મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / સંભાળો નહીં, ફક્ત સાંભળો

- નોન ફિલ્ટર્ડ હું મસ્તીમાં ઝૂમું છું એમ આઘેથી ન માની લો,નજીક આવી જુઓ કે ઠોકરો ખાઈ રહ્યો છું હું. કોઈ ગોતે મને તો પગલ

શતરંગ / સંભાળો નહીં, ફક્ત સાંભળો

- નોન ફિલ્ટર્ડ

હું મસ્તીમાં ઝૂમું છું એમ આઘેથી ન માની લો,
નજીક આવી જુઓ કે ઠોકરો ખાઈ રહ્યો છું હું.

કોઈ ગોતે મને તો પગલે પગલે હું જડી આવું,
કંઈક એ રીતે પગલે પગલે ખોવાઈ રહ્યો છું હું.

~ બરકત વિરાણી ‘બેફામ’

"हम कभी किसी को समय पर नहीं सुनते, सुनना भी नहीं चाहते। समय पर गले नहीं लगाते, पूछते भी नहीं कि तुम
कुछ कहना तो नहीं चाहते? क्योंकि हमारे पास संयम नहीं है।"

થોડા સમય પહેલા માત્ર ૩૧ વર્ષની ઉંમરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરનાર પત્રકાર આકાશદીપ શુક્લાની મૃત્યુના અમુક મહિના પહેલાની એક સોશિયલ મીડિયા પોસ્ટના શબ્દો છે આ. પ્રત્યુષા બૅનરજીથી લઈને શુશાંત સિંહ રાજપૂત સુધી આત્મહત્યાની આવી કોઈ ઘટના જ્યારે જ્યારે સામે આવે છે ત્યારે આ મુદ્દો ઉઠે છે કે પૂછતા રહેવું જોઈએ સમયાંતરે આપણા સ્વજનોને કે એ ઠીક તો છે ને! પણ શું પૂછવું જ પૂરતું છે? પૂછ્યા બાદ સાચો જવાબ કોણ આપે છે? અને કેમ આપે? એવો માહોલ બનાવ્યો છે આપણે જ્યાં ખુલીને કોઈ પોતાની પીડા વ્યક્ત કરી શકે? વિશ્વાસનું એવું વાતાવરણ ડેવલપ કર્યું છે આપણે કે કોઈને પોતાની તકલીફ વહેંચતા પહેલા એનો તમાશો બનવાનો ડર ન હોય?

શું કરીએ છીએ આપણે જ્યારે કોઈ કહે કે હું ઠીક નથી? વિચારો શાંતિથી. શું કરીએ છીએ આપણે? ફક્ત સાંભળીએ છીએ કે સુફિયાણી સલાહ આપીએ છીએ? પ્રેમથી માથે હાથ ફેરવીએ છીએ ચૂપચાપ કે પોઝિટિવિટીની પીપુડી વગાડીએ છીએ? ગળે વળગાડીએ છીએ કે વાત વાળવાના પ્રયાસો કરીએ છીએ? ખાલી થવા ખોળો ધરીએ છીએ કે ધરાર ખેંચીને ઊભા થવા જોર દઈએ છીએ? અરે! કોઈ રડતું હોય તો એના કરતાં વધારે આપણને ઉતાવળ હોય છે એને શાંત કરવાની. સમજતા જ નથી કે એના માટે એ ડૂમો કાઢવો કેટલો જરૂરી હોઈ શકે છે! એ ધરબાઈ ગયેલાં આંસુ બહાર લાવવા માટે એણે અંદર કેટલી લડાઈઓ લડી હશે! હૃદયમાં એક નિરાકાર શબનો ભાર લઈને જીવવું સહેલું નથી હોતું. ને એને કાઢી ફેંકવું તો એનાથી ય અઘરું, લગભગ અશક્ય હોય છે. સઘળું સંભાળી લેવાની લ્હાયમાં આપણે કદી સમજી નથી શકતા કે ક્યારેક સાંભળવું એ સંભાળવા કરતા વધારે મહત્વનું હોય
છે.

અબજોની ભીડમાં એક વ્યક્તિ નથી મળતું યાર, કે જ્યાં જવાબમાં સાચેસાચું કહી શકાય કે "નો, આઈ એમ નોટ ઓકે." કોઈ નથી મળતું એવું કે જ્યાં એના પૂછવાની ય રાહ જોયા વગર ગમે તે સમયે ધરાર કૉલ કરીને કહી શકાય કે આજે બહુ ઉદાસી અનુભવાય છે! કારણોની પળોજણમાં પડ્યા વગર જ્યાં દુઃખ, નિરાશા, બેચેની, ઉદાસી, આંસુ બધું નીચોવી શકાય! સમયે કસમયે, કદીક કે રોજ જે બસ સાંભળે. એકની એક વાતથી કંટાળે, તો ય સંભાળે. જાણે અને સમજે કે આ શબ્દોનું રિપીટેશન નથી, પીડાનું છે! સમય આપે એને વહી જવાનો. જ્યારે પોતાની જાત સાથે જ રહેવું અઘરું થઈ પડ્યું હોય ત્યારે એ હાથ પકડી રાખે. જેને કહો કે રડવાની ઈચ્છા થાય છે તો ખભો કે ખોળો ધરી દે ચુપચાપ. જેને કહો કે મરવાની ઈચ્છા થાય છે તો જીવનના ફાયદા ગણાવાને બદલે કહે કે "હા, સમજુ છું. મને પણ કદીક થાય છે. થોડીક રાહ જુએ તો સાથે જઈએ!" પોતાની સગવડ મૂકીને પણ તમારો સમય સાચવી લે. તમને સમયે સાચવી લે.

છે કોઈ એવું તમારા જીવનમાં? તો નસીબદાર છો તમે. હમણાં જ આભાર માનો એમનો. અને ધીરજપૂર્વક સાંભળો તમારા પ્રિયજનોને. ફક્ત સાંભળો. ત્યાં સુધી, જ્યાં સુધી એ ખુદને સંભાળવા સક્ષમ ન બને.

બિકોઝ યુ નેવર નૉ...

- કૃતિ શાહ

આ સમાચાર શેર કરો