ ક્યારેય નથી થવાનું. અને આગળ નીકળો અને જે એક વખત ઘોસ્ટીંગ કરી શકે છે એ ધારો કે આનાથી ખરાબ અવસ્થામાં તમને મુકીને ફરી અદ્રશ્ય થઇ જાય તો શું કરશો? એકાદ વાર લાગણીની કે પ્રેમની ભીખ માંગીને કોઈને રોકી લેશો તો એ બીજી વખત તીવ્રતાથી જતું રહેશે એના કરતાં જેને જવું છે જતા રહેવા દો.. થોડો સમય દુઃખ થશે તકલીફ થશે તો થવા દો કારણ કે ઘાને ભરાતા સમય લાગે પણ વિશ્વાસ રાખો કે ઘા ગમે તેવો હોય એક દિવસ તો ભરાય જ છે.
- અર્ચના તેજસિંહ ચૌહાણ








