Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ભવન કચ્છી : In China, exam papers are as secure as nuclear codes

GSTV શતરંગ : ચીનમાં પરીક્ષાના પેપરને પરમાણુ કોડ જેટલી સુરક્ષા

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ : ચીનમાં પરીક્ષાના પેપરને પરમાણુ કોડ જેટલી સુરક્ષા
સોર્સ : gstv

- વિવિધા -ભવેન કચ્છી

App Store

ભા રતમાં દર વર્ષે NEET (National Eligibility cum Entrance Test) જેવી મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પેપર લીક અને ગેરરીતિઓના વિવાદોમાં ઘેરાયેલી રહે છે. જેના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને મહેનત દાવ પર લાગી જાય છે. આવા સમયે, આખા વિશ્વનું ધ્યાન ચીન તરફ જાય છે, જે વિશ્વની સૌથી મોટી અને સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક એવી 'ગાઓકાઓ' (Gaokao) નું આયોજન કરે છે.

NEETમાં જ્યાં ૨૨થી ૨૫ લાખ વિદ્યાર્થીઓ બેસે છે, ત્યાં ચીનની ગાઓકાઓ પરીક્ષામાં ૧.૩ કરોડથી વધુ  વિદ્યાર્થીઓ ભાગ લે છે! આટલા વિરાટ સ્તરે આયોજન થવા છતાં, ચીનમાં પેપર લીક થવાની ઘટના નહિવત્ અથવા અશક્ય સમાન છે. ૧૨ ધોરણ પાસ કર્યા પછી વિદ્યાર્થીને દેશ કે રાજ્યની કઈ કોલેજમાં પ્રવેશ મળે છે તે નક્કી કરવા માટેની આ પરીક્ષા છે.

 ચીન આ પરીક્ષાને કઈ રીતે 'લીક-પ્રૂફ' અને મિલિટરી ગ્રેડ સુરક્ષાથી સજ્જ રાખે છે, તે જાણી ભારત સરકારે  પણ  આપણી પરીક્ષા પદ્ધતિમાં તેની પ્રેરણા લઇ અમલ કરવો જોઈએ.

પરીક્ષા : જીવનનો ઉત્સવ 

'ગાઓકાઓ'નું સત્તાવાર નામ નેશનલ કોલેજ એન્ટ્રન્સ એક્ઝામિનેશન  છે. ચીનના શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષે જૂન મહિનાની શરૂઆતમાં આ પરીક્ષા લેવાય છે. ૧૮ વર્ષના હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા તેમનું ભવિષ્ય નક્કી કરનારી સાબિત થાય છે. આ વખતે ૭થી ૯ જૂન દરમ્યાન આ પરીક્ષા લેવાનાર છે.

ચીનમાં જો વિદ્યાર્થીને કોઈ સારી યુનિવર્સિટીમાં એડમિશન જોઈતું હોય, તો માત્ર ને માત્ર ગાઓકાઓનો સ્કોર જ ધ્યાનમાં લેવાય છે. આ સ્કોરના આધારે નક્કી થાય છે કે વિદ્યાર્થી ભવિષ્યમાં મલ્ટીનેશનલ કંપનીમાં સીઈઓ બનશે કે કોઈ નાની ફેક્ટરીમાં મજૂરી કરશે.

આ પરીક્ષાને ચીનમાં સામાજિક સમાનતાનું પ્રતીક માનવામાં આવે છે. ગરીબમાં ગરીબ પરિવારનો છોકરો પણ જો ગાઓકાઓમાં ટોપ કરે, તો તેનું જીવન બદલાઈ જાય છે. તેથી જ આખા ચીન માટે આ પરીક્ષા દેશના સૌથી મોટા ઉત્સવ કે મિલિટરી ઓપરેશન જેવી હોય છે.

જાણે મિલિટરી કેમ્પ

ભારતમાં અવારનવાર પ્રશ્નપત્રો પ્રિન્ટિંગ પ્રેસમાંથી અથવા ટ્રાન્સપોર્ટ દરમિયાન લીક થતા હોય છે. ચીન આ સમસ્યાને તેના મૂળમાંથી જ ખતમ કરી દે છે. ગાઓકાઓનું પેપર કેવી રીતે બને છે તેની પ્રક્રિયા હોલીવુડની કોઈ સસ્પેન્સ ફિલ્મ જેવી છે. પરીક્ષાના લગભગ ૩ મહિના પહેલાં, દેશની અલગ-અલગ યુનિવર્સિટીઓ અને શાળાઓમાંથી શ્રેષ્ઠ પ્રોફેસરો અને શિક્ષકોની ગુપ્ત રીતે પસંદગી કરવામાં આવે છે. આ તમામ લોકોને કોઈ અજ્ઞાાત સ્થળે (મોટેભાગે આર્મી કેમ્પ, પહાડી વિસ્તારો અથવા કડક સુરક્ષા ધરાવતી જેલોની અંદર બનેલી વિશેષ વિંગમાં) લઈ જવામાં આવે છે.

દુનિયા સાથે સંપર્ક નહીં 

એકવાર શિક્ષકો આ હાઈ-સિક્યોરિટી ઝોનમાં પરીક્ષાના ત્રણ મહિના પહેલા પ્રવેશે, પછી તેઓ પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી બહાર આવી શકતા નથી. તેમના સ્માર્ટફોન, લેપટોપ અને ઇન્ટરનેટ ગેજેટ્સ જપ્ત કરી લેવાય છે. ત્યાં કોઈ વાઈ-ફાઈ કે નેટવર્ક હોતું નથી.

જો કોઈ કટોકટીની સ્થિતિ ઊભી થાય, તો તેઓ માત્ર એક ખાસ મોનિટર થતી સરકારી લેન્ડલાઈન પર જ વાત કરી શકે છે, જેમાં તેમની એક-એક સેકન્ડનું રેકોર્ડિંગ થાય છે.

તેમના પરિવારજનોને પણ ખબર હોતી નથી કે આ શિક્ષકો ક્યાં છે. તેઓ પરીક્ષાના છેલ્લા દિવસે પેપર પૂરું થયા પછી જ મુક્ત થાય છે.

પરમાણુ કોડ્સ જેટલું મહત્વ 

ગાઓકાઓના પ્રશ્નપત્રો સામાન્ય પ્રિન્ટિંગ પ્રેસમાં નહીં, પરંતુ ચીનના  શિક્ષણ મંત્રાલય અને રાષ્ટ્રીય રાજ્ય રહસ્ય સંરક્ષણ વહીવટી તંત્ર  દ્વારા સંયુક્ત રીતે સંચાલિત મહત્તમ સુરક્ષા ધરાવતી જેલોમાં પ્રિન્ટ કરવામાં આવે છે.

પ્રિન્ટિંગ એરિયામાં ચોવીસે કલાક હાઈ-ડેફિનેશન કેમેરા ચાલુ રહે છે અને સશસ્ત્ર સૈનિકો તહેનાત હોય છે.

જે  કર્મચારીઓ પ્રિન્ટિંગ મશીન ચલાવે છે, તેઓ પણ પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી એ જ કેમ્પસમાં કેદ રહે છે. તેઓ પોતાના કપડામાં કે શરીરમાં ક્યાંય પણ કાગળનો નાનો ટુકડો પણ છુપાવી શકતા નથી, કારણ કે તેમની રોજ બોડી સ્કેન થાય છે. 

બખ્તરબંધ  ટ્રકો    

  જ્યારે પેપરો દેશના જુદા જુદા પ્રાંતોમાં મોકલવાના હોય, ત્યારે તેને બેંકની કેશ વાન કરતાં પણ વધુ સુરક્ષિત બખ્તરબંધ ટ્રકોમાં લોડ કરવામાં આવે છે. જી.પી.એસ અને સેટેલાઈટ ટ્રેકિંગ દરેક આવી ટ્રક પર લગાવાઈ હોય છે.બેઇજીંગ સ્થિત  સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાંથી દરેક વાનનું લાઈવ લોકેશન ટ્રેક થાય છે.

 આ ટ્રકોની સાથે ચીનની સેના  અને  સ્પેશિયલ 'સ્વોટ'પોલીસની ગાડીઓ તહેનાત હોય છે.

પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા પછી પેપરોને મજબૂત સ્ટીલની દિવાલો વાળા રૂમમાં રાખવામાં આવે છે, જે સીધા પોલીસ એલાર્મ સિસ્ટમ અને મોશન સેન્સર્સ (હલનચલન પકડી પાડતા સેન્સર્સ) સાથે જોડાયેલા હોય છે. ત્યાં સુધી કે પ્રશ્નપત્ર રાખવાના રૂમની અંદર જ અધિકારીઓએ ખાવા-પીવાનું અને ઊંઘવાનું હોય છે, જેથી રૂમ એક ક્ષણ માટે પણ ખાલી ન રહે.

એ. આઈ.ની બાજ નજર 

જ્યારે ગાઓકાઓ પરીક્ષા શરૂ થાય છે, ત્યારે આખું ચીન સ્તબ્ધ થઈ જાય છે.  ટેકનોલોજીનો એવો ઉપયોગ કરવામાં આવે છે કે પક્ષી પણ પાંખ મારી ન શકે.

ચીનના જિયાંગસી, લિયાઓનિંગ અને ગુઆંગડોંગ જેવા પ્રાંતોમાં પરીક્ષા ખંડની અંદર AI-સંચાલિત સ્માર્ટ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા માત્ર વિડીયો રેકોર્ડિંગ નથી કરતા, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી દરેક વિદ્યાર્થીના વર્તનનું પૃથ્થકરણ  કરે છે. જો કોઈ વિદ્યાર્થી વારંવાર ડોક હલાવે, બાજુમાં નજર કરે, અથવા ધીમેથી ગણગણાટ કરે, તો એ. આઈ. સિસ્ટમ તરત જ કંટ્રોલ રૂમને એલર્ટ મોકલી દે છે.

આ સિસ્ટમ પરીક્ષા લેનારા સુપરવાઇઝરો પર પણ નજર રાખે છે કે તેઓ પોતાની ફરજ બરાબર બજાવે છે કે નહીં.

બાયોમેટ્રિક વેરિફિકેશન 

ભારતમાં 'નીટ' કે અન્ય પરીક્ષાઓમાં ઘણીવાર 'ડમી વિદ્યાર્થી' (બીજાના નામે પરીક્ષા આપનાર) બેસી જતા હોય છે. ચીનમાં આ અશક્ય છે. પરીક્ષા કેન્દ્રના એન્ટ્રી ગેટ પર જ ફેસિયલ રેકગ્નિશન (ચહેરાની ઓળખ), ફિંગરપ્રિન્ટ સ્કેન, આઇરિસ (આંખની કીકી) સ્કેન કરવામાં આવે છે. આ ત્રણ સ્તરની તપાસ પછી જ અસલી વિદ્યાર્થીને અંદર જવા દેવાય છે.

પરીક્ષા કેન્દ્રોમાં જામર્સ

ચીન સરકારે વર્ષ ૨૦૨૬ સુધીમાં એન્ટી-ચેટિંગ ટેકનોલોજીને એટલી એડવાન્સ બનાવી દીધી છે કે પરીક્ષાના કલાકો દરમિયાન દેશની મોટી ટેક કંપનીઓ જેમ કે ByteDance (TikTok ની માતૃસંસ્થા) અને Alibaba એ તેમની પ્રખ્યાત એ. આઈ. પ્રણાલીઓ (જેમ કે DeepSeek, Kimi વગેરે) ની ઇમેજ રેકગ્નિશન અને પ્રશ્નો ઉકેલવાની ક્ષમતાને અસ્થાયી રૂપે બંધ રાખવી પડે છે. જેથી કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ફોટો પાડીને આન્સર મેળવી ન શકે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ હાઈ-પાવર રેડિયો સિગ્નલ જામર્સ લગાવવામાં આવે છે, જે બ્લૂટ્રુથ, વાઈ-ફાઈ કે ફાઈવ -જી સિગ્નલોને સંપૂર્ણપણે ઠપ કરી દે છે. ખાસ કેન્દ્રો પર ડ્રોન પણ ઉડતા રહે છે.

દેશભરમાં લોકડાઉન 

ગાઓકાઓ દરમિયાન ચીન સરકાર અને સામાન્ય જનતા જે શિસ્ત બતાવે છે, તે અદભુત છે. વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે આખા દેશમાં અનોખા નિયમો લાગુ કરાય છે. ચીન ગાઓકાઓને કઈ હદે ગંભીરતાથી લે છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે પરીક્ષાના દિવસોમાં સમગ્ર દેશમાં એક અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ સર્જાય છે. 

પરીક્ષા કેન્દ્રોની ઉપરથી પસાર થતી ડોમેસ્ટિક ફ્લાઈટ્સના રૂટ બદલી નાખવામાં આવે છે. ખાસ કરીને જ્યારે અંગ્રેજી વિષયની 'લિસનિંગ કોમ્પ્રિહેન્શન' (સાંભળવાની પરીક્ષા) ચાલતી હોય, ત્યારે એરપોર્ટ પર પ્લેનના ટેક-ઓફ અને લેન્ડિંગ પણ રોકી દેવાય છે જેથી વિદ્યાર્થીઓને સહેજ પણ અવાજ ખલેલ ન પાડે.

પરીક્ષા કેન્દ્રોની આસપાસ તમામ પ્રકારના કન્સ્ટ્રક્શનના કામો બંધ કરાવી દેવામાં આવે છે. ટ્રાફિક પોલીસ રસ્તાઓ ડાયવર્ટ કરે છે અને કેન્દ્રની નજીક ગાડીઓનો હોર્ન મારવા પર સખત મનાઈ હોય છે. જો કોઈ નિયમ તોડે, તો મોટો દંડ ફટકારવામાં આવે છે.

જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય, તો રસ્તા પર તહેનાત સ્પેશિયલ પોલીસ મોટરસાઈકલ સવાર તેને માનવ સાંકળ બનાવીને સન્માનપૂર્વક અને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડે છે. તમામ જાહેર ટ્રાન્સપોર્ટ, ખાનગી ટેક્સી સર્વિસને સૂચના આપવામાં આવે છે કે પરીક્ષાર્થીને મુસાફર તરીકે  પ્રાધાન્ય અપાય અને તેઓ પાસે ટિકિટ ખરીદવાની ઓછી કે કોઈ રકમ ન હોય તો પણ તેઓને પરીક્ષા કેન્દ્ર પર રકઝક વિના પહોંચાડી દે. બાકી સજા કે દંડ ભરવા તૈયાર રહેવું પડશે.

પેપર લાઈકના કસૂરવારને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જામીન આપ્યા વગર સાતથી દસ વર્ષની સખ્ત કેદની સજા આપવામાં આવે છે.

'નીટ'  વિરુદ્ધ ગાઓકાઓ 

ભારતમાં ૨૦૨૪ અને ૨૦૨૬ માં 'નીટ' પરીક્ષા દરમિયાન પેપર લીકના ગંભીર આક્ષેપો અને વિવાદો સામે આવ્યા, જેના કારણે સુપર-૩૦ ના સ્થાપક આનંદ કુમાર જેવા દેશના જાણીતા શિક્ષણવિદોએ પણ માંગ કરી કે ભારતે ચીન જેવી કડક વ્યવસ્થા અપનાવવી જોઈએ.

કોચિંગ સેન્ટરો પર લગામ : ચીને તેની 'ડબલ રિડક્શન'  પોલિસી હેઠળ નફાખોરી કરતા ખાનગી કોચિંગ સેન્ટરો પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. ભારતમાં પણ પેપર લીક માફિયાઓ અને કોચિંગ સેન્ટરોના કનેક્શન પર કાયદાકીય સકંજો કસવો જરૂરી છે.

ડિજિટલ એન્ક્રિપ્શન અને સેન્ટ્રલ પ્રિન્ટિંગ : પેપર ટ્રાન્સપોર્ટેશન દરમિયાન થતા લીક અટકાવવા માટે મિલિટરી સિક્યોરિટી અને જીપીએસ ટ્રેકિંગ ફરજિયાત કરવું જોઈએ. પેપર લીક કરનારને ચીન જેમ સજા આપવી જોઈએ.

છૈં ટેકનોલોજી : પરીક્ષા કેન્દ્રો પર માનવીય ભૂલો કે લાંચ રુશ્વત અટકાવવા માટે ભારત સરકારે પણ સસ્તા પણ અસરકારક  એ. આઈ. પ્રોટોકોલ્સ ડેવલપ કરવા પડશે.

ચીનની ગાઓકાઓ પરીક્ષા આપણને શીખવે છે કે કોઈ પણ પરીક્ષાને 'લીક-પ્રૂફ' બનાવવા માટે માત્ર નિયમો પૂરતા નથી, પરંતુ તે માટે મજબૂત ઈચ્છાશક્તિ, મિલિટરી ગ્રેડ પ્લાનિંગ અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય જરૂરી છે. ૧.૩ કરોડ વિદ્યાર્થીઓની પરીક્ષા જો ચીન સરકાર એક પણ ડાઘ વગર પાર પાડી શકતી હોય, તો ભારતમાં ૨૫ લાખ વિદ્યાર્થીઓની 'નીટ' પરીક્ષાને પારદર્શક બનાવવી બિલકુલ અશક્ય નથી.