શતરંગ / છૂટાછેડા પામેલી મુસ્લિમ મહિલાને મળ્યું ધર્મનિરપેક્ષ ભારત
- અર્થ અને તંત્ર સર્વોચ્ચ અદાલતે મહંમદ અબ્દુલ સમાદ નામના એક અરજદારના કેસમાં બે દિવસ પહેલાં ચુકાદ

- અર્થ અને તંત્ર
સર્વોચ્ચ અદાલતે મહંમદ અબ્દુલ સમાદ નામના એક અરજદારના કેસમાં બે દિવસ પહેલાં ચુકાદો આપીને ફરી એક વાર કહ્યું કે મુસ્લિમ મહિલાઓને છૂટાછેડા બાદ અન્ય તમામ ધર્મોની મહિલાઓની જેમ જ ફોજદારી કાર્યવિધિ ધારા(CrPC)-૧૯૭૩ની કલમ-125 હેઠળ ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. ધર્મનિરપેક્ષતા કોઈ એક જ સમુદાય માટે હોઈ શકે નહિ, એ તો તમામ નાગરિકો માટે હોય એમ અદાલતે ફરી પ્રસ્થાપિત કર્યું.
તમામ ધર્મનિરપેક્ષ લોકોએ અને જેઓ આર્થિક-સામાજિક વિકાસ માટે, અને ખાસ કરીને મહિલાઓના વિકાસ માટે, કામ કરનારાં તમામ બિન-સરકારી સંગઠનોએ અને નાગરિક અધિકારો માટે લડનારાં સંગઠનોએ આ ચુકાદાને આવકારવો જોઈએ કારણ કે તે છૂટાછેડા પામેલી મહિલાઓના આર્થિક રક્ષણમાં અને એ રીતે તેમના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જેન્ડર જસ્ટિસ એટલે કે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે કોઈ સામાજિક, આર્થિક, રાજકીય કે સાંસ્કૃતિક ભેદભાવ નહિ તેવા સિદ્ધાંત અને સમાનતાના સિદ્ધાંતનું ઢોલ કાયમ પીટનારા લોકોએ આ ચુકાદો જે ખરી વાસ્તવિક સમાનતા ઊભી કરવા તરફ લઈ જાય છે તેનું સ્વાગત કરવું જ જોઈએ.
લગભગ ચાર દાયકા પહેલાંના શાહબાનુ કેસની યાદ આ ચુકાદાથી તાજી થાય છે. ૧૯૮૫માં શાહબાનુ નામની મુસ્લિમ મહિલાના કિસ્સામાં સર્વોચ્ચ અદાલતે આ જ કાયદાની આ જ કલમ હેઠળ ચુકાદો આપીને એમ કહ્યું હતું કે છૂટાછેડા પ્રાપ્ત મુસ્લિમ મહિલાઓ પણ આ કલમ હેઠળ તેમના ભૂતપૂર્વ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા હકદાર છે. તે સમયે રૂઢિચુસ્ત મુસ્લિમ પુરુષોએ આ ચુકાદા સામે ભારે ઊહાપોહ કર્યો હતો. તે વખતે કોંગ્રેસને મુસ્લિમોના મત ભવિષ્યમાં નહિ મળે એવી બીકથી સર્વોચ્ચ અદાલતના ચુકાદાને લગભગ રદબાતલ કરતો અને છૂટાછેડા પ્રાપ્ત મુસ્લિમ મહિલાઓને ધાર્મિક સિદ્ધાંતો મુજબ વળતર મળે તે માટે અલગ મુસ્લિમ મહિલા છૂટાછેડા અધિકાર રક્ષણ ધારો (MWPRD) નામે નવો કાયદો રાજીવ ગાંધીની સરકારે કર્યો.
વીસમી સદીના છેલ્લેથી બીજા દાયકામાં રાજીવ ગાંધી દેશને એકવીસમી સદીમાં લઈ જવાની આધુનિકતાની વાતો કરતા હતા અને તેમની જ સરકારે મુસ્લિમ મહિલાઓને સદીઓ જૂના ધાર્મિક કાયદામાં આ નવો કાયદો કરીને લગભગ પાછી ધકેલી દીધી હતી! ધર્મનિરપેક્ષ દેશમાં રૂઢિચુસ્ત મુસ્લિમ સમુદાયની આળપંપાળ કરનારું આ એક મહત્ત્વનું પગલું હતું.
રાજીવ ગાંધીની કોંગ્રેસના આ નવા કાયદા છતાં પણ ૧૯૮૯ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસ હારી ગઈ હતી અને ભાજપના હિન્દુત્વને રાજીવ ગાંધીની સરકારના આ વલણને લીધે જબરજસ્ત વેગ મળ્યો હતો. હવે કોંગ્રેસ અને પોતાની જાતને ધર્મનિરપેક્ષતાનું રક્ષણ કરનારા કહેતા લોકો આ ચુકાદાને વિષે કેવું વલણ અખત્યાર કરે છે તે મહત્ત્વનું થઈ પડે છે. ચાર દાયકામાં દેશની નદીઓમાં બહુ પાણી વહી ગયાં છે અને રાજકીય હિન્દુત્વનું જોર બહુ વધી ગયું છે ત્યારે આ ચુકાદાનું અનેરું મહત્ત્વ છે.
રાજીવ ગાંધીની સરકારે જે કાયદો કર્યો હતો તેમાં છૂટાછેડા પામેલી મુસ્લિમ મહિલાને ત્રણ મહિનાના ઇદ્દતના ગાળા પછી પતિ પાસેથી નહિ પણ સગાંવહાલાં કે સંતાનો પાસેથી અને જો તેમ ન થાય તો રાજ્ય વકફ બોર્ડ પાસેથી ભરણપોષણ મળે તેવી જોગવાઈ કરી હતી અને પતિને તેની જવાબદારીમાંથી મુક્ત કર્યો હતો. આમ, એ કાયદાથી જેઓ ધર્મનિરપેક્ષ થવા માગતા નહોતા એવા રૂઢિચુસ્ત મુસ્લિમ પુરુષોની ઇસ્લામી સિદ્ધાંત અપનાવવાની લગભગ છૂટ મળી ગઈ હતી. આ ખરેખર જ પછાત માનસિકતાને પોષનારો પછાત કાયદો હતો.
આ કિસ્સામાં તેલંગણાની એક કૌટુંબિક અદાલતે મુસ્લિમ પુરુષને છૂટાછેડા પામેલી પત્નીને ભરણપોષણ આપવા હુકમ કર્યો હતો. પછી રાજ્યની વડી અદાલતે એ ચુકાદાને મંજૂરીની મહોર મારી હતી અને હવે સર્વોચ્ચ અદાલતે પણ તેને જ મંજૂર રાખ્યો છે. ચુકાદામાં અદાલતે કહ્યું છે કે ઉપરોક્ત કલમ-125 સામાજિક ન્યાયના પગલા તરીકેની અને ભેદભાવ, ગેરલાભ અને વંચિતતાથી મહિલાને મુક્તિ અપાવનારી છે અને તેથી તે ધર્મના ભેદભાવ વિના કોઈ પણ ભારતીય નાગરિક એવી સ્ત્રીને લાગુ પડે જ છે કારણ કે તે બંધારણીય મૂલ્ય છે. ૨૦૧૯માં પટનાની વડી અદાલતે પણ એક ચુકાદામાં કહ્યું હતું કે મુસ્લિમ મહિલાને CrPCની કલમ-125 હેઠળ ભરણપોષણ મેળવતાં અટકાવી શકાય નહિ. સર્વોચ્ચ અદાલતે હવે તેને આખરી મહોર મારી છે, ત્યારે આશા રાખીએ કે મુસ્લિમ પુરુષો નવી વાસ્તવિકતાને અને સમાનતાના બંધારણીય મૂલ્યને સ્વીકારે.
ચુકાદામાં બંધારણની કલમ-૧૫(૩)નો અર્થઘટન માટે ઉપયોગ થયો છે કે જે એમ કહે છે કે રાજ્ય સ્ત્રીઓ માટે ખાસ જોગવાઈઓ કરે તો તેનો અર્થ એવો ન થાય કે રાજ્યે સમાનતાના અધિકારનો ભંગ કર્યો છે. આમ, CrPCની કલમ-125 બધાને લાગુ પડે તો તે મુસ્લિમ મહિલાઓને સમાનતાનો અધિકાર આપે છે એમ કહેવાય. વળી, બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ-૩૯(ઈ)માં “નાગરિકોને આર્થિક જરૂરિયાતને કારણે તેમની વય કે શક્તિને માફક ન હોય તેવી રોજગારીમાં પડવું ન પડે તે જોવાની” જવાબદારી સરકારની છે એમ કહેવાયું છે. જો છૂટાછેડા પામેલી મુસ્લિમ મહિલાને તે ફરી લગ્ન ન કરે તો પતિ પાસેથી જીવનભર ભરણપોષણ મળે તો આ કલમનું પાલન થાય છે એવું પણ અર્થઘટન આ ચુકાદામાં કરવામાં આવ્યું છે. તેથી પણ કલમ-125 રાજ્યની ફરજ તરીકે અમલમાં છે અને તે ધર્મના ભેદભાવ વિના જ લાગુ પડે છે.
જો કે, સર્વોચ્ચ અદાલતે એમ કહ્યું છે કે ૧૯૮૬ના મુસ્લિમ મહિલા છૂટાછેડા અધિકાર રક્ષણ ધારાની જોગવાઈ ઉપરાંત લાગુ પડે છે અને CrPCની કલમ-125 તેની વિરોધી નથી. એટલે મુસ્લિમ મહિલાઓ માટે આ અલગ કાયદો હોવા છતાં પણ તેઓ ધર્મનિરપેક્ષ એવા CrPCની કલમ-125 હેઠળ ભરણપોષણ મેળવવા માટે હકદાર બને છે એમ આ ચુકાદો કહે છે. અરજદાર પતિની એ દલીલ સર્વોચ્ચ અદાલતે નકારી કાઢી તેને મુસ્લિમ વ્યક્તિગત કાનૂન જ લાગુ પડે અને તે મુજબ જ તે ભરણપોષણ ચૂકવે. આમ, ફરી એક વાર ધર્મનિરપેક્ષતા કાનૂની રીતે જીતી છે. ધાર્મિક રીતરિવાજને માન્ય રાખતા કાયદાની ઉપરવટ જઈને બધા નાગરિકોને સમાનપણે લાગુ પડતો ધર્મનિરપેક્ષ કાયદો લાગુ પડે એમ આ ચુકાદાનું હાર્દ છે.
એ જ સમજાતું નથી કે શા માટે કોઈ પણ સમુદાય સદીઓ જૂના ધાર્મિક કાયદાને વળગી રહેવા માગે છે? છેલ્લી ચારેક સદીઓથી મનુષ્યે જીવવાની પદ્ધતિ બદલી નાખી છે. હવે મનુષ્ય માત્ર ખેતી-આધારિત જીવન જીવતો નથી અને રાજાશાહીમાં પણ જીવતો નથી; ત્યારે જિંદગી જીવવા માટે માનવ અધિકાર આધારિત મૂલ્યો મહત્ત્વનાં બને કે જે ૧૯૪૮ની સાર્વત્રિક માનવ અધિકાર ઘોષણામાં લખેલાં છે તો તેમાં ખોટું શું છે? ધર્મનિરપેક્ષ એવા ભારતમાં બધા ધર્મોના લોકોએ પોતાનો ભૂતકાળ બહુ સારો હતો અને ભૂતકાળમાં જે કાયદાઓ અને વ્યવસ્થાઓ હતાં તે બહુ સારાં હતાં એવી જડ માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે.
ધાર્મિક જડતા પણ ચેપી રોગ જેવી છે, એક ધર્મના લોકો જડતામાં સરી પડે એટલે બીજા ધર્મોના લોકો પણ જડતાને સહારે જવા પ્રેરાય. રાજ્યમાં ધર્મનિરપેક્ષતા માત્ર કોઈ એક જ સમુદાય માટે હોઈ શકે નહિ, બધાને એ સિદ્ધાંત અને તેના આધારિત વ્યવહાર લાગુ પડવા જ જોઈએ. સમાજનો વ્યવહાર ચલાવવા માટે જો મનુસ્મૃતિ, રામાયણ કે મહાભારતના કેટલાક હિંદુ કે સનાતની સિદ્ધાંતોની આજે ધર્મનિરપેક્ષ ભારતમાં જરૂર નથી એમ કહેતા હોઈએ તો પછી શરિયત, હદીથ કે કુરાનના પણ કેટલાક ઇસ્લામિક સિદ્ધાંતોની આજે જરૂર નથી જ નથી.
- હેમન્તકુમાર શાહ








