મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / છેતરપિંડી અને ન્યાય ક્યારેય એકસાથે ના હોઇ શકે

- લીગલ પંડિત ફ્રોડ કે છેતરપિંડી કરીને મેળવાયેલો હુકમ કાયદાની નજરમાં શૂન્ય છે, છેતરપિંડી અને ન્યાય ક્યારેય એકસા

શતરંગ / છેતરપિંડી અને ન્યાય ક્યારેય એકસાથે ના હોઇ શકે

- લીગલ પંડિત 

ફ્રોડ કે છેતરપિંડી કરીને મેળવાયેલો હુકમ કાયદાની નજરમાં શૂન્ય છે, છેતરપિંડી અને ન્યાય ક્યારેય એકસાથે ના હોઇ શકે.

કાયદા અને નૈતિકતાના ક્ષેત્રમાં, છેતરપિંડી અને ન્યાય વચ્ચેની એક કાયમી ચર્ચા રહી છે. વિશ્વભરની અદાલતોએ લાંબા સમયથી કહ્યું છે કે છેતરપિંડી અથવા છેતરપિંડી દ્વારા મેળવેલ હુકમ રદબાતલ છે,

છેતરપિંડી અને ન્યાય ક્યારેય એકસાથે ના હોઇ શકે. ('fraus et jusnunquam cohabitant') (fraud and justice never dwell together) 

આ એક મૂળભૂત સિદ્ધાંત છે: કાનૂની કાર્યવાહીમાં સત્ય અને ન્યાયીપણાની પવિત્રતા મહત્વની છે પરંતુ છેતરપિંડી આ સિદ્ધાંતને નબળી પાડે છે, ન્યાયિક પ્રણાલીની અખંડિતતાને તોડી નાખે છે અને લોકોનો વિશ્વાસ ઘટાડે છે. ખોટી રજૂઆત, હકીકતો છુપાવવી અથવા ન્યાયનાં મૂળમાં જો છેતરપીંડી થાય તો તે અન્યાય થવા બરાબર છે.

વિશ્વભરના કાનૂની દાખલાઓ આ ધારણાને રેખાંકિત કરે છે, કપટપૂર્ણ વર્તનનો સામનો કરવા અને ન્યાયના હિતોનું રક્ષણ કરવા માટે એક મજબૂત માળખું સ્થાપિત કરે છે. કરારના કાયદાથી લઈને ફોજદારી કાર્યવાહી સુધી, અદાલતોએ છેતરપિંડીથી કલંકિત વ્યવહારોને સતત અમાન્ય કર્યા છે, આ સિદ્ધાંતની પુનઃપુષ્ટિ વારંવાર કરતી આવી છે.

કાનૂની કાર્યવાહીની પવિત્રતા જાળવવાના મહત્વ પર સતત ભાર મૂક્યો છે. કપટપૂર્ણ હુકમ માત્ર ન્યાયિક પ્રણાલીની અખંડિતતાને જ નબળી નથી પાડતી પરંતુ ન્યાયના વહીવટમાં લોકોનો વિશ્વાસ પણ ઘટાડે છે.

તો જોઈએ આવા જ સીમા ચિહ્ન રૂપી ચુકાદા:

SUPREME COURT OF INDIA (D.B.)

A V PAPAYYA SASTRY

Versus

GOVERNMENT OF A P AND ORS 

Date of Decision: 07 March 2007

Hon'ble Judges: C K Thakker, Lokeshwar Singh Panta
Case No: 5097-5099 of 2004

જો કોઈ ચુકાદો અથવા હુકમ છેતરપિંડી દ્વારા મેળવવામાં આવે છે, તો તે કાયદામાં ચુકાદો અથવા હુકમ હોવાનું કહી શકાય નહીં - ચુકાદો, હુકમનામું અથવા હુકમ મેળવવા કોર્ટ, ટ્રિબ્યુનલ અથવા ઓથોરિટી સમક્ષ છેતરપિંડી કરાવી એ કાયદાની નજરમાં નબળાઇ
છે. આવા ચુકાદા, હુકમનામું અથવા હુકમ, પ્રથમ અદાલત દ્વારા અથવા અંતિમ અદાલત દ્વારા, દરેક અદાલત દ્વારા, શ્રેષ્ઠ અથવા હલકી ગુણવત્તાવાળા હુકમ તરીકેપ્રસ્થાપિત થાય છે. તેને કોઈપણ અદાલતમાં, કોઈપણ સમયે અપીલ, પુનરાવર્તન, રિટ કાયદાકીય કાર્યવાહીમાં પણ પડકારવામાં આવી શકે છે.

ઉપરોક્ત ચુકાદાનાં આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટે વર્ષ ૨૦૨૩ માં નીચેનો ચુકાદો આપેલ છે.

HIGH COURT OF GUJARAT (D.B.)
CHANDRASINH KHUMANSINH BAKROLA

Versus

IBRAHIM SULEMAN NAROT SINCE DECD THROUGH

 HEIRS

Date of Decision: 02 August 2023

Hon'ble Judges: Sunita Agarwal, N V Anjaria
Case No: 865 of 2023; 23711 of 2006; 1 of 2022

ગુજરાત હાઇકોર્ટે એક દૂરગામી અસરો પેદા કરનારા સીમાચિન્હ ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, જો કોઈ ઓર્ડર કે હુકમ ફ્રોડ કે છેતરપિંડી કરીને કોઈ કોર્ટ, ટ્રિબ્યુનલ કે ઓથોરીટી (સત્તામંડળ) માંથી મેળવાયો હોય તો તે કાયદાની નજરમાં શૂન્ય (રદબાતલ) છે અને ટકતો નથી અને આવો ફ્રોડથી મેળવાયેલો હુકમ કે આદેશ ગમે ત્યારે ગમે તે કોર્ટમાં અપીલ, રિવીઝન, રિટ કે કોઈપણ આનુષંગિક કાર્યવાહી મારફતે પડકારી શકાય છે.

છેતરપિંડી અને ન્યાય ક્યારેય એકસાથે ના હોઇ શકે. અપ્રમાણિક અને છેતરપિંડી કરનાર લીટીગન્ટ દ્વારા ફ્રોડ કરી મેળવાયેલા હુકમના એક કેસમાં સીંગલ જજના હુકમને પડકારતી લેટર્સ પેટન્ટ અપીલ ફગાવતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ નિલય અંજારિયાની ખંડપીઠે આ ચૂકાદો આપ્યો હતો.

ખેડૂત નહીં હોવા છતાં જમીન પચાવી પાડવા ગણોતિયા હોવાના કાગળો ઉભા કરી દાવો કર્યો

અજરદાર ચંદ્રસિંહ ખુમાનસિંહ બાકરોલા દ્વારા કરાયેલી અપીલનો વિરોધ કરતાં પ્રતિવાદીઓ ઈબ્રાહીમ સુલેમાન નરોતનાં વારસો તરફથી મહત્વની રજૂઆત કરવામાં આવી હતી કે, વર્ષો પહેલાં હાલના અરજદાર ચંદ્રસિંહ બાકરોલાએ સુરતના ચોર્યાસી તાલુકાના કોસાદ ગામ ખાતેની સંબધિત જમીનમાં તે એકલો જ ગણોતિયો છે તેમ કહી જમીન ખરીદી લીધી હતી તે વાસ્તવમાં, પ્રતિવાદીઓ પણ વેચનારની સાથે તેમાં સરખેભાગે હિસ્સેદાર હતા. કારણ કે, ખુદ સુરત સિવિલ કોર્ટે ૧૯૮૮ માં તેના હુકમનામામાં પ્રતિવાદીઓને જમીનમાં હિસ્સેદાર ઠરાવ્યા હતા તેથી આ જમીન વેચાણમાં તેમની પણ સંમતી જોઈએ પરંતુ પ્રતિવાદીઓની સંમતિ લીધા વિના કે પક્ષકાર તરીકે જોડયા વિના કૃષિપંચ (મામલતદાર) એ આ અંગેનો હુકમ કરી નાંખ્યો જેની સામે પ્રતિવાદીઓએ નાયબ કલેકટરમાં અપીલ કરી હતી. જેની સામે પ્રતિવાદીઓએ સાચી હકીકત પરત્વે નાયબ કલેકટરનું ધ્યાન દોર્યું હતું કે, હાલના અરજદારો ખેડૂત જ નથી અને તેથી તેમને ટેનેન્સી એકટની જોગવાઈ લાગુ પડી શકે નહિ અને તેમને ગણોતિયા તરીકે જાહેર કરી શકાય નહી. આ જમીન પચાવી પાડવાના ઈરાદાથી સાચી હકીકતો છુપાવી આ કાર્યવાહી કરાયેલી છે. નાયબ કલેકટરને પ્રતિવાદીઓના મુદ્દામાં તથ્ય જણાતાં તેમણે તા. ૩૦-૧૧-૧૯૯૦ ના રોજ મામલદારનો અગાઉનો હુકમ રદબાતલ ઠરાવ્યો હતો. જેની સામે હાલના અરજદાર મહેસૂલ પંચમાં ગયા હતા. જ્યાં મહેસૂલ પંચે નાયબ કલેકટરનો હુકમ ફેરવી નાંખ્યો હતો અને મામલતદારનો હુકમ પુન:સ્થાપિત કર્યો હતો. જેથી પ્રતિવાદીએ મહેસૂલ પંચના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં સીંગલ જજે તા. ૦૩/૦૮/૨૦૨૧ ના હુકમથી ઈબ્રાહીમ સુલેમાન નરોત તથા અન્યોની રિટ અરજી મંજૂર કરી હતી અને મહેસૂલ પંચના હુકમને રદબાતલ ઠરાવી નાયબ કલેકટરનો હુકમ બહાલ કરી દીધો હતો. સાથે સાથે ઠરાવ્યું હતું કે ચંદ્રસિંહ બાકરોલા તથા અન્યો દ્વારા જમીન સંપાદનમાં જમીનનું જે વળતર મેળવી લેવાયું છે, તેમાં ઈબ્રાહીમ સુલેમાન નરોત તથા અન્યોનો પણ હિસ્સો છે. આમ, સીંગલ જજનો પ્રતિવાદીઓની તરફેણમાં કરાયેલો હુકમ યોગ્ય, કાયદેસર અને ન્યાયિક હોઇ તેમાં ખંડપીઠની દરમ્યાનગીરી ન્યાયોચિત નહી લેખાય, આ દલીલો ગ્રાહ્ય રાખી ખંડપીઠે અપીલ ફગાવી હતી. 

જુઠ્ઠાણાં પર જેનો કેસ આધારિત હોય તેઓને કોર્ટમાં આવવાનો અધિકાર નથી: હાઇકોર્ટ

ચીફ જસ્ટિસ સુશ્રી સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ નિલય અંજરીયાની ખંડપીઠે કોર્ટો, ફોરમ કે સત્તામંડળોને ગેરમાર્ગે દોરી ખોટી રીતે હુકમો મેળવવાની પ્રયુક્તિને લઈ ગંભીર આલોચના કરતાં પોતાના ચુકાદામાં ઠરાવ્યું હતું કે કોર્ટ ઓફ લો-એટલે કે કાયદાની અદાલત નો અર્થ એવો થાય છે કે પક્ષકારો વચ્ચે કોઈપણ પ્રકારના પક્ષપાત વિનાનો ન્યાય કરવો. કોઈ પણ વ્યક્તિ કોર્ટમાં આવે તો તેણે ચોખ્ખા હાથે (સ્વચ્છ, નૈતિકતા) સાથે આવવું જોઈએ. મિલ્કત પચાવી પાડનાર, ટેક્સ ચોરી કરનાર, બેંક લોન ભરપાઈ નહિ કરનાર અને અન્ય તમામ ક્ષેત્રોની અનૈતિક વ્યક્તિઓ કોર્ટ પ્રક્રિયાને તેમની ગેરકાયદેસરતા જાળવી રાખવા માટે અનુકૂળતા પ્રમાણે લઈ શકે નહિ. જુઠ્ઠાણાં પર જેનો કેસ આધારિત હોય તેવી વ્યક્તિઓને કોર્ટમાં આવવાનો કોઈ અધિકાર નથી. કોર્ટ કાર્યવાહીનાં કોઈપણ તબક્કે તેને ફેકી દેવાય છે. હાલના અજરદાર ફ્રોડ કરીને ગણોતીયાનો અધિકાર મેળવવામાં સફળ થઈ ગયા હતા જે તે વખતે હુકમ કરતી વખતે મામલતદાર દ્વારા જમીન માલિકના હક્ક કે અધિકાર સંદર્ભે કોઈ જ તપાસ કરાઇ ન હતી. સુપ્રીમકોર્ટના સંબધિત ચુકાદાઓ ધ્યાને લેતાં પણ જો કોઈ હુકમ ખોટી રીતે ફ્રોડ કરીને મેળવાયો હોય તો તેમાં સમયમર્યાદાનો બાધ નડતો નથી તે ગમ્મે ત્યારે ગમ્મે તે ફોરમ-કોર્ટ-ઓથોરીટીમાં પડકારી શકાય છે અને તે રદબાતલ થઈ શકે તેવી પ્રતિવાદીઓની રજૂઆત ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ઠરાવ્યુ હતું કે, ડીલેના ટેકનીકલ ગ્રાઉન્ડ પર ખોટી રીતે હુકમ મેળવાયેલો હોય તેમાં અદાલતની દરમ્યાનગીરી ન્યાયોચિત નહિ કહેવાય હાઈકોર્ટે સિંગલ જજના હૂકમમાં કોઈપણ પ્રકારની દરમ્યાનગીરી કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને અરજદારની અપીલ મેરીટ વિનાની ગણાવી ફગાવી દીધી હતી.   

સમાપન:

છેતરપિંડી અને ન્યાય ક્યારેય સહઅસ્તિત્વમાં ન હોઈ શકે તે સ્વયંસિદ્ધ અને એક અપરિવર્તનશીલ સત્ય છે. છેતરપિંડી સામેની લડાઈ પૂરી થઈ નથી. જેમ જેમ નવી તકનીકો અને વિકસિત સામાજિક ધોરણો છેતરપિંડીના લેન્ડસ્કેપને ફરીથી આકાર આપે છે, ન્યાયની અખંડિતતાને જાળવવાનો પડકાર વધુ જટિલ બને છે. ન્યાયતંત્રએ હંમેશા આ ખતરાનો સામનો કરવા માટે કાયદા ઘડનારાઓ, ન્યાયશાસ્ત્રીઓ અને નાગરિકો પર એકસરખું જાગ્રત રહેવું પડે છે, જેથી ન્યાયની દીવાદાંડી છેતરપિંડીના પડછાયાથી ઓલવાઈ ના જાય.

- ભિષ્મક પંડિત (એડવોકેટ)

આ સમાચાર શેર કરો