મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

વિસ્મૃત વતન અને બાની અવિચળ આભા: સ્મૃતિના ઊબડખાબડ રસ્તે સરી આવતું બાળપણનું ઘર

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન' - એ સમયે

વિસ્મૃત વતન અને બાની અવિચળ આભા: સ્મૃતિના ઊબડખાબડ રસ્તે સરી આવતું બાળપણનું ઘર
આ સમાચાર સાંભળો

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- એ સમયે માણસો માણસો વચ્ચે દિવાલો હશે પણ આટલી મજબૂત નહોતી. એ દિવાલો કાચી હતી

વિસ્મૃત ઘર

કદીક વેળા - કવેળા દેખાઈ પડે,

ક્યાંય દૂર દૂર રહી ગયેલું ઘર

- વતનઘર

દેશી નળિયાંથી છાયેલું ઘર

જાણે મેલખાઉ પછેડીમાં સાવ વીંટાવી લીધું હોય

આકાશેથી ફડફડતી ધુમ્મસની ચાદર

ઘડીક એન દેખાડે, ઘડીક સંતાડે

હેઠળથી કદીક નજરે પડે દાદાનો ચહેરો

ક્યારેક પિતાનો ચહેરો લાગે એ

મા તો જાણે આખ્ખાય ઘરમાં વ્યાપેલો સાક્ષાત ભેજ

ઘરને ઘેરી લેતી એના સાડલાની સોડમ

હજીય અખંડ છે સાંભરણમાં

કદીક ઉકેલાય ઘર

પીળાં પાનાં પર લખાયેલા કોઈ પુરાણા દસ્તાવેજની

માંડ માંડ વંચાતી સહી જેમ

સ્મૃતિના ઊબડખાબડ રસ્તે કદીક સરી આવે

વણઊકલ્યા કંકાસના કર્કશ સ્વરો,

કાચી ભીંતો અને લીંપેલા ફળિયાવાળું એ ઘર

જાણે ચક્કર-ચક્કર ફરતું ફરતું વહી આવે

આકાશે વહેતા પવનપથે ચઢીને

અને

કીકીની વચ્ચોવચ પેસી જાય અલોપ શરીરનાં રહસ્યોમાં.

- રમણીક અગ્રાવત

બાળપણનું ઘર, વતનનું ઘર કેમેય ભૂલાતા નથી હોતા. અને એ છે કે એ ઘર એટલું સ્પષ્ટ યાદ પણ નથી હોતું. કવિ રમણીક અગ્રાવતના બે કાવ્યો આજે આપણે જોવાના છીએ. એકમાં વતનનું ભૂસાઈ ગયેલું ઘર છે અને બીજામાં ઘર અને ઘરમાં ભૂસાઈ ગયેલી બા છે. મોટાભાગે ગીત, અછાંદસ કે કાવ્યના અન્ય સ્વરૂપોમાં ઘર એટલે પોતાનું જ ઘર, બાપદાદાનું વતનનું ઘર એ જ જોવા મળે છે. જ્યારે ગઝલમાં એ પ્રિયતમાનું ઘર હોઇ શકે મોટાભાગે પ્રિયતમાનું જ ઘર વિશેષ આલેખાયેલું જોવા મળે. ગઝલ અને અન્ય કાવ્ય સ્વરૂપોનો વિષય વૈવિધ્ય અને વિષયની સીમા ક્યારેક આમ મનમાં રમી જાય છે. મરીઝનો શેર છે :

ત્યાંથી ફક્ત પસાર થવાનું રહી ગયું,

એ ઘર ગયું, એ રાહ ગઈ, એ ગલી ગઈ.

કોઈ કવિ પ્રિયતમાના ઘર પાસેથી પસાર થયા હોય અને એ ઘર કે એ ગલી કવિતાનો વિષય બન્યા હોય એવું ઓછું બને. આ ક્ષણે આ બધું સહજ યાદ આવી રહ્યું છે. રમણીક અગ્રાવત ઓછું લખે છે પણ આછું નથી લખતા.

મનમાંથી, હૃદયમાંથી વતનનું ઘર આમ તો ભૂલાઇ ગયેલું છે પણ કોઈ પ્રિય સ્વજનની જેમ વેળા કવેળાએ યાદ આવી જાય છે. જીવનમાં યાદ પણ બે પ્રકારની હોય છે. એક તો કોઇને નિયમિત આપણે યાદ કરતા હોઈએ અને એક ગમે ત્યારે, અચાનક, સમય-સ્થળ જોયા વિના કોઈ યાદ સીધી સોંસરી આવીને તમને હચમચાવી જાય. સમય જોયા વગર યાદ આવી જતું ઘર વિલાયતી નહીં દેશી નળિયાથી છવાયેલું છે. વિલાયતી નળિયા લાલચટ્ટક હોય જ્યારે દેશી નળિયા મેલખાઉ ચાદર જેવા લાગતા હોય છે. આજના સંદર્ભમાં તો મેલખાઉ શબ્દ પણ ઘણાંને ખબર નહીં હોય. અમુક રંગ મેલખાઉ હોય છે. જાંબુડી, ચોકલેટ, કાળો, કથ્થાઇ વગેરે ઘાટ્ટા રંગ, ડાર્ક રંગ મેલખાઉ હોય છે. તેમાં ડાઘા પડે તો ય ઢંકાઈ જતા હોય છે.

આકાશમાંથી વરસતા ધુમ્મસ જેવા સમયની વચ્ચે એ ઘર ઘડીક દેખાય છે અને ઘડીક સંતાઇ જાય છે. કદીક દાદાનો ચ્હેરો દેખાય છે કદીક એ ઘરમાં પિતાનો ચહેરો દેખાય છે અને માતા તો જાણે આખ્ખાય ઘરમાં રસોડાનો ભેજ, આંખનો ભેજ, લાગણીનો ભેજ લઇને જાણે વસી ગઈ છે. એના સાડલાની સોડમથી આખું ઘર ઘેરાયેલું છે. અખંડ સૌભાગ્યવતી માતાની યાદો પણ અખંડ સચવાયેલી છે. ક્યારેક આપણને આપણું વતન બાપ- દાદાના સમયના જૂના દસ્તાવેજો જેવું દેખાય છે. કાગળ જર્જરીત થઇ ગયો હોય, અક્ષરોમાં સહી માંડ-માંડ ઉકલતી હોય બસ એમ જ બાળપણનું ઘર યાદ આવી જતું હોય છે.

હંમેશા યાદો બધી સુંદર જ હોય એવું નથી હોતું. ઘણાં અણગમતા પ્રસંગો અને અવસરોની યાદો પણ હૃદયના તળિયા તોડીને બ્હાર આવતી હોય છે. ઉબડખાબડ રસ્તા ઉપર ગાડું પસાર થાય કે મોટર સાંભળવો ના ગમે તેવો અવાજ પેદા થતો જ હોય છે. બસ એ જ રીતે યાદોમાં જે ઘરમાં જોયેલા, સાંભળેલા અને ઉકેલ આવ્યા વગરના રહી ગયેલા કંકાસ ઝગડાના સ્વરો પણ સંભળાય છે. એ સમયે માણસો માણસો વચ્ચે દિવાલો હશે પણ આટલી મજબૂત નહોતી. એ દિવાલો કાચી હતી. છાણથી લીંપેલું એ ઘર, યાદોના ચક્રાવે ચઢેલું ઘર કોઇ વંટોળની જેમ આકાશમાં ચઢીને કવિની આંખો સુધી પહોંચી જાય છે અને આંખોમાંથી કીકીમાં પેસીને જાણે પોતાના શરીરમાં ઓગળી જાય છે.

બાળપણના સ્મરણઓલોહીમાં લોહી બનીને ઓગળી ગયા હોય છે. કોઈ પોતાના ભૂતકાળથી મુક્ત થઈ જ નથી શકતું. ઘર કાચું હોય કે પાકું હોય, મ્હેલ જેવું હોય કે ઝૂંપડી જેવું હોય ઘર ક્યારેય પીછો છોડતું હોતું જ નથી. સમગ્ર પૃથ્વી ઉપર ફર્યા પછી છેલ્લે ઘર જ યાદ આવતું હોય છે. એટલે તો પૃથ્વીનો છેડો ઘર એમ કહ્યું છે.

બા, બાપુજી અને ઘર આ ત્રણ પ્રત્યેકના જીવનમાં અભિન્ન રીતે જોડાયેલા શબ્દો છે. શબ્દો નહીં જીવનના હિસ્સા છે. રમણીકભાઈનું બીજું કાવ્ય 'બા' જોઈએ. આ કાવ્યમાં પણ બા અને ઘર તો છે જ. પણ પેલું વિસરાઇ ગયેલું ઘર નથી. બા જેટલું જ સ્મરણોમાં સચવાયેલું ઘર છે. સ્મરણ અને વિસ્મરણ વચ્ચે કવિ ઊભા છે. બેઉ બાજુ એક જ ઘર છે. બેઉ બાજુ એક જ બા છે પણ વિસરાયેલા ઘરનો રંગ મેલખાઉ હતો જ્યારે સ્મરણોમાં સચવાયેલા ઘરનો રંગ લાલ ચળકતો છે. બા જીંદગીમાં બહુ ઓછું હસ્યા છે પરંતુ તેમના નિર્મળ ચ્હેરા ઉપર સ્મિતને લીધે જે તેજ પ્રગટતું હતું બસ એ તેજમાં જ હજુ ચળકતું ઘર ઊભું છે. લાલ દીવાલો અને કેસરી છાપરાવાળું ઘર લીલાંછમ્મ વૃક્ષોથી ઘેરાયેલું છે કે એ વૃક્ષો હજારોવાર યાદોમાં જોયા હોવા છતાં એટલા જ સુંદર અને એટલા જ આશ્ચર્યસભર જણાય છે. ઘરની પાસેથી પસાર થતાં અને દૂર ઊડીને ટપકું થઇ જતાં પક્ષીઓ હજુ સ્મરણોમાં સચવાયેલા છે. ઊડતા અને ટપકું થઇ જતાં આ પક્ષીઓ વાળું આ આખ્ખુંય ચિત્ર બા પોતાની 

બાથમાંટ ભીડીને ઊભી છે. બાએ આખા ઘરને ઊંચકી લીધું હતું. તેજસ્વી ચ્હેરાથી હસીને ચાહી લીધું હતું. એ જાણે પંક્તિઓની વચ્ચેનું મૌન આપણને સમજાવે છે. બા આ બધું જ ઊંચકીને હજુ પણ થાક્યા વગર, હલ્યા ચલ્યા વગર યાદોમાં ઊભી છે. આ કાવ્યો ફરીફરી વાંચવા ગમે તેવા છે. રમણીક અગ્રાવત આપણા સશક્ત કવિ છે.

બા

ક્યારેક મારી બા હસી પડતી

ત્યારે એના ચહેરા પર જે આભા પથરાઈ વળતી

તેવા ચળકતા લાલ રંગનું ઘર

દૂર દૂર દેખાય છે.

એની આજુબાજુ ઝાંખાં પડી ગયેલાં સ્મરણોની ઝાંય

લાલ દીવાલો અને કેસરી છાપરાંવાળું મારું ઘર

બારીમાંથી ઢોળાતાં ફાટફાટ લીલાં આશ્ચર્યો

ગાઢા ભૂરા રંગની પશ્ચાદ-ભૂમાં

સફેદ લસરકે ટપકું થતાં જતાં પંખી

દેખાય કે ન દેખાય

પણ આખાય ચિત્રને બાથમાં લઈને

હજીય મારી બા ઊભી છે

અવિચળ અવિશ્રાંત...

આ સમાચાર શેર કરો