શતરંગ / જેન્ડર ઇક્વાલીટી: યુનિસેક્સ પ્રોડક્ટ અને બદલાતી વિચારસરણી
- ગ્લેમર ગાઈડ જેટલું જ્ઞાન હોય, એટલું દેખાડી નથી શકાતું અને જેટલા વિચારો અને માન્યતાઓ હો

- ગ્લેમર ગાઈડ
જેટલું જ્ઞાન હોય, એટલું દેખાડી નથી શકાતું અને જેટલા વિચારો અને માન્યતાઓ હોય એટલું લખી નથી શકાતું. પણ એ વિચારો કે જ્ઞાન કોઈને કોઈ રીતે આપણી રીતભાતમાં, આપણા પહેરણમાં,વ્યક્તિત્વ કે વ્યવહારમાં પ્રગટ થયા વગર રહેતા નથી. કોઈ પણ સમાજ પોતાની વિચારસરણીને કોઈને કોઈ માધ્યમ, કળા કે સઁસ્કૃતિ દ્વારા પ્રકટ કરતું રહે છે. એવી જ રીતે કોઈ ફેશન કે ટ્રેન્ડની પાછળ કોઈને કોઈ અભિગમ જરૂર હોય છે.
આજથી લગભગ 50 વર્ષ પહેલા આપણે કપડાં કે એક્સેસરીઝની બાબતમાં આટલા જટિલ કે સંકુચિત ન હતાં. ત્યારે બાળકોના જન્મ વખતે નર્સ એમને બ્લુ કે પિંક કપડાંમાં લપેટીને ના આવતી. પરંતુ હવે ફેશન કે ટ્રેન્ડના નામે એક સંકુચિત સ્ટીરિયોટાઈપ ઉભો થઇ ચુક્યો છે. જેનાથી આપણે ખૂબ જ ફેશનેબલ કે સુધરેલા હોવાનો, બહુમાળીય ભ્રમ ઉભો કરી દીધો છે. બેબી શાવર હોય કે બાળકોના બર્થડે, બ્લુ કે પિન્કનો દબદબો તેમની કેકથી લઈને કોસ્ટ્યુમ સુધી જામેલો હોય છે. છોકરી હોય તો બાર્બી ગર્લ અને છોકરો હોય તો સુપર હીરો. વાત ફેશન સુધી જ સીમિત નથી, પણ વાત વિચારસરણીની છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) દ્વારા એક અહેવાલ જારી થયો છે, જે જેન્ડર ઇકવીટી એટલે કે જાતીય સમાનતા વિશે હોય છે.સ્ત્રી પુરુષોમાં જાતિને લીધે થતી અસમાનતાઓ દર્શાવતા આ અહેવાલમાં ભારતનું સ્થાન 146 માંથી 129 ક્રમે આવ્યું જે 2 વર્ષ પહેલા 125 સ્થાન પર હતું.આ આંકડાઓ પરથી વિચારો જાણી શકાય છે.
હકીકતમાં બ્લુ અને પિન્ક પાછળ ઘણા વર્ષ પહેલા,એક સફળ માર્કેટિંગ પ્લાન હતો. જેથી કંપનીએ પોતાની પ્રોડક્ટ અલગ વિચારસરણીથી રજૂ થાય એના માટે ઈ. સ.1940 બાદ આ ટાઇપનો સિનેરીયો ઉભો કરવામાં તેમને સફળતા મળી હતી.
આ વિચારો ગ્લોબલ રીતે,દરેક ફિલ્ડમાં અને ફેશન જગતમાં બદલતાં જાય છે. અથવા એવુ કહી શકાય કે આ બાબતમાં આપણે હજુ કેટલું આગળ જવાનું બાકી છે. દુનિયામાં જેન્ડર ઇકવીટીનાં નામે ઘણું થઇ રહ્યું છે.ફેશન અને એક્સેસરીસ માટે ઘણી બધી કંપનીઓ હવે યુનિસેક્સ પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે જેથી દરેક લોકો એમણે ફ્લોન્ટ કરી શકે છે.
વિશ્વ વિખ્યાત ફેશન બ્રાન્ડ ઝરાએ પોતાનું સૌપ્રથમ યુનિસેક્સ કલેક્શન 'અનજેન્ડેર્ડ' 2016માં લોન્ચ કર્યું હતું. તેમાં કોઈ સ્પેશીફીક જેન્ડર માટે ના હોય, તે કપડાં દરેક માટે હતાં. જેને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. એટલું જ નહિ, આ બાબતે આગળ જતાં શૂઝ, અને સલોનમાં પણ યુનિસેક્સના કન્સેપ્ટ સ્વીકાર્ય બન્યા છે.સ્કેચર્સ, પુમા જેવી બ્રાન્ડ્સ આ ટાઈપના પ્રોડક્ટ પર વધુ ભાર મૂકી રહી છે જે પર્ટીક્યુલર મેલ કે ફિમેલ માટે ના હોય.
ભારતીય ડિઝાઇનર્સ પણ આ બાબતમાં ઘણી આગેકૂચ કરી છે. પરંતુ જેન્ડર ઇકવીટીના વિચારો માટે હજુ પણ આપણે ઘણા જ પાછળ છીએ, હજુ પણ મોટા ડિઝાઇનર્સના કલેક્શન રેમ્પ વૉક પૂરતાજ સીમિત રહ્યા છે, દર વર્ષે ફેશન માટે બદલતી થીમ,રેમ્પ પરથી શહેરની ગલીઓમાં આવતા દાયકાઓ લાગી જાય છે. જેન્ડર ઈક્વીટી,એ માત્ર સમાનતા નહીં, પણ વ્યકિતની ઓળખ અને અભિવ્યક્તિનુ સન્માન પણ છે.
- જીજ્ઞા જોગીયા








