શતરંગ / કટ્ટરવાદી બાપ ઔરંગઝેબની ઉદાર છોકરી: ઝૈબુન્નિસા
- ચલ કહીં દૂર... ભારતીય ઇતિહાસમાં સૌથી કટ્ટરવાદી અને ક્રૂર શાસક તરીકે સૌથી પહેલું કોઈ

- ચલ કહીં દૂર...
ભારતીય ઇતિહાસમાં સૌથી કટ્ટરવાદી અને ક્રૂર શાસક તરીકે સૌથી પહેલું કોઈ નામ લેવામાં આવતું હોય તો એકમાત્ર નામ ઔરંગઝેબ છે. ભારતીય ઇતિહાસમાં સૌથી વિવાદાસ્પદ પાત્ર ઔરંગઝેબ છે જેણે ઉત્તર ભારતમાં અસંખ્ય હિન્દુ ધાર્મિક સ્થળોનું નુકશાન કર્યું છે.
સરેરાશ મુઘલ સામ્રાજ્યમાં મહીલાઓને ખાસ પ્રસિદ્ધિ મળી ન હતી, પણ ઔરંગઝેબ કરતાં સાવ વિરોધી માનસ ધરાવતી એક રાજકુમારી મુઘલ વંશમાં પેદા થઈ. ઔરંગઝેબના સંતાનોમાં સૌથી મોટી પુત્રી ઝૈબ ઉન નિસા હતી જે ઔરંગઝેબ કરતાં બિલકુલ વિરોધાભાસી હતી. જેને કોઈ ના પહોંચે એને પેટ પહોંચે, એવી વાયકા છે.
ઝૈબુન્નિસાએ બાપની કટ્ટરતાને ચેલેન્જ આપી અને દુનિયામાં પ્રેમ અને લાગણી સાથે પ્રકૃતિની ચાહકનો સંદેશો ફેલાવ્યો. ભારતમાં સુફીવાદને મહત્વ આપ્યું. જિંદગીને ગઝલ, સાહિત્ય સંવર્ધન અને સંગીતમાં સમર્પિત કરી. ઝૈબ ઉન નીશાની જન્મતિથિ 15 ફેબ્રુઆરી,1638 અને ચોસઠ વર્ષનું આયુષ્ય ભોગવીને 25 મે 1702ના રોજ મૃત્યુ પામી હતી. ઔરંગઝેબની પ્રથમ પત્ની અને ઇરાનના શાસક વંશની દિલરાસ બાનુની પુત્રી ઝૈબ ઉન નીશા ઔરંગઝેબની અત્યંત પ્રિય હતી. ઝૈબ ઉન નીશાનો અર્થ સ્ત્રીનું ઘરેણું થાય. ક્રૂર બાપ સામે ઝૈબુન્નિસા ભારતીય સાહિત્ય અને કલાજગતનું શ્રેષ્ઠ ઘરેણું હતું.
ઝૈબુન્નિસાના અભ્યાસ માટે અલગ અલગ વિષયો માટે તજજ્ઞ શિક્ષકો રાખવામાં આવ્યા હતાં. ફારસી ભાષા શીખવવા માટે મીયાબાઇ નામના શિક્ષક હતાં, જેમણે ચાર વર્ષ ફારસી શીખવી હતી. ફિલોસોફી, ખગોળ, ગણિત, ઇતિહાસ, સંગીત, ધર્મ સાથે સાહિત્યનો ઉંડો અભ્યાસ કર્યો હતો. સારા અક્ષરોમાં લખવું એટલે કે કેલીગ્રાફી પર ખાસ અભ્યાસ અને આવડત મેળવી હતી. ઝૈબુન્નિસાએ જીવનપર્યંત દુર્લભ અને કિમતી પુસ્તકોને ખાસ કાશ્મીરી પેપર પર લખાવતી હતી અને રોજેરોજ બનેલી નકલો જાતે જ ચેક કરતી.
અત્યંત સ્વરૂપવાન એવી ઝૈબ ઉન નીશા ઉંચી અને પતલી હતી, સુંદર અવાજની માલિક ઝૈબનું પોટ્રેટ લાહોર મ્યુઝિયમમાં છે. ઉંમરના એક પડાવ પછી સાદા સફેદ કપડામાં ગળામાં આકર્ષક પર્લનો નેકલેશ પહેરતી ઝૈબને અકીલખાન નામના સરદાર સાથે પ્રેમ થયો હતો. અકીલખાનને મારી નાખવામાં આવ્યો. હતો, તો ઝૈબુન્નિસાનું દારા શિકોહના પુત્ર સુલેમાન શિકોહ સાથે લગ્ન થવાનું હતું પણ સત્તાની લડાઈમાં સુલેમાનને ઝેર આપવામાં આવ્યું હતું. મિર્ઝા ફારુખ પણ એક દાવેદાર હતાં, તે ઝૈબુન્નિસાને ઉદ્ધત લાગતા સંબંધ પર પૂર્ણવિરામ આવ્યું હતું.
ઔરંગઝેબ સાથે મતભેદ માટે ઝૈબુન્નિસાને છત્રપતિ શિવાજી માટે સહાનુભૂતિ હતી. જો કે ઝૈબુન્નિસાની માનવતાવાદી વલણોને કારણે તેના માટે અનેક વાતો થતી અને એ જમાનાના મિડિયામાં ચર્ચામાં રહેતી. મૂળ તુર્કી સ્ટાઇલને ભારતીય ફેશનમાં આજીવન નોટ આઉટ કહેવાય એવી અંગિયા કુર્તીને આધુનિક કરવાનું કામ પણ ઔરંગઝેબની પુત્રીએ કર્યું હતું.
શાહજહાંના ઓરિજિનલ વારસદાર શિકોહના સુફી ખયાલોથી અત્યંત પ્રભાવિત ઝૈબ ઉન નીશા સ્વભાવે બળવાખોર. બાય ધ વે, શાહજહાંના ચાર પુત્રો દારા શુકોહ, મુરાદ, શુજા અને ઔરંગઝેબ. ચારે વચ્ચે વારસદાર માટે લડાઈ હતી… આ વિવાદો અને ભાઇઓ વચ્ચેના યુદ્ધોએ ઝૈબ ઉન નીશાને જીવનમાં નવી દિશા આપી, આધ્યાત્મિક અને સુફીવાદ તરફની હતી.
મરાઠાઓ સાથે સતત લડાઇઓથી થાકેલા ઔરંગઝેબના પુત્ર અકબરે બાપ સામે બળવો કર્યો ત્યારે ઝૈબ ઉન નીશાએ ભાઇને સપોર્ટ કર્યો હતો. નારાજ ઔરંગઝેબે મૃત્યુ સુધી સલીમગઢના કિલ્લામાં એટલે કે વીસ વર્ષ સુધી કેદમાં રાખવામાં આવી હતી. તેની તમામ મિલકતો પણ જપ્ત કરવામાં આવી હતી. જેલમાં જ તેણે સુફીવાદનો સ્વીકાર કર્યો અને અસંખ્ય ગઝલો લખી. વર્ષ 1702માં નિધન પામી ત્યારે તેને દિલ્હીમાં દફનાવવામાં આવી હતી, બ્રિટીશ રુલમાં રેલ્વે ટ્રેક ત્યાંથી પસાર થતી હોવાથી કબરના અવશેષો આગ્રા લાવવામાં આવ્યા હતા.
ઔરંગઝેબ ઝૈબુન્નિસાને વર્ષે ચાર લાખ રુપિયા સાલિયાણું આપતો. આ સાલિયાણાના મોટાભાગના પૈસા કલાકારો અને સાહિત્યકારો માટે ખર્ચતી હતી.
પ્રેમ કહો કે ઇશ્ક એ ઝૈબુન્નિસાનો ગમતો વિષય હતો. તે લખતી કે પ્રેમના માર્ગમાં એકલા જ યાત્રા કરવી પડે. તમારી દોસ્તી કોઇને ના પણ ગમે અને કદાચ પસંદ પડે તો ઉપરવાળો સાથ ના આપે એવા સંજોગો થાય. ઝૈબ ઉન નીશા તેની કવિતાઓ અને ગઝલો માટે હતી. આજીવન કુંવારી રહેલી ઝૈબ ઉન નીશા બાપની નારાજગી વેઠવી ન પડે એ માટે મખફી મિન્સ ખોવાયેલું વનના નામથી લખતી એવું માનવામાં આવે છે પણ ઔરંગઝેબને ખબર ન પડે એ અશક્ય છે.
ઔરંગઝેબ સાથે ઘણી બાબતોમાં અસહમત રહેતી. ઔરંગઝેબ જીવનના અંતિમ સમયે કહ્યું હતું કે પુત્રો કરતાં પુત્રી મહાન છે. ઝૈબુન્નિસા બાળપણથી તેજસ્વી હતી. તેને સાત વર્ષની કુરાનની આયાતો મોઢે હતી. બાળપણથી ઝૈબુન્નિસા શબ્દ પર પ્રભુત્વ હોવાથી ગીતો અને ગઝલોની સુંદર રજૂઆત કરી શક્તી. ઘણી વાર ગીત ગઝલના શબ્દને સુંદર ભાવ સાથે અભિવ્યક્ત કરતી કે સાંભળનાર રડી પડે. ભાષા અને સાહિત્ય બાબતે તે ભારોભાર સંવેદનશીલ હતી. એકવાર ઔરંગઝેબ માટે વ્યંગ કરતાં લખ્યું હતું કે, હે કોકિલા, તમે શ્વાસ લેવાનું થોડીવાર બંધ કરો, રાજાઓનો નાજુક સ્વભાવ કવિતાઓ સહન કરી શક્શે નહીં.
ઝૈબુન્નિસાએ પ્રેમની ઉત્કટતા પર લખ્યું છે કે હે મખફી, તને પ્રિયતમ સાથે મળવાની ઇચ્છા હોય તો વિરહની વેદના શીખ, સંસારમાં એક પણ ફૂલ કાંટા વિના શક્ય હોતું નથી.
પ્રેમ પર ઝૈબુન્નિસાએ લખ્યું કે, મારા હોઠ મારી મીઠાશને કારણે છૂટા પડી શક્તા નથી. આ વાતનો જવાબ લખવા તે સમયના કવિઓને કહ્યું. નાસિર અલી નામના કવિએ હિંમત કરીને લખ્યું કે જાણે મારા હોઠ ઝૈબુન્નિસાના હોઠ સુધી પહોંચ્યા, પછી હોઠ કેવી રીતે ખૂલે? જવાબથી જાહેરમાં નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે નાસીર, તને બેધારી તલવારથી કેવી રીતે મારું?
શબ્દોની રમતમાં અને સાહિત્યમાં ઉત્કૃષ્ટ ઝૈબુન્નિસાને ઇરાનના શાહજાદા તરફથી ચેલેન્જ મળી હતી કે, એવો મોતી જોવો છે જેમાં કાળા રેસાઓ હોય… ઔરંગઝેબના એકપણ દરબારી કવિઓ આ પ્રશ્નનો જવાબ આપી શક્યા નહીં. આ વાત ઝૈબુન્નિસા પાસે મોકલવામાં આવી. એને પણ આખી રાત વિચારવા છતાં જવાબ જડ્યો નહીં અને સવારે રડી પડી. પોતાને અરીસામાં રડતા જોઇ અને જવાબ મળ્યો… "મગર અશ્કે બુતાને સુર્મા આલૂદ" અર્થાત સુરમા લગાડેલા આંખોના આંસુઓ એ કાળાશ ધરાવતા મોતીઓ હોય છે.
આ જવાબ વાંચીને ઇરાનના શહજાદે ફર્રાખ એક તરફી પ્રેમમાં પડી ગયા અને લગ્ન માટે જીદ કરી અને ઝૈબુન્નિસાને લખ્યું કે મારે તમને બેપર્દા જોવા છે…
ઝૈબુન્નિસાએ જવાબ લખ્યો કે, મને જોવાની ઇચ્છા રાખવા કરતાં મારી કવિતા અને મારી કલાને જુઓ, મારું સૌંદર્ય મારી કળામાં છુપાયેલું છે.
અભિનેતા પ્રાણ પહેલી વાર અભિનયમાં સીતાજીનો રોલ કર્યો હતો.
- દેવલ શાસ્ત્રી








