Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ : Did Shashank catch anyone's eye?

GSTV શતરંગ : શું શશાંકને કોઇની નજર લાગી ગઇ? 

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ : શું શશાંકને કોઇની નજર લાગી ગઇ? 
સોર્સ : gstv

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

App Store

એ સ.એસ.સી. બોર્ડમાં સેન્ટરમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી અગિયારમાંની વાર્ષિક પરીક્ષામાં કોઇપણ વિષયમાં બે આંકડા સુધી પહોંચ્યો નહીં... ત્યારે માતા-પિતાને સવાલ થયો શશાંકને આ... એકાએક થઇ શું ગયું છે?

સમીરભાઇ અને કિન્નરીબેનના જીવનનો એક યાદગાર દિવસ હતો કારણ તેમનો એકનો એક લાડલો દીકરો શશાંક એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં સેન્ટર ફર્સ્ટ આવ્યો હતો. પુત્રની ઝળહળતી ફતેહની ખુશાલીમાં તેમણે એક મોટી પાર્ટીનું આયોજન કર્યું. શશાંક પર અભિનંદનનો ધોધ વરસી ગયો. શરમાળ, ઓછાબોલો અને મોટેભાગે એકલો રહેવા ટેવાયેલો શશાંક લોકોના અભિનંદનનો ગર્વથી પ્રતિસાદ આપવાને બદલે બધાથી દૂર ભાગતો હોય તેમ છપડાતો ફરતો હતો.

પાર્ટી દરમ્યાન પુત્રના મોં ફાટ વખાણ કરતાં માતા પિતા ગર્વભેર લોકોને કહેતાં આ ''અમારો શશુ તો પુસ્તકનો કીડો'' ''લોકો સાથે રમવામાં કે ટોળટપ્પાં મારવામાં આ સમય બગાડતો નથી''... ''ટી.વી.માં કેટલી ચેનલ આવે છે એની તો એને ખબર નથી!''... ''સોશિયલ મીડિયા એટલે શું એ ક્યારેય સમજ્યોજ નથી.'' ''એ તો મોટો સાયન્ટીસ્ટ કે ડોકટર થવાનો...'' ''સાયન્ટીસ્ટો આમ પણ બહુ ઓછું બોલતા હોય છે...'' ''શશુ... શરમાળ ખરો... પણ એસ.એસ.સી.ના રીઝલ્ટથી એને કંઇ ફુલાવા જેવું લાગતું નથી...'' ''આ તો નાનું ટ્રેલર છે... પિકચર તો તમે બહાર પડે ત્યારે જોજો ને...''

મહેમાનોના વિવિધ પ્રશ્નોના છાતી ફુલાવીને જવાબો આપતાં તેઓ થાકતા ન હતા. પુત્રએ કૂળનું નામ રોશન કર્યું એ વિચારથી તેમના પગ જમીનથી બે ફૂટ અધ્ધર પડતા હતા... આખી પાર્ટીમાં બન્નેય જાણે હવામાં ઉડતા હતા.

બારમા ધોરણના કોચિંગ ક્લાસ તો દસમાના રીઝલ્ટ સાથે જ શરૂ થઇ ગયા. શશાંક કોચિંગ ક્લાસમાં નિયમિત જતો હતો. સ્કુલે પણ નિયમિત રીતે જતો હતો અને ઘરમાં પોતાના રૂમમાં ચોપડીનો કીડો બની ભરાઇ રહેતો હતો. ભણવા બેસવા માટે પુત્રને કોઇ ટકોર કરવી પડતી નહીં.

સમીરભાઇ ક્યારેક પુત્રને કહેતા કે ''ચાલ બેટા બહાર ફરવા જઇએ, પિકચર જોવા જઇએ'' ત્યારે શશાંક સાફ ના પાડતો. અને કિન્નરીબેન પતિ પર છળી ઊઠી બોલતાં, ''સાયન્ટીસ્ટો ખોટી વાતોમાં ક્યારેય ટાઇમ બગાડતા નથી.'' ક્યારેક એવું પણ બનતું કે વાંચવામાં મગ્ન શશાંક નહાવા ધોવાનું પણ ભૂલી જતો અને કપડાં બદલ્યા વગર કોચિંગ ક્લાસ અને ટયુશનમાં દોડી જતો.

અગિયારમા ધોરણને પ્રથમ સત્રની પરીક્ષા આવી. શશાંકે રાત્રિના ઉજાગરા કરી વાંચ્યું. પરિણામ આવ્યું ૭૦% ! ક્લાસમાં વીસમો નંબર!! માતા-પિતાને આઘાત લાગ્યો... પણ પુત્ર ભાવશૂન્ય રહ્યો. કિન્નરીબેને પુત્રને પ્રોત્સાહન આપતાં કહ્યું... ''દીકરા... તારા માટે આ સાવ નાની પરીક્ષા કહેવાય... તું નાની મોટી મેચનો નહીં પણ ટેસ્ટમેચનો ખેલાડી કહેવાય... આવું તો ચાલ્યા કરે...''

સમીરભાઇને લાગ્યું કે દસમાના રીઝલ્ટ પછી આટલી મોટી પાર્ટી આપી તથા બણગાં ફૂંકી તેમણે પુત્રને દબાણ હેઠળ મૂકી દીધો છે. હવે પછી કોઇ જ પ્રકારનું પ્રત્યક્ષ કે પરોક્ષ દબાણ ન કરવાનો તેમણે નિર્ણય કર્યો.

શશાંક પોતાના રૂમમાં જ પડયો રહેતો. સગાં સબંધી કે મિત્રોને મળવાનું ટાળતો. મમ્મી-પપ્પા સાથે પણ જરૂર પૂરતું જ બોલતો... કિન્નરીબેન જ્યારે પણ એના રૂમાં ડોકિયું કરે ત્યારે તે એક ખૂણામાં ચોપડીમાં માથું નાંખીને જ બેઠેલો જોવા મળતો. મોડી રાત સુધી તેના રૂમની લાઇટ બળ્યા કરતી. સવારે તે થોડો સુસ્ત રહેતો. રાત કદાચ શશાંકને મન સૂવા માટે ન હતી. દિવસે તે ઝોકાં ખાઇ લેતો.

બીજા સત્રની પરીક્ષા થઇ. પરિણામ આવ્યું ૫૦ ટકા!!

હવે ટયુશન ટીચર્સની ફરિયાદો આવવા લાગી કે શશાંક એની ક્ષમતા મુજબ પરફોર્મન્સ આપતો નથી. એ ક્લાસમાં તો બેઠો હોય છે પણ એનું ધ્યાન ભણવામાં હોતું નથી. સામાન્ય પ્રશ્નોના જવાબ આપવાને બદલે તે શિક્ષકના મોઢાં સામે ભાવશૂન્ય નજરે જોતો રહે છે. તેનું હોમવર્ક પણ કોઇ ઠોઠ વિદ્યાર્થીએ લખ્યું હોય તેમ ધડમાથા વગરનું હોય છે.

સમીરભાઇ અને કિન્નરીબેન હવે ગભરાયાં. દિવસના ભાગમાં પુત્રની સામે બેસી રહી  તે કેટલું વાંચે છે એ જોવાની ડયુટી કિન્નરીબેને સ્વીકારી અને રાત આખી સમીરભાઇ પહેરો ભરવા લાગ્યા. ધીરે ધીરે તેમણે નોંધ્યું કે પુત્રની ચોપડીના પાનાં ફરતાં નથી. તેની નજર એકાદ બે લાઇન પર ભાવશૂન્ય રીતે ચોંટી રહે છે. ક્યારેક તે બબડતો હોય તેમ લાગે છે.

માતા-પિતાએ પુત્રને પૂછ્યું.. ''બેટા તું કેમ આટલો બધો મૂંઝાય છે? જે વાત હોય તે અમને કહી દે. કોઇની સાથે પ્રેમ થઇ ગયો હોય તો પણ અમને કહે... અમે ગમે તે છોકરીને સ્વીકારવા તૈયાર છીએ. તને કોઇ ડરાવતું કે ધમકાવતું હોય તો પણ કહી દે અમે બધાંને સીધાદોર કરી નાંખીશું.''

આવાં વાક્યો સાંભળી જવાબમાં શશાંક ફિક્કું સ્મિત કરતો અને કશીક વિડંબણામાં હોય તેમ શૂન્ય મસ્તકે મમ્મી-પપ્પા તરફ જોયાં કરતો.

સમીરભાઇને લાગ્યું કે... ''ચોક્કસ... તેમના પુત્રને કોઇની નજર લાગી ગઇ છે. કિન્નરીબેને તો નજર ઉતારવામાં નામચીન હોય તેવા જુદા જુદા 

લોકોને તેડાવ્યા. શક્ય તેટલી વિધિઓ કરાવી. પૂર્વજો અને પાડોશિયોના મૃત લોકોના શ્રાધ્ધ અને શ્રધ્ધાંજલીઓ પણ કરાવી અને અગિયારમાની વાર્ષિક પરીક્ષામાં શશાંક સારા માર્કસ લાવે તેને માટે અંબાજી ચાલતા જવાની બાધા પણ રાખી.

અગિયારમાની વાર્ષિક પરીક્ષા પતી ગઇ. શશાંક કોઇ પણ વિષયમાં બે આંકડા પર પહોંચી ન શક્યો. પેપર્સ ખોલાવાયાં. તો જણાયું કે એમાં મોટે ભાગે અસંગત વાક્યો અને લીટાઓ જ પાડેલા હતા.

સમીરભાઇ અને કિન્નરીબેન હચમચી ઉઠયાં. લોકોએ કહ્યું તે ભૂવા-ફકીર, ભગત-પીર ને દરગાહ પર પુત્રને લઇ ગયા. દોષ નિવારણ પણ કરાયું. પરંતુ કોઇ ફેર ન પડયો. હવે શશાંક પોતાના રૂમના ખૂણામાં દીવાલ સામે શૂન્યમનસ્ક બની તાક્યા કરતો... ક્યારેક હસ્યા કરતો હતો તો ક્યારેક બબડયા કરતો હતો.

તમામ અખતરાઓ અને નુસખાઓ અજમાવી જોયા બાદ શશાંકને મનોચિકિત્સા માટે લવાયો. શશાંકના રોગનું ''એડોલેસન્ટ સ્કીઝોફ્રેનિયા'' એવું નિદાન કરાયું. દસમા ધોરણમાં બોર્ડમાં આટલું સારું પરિણામ લાવનાર વિદ્યાર્થી નબળા મનનો કે ગાંડો હોઇ જ ન શકે એવું માતા-પિતા ભારપૂર્વક દોહરાવતા રહ્યા. તેમને સમજાવાયું કે શશાંક ખરેખર તેજસ્વી વિદ્યાર્થી છે જ. પણ મગજના સ્ટ્રકચર અને ન્યુરોટ્રાન્સમીટર રસાયણોની અસમતુલાને કારણે તેના વિચાર, વર્તન, લાગણી અને ઈચ્છાશક્તિનો રોગ છે. અને તે ગમે તેવા બુધ્ધિશાળી માણસને પણ થઇ શકે છે.

શશાંકના કિસ્સામાં સ્કીઝોફ્રેનિયા ધીમી અને ક્રમિક ગતિથી વિકસ્યો હતો. માતા-પિતા કે શશાંકને લાંબા સમય સુધી કાંઇ ખોટું થયું છે તે સમજી શક્યા ન હતા. વ્યક્તિના વિચાર, વર્તન, લાગણી અને ઈચ્છાશક્તિમાં થતા આ પ્રકારના પરિવર્તનને કપટી સ્કીઝોફ્રેનિયા તરીકે નિર્દેશવામાં આવે છે.

શશાંકના કિસ્સામાં સ્કીઝોફ્રેનિયા થવાનું કારણ પરીક્ષાનો કે અભ્યાસનો તનાવ, માર્કસ લાવવાનું દબાણ, માતા-પિતાનું વર્તન, ઉછેર વગેરેમાંથી કોઈજ નહોતાં. પુત્રની આવી પરિસ્થિતિ માટે પોતે જ જવાબદાર છે એવું સમજી અપરાધભાવ અનુભવતા માતા-પિતાને સમજાવાયું કે શશાંકને થયેલા રોગનું કારણ મગજમાં ડોપામિન નામના ન્યુરોટ્રાન્સમીટર- રસાયણના ફેરફારો છે. શરમાળ પ્રકૃતિ ધરાવતા, લોકો સાથે હળવા મળવાનું ટાળતા, મિત્રો વગર એકાકી જીવન જીવતા શશાંકનું વ્યક્તિત્વ અંતરમુખી હતું. તેથી આ રોગ થવાની સંભાવના તેને વધારે હતી. 

રૂમમાં સતત એકલા બેસીને ચોપડીમાં માથું રાખી મૂકનાર, કોઇપણ પ્રકારની રીક્રીએશન પ્રવૃત્તિથી દૂર રહેનાર શશાંક સ્કીઝોફ્રેનિયા તરફ આગળ વધતો જતો હતો. તેના વિચારો અને લાગણીઓ વચ્ચે વિસંવાદિતા વધતી જતી હતી. આંખો ચોપડીમાં સ્થિર કરી તે પોતાની દુનિયામાં ખોવાઇ જતો હતો. પરંતુ માતા-પિતાને તો એમજ લાગ્યા કર્યું કે પુત્ર વાંચી રહ્યો છે. પરંતુ પરીક્ષાના પરિણામોથી સ્પષ્ટ થયું કે શશાંકનું મગજ ભણવામાં નથી ચોટતું. પરંતુ આને ''નજર લાગી જવી'' ''નડતર હોવું...'' વગેરે સમજીને માતા-પિતા ઈલાજો માટે ફરતા રહ્યા અને શશાંકના મગજમાં ડોપામિનના કેમીકલ લોચા વધતા ગયા.

સદ્નસીબે શશાંકની આ બીમારી તેની બુધ્ધિશક્તિ પર વિપરિત અસર કરે તે પહેલાં તેની દવા શરૂ કરી દેવાઇ. આવા કીસ્સાઓમાં વ્યક્તિના વિચાર, લાગણી અને વર્તન પર કાબુ ધરાવતી દવાઓ સમયસર આપવામાં આવે તો તેને પૂર્વવત્ પરિસ્થિતિમાં લાવી શકાય છે. તરુણાવસ્થામાં સ્કીઝોફ્રેનિયા થવા છતાં યોગ્ય અને લાંબા સમયની દવાથી સંપૂર્ણ નોર્મલ થઇ મોટા થઇને સાયન્ટીસ્ટ બની નોબેલ પ્રાઇઝ જીતનાર ડો. વશિષ્ટ નાયારણસીંગ અને ''ધ બ્યુટીફુલ માઇન્ડ''ના હીરો જ્હોન ફોર્બસનેરના કિસ્સાઓ તો જગજાહેર છે.

સ્કીઝોફ્રેનિયાની શરૂઆત બાલ્યાવસ્થામાં કે તરુણાવસ્થામાં થાય ત્યારે રોગનો થવાનો અને ઓળખવાનો તથા યોગ્ય સારવાર કરાવવાનો સમયગાળો એટલે કે ડયુરેશન ઓફ અનટ્રીટેડ સાયકોસીસ- ડી.યુ.પી. જેટલો લાંબો થતો જાય તેમ તેના પર સારવારની ધારી અસર લાવવી મુશ્કેલ થતી જાય છે.

યાદ રહે... સ્કીઝોફ્રેનિયાનો દરદી એ કોઇ વિચિત્ર કે વિશિષ્ઠ પ્રાણી નહીં પણ મારા અને તમારા જેવી સામાન્ય વ્યક્તિ છે. આવા દરદીઓ પર કામચોર, આળસુ, હિંસક, ખતરનાક કે મેન્ટલ એવા લેબલો મારવાની કે પછી એમને દરગાહ, ફકીરો, તાંત્રિક, તાંત્રિક પાસે લઇ જઇ દોરા-ધાગા કે વિધિઓ કરાવવાની જરૂર નથી. દવાઓથી તેમના મગજના રસાયણોની ગતિવિધિ કાબુમાં લાવી તેઓ નોકરી-ધંધો- લગ્ન કરી ઉચ્ચ ગુણવત્તાવાળું જીવન જીવી કુટુંબ અને સમાજમાં ગર્વભેર રહી શકે છે. એક વર્ષ ડ્રોપ લીધા પછી શશાંક એવું ભણ્યો કે મેડીકલ ગ્રેજ્યુએટ, પછી પોસ્ટગ્રેજ્યુએટ ડોકટર થઇ ગયો. અત્યારે તે સુપર સ્પેશ્યાલીસ્ટ થવા જઇ રહ્યો છે.