મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ડોક્ટર જોસેફ ગોબેલ્સ: મહાજૂઠો

- યુદ્ધગાથા અસત્યને વારંવાર રજૂ કરવાથી લોકો તેને સત્ય માની લેતા હોય છે. દયાજનક અંત : છ બાળકો,અને પત્ની

શતરંગ / ડોક્ટર જોસેફ ગોબેલ્સ: મહાજૂઠો

- યુદ્ધગાથા

અસત્યને વારંવાર રજૂ કરવાથી લોકો તેને સત્ય માની લેતા હોય છે.

દયાજનક અંત : છ બાળકો,અને પત્ની સાથે આત્મહત્યા

હા! એ પી.એચ.ડી. હતા. ડોક્ટર જોસેફ ગોબેલ્સ. તેમણે જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરના જમણા હાથ સમાન સ્થાન મેળવ્યું અને માણ્યું. એક તરફ તેમની મેઘાવી કહી શકાય તે કક્ષાની બુધ્ધિ ક્ષમતા હતી. એક સમયે તે જર્મનીના ચાન્સેલર હતા. બીજી તરફ જૂઠું બોલવાનું અપૂર્વ કૌશલ્ય ધરાવતા હતા. તો, ત્રીજી તરફ અત્યંત નબળું કહી શકાય તેવું તેમનું અંગત ચારિત્ર્ય. ગોબેલ્સ ઈરાદાપૂર્વક હિટલર સાથે જોડાયા અને નઘરોળ જૂઠું બોલવાનું ચાલુ કર્યું. તે એક એવી વ્યક્તિ હતા કે જેને જૂઠું બોલવું ફાવતું. અગર જૂઠું બોલવું; તે કલા માનીએ તો ગોબેલ્સ તેમાં માહિર હતા.

નખશિખ જૂઠો માણસ. તેનું ગણિત બહુ સાફ હતું. કોઈ પણ અસત્યને, સત્ય તરીકે વારંવાર રજૂ કરવામાં આવે એટ્લે લોકો તે વાતને સત્ય માનવા લાગે છે. અલબત્ત, સમય જતાં ગોબેલ્સે રચેલો સિધ્ધાંત મનોવૈજ્ઞાનિક રીતે પણ સાચો પુરવાર થયો. ગોબેલ્સને અનેક રાજનેતાઓએ તેમના અકાળ મૃત્યુ બાદ પણ પરમ ગુરુ માન્યા. ગોબેલ્સના પદચિહ્નો પર ચાલીને ખુરશી સલામત રાખી શક્યાં. સતત જૂઠું બોલી બોલીને પ્રજાને વહેમમાં રાખવી. દેશની પ્રજામાં કપોળ કલ્પિત ભય ફેલાવવો. જૂઠાંણા અને ભય ફેલાવ્યા બાદ સત્તાધીશને ઉધ્ધારક મસીહા રૂપે પ્રસ્થાપિત કરવો સરળ છે. પ્રજા તેવી વ્યક્તિને તારણહાર માની લેતી હોય છે.  વિશ્વાસ પૂર્વક માથે બેસાડીને પુજા કરતી હોય છે. 

ગોબેલ્સ જૂઠું બોલવાના કામમાં ખૂબ પાવરધા હતા. એક સમયે જૂઠાં પ્રચારને અંગ્રેજીમાં ફોલ્સ કે મીસ પ્રોપેગેંડા કહેવાતો. ગોબેલ્સની મહારાતને આધીન સમય જતાં જૂઠાં પ્રચારને લોકો ‘ગોબેલ્સ’ તરીકે ઓળખતા થયેલા. મજાની વાત એ છે, એક સમયબિંદુ પર ગોબેલ્સની પધ્ધતિઓ ગુપ્તતાના અંચળા હેઠળ ટોપ સિક્રેટ હતી. જ્યારે અહી લખેલી મોટાભાગની માહિતી વૈશ્વિક અંતરજાલ( ઇન્ટરનેટ-ભાઈ મેરે) પર કોઈને કોઈ ખૂણે ક્લીકની રાહ જોઈ બેઠી હોય છે. તો આપણી અંતરજાલમાં એક જગ્યાએ ગોબેલ્સના અવતરણો ઉપલબ્ધ છે. એકાદ બે ચુનિંદા અવતરણો તેમની શિયાળ જેવી મનોવૃતિનો પરિચય આપવા પૂરતા છે. એક સમયે તેમણે જે કહેલું તેનો ભાવાનુવાદ અહી છે.  “બુધ્ધિજીવીઓને સમજાવવા સહેલા નથી. કારણકે, તેઓ સમજશે નહીં અને વધુ શક્તિશાળી વિકલ્પ તરફ ઝૂકી જશે. રસ્તે ચાલતા માણસને તમારે નિશાન બનાવવા પડશે. તેઓને અપરિપક્વ કે અસંસ્કારી વાતો કે જેનો અમલ શક્ય હોય તે કરવી. આમ જનતાને એવી વાતો કરવી કે જેમાં દિમાગનો ઉપયોગ સમાવિષ્ટ ન હોય, પરંતુ લાગણીઓ અને કુદરતી વૃતિઓ સામેલ હોય. સત્ય મહત્વનું નથી. ઊલટાનું સત્ય યુક્તિ-પ્રયુક્તિઓ કરતાં નીચું સ્થાન ધરાવે છે. ” એક બીજુ અવતરણ પણ દિલચસ્પ છે. “ આજથી સો એક વર્ષોમાં રંગીન ચલચિત્રોમાં આપણી ખરાબ સ્થિતિ બતાવવામાં આવશે. આજે તમે અડીખમ રહો. નહીં તો વિચારો કે જ્યાર તમે પડદા પર દેખાશો ત્યારે  પ્રેક્ષકો તમારા માટે સીટી વગાડીને તમને અપમાનિત કરશે.“ એક જગ્યાએ ગોબેલ્સ બોલેલા કે, “ યહુદીઓ બટેટામાં થતાં કીડા જેવા છે. જેમ કીડા બટેટાને ખાઈ જાય તેમ યહુદીઓ જર્મનીનો સર્વનાશ કરશે. આ સ્થિતિ માટે એક જ રસ્તો છે. તેમની સાથે અંતિમવાદી તરહમાં પનારો પાડવો રહે.” 

એડોલ્ફ હિટલરે પોતાનો રૂતબો તેમ જ સત્તા બરકરાર રાખવા અસંખ્ય પગલાં ઉઠાવેલા.(જીસ કે બારે મે ફીર કભી) હિટલરે જે આયોજનો કર્યા તે, તેના કથિત આપઘાતની પોણી સદી પછી પણ સુપેરે પ્રસ્તુત છે. હિટલરે ખાસ પ્રોપેગેંડા(Propaganda) મંત્રી નિમેલા. તે મંત્રીના કાર્યાલયનું કામ જ એ રહેતું કે દેશની પ્રજામાં સરકાર તરફી (વાસ્તવમાં કેવળ હિટલર તરફી) વાતાવરણ ઊભું કરવું અને તેની જાળવણી કરવી. હિટલર જે કહે કે કરે તે અંતિમ સત્ય સાબિત કરવું. 

વર્ચ્યુઅલ યહૂદી લાઈબ્રેરીની વોલ પર ગોબેલ્સ વિષે ઘણી રસપ્રદ વાતો મળી રહે છે. જૂઠું બોલવું અને વધુ જૂઠું બોલવું અને મસમોટું જૂઠું બોલવું. સિધ્ધાંત સહેલો હતો. ખૂબ મોટું જૂઠાણું ફેલાવવું અને વારંવાર ફેલાવવું. લોકો ધીરે ધીરે તે માનવા લાગશે. 

તેમનો વ્યક્તિગત પરિચય મળવી તો, જોસેફ ગોબેલ્સનો(29.10.1897-01.05.1945) જમણો પગ આજન્મ ખામીયુક્ત હતો. જમણો પગ અંદર તરફ વળેલો, જાડો અને સહેજ ટૂંકો હતો. બાળપણમાં તેમને ફેફસામાં સોજાની બીમારીનો સામનો કરવો પડેલો. ગોબેલ્સના ખ્રિસ્તી માતા પિતાનું સ્વપ્ન હતું કે જોસેફ ગોબેલ્સ પાદરી બને. જીવનના એક તબક્કા સુધી ગોબેલ્સની ઇચ્છા પણ પાદરી બનવાની જ હતી. ગોબેલ્સે જર્મન સૈન્યમાં જોડાવવા માટે પ્રયત્ન કરેલો. અલબત્ત, તેમને લશ્કરમાં સ્વીકારવામાં આવેલા નહીં. 

જોસેફ ગોબેલ્સ હિટલરના નાઝી ગ્રૂપના રાજકારણી હતા, ફિલોલોજીસ્ટ અર્થાત ભાષાશાસ્ત્રી હતા.  બર્લિનના મુખિયા હતા અને નાઝી પાર્ટીના મુખ્ય પ્રચારક હતા. સમય વિતતા પ્રગતિ કરીને જર્મનીના પ્રોપેગેંડા મંત્રીપદ સુધી પહોંચેલા. ગોબેલ્સ પોતાની અસામાન્ય એવી વકતૃત્વ કળા અને યહૂદી વિરોધી વિચારોથી હિટલરના ચાહિતા અને વિશ્વાસુ સાથી બની ગયેલા. ગોબેલ્સ યહુદીઓ વિષે જાહેરમાં અણછાજતી ટિપ્પણીઓ કરતાં અને તેમનો નાશ કરવાની વાતો પણ કરતાં. જીવનના એક મુકામે ગોબેલ્સનું પોતાનું સ્વપ્ન એક સફળ લેખક બનવાનું હતું. વર્ષ 1921માં તેમણે ‘ફિલોલોજી’માં પીએચડીની ડિગ્રી પણ મેળવેલી. ગોબેલ્સે 1923 દરમિયાન બે નાટકો લખેલા. લેખન પ્રવૃતિ કાયમ રાખતા 1940 સુધીમાં ચૌદ પુસ્તકો લખી ચૂકેલા. મોકો ઉપલબ્ધ થતાં ગોબેલ્સ એક કરતાં વધુ વખત લગ્નેત્તર સંબંધોમાં પણ ડોકિયું કરી ચૂકેલા.  

1924માં ગોબેલ્સે નાઝી પાર્ટીનું સભ્યપદ મેળવ્યું અને પાર્ટીનું પ્રચાર તંત્ર સંભાળવા લાગેલા. 1933માં હિટલરે સત્તા સૂત્રો સંભાળતાની સાથે જ ગોબેલ્સે એક મહત્વનુ કામ કર્યું.  ગોબેલ્સે સમગ્ર સમાચાર મધ્યમોને પોતાના કાબૂ હેઠળ લાવી દીધા. તે સમયે પ્રમાણમા નવા એવા રેડિયો અને ચલચિત્રોનો માધ્યમો દ્વારા યહૂદી વિરુધ્ધ ઝેર ફેલાવતા અને ખ્રિસ્તીઓ માટે સહાનુભૂતિ ઊભી કરવાનુ કામ ફાવી ગયેલું. ગોબેલ્સ 1943થી હિટલર પર ‘ટોટલ વોર’(જેની હેઠળ સમગ્ર સમાજ, સંપત્તિ, સ્ત્રીઓને યુધ્ધ સંબંધિત કાર્યવાહોનો હિસ્સો બનાવી શકાય.) જાહેર કરવાનું કહેતા હતા.અંતે, 23.07.1944ના દિવસે હિટલરે ગોબેલ્સની દરખાસ્ત સ્વીકારી અને તે સાથે જ ગોબેલ્સે યહુદીઓના વ્યવસાય બંધ કરાવ્યા અને સ્ત્રીઓને પણ યુધ્ધ સંબંધિત કામમાં બળપૂર્વક લગાડયાં. 

જેનો ઉદય થાય તેનો અંત નિશ્ચિત જ હોય છે. મિત્રરાષ્ટ્રો જર્મનીને પરાસ્ત કરી ચૂક્યા હતા. 30.04.1945ના રોજ હિટલરે પોતાના ખાસ બંકરમાં આત્મહત્યા કરી. મે મહિનાની પહેલી તારીખે ગોબેલ્સે એક દંત ચિકિત્સકને બોલાવીને હુકમ કર્યો કે પોતાના છ બાળકોને મોરફિનનું ઈંજેકશન આપવામાં આવે. જેથી બાળકો બેભાન હોય ત્યારે તેમના મોઢામાં સાયનાઇડ એંપ્યુલ તોડીને મૂકી શકાય. એક માહિતી મૂજબ, રાત્રે 08.30 કલાકે ગોબેલ્સ અને તેમના પત્ની મેગ્ડા બગીચામાં ગયા અને આત્મહત્યા કરી. ગોબેલ્સના હુકમ મુજબ એક સૈનિકે તેમના શરીરો પર અનેક ગોળીઓ વરસાવી અને મૃત્યુ સુનિશ્ચિત કર્યું.  જ્યારે બીજો એક અહેવાલ છે કે ગોબેલ્સ અને મેગ્ડાએ હિટલરની કબર પાસે જઈને સાયનાઇડ લીધેલું. તે સાથે જ, કદાચ કહી શકીએ કે,  એક મેઘાવી પણ વિકૃત વ્યક્તિત્વનો અંત આવ્યો, અને અંત સારા માટે જ આવ્યો.

- ફાલ્ગુન મોદી

આ સમાચાર શેર કરો