શતરંગ / Gavaskar Vs Kohli: બંને સાચા અને બંને ખોટા!
- ફ્રી હિટ ગયા અઠવાડિયે ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને ભારતના મહાન ક્રિકેટર વિરાટ કોહલી વચ્ચે શાબ્દિક

- ફ્રી હિટ
ગયા અઠવાડિયે ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને ભારતના મહાન ક્રિકેટર વિરાટ કોહલી વચ્ચે શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું હતું. આ યુદ્ધની બંને તરફ જોઈએ તે પહેલાં આ ઘટના પાછળના કારણો કયા હતા તે જાણવાનો તેમજ સમજવાનો પ્રયાસ કરીએ.
બન્યું એવું કે IPL 2024ની એક મેચમાં વિરાટ કોહલીએ 116 રનની સ્ટ્રાઈક રેટથી મેચની શરૂઆત કરી હતી. અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે વિરાટ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે ઓપન કરે છે. આથી એક ઓપનર માટે આ સ્ટ્રાઈક રેટ યોગ્ય ન કહેવાય. જો કે સામી બાજુએ તેની ટીમના બેટરો પણ એક પછી એક આઉટ થવા લાગતાં તેની પાસે સ્ટ્રાઈક રેટ વધારવાની ખાસ તક મળી ન હતી.
તેમ છતાં, વિરાટ સરીખા બેટર પાસે કોઇપણ સંજોગોમાં આનાથી બહેતર સ્ટ્રાઈક રેટની આશા તો કોઇપણ ક્રિકેટ ફેન રાખી જ શકે છે. બસ આ જ આશા ક્રિકેટ ફેન ઉપરાંત કોમેન્ટ્રી કરતા સુનીલ ગાવસ્કરે પણ રાખી હતી. અને જ્યારે વિરાટ એ આશા પર પૂર્ણ ન ઠર્યો ત્યારે ગાવસ્કરે તેની ટીકા કરી. ગાવસ્કરનું કહેવું એજ હતું જે આપણે આગળ સમજ્યા કે ઓપનીંગ બેટર જો 15મી ઓવર પછી પણ 116ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરે છે તો પછી તેનો કોઈજ મતલબ નથી.
હવે સનીભાઈએ બેંગલુરુ ટીમની તે સમયે પરિસ્થિતિ શું હતી તેના પર ધ્યાન આપીને કે આપ્યા વગર આ કોમેન્ટ કરી હતી કે કેમ તેના વિશે તો ખબર નથી, પરંતુ વિરાટ કોહલીને આ ટીકા પસંદ ન પડી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં વિરાટે જબરદસ્ત સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી અને મેચ બાદ થતી પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો પક્ષ રાખ્યો.
હવે પોતાનો પક્ષ રાખતી વખતે કદાચ વિરાટ કોહલી એ ભૂલી ગયો કે તે કયા સ્તરના વ્યક્તિ વિશે ટીકા કરવા જઈ રહ્યો છે. વિરાટનું કહેવું એમ હતું કે જ્યારથી તે રમે છે ત્યારથી તેનું એક માત્ર લક્ષ્ય પોતાની ટીમનો વિજય થાય એ જ હોય છે અને સ્ટ્રાઈક રેટ વિશે થતાં ‘બહારના અવાજો’ પ્રત્યે તે પોતાનું ધ્યાન આપતો નથી.
હવે વારો હતો સુનીલ ગાવસ્કરનો. ગાવસ્કરે કોહલીના નિવેદનનો એવો અર્થ લીધો કે તેની સાચી ટીકાની પણ તેને પડી નથી અને પોતાના જેવા ક્રિકેટ રમી ચૂકેલા અનુભવી ક્રિકેટરોને વિરાટ પોતાની સામે કશું જ ગણતો નથી. આથી ગાવસ્કરે જવાબ આપતાં પોતાની સાથે ટીમમાં રહેલા તમામ કોમેન્ટેટર્સનો પક્ષ લઈને કહ્યું કે અમે લોકો જે જોઈએ છીએ એ જ કહીએ છીએ. અમારી કોઈ ખેલાડી પ્રત્યે વ્યક્તિગત દુશ્મની નથી. અને જો (વિરાટ) બહારના અવાજો પર ધ્યાન નથી આપતો તો પછી તેણે સ્ટ્રાઈક રેટ વિશે જવાબ આપતું નિવેદન કેમ આપ્યું?
હવે સમજીએ આ સમગ્ર વિષયની ગંભીરતાને. પહેલાં તો વિરાટ કોહલીનો પક્ષ જોઈએ. જે-તે મેચમાં જેમાં વિરાટની સ્ટ્રાઈક રેટ ઓછી હતી તે મેચમાં તેની ટીમના અન્ય ખેલાડીઓએ સારી બેટિંગ કરી ન હતી. આથી પહેલા ક્રમે બેટિંગ કરવા આવેલા વિરાટ પાસે છેક છેલ્લી ઓવર સુધી બેટિંગ કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવા સિવાય અન્ય કોઈજ રસ્તો ન હતો. આથી તેની ઓછી સ્ટ્રાઈક રેટ સમજી શકાય તેવી વાત છે.
તો સુનીલ ગાવસ્કર કદાચ વિરાટની મહાનતાને ધ્યાનમાં રાખીને અને તેના અદ્ભુત ટેલેન્ટને ધ્યાનમાં લઈને તેની પાસેથી એનાથી બહેતર પરફોર્મન્સની આશા રાખતા હોય એ શક્ય છે. આથી ઓછી સ્ટ્રાઈક રેટથી પોતાને થયેલી ન નિરાશા ગાવસ્કર છુપાવી ન શક્યા હોય અને તેની હતાશા તેઓએ પોતાની કોમેન્ટ્રીમાં વ્યક્ત કરી દીધી હોય એ પણ શક્ય છે.
વિરાટને સનીભાઈની આ વાત ખટકી ગઈ હોય તો તેને તેણે બીજી કોઈ રીતે વ્યક્ત કરી હોત તો સારું રહેત. એક મહાન ખેલાડીની ટીકાને ફક્ત ‘બહારના અવાજ’ તરીકે મૂલવીને તેણે ગાવસ્કરની મહાનતાને અન્યાય કર્યો છે. વિરાટ કોહલીની છાપ આમ પણ એક અહંકારી ક્રિકેટરની છે અને એવામાં તેણે આ પ્રકારની ટીપ્પણી કરી તેનાથી એ છાપ વધુ ઘેરી બની ગઈ છે.
તો બીજી તરફ સુનીલ ગાવસ્કર જે આટલું બધું ક્રિકેટ રમ્યા છે અને લગભગ 32 વર્ષથી કોમેન્ટ્રી કરે છે તેમણે એ સમજવું જોઈતું હતું કે ક્રિકેટરની સ્ટ્રાઈક રેટ મેચની પરિસ્થિતિ પર આધારિત હોય છે અને આથી તે કાયમ ફટકાબાજી કરે તે શક્ય નથી જ. બીજું, સનીભાઈ રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની જે IPL રમતા અન્ય મહાન ખેલાડીઓ છે તેમની અનુક્રમે સ્ટ્રાઈક રેટ કે મોડા બેટિંગમાં આવવાની નીતિની ટીકા કરવાથી દૂર રહ્યા છે જેની નોંધ પણ તમામ લોકો લઇ રહ્યા છે.
આ સમગ્ર વિવાદનું વિશેષણ કરીને કોઈ નિર્ણય પર પહોંચવું હોય તો એમ કહી શકાય કે આ બંને મહાન ખેલાડીઓએ આ પ્રકારની ટીપ્પણીઓથી દૂર રહેવાની જરૂર હતી. સનીભાઈએ એ મેચ બાદ બીજી બે-ત્રણ મેચોમાં વિરાટ કઈ સ્ટ્રાઈક રેટ પર રમે છે તે જોઇને પોતાનું મંતવ્ય નક્કી કરવાની જરૂર હતી.
તો સામા છેડે વિરાટ કોહલીએ પણ કોઈ વડીલ અને જેણે ભારતને ટેસ્ટ ક્રિકેટની ઉંચાઈઓ પર લઇ જવામાં મહાન ફાળો આપ્યો છે એવા ક્રિકેટરની ટીકાને પોતે આશિર્વાદ રૂપે જુએ છે એમ કહીને વાત વાળી લીધી હોત તો તેનું સન્માન ક્રિકેટની દુનિયામાં છે તેનાથી પણ વધુ ઉંચાઈ પર પહોંચી જાત.
- સિદ્ધાર્થ છાયા








