શતરંગ / પહેલા ચડાવે ગોથે; પછી તરાવી પણ દે...
- ફેસબુકથી હાર્ટબુક સુધી કાળઝાળ ગરમીમાં ર.પા.ના કાવ્યના પહેલા વરસાદની જેમ લી

- ફેસબુકથી હાર્ટબુક સુધી
કાળઝાળ ગરમીમાં ર.પા.ના કાવ્યના પહેલા વરસાદની જેમ લીલીછમ લાગણીઓ લઈને આવી ગઈ છું.
લાગણીઓની જ વાત કરવા. કારણકે એટલું સમજાયું છે કે લાગણીઓ અને ફક્ત લાગણીઓ જ દાઝતા હદયને શાતા આપી શકે, નહિ? વળી કોકવાર તો એ જ દઝાડે. પણ જ્યારે એ દાઝેલાના પડ ઉખડી નવી નક્કોર ચામડી ફૂટે ત્યારે એક આયખામાં નવો જન્મારો થયાની કૂંપળ જેવી નવીનતા અને તાજગી અનુભવાય.
આપણા ઘરમંદીરમાં ઈશ્વર બેઠો છે એના વતી અભયવચન આપીને તમને પ્રશ્ન કરું કે - કોઈ નાવમાં બેઠાં હોય અને અધવચ્ચે એવા સમાચાર મળે કે આ નાવ ડૂબવાની છે તો કોણ યાદ આવશે તમને? શું યાદ આવશે? લેટ મી ગેસ - ઈશ્વર તો કદાચ યાદ નહીં જ આવે... યાદ આવશે એ ઈશ્વરની હાજરી જેવી સાક્ષાત લાગણીઓની ભીની પળો, પોતાના પ્રિયપાત્રનું સાનિધ્ય, એનાથી અળગા થવાનું દુઃખ કે પછી આખો જન્મ સાથે જીવ્યા પછી પણ કહેવાની બાકી રહી ગયેલી વાતો કે પછી લાગણીઓની બાય પ્રોડક્ટ રૂપે આવેલી જવાબદારીઓ.... કેટલીય ખાટી મીઠી યાદો, જે વજ્રઘાત ખમી ગયા છીએ એ... બધું જ યાદ આવે કારણકે એ જ તો સત્ય હતું અને છે અને કદાચ એ અનુભવવા તો આપણને અહીંયા મોકલ્યા હશે ઈશ્વરે! કારણકે લાગણીઓ સત્ય છે... બ્રહ્મ છે ઈશ્વરીય છે...
ક્યાંક બહુ સરસ વાત વાંચેલી કે જ્યારે જીવનમાં બધું જ બેકાબૂ થઈ જાય, એમ થાય કે હવે આગળ નહીં જ ચાલી શકાય ત્યારે એ વ્યક્તિને વધારે પ્રેમ કરવો જેને તમે કરતા આવ્યા છો. કેમ કે એ શક્તિસ્ત્રોત છે. એમ તો મોક્ષની અને સ્વર્ગની વાતો જ સાંભળી છે આપણે સૌએ... શાંતિ, સંતોષ, નિજાનંદ એ બધાને મોક્ષના દ્વાર ગણાવ્યા છે. પણ આ બધાનો જીવતે જીવ આપણને અનુભવ થાય છે લાગણીની એ પુખ્ત દશામાં. પ્રેમમાં... યાદ કરો તો તમે કે, કયા એવા દિવસો હતા જ્યારે તમે ખૂબ સફળ હતા/હોવાનો અનુભવ કરતા, જ્યારે તમને સંઘર્ષો મીઠા લાગતા, આત્મવિશ્વાસ તો એવરેસ્ટની ટોચ પર હતો અને ચામડી-આંખ ઉપર ઊગતો સૂર્ય જેવું આકાશમાં તેજ ફેલાવે એવું તેજ હતું તો તમારો માંહ્યલો તમને કહેશે પોકારીને કે ભાઈ ત્યારે તો તમે એ લાગણીઓના કબજામાં હતા.
લાગણીઓ આપણને વાવે, ઉગાડે, ફેલાવે, એમ તો ગોથે ય ચડાવે, ડુબાડે અને છેવટે તારી દે... અખંડ અને સમર્થ નશો છે આ લાગણીઓ. જો તમે સાવ સાચી રીતે નિસ્વાર્થ ભાવે એને અડી લીધું એકવાર તો બીજા એકેય નશાની જરૂર નથી રહેતી. હાર્યો જુગારી બમણું રમે એમ એકવાર હારી ને પણ ફરી ફરી આપણે એ બાજી રમતા જ હોઈએ છીએ.હું જાદુ ચમત્કાર બધામાં માનું છું, ઈશ્વરમાં પણ માનતી થઈ ગઈ છું જ્યારથી લાગણીઓનો સ્પર્શ થયો છે. કોઈ પણ પ્રકારની હોય અને કોઈ પણ સાથે લાગણીઓ અને સંવેદનો આપણને માનવ બનાવે અને એની સાથે જીવતા આવડી જાય તો તો ઈશ્વર પણ બનાવે કે પછી એમ કહેવું યોગ્ય લાગે કે ઈશ્વર બનવાની ઝંખના જ ન રહે. કેમ કે પ્રેમ વૈરાગ્યનું પ્રથમ ચરણ છે અને વૈરાગ્ય પ્રેમનું અંતિમ ચરણ.
તમે જોયું જ હશે લાગણીની અવસ્થામાં ભજનમાં પણ પોતાનું જ પ્રિયપાત્ર દેખાય અને ફિલ્મી ગીતોમાં પણ એ પ્રેમભાવનું એવું દૈવીય સમર્પણ હોય કે એ કીર્તન જ લાગે.
લાગણીઓ અવ્યક્ત હોય ત્યારે શબ્દબ્રહ્મ બનીને અંદર પડી રહે પીડા પ્રેમ કે આક્રોશ રૂપે અને વ્યક્ત થાય ત્યારે સ્વસ્વતીની આરાધના થાય. એમ તો ઈશ્વરને પણ થોડી અદેખાઈ આવતી હશે આ જોઈને પણ એટલે જ તો એનેય જન્મ લીધેલો. એ લાગણીઓ અનુભવવા, એ પ્રેમ એ પીડાઓ એ સંઘર્ષો અનુભવવા. પેલું કહેવાય છે એમ કે પ્રેમ અને લાગણીઓમાં માણસ એ એક્સપ્લોર કરે છે જે સાધુ ક્યારેય કરી નથી શકતા.
તો માય ડિયર પીપલ,
ફોર્મલ શર્ટ કે પછી ટાઇપિંગની ટકાટકીમાં જો આ લીલીછમ લાગણીઓને ન્યાય કરવાનો રહી જતો હોય તો its never too late to begin. ન્યાય કરજો પોતાને અને પોતાના પ્રિયજનોને કેમ કે ચિત્રગુપ્તનો ચોપડો ફક્ત પ્રેમ કર્મ જમા કરે છે ઓફીસ કર્મ નહિ અને પાછા મને યાદ કરજો …
તમારી પ્રેરણા તરફથી લીલીછમ લાગણીઓ મુબારક…
- પ્રેરણા દવે








