Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ડૉ. હર્ષદ કામદાર : Fruit of Karma: An Account of Iniquity and Greed Paying After Years!

કર્મનું ફળ: વર્ષો બાદ ચૂકવાયેલો અનીતિ અને લાલચનો હિસાબ!

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
કર્મનું ફળ: વર્ષો બાદ ચૂકવાયેલો અનીતિ અને લાલચનો હિસાબ!
સોર્સ : GSTV
'બેટા, આટલા ભારે સોનાના દાગીનાનો સેટ અને કપડાં પહેરીને વહુને ક્યાં લઇ જાય છે?' હસુમતીબેને પોતાના યુવાન પુત્ર હેમંત અને પત્ની હેતલને સરસ તૈયાર થઈને જતાં જોઈ પૂછયું.
App Store

'મમ્મી, અત્યારે તહેવારોની સીઝન છે, આ ભારે સેટ હું સાથે છું, એટલે જ હેતલે પહેરેલ છે, હજુ તો હમણાં જ લગ્ન થયા છે આજે રવિવારે સાંજે મચ્છુ કાંઠે ફરવા જઈએ છીએ. તેના ઝુલતા પુલના બહુ જ વખાણ સાંભળ્યા છે, તો તેમાં સજોડે આંટો મારી બહાર જ જમીને આવીશું.' હેમંતે તેની મમ્મીને જવાબ આપ્યો.
'પણ, બેટા, આ ભારે સેટ સાચવજો, બહુ જ કિમતી છે.' હસુમતીબેને સુચના આપી.
 
'સારું મમ્મી સારું' હેમંત કહીને ઉપડી ગયો.

'આ તારી મમ્મી તો આપણને સાવ નાના કીક્લા જ સમજે છે. આપણને ભારે સેટ સંભાળતા તો આવડે જ ને ?' હેમંતની પત્ની હેતલે કચવાતા મને કહ્યું.

'એ તો મમ્મીને ટેવ પડી છે.' હેમંતે કહ્યું.

ત્યાં તો સાંજે છ ને બેતાલીસે અચાનક મોરબીનો ઝૂલતો પુલ તૂટવાના સમાચાર આવતાં હસુમતીબેન હબકી ગયા.

હસુમતીબેન હજુ ચાર વરસ પહેલા જ વિધવા થયા હતા. તે અને તેમનો વર મોરબી સુધરાઈમાં સફાઈ કામદાર તરીકે કામ કરતાં હતા. પણ તેના વરને બીડીઓ પીવાથી ગળાનું કેન્સર થતાં મોત ભરખી ગયું હતું, શું થાય ? એકલા પડી ગયેલા હસુમતીબેને તેના એકના એક દીકરા હેમંતના લગ્ન કરી તેની વહુને ભારે સોનાના બે સેટ છાબમાં ચડાવ્યા હતા, બધાને નવાઈ લાગી આટલા કીમતી સેટ આ કામ કરનારી ડોશી પાસે આવ્યા ક્યાંથી? બધે વાહ વાહ થઇ ગઈ, એ વાતથી હસુમતીબેન ફુલાતા હતા.
'અરર ! આ શું થઇ ગયું?' કહેતાં હસુમતીબેન ફસડાઈ પડયા. પુલ ઉપર કેપેસીટી કરતાં વધારે માણસો ઘુસી ગયા હતા અને ઝુલાવી રહ્યાં હતાં, અચાનક પુલ તૂટી પડતાં બધા માણસો મચ્છુના પાણીમાં ગરકાવ થઇ ગયા.

નેવી, ફાયરબ્રિગેડ, શઘઇખ વિગેરેની ટીમો રાહત કામગીરી, સર્ચ ઓપરેશન કરી રહી હતી. એક પછી એક મૃતદેહો બહાર કાઢી ઓળખ થઇ રહી હતી.
હસુમતીબેન રોક્કળ કરતા રાહત છાવણીમાં પહોંચી ગયા. તેનો દીકરા હેમંત અને પુત્રવધૂ હેતલનો કોઈ પત્તો નહોતો. કેટલાક મૃતદેહો તણાઈ ગયા હતા. કેટલાક બચી ગયેલા રાહત છાવણીમાં હતા. હસુમતીબેન ચારે તરફ શોધખોળ ચલાવી રહયાં હતાં. ત્યાં રાહત છાવણીમાં હેમંત ઘવાયેલી હાલતમાં દેખાયો. પરંતુ હજુ સુધી હેતલનો પત્તો નહોતો.

બે કલાક પછી ધીમેધીમે હેમંત ભાનમાં આવી બેઠો થયો. મમ્મીને જોઈ રડી પડયો, અને પુછયું 'મમ્મી, હેતલ ક્યાં ?'

'હું પણ એને જ શોધું છું.'

ત્યાં તો બે મૃતદેહો લઈને આવતાં રાહત છાવણીના કાર્યકરો દેખાયા. હેતલનો મૃતદેહ જોઈ બન્ને હબકી ગયા. બન્નેની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા હતા. અચાનક હસુમતીબેનનું ધ્યાન તેના શરીર પર ગયું.'અરર ! બધા દાગીના ક્યાં ગયા? ભારે સોનાનો હાર, કંગન, બુટ્ટીઓ કઈ જ નહોતું, તે બધું ચોરાઈ ગયું હતું.'
હસુમતીબેન હૈયાફાટ રૂદન કરતા બોલ્યાં, 'ઉપરવાળો બધું જુએ છે, મને તારા બાપાએ બે વાર ટોકી, પણ હું લાલચ રોકી ન શકી અને મેં બધું ગુમાવી દીધું.'
'શું બોલે છે, મમ્મી ? સમજ પડે એવું બોલ.' હેમંત અકળાઈ ને બોલ્યો.

'બેટા, બહુ જૂની વાત છે. આજથી તેતાલીસ વરસ પહેલા આ જ મચ્છુ નદીમાં ભારે પુર આવ્યું, અનેક લોકોએ જાન ગુમાવ્યા, અને અનેક મૃતદેહો મચ્છુમાં તણાઈ ગયા. ત્યારે હું અને તારા બાપા સુધરાઈમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા. મોડી સાંજ થઇ ગઈ હતી, અને મચ્છુકાંઠે સફાઈ કરતા અમે બે જ રહી ગયા હતા. અચાનક એક પૈસાદાર મોટી ઉમરની સ્ત્રીનો મૃતદેહ તણાતો ત્યાં આવ્યો. તેના શરીર ઉપર આ જ સોનાનો સેટ અને કંગન હતા. મારું મન લલચાઈ ગયું.'

'બેટા, તારા બાપાએ બહુ સમજાવી અને કહ્યું કે મૃતદેહમાં મલાજો રાખ, ઉપરવાળો બધું જુએ છે. હરામનું બધું હરામમાં જશે. મારું મન લાલચના અંધકારમાં આ સાચી વાત સમજી ના શક્યું.' હસુમતીબેન રડતાં રડતાં બોલ્યાં.


'મેં આજુબાજુ જોયું વેરાન જગ્યામાં કોઈ નહોતું, મેં ધીમેથી એક પછી એક દાગીના તે મૃતદેહ પરથી કાઢી લીધા. તારા બાપાએ ખોટું કામ કરતાં ત્રણ ચાર વાર ટોકી, 'ઉપરવાળો તને છોડશે નહીં.' કહ્યું, પણ મેં તેમનું માન્યું જ નહીં. તેની ચિંતામાં તેમને ગળાનું કેન્સર થઇ ગયું, અને જતા રહ્યા.


મને પણ ખોટું કામ કરતા ડર લાગતો હતો પણ જુવાનીનાં તોરમાં મન લલચાઈ ગયું, વિચાર્યું ભગવાને સામેથી આપ્યું છે, તો લેવામાં શું વાંધો ? પણ હવે ખ્યાલ આવે છે કે હરામનો પૈસો કે દાગીનો ક્યારેય હજમ ન થાય.


એ જ સાચવીને રાખેલા દાગીના મેં તારી વહુને છાબમાં ચડાવ્યા હતા. હવે મને ભાન થયું, પ્રભુ બધું જુએ છે. અનીતિ અને ચોરીનું ખોટું કામ કર્યાનો બદલો અહીં જ મળી જાય છે. 'મમ્મી, તે આવું ખોટું કામ કેમ કર્યું ?' કહેતા હેમંત રડી પડયો. 'બેટા, મેં તો એ દાગીના અને મારી વહુ હેતલ બન્ને ગુમાવ્યા.' કહેતા હસુમતીબેને હૈયાફાટ રૂદન કર્યું.


હેમંતે રડતાં રડતાં કહ્યું, 'મમ્મી, કરેલા કર્મોના ફળ અહીં જ ભોગવવા પડે છે. મારા બાપાએ ચેતવી પણ ખરી, પરંતુ તારી આંધળી લાલચે આપણે બધું ખોવાનો સમય આવી ગયો.'


હેતલનો મૃતદેહ પણ ચિત્કારી રહ્યો હતો, જોયું ને ખોટા કર્મનું ફળ ! ઈશ્વર બધું જુએ છે.

લાસ્ટ સ્ટ્રોક :

કરેલા ખોટા કર્મોનો હિસાબ અહીં જ ચૂકવવો પડે છે. નીતિપૂર્વક પોતાની મહેનતનો જ પૈસો પેદા કરો ને ! ખોટું કામ કરતા એટલું ધ્યાનમાં રાખજો કે ઉપરવાળો બધું જ જુએ છે.