મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / સમાજવાદી વિચારધારા અને રાજકીય પક્ષોનો ઉદ્ભવ

- ઇતિહાસ ગાથા રાજારામમોહન રાયના ઇંગ્લેન્ડ પ્રવાસથી ભારતમાં આરંભાયેલી સમાજવાદી ચિંતનધા

શતરંગ / સમાજવાદી વિચારધારા અને રાજકીય પક્ષોનો ઉદ્ભવ

- ઇતિહાસ ગાથા

રાજારામમોહન રાયના ઇંગ્લેન્ડ પ્રવાસથી ભારતમાં આરંભાયેલી સમાજવાદી ચિંતનધારાની યાત્રા રાજકીય પક્ષોના નિર્માણ સુધી પહોંચી હતી.

રાજકીય પક્ષની સ્થાપના સુધી પહોંચ્યા બાદ દેશમાં સમાજવાદી પક્ષોની શું સ્થિતિ હતી એ આપણે આ પ્રકરણમાં જાણીએ.

એ સમયના કોંગ્રેસમાં રહેલા સમાજવાદી નેતાઓ કોંગ્રેસની આર્થિક નીતિથી સહમત ન હતા. ઇ.સ. 1931ના કોંગ્રસના કરાંચી અધિવેશનમાં કોંગ્રેસે મૂળભૂત અધિકારો અને આર્થિક નીતિઓ અંગેનો ઠરાવ પસાર કર્યો હતો. જેમાં રાજ્યના પાયાના ઉદ્યોગો પર સરકાર અંકુશ ધરાવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. જયારે સમાજવાદીઓનો એવો આગ્રહ હતો કે માત્ર પાયાના ઉદ્યોગો જ નહીં પરંતુ ઉત્પાદનના અગત્યના સાધનોનું પણ રાષ્ટ્રીયકરણ થવું જોઈએ. સમાજવાદીઓએ ખાનગી મિલકત જપ્ત કરવાના સિદ્ધાંતો પણ રજુ કર્યા હતા, પરંતુ ગાંધીજીના પ્રભાવ હેઠળની કોંગ્રેસ તેને સ્વીકારી શકે એમ ન હતી. જેથી થોડા સમય બાદ ઈ.સ.1934માં કોંગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના થઇ. સમય જતા કોંગ્રેસ અને કોંગ્રેસ સમાજવાદી નેતાઓ વચ્ચેના આર્થિક નીતિ બાબતોના મતભેદ ધીમે ધીમે વધતા ગયા. જે નેતાઓ સાથે મળીને કામ કરતા હતા એ હવે વિરોધી બન્યા. છતાં એ સમાજવાદી નેતાઓ કોંગ્રેસને ખતમ કરવા માંગતા ન હતા, તેને વધુ ક્રાંતિકારી અને સમાજવાદી બનવવા માંગતા હતા. 

જયપ્રકાશ નારાયણે કોંગ્રેસ સમાજવાદી પક્ષની નીતિની જાહેરાત કરતા કહ્યું હતું કે, ‘રાષ્ટ્રીય મહાસભાને (કોંગ્રેસ) સંપૂર્ણપણે સમાજવાદી પક્ષમાં ફેરવી નાખવાનો તેમને હેતુ નથી. પરંતુ કોંગ્રેસ સમાજવાદી પક્ષ તે સંસ્થાના તત્વ અને નીતિમાં પરિવર્તન લાવવા માગે છે, જેથી તે પરદેશી શાસન અને આર્થિક શોષણમાંથી મુક્તિ ઝંખતી આમપ્રજાનું સાચી રીતે પ્રતિનિધિત્વ કરી શકે. તેઓ કોંગ્રેસમાં પરિવર્તન એટલા માટે ઈચ્છે છે કે તેઓ પ્રજાનું સાચું પ્રતિનિધિત્વ કરી શકે.’ આ એ નેતાઓ હતા, જેના માટે દેશની પ્રજાથી વિશેષ કશું જ નહોતું.

આ કોંગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપનામાં જયપ્રકાશ નારાયણના નેજા હેઠળ અચ્યુત પટવર્ધન, યુસુફ મહેરઅલી અને અશોક મહેતાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.  કોંગ્રેસમાંથી જ અલગ થયેલા હોવા છતાં પંડિત જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝે તેમને આવકાર્યા હતા. અને પંડિત જવાહરલાલ નહેરુએ દેશહિત ખાતર જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન અને આચાર્ય નરેન્દ્ર દેવને કોંગ્રેસની કાર્યકારી સમિતિમાં નિયુક્ત પણ કર્યા હતા. જે આઝાદી બાદ વિપક્ષી નેતા ડૉ, ભીમરાવ આંબેડકર અને ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીને પોતાની સરકારમાં કેબીનેટ મંત્રી બનાવવા સુધી વિસ્તરી હતી.

માત્ર ભારત જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં સમાજવાદી વિચારસરણીમાં માનતા લોકો વૈજ્ઞાનિક સમાજવાદમાં માનતા હતા. તેમના મત મુજબ સમાજવાદ એ માત્ર વ્યક્તિગત આચાર માટે નથી, પરંતુ સામાજિક પુનર્રચનાની એક પદ્ધતિ છે. તે દેશના સંપૂર્ણ આર્થિક તથા સામાજિક જીવનને પુન:વ્યવસ્થિત કરવા માટેની વિચારસરણી છે.  અને એ હેતુને સિદ્ધ કરવા માટે તેઓ સત્તાનો રસ્તો અપનાવવા માંગે છે. સ્વભાવિક રીતે વિકાસનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે લોકો સત્તા તરફ જ નજર દોડાવે. કોઈ પ્રત્યક્ષ તો કોઈ પરોક્ષ રીતે. 

સમાજવાદી વિચારસરણી બાબતે લોકોને સૌથી મોટો ડર એ બતાવવામાં આવે છે કે સત્તા તમારી સંપતિ હડપીને અન્ય લોકોને આપી દેશે. પરંતુ જયપ્રકાશ નારાયણ જેવા મહાન નેતાએ એ સમયે જ કહી દીધું હતું કે સત્તાનો ઉપયોગ રાજા-મહારાજાઓના ખજાનાને પ્રજામાં વહેંચી દેવા માટે કરવામાં નહીં આવે. પરંતુ ઉત્પાદનનાં સાધનો હસ્તગત કરવા માટે કરવામાં આવશે જેથી કરીને આર્થિક અસમાનતા દૂર થાય તેમજ દરેક વ્યક્તિને આર્થિક ક્ષેત્રે તકની સમાનતા રહે. સમાજવાદી વિચારધારાનું સૌથી મોટું લક્ષ્ય આર્થિક અસમાનતાને દૂર કરવાનું રહ્યું છે. 

કોંગ્રેસમાંથી અલગ થઈને ભારતીય સમાજવાદી પક્ષ રચાયો એના પહેલા ભારતમાં છેક 1925માં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ ચુકી હતી. ભારતની સૌથી જૂની સમાજવાદી પાર્ટી તરીકે તેનું નામ છે. જે હજુ પણ રાજનીતિમાં ખૂબ સક્રિય છે. 26 ડીસેમ્બર 1925ના રોજ કાનપુર ખાતે સ્થપાયેલ આ પક્ષ કોંગ્રેસ સમાજવાદી પક્ષથી ઘણો અલગ હતો. જો કે આ પક્ષની ખરી શરૂઆત તો ઓકટોબર 17, 1920ના તત્કાલિન સોવિયત યુનિયનના તાશ્કંદ ખાતે થઇ હતી. જેના સ્થાપક એમ.એન. રોય અને તેમના સાથીદારો હતા. આ પક્ષે સંપૂર્ણ સ્વતંત્રતાની માંગણી કરી હતી. એક અભ્યાસ મુજબ કમ્યુનિસ્ટ પાર્ટીના 415 સભ્યોને 1922 થી 1941 દરમિયાન આંદામાનની કાળાપાણીની સજા કરવામાં આવી હતી.

કોમ્યુનિસ્ટ પાર્ટીને સ્વતંત્રતાની ચળવળમાંથી દૂર કરવાના આશયથી અંગ્રેજો દ્વારા જુલાઈ 1934માં કમ્યુનિસ્ટ પાર્ટી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો.  તેથી કોમ્યુનિસ્ટ પાર્ટીના ઘણા નેતાઓ કોંગ્રેસ સમાજવાદી પક્ષમાં જોડાઈ ગયા. કોંગ્રેસ સમાજવાદી પક્ષના સભ્યો એવું સ્પષ્ટપણે માનતા હતા કે હાલના સમયમાં આઝાદીનું આંદોલન માત્ર ગાંધીજીના નેતૃત્વમાં જ શક્ય છે. જયારે કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ કોંગ્રેસ અને ગાંધીજીના વિરોધી હતા. ત્યારબાદ આપસી સંઘર્ષ અને અવિશ્વાસના કારણે કોમ્યુનિસ્ટ પાર્ટીના ઘણા સભ્યોને કોંગ્રેસ સમાજવાદી પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા. અને અહીંથી શરુ થાય છે. સમાજવાદી વિચારધારાનો આપસી સંઘર્ષ, જે અન્ય પ્રકરણમાં.

- રક્ષા ત્રાપસિયા 

આ સમાચાર શેર કરો