શતરંગ / ‘સમ્રાટ’ અશોક ‘પ્રેમી’ અશોક તરીકે
- ઇતિહાસગાથા પ્રાચીનકાળથી વર્તમાન સમય સુઘી પ્રવર્તતી બધી જ શાસન વ્યવસ્થાઓમાં લોકશાહી શાસન વ્યવસ્થાને શ્રે

- ઇતિહાસગાથા
પ્રાચીનકાળથી વર્તમાન સમય સુઘી પ્રવર્તતી બધી જ શાસન વ્યવસ્થાઓમાં લોકશાહી શાસન વ્યવસ્થાને શ્રેષ્ઠ ગણવામાં આવી છે. પરંતું વિશ્વનો ઈતિહાસ રાજાશાહી વ્યવસ્થાથી તાલેમાલે છે. વર્તમાન સમયમાં વિશ્વના 43 દેશોમાં રાજશાહી શાસન વ્યવસ્થા છે. પરંતું વિશ્વના ઇતિહાસમાં જ્યારે શ્રેષ્ઠ રાજાઓના નામ લેવામાં આવે ત્યારે ‘મહાન’ વિશેષણ જેની ઓળખ બની ગયું છે એવા અકબર અને સિકંદર, સિકંદરને હરાવનાર રાજા પોરસ અને જેની મહાનતાના ગુણગાન ગાતા આજે પણ દુનિયા થાકતી નથી એ સમ્રાટ અશોકનો ઉલ્લેખ અચૂક થાય.
સમ્રાટ અશોક એટલે- એક મહાન રાજા, કલિંગના યુદ્ધનો અજેય યોદ્ધા, બૌદ્ધ ધર્મને આખા એશિયામાં પ્રસરાવનાર, મહાન વહીવટકાર અને એક ક્રૂર રાજવી. આવા કેટલાંય વિચારો આપણા મનમાં આવી જાય, એ સ્વાભાવિક છે. કારણ કે, આપણે એ જ વાંચીને મોટા થયા છીએ.
અશોક સમ્રાટ તરીકે કેવો હતો એ તો આપણે જાણીએ છીએ. પણ અહીં ‘સમ્રાટ’ અશોકની નહીં, ‘પ્રેમી’ અશોકની વાત છે. હા, વાતમાં થોડી કરુણતા તો છે. પણ પ્રેમમાં કરુણતા ન હોય તો જ નવાઈ! જ્ઞાતિ–જાતિના બંધનમાં જકડાયેલા ભારત દેશમાં પ્રેમ કરનારાઓ સામે સૌથી મોટી બાધા જ આ બંધનો છે. પછી એ પ્રેમ કરનાર રાજા હોય કે રંક, શો ફેર પડે છે?
તો વાત એમ છે કે, સમ્રાટ અશોક જયારે યુવરાજ હતો ત્યારે તે પોતાના રાજ્યને અને રાજ્યની પ્રજાની પરિસ્થિતી જાણવા–સમજવા ખૂબ પ્રવાસો કરતો. એક ભાવિ રાજા માટે આ અનિવાર્ય પણ હતું કે, તે રાજ્યની પ્રજાને અને તેમની સમસ્યાઓને સમજે. આ પરંપરા મુજબ અશોક પણ પ્રવાસો કરવા નીકળી પડ્યો. આ પ્રવાસોએ તેને શાસન કરવાની સમજ, કઠોરતા અને પ્રેમની કોમળતા બક્ષી. આ પ્રવાસોમાં તેને થયેલા પ્રેમની ગાથા પણ રોચક છે. પહેલી વખત અશોકને 18 વર્ષની વયે પ્રેમ થયો હતો.
કોઈપણ યુવરાજ કે રાજકુમાર સિંહાસન પર બેસતા પહેલાં પોતાના રાજ્યના કોઈ વિસ્તારના રાજ્યપાલ તરીકે વહીવટી અનુભવ મેળવે એ ભારતની રાજાશાહીની પરંપરા રહી છે. આ પરંપરા મુજબ અશોક પણ ભારતના હ્રદય સમા અવંતીના રાજ્યપાલ તરીકે નિમાયો હતો. જ્યાં તેને અનુભવ અને પ્રેમ બન્ને મળ્યા. અવંતી એટલે આજનું ઉજ્જૈન. અશોકને જયારે રાજપાલ તરીકે નિમવામાં આવ્યો ત્યારે ઉજ્જૈનની સ્થિતિ આજના મણિપુર જેવી હતી. અને સળગતા ઉજ્જૈનને ઠારવા આવેલા અશોકના હ્રદયમાં એક બીજી આગ પણ લાગી.
અહીંયા તેને એક અત્યંત સુંદર, દેવી જેવી કન્યાના દર્શન થયા. આ કન્યા એ કોઈ રાજકુંવરી ન હતી, પણ સામાન્ય વણિકપુત્રી હતી. પ્રથમ નજરના પ્રેમમાં અશોક જાણે ભાન ભૂલી બેઠો અને તે કન્યાના પિતા સામે લગ્નનો પ્રસ્તાવ લઈને ગયો. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના પૌત્ર અને ભાવિ રાજા સાથે પોતાની દીકરીને પરણાવવાની કોની મહેચ્છા ન હોય? કન્યાના પિતાએ તરત જ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. પરંતું મુખ્ય વાત એટલે કે કન્યાને મનાવવાની જ બાકી હતી.
અશોક રાજકુમાર હોવા છતાં એ કન્યાએ લગ્ન માટે ના પાડી. કારણ કે, તેણે અશોક વિશે એવી વાતો સાંભળી હતી કે, અશોક તો ક્રૂર, ઘાતકી, અભિમાની અને અતિશય મહત્વાકાંક્ષી છે. અને કોઈ સામાન્ય વણિકની પુત્રી ઉજ્જવળ ભવિષ્ય કરતા સલામતી પહેલાં ઈચ્છે, એ સ્વાભાવિક હતું. તેથી તેણે અશોકની પરીક્ષા લેવાનું નક્કી કર્યુ. જેમાં તેણે રાજકુમાર અશોક આગળ એક શરત રાખી કે, ઉજ્જૈનની અવ્યવસ્થાને જો અશોક લોહીનું એક પણ ટીપું પાડ્યા વગર શાંત કરે અને તેને વહીવટી સ્થિરતા આપે, તો તે અશોક સાથે લગ્ન કરવા તૈયાર થશે.
મોરના ઈંડા ચીતરવા ન પડે એ કહેવત અનુસાર મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના પૌત્રને શાસન કરતા શીખવવું ન પડે. પોતાના ઉગ્ર સ્વભાવથી વિરુદ્ધ જઈને અશોકે કોઈપણ યુદ્ધ કે હત્યા વિના ઉજ્જૈનવાસીઓનો વિશ્વાસ જીતીને, લોહીનું એકપણ ટીપું પાડ્યા વગર ઉજ્જૈનને શાંત કર્યુ અને ત્યાં શાંતિ સ્થાપી. પોતાને પામવા માટે અશોકે પોતાની માતૃભૂમિને શાંત કરી તેથી કન્યાના મનમાં પણ અશોક માટે પ્રેમ જાગ્યો. આ પ્રેમની ફલશ્રુતિ રૂપે તેમના લગ્ન થયા અને બે સંતાનો થયા. પણ વાત અહીં પૂરી થતી નથી.
ઉજ્જૈનમાં કરેલા પરાક્રમને કારણે મગધમાં અશોકની લોકપ્રિયતા ખૂબ વધી. તે સામાન્ય લોકોનો ચહીતો બની ગયો અને ઉજ્જૈનવાસીઓ પણ તેના પ્રત્યે આદરભાવ રાખતા હતા. એક બાજુ અશોક સામાન્ય લોકોમાં આદર મેળવી રહ્યો હતો ત્યાં જ તેનો સાવકો મોટો ભાઈ તક્ષશિલાના રાજ્યપાલ તરીકે અપયશ મેળવી રહ્યો હતો. કેમ કે, તે ત્યાંનો બળવો દબાવી શક્યો ન હતો. જ્યારે અશોકે ઉજ્જૈન શાંત કર્યુ. આથી મગધની ગાદીના ભાવિ વારસ રાજકુંવર સુસીમને અશોક પોતાનો હરીફ લાગ્યો. અને ખરેખર તે હતો પણ ખરો. તેથી સુસીમે મહારાજ બિંદુસારની કાન ભંભેરણી કરીને અશોક વિરુદ્ધ સાચી ખોટી એવી અફવાઓ ફેલાવી. આવેશમાં આવીને સમ્રાટ બિંદુસારે અશોકને મગધથી દુર કર્યો. પોતાની પત્ની અને બન્ને સંતાનોને મગધમાં જ રાખીને અશોકે પોતાના સૈન્ય સાથે ઓડિશા તરફ પ્રયાણ કર્યુ. અહીંથી આરંભ થાય છે અશોકની બીજી પ્રેમકથા. જે આવતા પ્રકરણમાં.....
- રક્ષા ત્રાપસિયા








