Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ભવન કચ્છી : No more pain in spending money from your wallet

GSTV શતરંગ : માયાવી દુનિયા : પાકીટમાંથી રૂપિયા ખર્ચવાની પીડા જ ન થાય

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ : માયાવી દુનિયા : પાકીટમાંથી રૂપિયા ખર્ચવાની પીડા જ ન થાય
સોર્સ : gstv

- વિવિધા-ભવેન કચ્છી

App Store

એ ક તરફ મોંઘવારીનો આંકડો આસમાને આંબી રહ્યો છે. મધ્યમ વર્ગના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. શાકભાજીથી લઈને પેટ્રોલ-ડીઝલના ભાવ સામાન્ય નાગરિકની કમર તોડી રહ્યા છે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નાગરિકોને અપીલ કરવી પડી છે કે તેઓ બિનજરૂરી ખર્ચ ઘટાડે, પેટ્રોલનો વપરાશ ઓછો કરે, અને સોનાની ખરીદી, વૈભવી પ્રવાસ કે બિનજરૂરી શોપિંગથી દૂર રહીને કરકસર અપનાવે.

પરંતુ, જો તમે વીકએન્ડમાં કોઈ મોલ, મલ્ટીપ્લેક્સ કે પ્રખ્યાત રેસ્ટોરન્ટની બહાર નીકળો, તો ચિત્ર તદ્દન અલગ જ જોવા મળશે. રેસ્ટોરન્ટની બહાર અડધા-અડધા કલાકનું વેટિંગ લિસ્ટ છે, બજારોમાં પગ મૂકવાની જગ્યા નથી, અને મોલમાં બ્રાન્ડેડ કપડાં ખરીદવા માટે લાંબી લાઈનો લાગેલી છે.એરપોર્ટ હવે એસ. ટી. બસ સ્ટેશન જેવા લાગવા માંડયા છે. કાર પર સપરિવાર લોન્ગ ડ્રાઈવ પ્રવાસ ખેડવો તે ફેશન બની ચુકી છે.

એક મોટો પ્રશ્ન 

ઘેર નવરા બેઠા હોઈએ ત્યારે બીજી કે ત્રીજી વખતની ચાનો ઘૂંટ લેતા મનોમન પ્રશ્ન તો થાય કે  મોંઘવારી આટલી બધી છે અને આવક મર્યાદિત છે, તો પછી બજારમાં આટલો બધો ધમધમાટ ક્યાંથી આવે છે? નાગરિકો આટલા પૈસા ક્યાંથી લાવી રહ્યા છે? આ વિરોધાભાસ પાછળ કોઈ જાદુ નથી, પરંતુ આપણી નાણાકીય ચૂકવણીની પદ્ધતિમાં આવેલી ક્રાંતિ અને તેની પાછળ છુપાયેલું ગહન માનવ મનોવિજ્ઞાન છે. આજે આપણા ખિસ્સામાંથી ફિઝિકલ વોલેટ (ચામડાનું પાકીટ) ગાયબ થઈ ગયું છે અને તેની જગ્યા સ્માર્ટફોને લઈ લીધી છે.

એક ક્લિકની કમાલ 

UPI (Unified Payments Interface),  ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના આગમનથી દેશમાં ખરીદીની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. રોકડા રૂપિયા ચૂકવતી વખતે હાથમાં અને હૃદયમાં જે 'ધુ્રજારી' કે 'ખચકાટ' થતો હતો, તે હવે ડિજિટલ સ્ક્રીન પર માત્ર એક 'ક્લિક' કે 'સ્કેન' કરવાથી ગાયબ થઈ ગયો છે.

ચુકવણીની પીડા  

અર્થશાસ્ત્ર અને બિહેવિયરલ સાયકોલોજી (વર્તણૂક મનોવિજ્ઞાન) માં એક બહુ પ્રખ્યાત સિદ્ધાંત છે જેને "Pain of Paying" (ચૂકવણીની વેદના) કહેવામાં આવે છે. 

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પાકીટમાંથી  રૂપિયાની કડકડતી  નોટો બહાર કાઢે છે, તેને ગણે છે અને વેપારીના હાથમાં આપે છે, ત્યારે તેના મગજમાં એક ચોક્કસ પ્રકારનો મનોવૈજ્ઞાનિક આઘાત લાગે છે. તેને એ વાતનો ત્વરિત અહેસાસ થાય છે કે તેની મહેનતની કમાણી તેનાથી દૂર જઈ રહી છે. પાકીટ ખાલી થતું જોવું એ આંખો માટે અને મગજ માટે એક દોષની લાગણી અને પીડા છે.

સ્ક્રીનના આંકડા 

નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી રિચાર્ડ થેલેર  અને ડેનિયલ કાહનેમેને  તેમના સંશોધનોમાં સાબિત કર્યું છે કે મનુષ્ય નફો મેળવવા કરતાં નુકસાનથી વધુ ડરે છે. રોકડ નાણાં આપવા એ તાત્કાલિક અને પ્રત્યક્ષ નુકસાન જેવું લાગે છે, તેથી જીવ કચવાય છે.

પરંતુ ડિજિટલ પેમેન્ટ આ આખી પ્રક્રિયાને ગાયબ કરી દે છે :

UPI  સ્કેન : ફોન કાઢયો, QR કોડ સ્કેન કર્યો,  PIN  નાખ્યો - બસ, વાર્તા પૂરી ! હાથમાંથી કોઈ ભૌતિક વસ્તુ ગઈ નથી. સ્ક્રીન પર માત્ર આંકડા બદલાયા છે. ક્રેડિટ કાર્ડ : ખરીદી આજે કરો, પૈસા આવતા મહિને ચૂકવજો. આનાથી ખરીદીનો આનંદ  અત્યારે મળે છે અને ચૂકવણીની વેદના  ભવિષ્ય પર ઠેલાઈ જાય છે.

જ્યારે ચૂકવણીની વેદના શૂન્ય થઈ જાય છે, ત્યારે માણસ પોતાની હેસિયત કરતાં વધુ ખર્ચ કરવા પ્રેરાય છે. તેને મોંઘવારી નડતી નથી, કારણ કે બેંક એકાઉન્ટમાંથી ડિજિટલ નંબર્સ ઓછા થવાનો આઘાત મગજ સુધી મોડો પહોંચે છે.

રેકોર્ડ વ્યવહાર 

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના  અહેવાલો અને વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રવાહો અનુસાર ભારતમાં દર મહિને સરેરાશ ૧૫ અબજ (૧૫૦૦ કરોડ)થી વધુ UPI  ટ્રાન્ઝેક્શન્સ થઈ રહ્યા છે.

આ વ્યવહારોનું માસિક મૂલ્ય આશરે રૂપિયા ૨૦થી ૨૨ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.

વાષક ધોરણે જોઈએ તો, ભારતનું UPI ટ્રાન્ઝેક્શન વોલ્યુમ દેશની કુલ જીડીપીના મોટા હિસ્સા સમાન થઈ ગયું છે. રૂ. ૨-૩ ની ચાની કીટલીથી લઈને રૂ. ૫૦,૦૦૦ ના ઈલેક્ટ્રોનિક્સ સુધી બધું જ UPI મય થઈ ગયું છે.

કાર્ડનો દબદબો 

ક્રેડિટ કાર્ડનો ક્રેઝ ભારતીય મધ્યમ વર્ગ અને યુવા પેઢીમાં ખૂબ જ ઝડપથી વધ્યો છે. ભારતમાં સક્રિય ક્રેડિટ કાર્ડ ધારકોની સંખ્યા ૧૦ કરોડને  આંકડો પાર કરી ચૂકી છે. ક્રેડિટ કાર્ડ દ્વારા થતી માસિક ખરીદીનો આંકડો રૂપિયા ૧.૫ લાખ કરોડથી ૨ લાખ કરોડની વચ્ચે રહે છે.

ઈકોમર્સ વેબસાઈટ્સ  અને રેસ્ટોરન્ટ્સમાંક્રેડિટ કાર્ડ પર મળતા 'કેશબેક', 'રિવોર્ડ પોઈન્ટ્સ' અને 'નો-કોસ્ટ EMIના કારણે નાગરિકો એવી વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે જેની તેમને વાસ્તવમાં જરૂર નથી અથવા જે તેમની તાત્કાલિક બજેટ મર્યાદા બહાર છે.

અર્થશાસ્ત્રીઓની નજરે 

આ વૈશ્વિક જનમાનસને  સમજવા માટે કેટલાક વૈશ્વિક પુસ્તકો અને અર્થશાસ્ત્રીઓના વિચારો સમજવા જેવા છે.  બિહેવિયરલ ઈકોનોમિસ્ટ ડેન આરિએલીએ તેમના પ્રખ્યાત પુસ્તક 'પ્રેડિક્ટેબલી ઇરરેશનલ' માં નાણાં અને માનવ વર્તણૂક વચ્ચેના સંબંધો પર અદભુત પ્રકાશ પાડયો છે. તેઓ લખે છે કે  'ક્રેડિટ કાર્ડ કે ડિજિટલ પેમેન્ટ એ 'એનેસ્થેસિયા' (બેભાન કરવાની દવા) જેવું કામ કરે છે. તે ખરીદીના ઓપરેશન વખતે થતો દુખાવો મગજને જણાવા દેતું નથી.'

મોર્ગન હાઉસેલ તેમના બેસ્ટ સેલર પુસ્તક 'ધ સાયકોલોજી ઓફ મની' માં લખે છે કે, 'પૈસાનો સંબંધ તમારી બુદ્ધિમત્તા સાથે ઓછો અને તમારા વર્તન સાથે વધારે છે.'

તેમણે અદ્દભૂત વાત જણાવી છે કે  'આજના સમયમાં લોકો સમૃદ્ધ દેખાવા માટે આંધળો ખર્ચ કરે છે, નહિ કે સાચે જ સમૃદ્ધ બનવા માટે. ડિજિટલ મની આપણને એવો આભાસ કરાવે છે કે આપણી પાસે અખૂટ નાણાં છે, અને આ જ ભ્રમ આપણને દેવાના કૂવામાં ધકેલે છે. ડિજિટલ પેમેન્ટે આપણા મગજની આ બજેટિંગ સિસ્ટમને તોડી નાખી છે.

આ મનોવિજ્ઞાનને આપણા ઘરની આસપાસ બનતી નાની નાની ખરીદી  દ્વારા સમજીએ.

ભાવતાલ જ નહીં 

 એક  ગ્રાહક   જ્યારે શાકભાજીની લારીએ રોકડ રકમ આપીને ખરીદી કરવા જાય છે, ત્યારે રૂ.૪૦ ના કિલો બટાકા માટે રૂ. પાંચ  ઓછા કરાવવા કકળાટ કરે છે. કેમ ? કારણ કે ત્યાં તેમણે રૂ. ૧૦- ૨૦ની નોટો ગણીને આપવાની છે.

પરંતુ, એ જ  ગ્રાહક જ્યારે રવિવારે મલ્ટીપ્લેક્સ મોલમાં જાય છે, ત્યારે રૂ.૪૫૦નું પોપકોર્નનું ટબ અને રૂ.૨૦૦નું  કોલ્ડ્રિંંક્સ ખરીદતી વખતે એક સેકન્ડ માટે પણ વિચારતો  નથી. ત્યાં આવા ગ્રાહકો  કાઉન્ટર પર મોંઘવારી વિશે ફરિયાદ નથી કરતા, બલ્કે ગર્વથી પોતાનો સ્માર્ટફોન કાઢી કોડ સ્કેન કરી દે છે. આ છે ચૂકવણીના માધ્યમ બદલાવાથી બદલાતી માનસિકતા.

બીજું ઉદાહરણ જોઈએ.૨૬ વર્ષનો યુવાન  મલ્ટીનેશનલ કંપનીમાં નવી નોકરીએ લાગ્યો છે. તેનો પગાર રૂ. ૪૫,૦૦૦ છે. પરંતુ તેની પાસે રૂ. ૩,૦૦,૦૦૦ ની લિમિટ વાળું ક્રેડિટ કાર્ડ છે. મોંઘવારી ગમે તેટલી હોય, આ યુવાન  દર વીકએન્ડમાં મિત્રો સાથે મોંઘી રેસ્ટોરન્ટમાં જાય છે, બ્રાન્ડેડ શૂઝ ખરીદે છે. તેને લાગે છે કે તે સુખી છે.

હકારાત્મક વિચાર 

ડિજિટલ ચૂકવણીની આ માનસિકતા અર્થતંત્ર માટે બેધારી તલવાર સમાન છે.

બજારોમાં જે ભીડ અને રેસ્ટોરન્ટમાં વેઈટિંગ દેખાય છે, તે અર્થતંત્રના ચક્રને ગતિશીલ રાખે છે. જ્યારે લોકો ખર્ચ કરે છે , ત્યારે જ ફેક્ટરીઓ ચાલે છે, રેસ્ટોરન્ટના વેઇટરથી લઈને શાકભાજી સપ્લાય કરનાર સુધીના લોકોને રોજગારી મળે છે. જીડીપીનો ગ્રોથ રેટ જળવાઈ રહે છે. આ દ્રષ્ટિએ ડિજિટલ પેમેન્ટે ભારતીય અર્થતંત્રને મંદીમાંથી બચાવવાનું મોટું કામ કર્યું છે. પરંતુ, આ ગ્રોથ જો 'દેવાના પાયા' પર ઊભો હોય તો તે ખતરનાક છે. ભારતીય રિઝર્વ બેંકે  પણ  ચિંતા વ્યક્ત કરી છે કે દેશમાં 'અનસિક્યોર્ડ પર્સનલ લોન' અને ક્રેડિટ કાર્ડનું દેવું ખૂબ ઝડપથી વધી રહ્યું છે. જો નાગરિકો બચત કરવાનું છોડી દેશે, તો ભવિષ્યમાં કોઈ આર્થિક કટોકટી વખતે તેમની પાસે સુરક્ષા કવચ નહીં હોય. વડાપ્રધાનની કરકસરની અપીલ પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે દેશનો મધ્યમ વર્ગ દેવાના ગંભીર ચક્રવ્યૂહમાં ન ફસાય. મોંઘવારી વાસ્તવિક છે, પણ આપણી ખરીદીની આદતો કાલ્પનિક સુખ પાછળ દોડી રહી છે. આ આભાસી દુનિયામાંથી બહાર આવવા માટે નાગરિકોએ પોતાની નાણાકીય શિસ્ત  કેળવવી પડશે.

જ્ઞાન પોસ્ટ 

'મેં આજે મારું એક મહિનાનું PayTm અકાઉન્ટ હું CA હોઉં એમ બરાબર ચેક કર્યું. નાની મોટી કુલ ૭૬ એન્ટ્રી છે! 

ભીખીબેન કાછીના નામે ઉધારાયેલ કોથમીર-ફુદીનાનાં ૩૦/- રુપિયાથી લઈ ને ક્રોમા શો રૂમનાં પાંચ આંકડાની ખરીદી બતાડે છે! 

ખર્ચો તો સમજ્યા કે હાથનો મેલ છે પણ મને એ નથી સમજાતું કે શું હું ખરેખર એક મહિનામાં છોંતેર વખત ખિસ્સામાં હાથ નાખતો હતો? શું છોંતેર છોંતેર વખત 'ટીંગ...ટોંગ' સિગ્નેચર મેલડી સાથે સંભળાતો કોઈ મહિલાનો કર્કશ અવાજ મારા માથામાં વાગ્યો હશે?'

સઘળા આંગળીનાં ખેલ છે!

(અનુપમ બુચની 

વિચારપ્રેરક પોસ્ટ)