મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / કરી કરીને ન કરી... નકરી નોકરી...

- નાગણ નોકરી નોકરિયાત જીવ. આમ ભોળો. આમ સાવ મૂરખ. સોમવાર સવારથી શુક્રવાર સાંજ સુધીમાં લંઘાઈ ગયેલા મૂળા જેવો થ

શતરંગ / કરી કરીને ન કરી... નકરી નોકરી...

- નાગણ નોકરી

નોકરિયાત જીવ. આમ ભોળો. આમ સાવ મૂરખ. સોમવાર સવારથી શુક્રવાર સાંજ સુધીમાં લંઘાઈ ગયેલા મૂળા જેવો થઈ જાય પણ બાપડો શનિ રવિની કે રવિવારની એક રજામાં પાણી છાંટો ને શાકભાજી જીવતા થાય એમ જીવંત બની જાય હો મારા ભોળિયાઓ. ના ભૈ ના, આપણે નોકરી ડાયરો ચાલુ નથી કર્યો કે નથી કરવો. કેમકે ડાયરામાં ઉડાડવા પૈસા જોઈએ ને પૈસા અને નોકરિયાત જીવ આ બેઉને હાડોહાડ વેર.    કોણે કીધું? કીધું કોણે કે નોકરી કરવાથી પૈસા ન મળે હેં? અરે મારા બહેન/ભાઈ, મળે જ. પૈસા ન મળતાં હોય તો પારકી પંચાત મેલીને પારકી પરિસ્થિતિ પાર પાડવા થોડું જવાય!! પણ આ તો બે સ્થિતિ ઊભી થાય, એક તો જે મળે એ વપરાય જાય ને ન વપરાય એનો ખ્યાલ વપરાતો રહે!! સમજ્યા?   તમે માર્ક કર્યું હોય તો નાગણ નોકરીથી કંટાળીને હારેલો માણસ રવિવારે સવારે ચડ્ડો પહેરીને ગાંઠિયા કે વાટી દાળના ખમણની લાઈનમાં ઊભો હોય, બપોરે શ્રીખંડ લેવા ને રાત્રે પાછો ક્યાંક દોઢ સ્ટાર હોટલના વેઇટીંગ ઓટલે! હાસ્તો વળી ત્યાં કોઈ વેઇટીંગ લોંજ થોડી હોય!! સોમવારે છૂટે ત્યારથી નાનકડો નોકરિયાત જીવ શનિવાર આવવાની રાહમાં હોય. એમાં ય જો ઘર પરિવાર, સગા સંબંધી રાજકોટના ગોલા જેવા હોય તો વાંધો ન આવે ને રજાના દિવસ હર્યાભર્યા લાગે પણ જો અમદાવાદના ગોલા જેવા હોય તો થઈ રહ્યું બાપ, કોઈ દિ ય ન જ ઠરો!!   રજાની રાહમાં કહો તો રાહમાં અને ચાહમાં કહો તો ચાહમાં કર્મચારી ચૂંટણીને પ્રેમ કરે છે ને વેલેન્ટાઈન્સ ડેને નફરત!! રજા ન આવે એ તહેવાર કે વહેવાર એમને જોઈએ જ નહિ ને. પછી ભલે ને એ પ્રેમનો હોય કે વહેમનો.    પાછું આમાં ગજબ એ હોય કે બોસ કે મેનેજરને નોર્મલ કે ચાલુ દિવસોમાં રજા ન આપવી હોય પણ જાહેર રજાઓ આવે એ પણ ન ગમે. એમનું મોઢું ઉતરેલી કઢી જેવું થઈ જાય. આપણા પેલા એપિસોડ, અરે હા ભાઈ પેલો લેખ. હા તો પેલા લેખમાં નાગણ નોકરીથી પીડિત નમન નામના નમૂનાની વાત હતી. નહોતી? તો નહિ હોય. હોય કે ન હોય આ નમન નામના નમૂનાની વાત અત્યારે તો વાંચો. નમન નવી નવી નોકરીએથી કંટાળીને દીવ જવા મેનેજર પાસે રજા લેવા ગયો. મેનેજરે પૂછ્યું, શું તમારું નામ? આખા ખાનદાનનો આંબો અને કુંડળી જાણતો બોસ આવે ટાણે વાહિયાત વેળા કરે ને નામ પૂછે ત્યારે પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં જેમ મગજ જાય એમ મગજ જાય પણ દીવ જવાની લાલચમાં નમન શાંતિથી ઊભો રહ્યો અને ધીરેથી બોલ્યો, જી સાહેબ નમન.. સાહેબ કઈંક અલગ જ મોડ અને મૂડમાં હશે તે કહે, એટલે તારું નામ નમન આગળથી કે પાછળથી? નમને તે દિવસથી દીવ તો શું જીવ જતો રહે તો ય રજા ન માંગુ એવા સમ ખાઈ લીધા!!   શિયાળો, ઉનાળો કે ચોમાસું કર્મચારીના મોઢે બગાસું ને પૈસાના નામે પતાસું!!ના આ ક્યાંય નહિ જડે એવી કહેવત છે કેમકે મેં હમણાં, હાલ જ બનાવી છે. દસથી છની કે દસથી નવની કોઈપણ નોકરી હોય, બગાસું અને કંટાળો આવે તો તમારે નોકરી બદલી નાંખવી જોઈએ!! આવી સલાહ આપતા ભાભલાઓ પાછા બત્રીસી બદલી શકતા ન હોય! અરે બાપલિયા, સમ, સલાહ ને શેર રાખો તમારે ઘેર. જો એમ બદલી નખાતી હોય તો એ નાગણ નોકરી શેની?   - સ્નેહલ તન્ના

આ સમાચાર શેર કરો