શતરંગ / જ્યારે નિયમનો લાભ મળ્યો હોવા છતાં વન ડેની પહેલી ડબલ સેન્ચુરી થતાં રહી ગઈ
- ફ્રી હિટ એક સમય એવો હતો જ્યારે બેટરોને એક ખાસ લાભ આપવામાં આવતો. જો મે

- ફ્રી હિટ
એક સમય એવો હતો જ્યારે બેટરોને એક ખાસ લાભ આપવામાં આવતો. જો મેચ દરમ્યાન બેટર થાકી જાય અથવાતો રન લેવા માટે અસમર્થ બની જાય તો તેને રનર આપવામાં આવતો. એક સમય એવો હતો જ્યારે આ રનરનો ઉપયોગ બેટરો ત્યારે જ કરતા જ્યારે એમને ખરેખર તેની જરૂર હોય. ટૂંકમાં કહીએ તો એ સમયે જ્યારે ક્રિકેટ ખરેખર જેન્ટલમૅન્સ ગેમ હતી.
પણ પછી ક્રિકેટરોને લાગવા લાગ્યું કે આ રનરનો લાભ આપણે વ્યક્તિગત સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પણ કરી શકીએ છીએ, એટલે પછી પગના કે પીઠના મસલ્સ ખેંચાઈ ગયા હોવાથી હવે તે દોડી નહીં શકે એવું અમ્પાયરોને સમજાવીને તેઓ રનરનો લાભ લેવા માંડ્યા હતા. પરંતુ પેલું કહેવાય છે ને કે કર્મ ક્યારેય છોડતું નથી.
પાકિસ્તાનના ઓપનીંગ બેટર સઈદ અનવર જે મોટેભાગે ભારતને દરેક મેચમાં નડે નડે ને નડે જ, તેણે ભારત સામે જ વન ડે ક્રિકેટના ઇતિહાસની પ્રથમ ડબલ સેન્ચુરી મારવા માટે આ રનરના નિયમનો દુરુપયોગ કર્યો અને છેવટે તે ડબલ સેન્ચુરી કરવાથી સહેજ માટે દૂર રહી ગયો હતો.
1997માં ભારતની સ્વતંત્રતાને 50 વર્ષ પૂરા થયા હતા અને આ ઉપલક્ષમાં BCCIએ ઈન્ડીપેન્ડન્સ કપનું આયોજન કર્યું હતું. આ ટુર્નામેન્ટની છઠ્ઠી મેચમાં ભારત અને પાકિસ્તાન ચેન્નાઈમાં આમનેસામને હતા. પાકિસ્તાનની પહેલી બેટિંગ હતી અને સઈદ અનવર જે કાયમ ભારત સામે રન્સ બનાવે તેણે પોતાની એજ સ્ટાઈલમાં બેટિંગ કરવાની શરુ કરી દીધી.
પરંતુ 19મી ઓવર આવી ત્યારે અનવરના પગનો સ્નાયુ ખેંચાઈ ગયો હોય એવું લાગ્યું. થોડો સમય પાકિસ્તાનનો ફિઝીયો મેદાન પર રહ્યો અને તેણે અને અનવરે ઓનફિલ્ડ અમ્પાયરોને સમજાવી દીધા કે અનવરને રનરની જરૂર છે. આથી 19મી ઓવરથી છેક ઇનિંગની છેલ્લી ઓવર્સ સુધી સઈદ અનવર માટે શાહિદ આફ્રીદી તેના રનર તરીકે રહ્યો.
આમ થવાથી સઈદ અનવરને રન્સ દોડવા માટે જે ઉર્જા ખર્ચવાની હતી તે તેણે ખર્ચવી ન પડી અને ફક્ત ઉભા ઉભા ભારતીય બોલર્સને તેણે ફટકાર્યા. આ રીતે રનરના નિયમનો ગેરલાભ લઈને તે ધીમે ધીમે વન ડે ક્રિકેટના ઈતિહાસની પહેલી ડબલ સેન્ચુરીની સિદ્ધિ તરફ આગળ વધવા લાગ્યો.
પરંતુ ઉપરવાળો બધું જ જુએ છે જ્યારે અનવર એ ડબલ સેન્ચુરીથી ફક્ત 6 રન દૂર હતો ત્યારે સચિન તેન્દુલકરના એક બોલ પર સૌરવ ગાંગુલીએ તેને કેચ આઉટ કરી દીધો અને અનવરને નિરાશ થઈને પેવેલિયન પરત ફરવું પડ્યું. એ કહેવાની જરૂર નથી કે અનવર પછી ફિલ્ડીંગ કરવા ગ્રાઉન્ડ પર પરત નહોતો આવ્યો.
ભારતે પણ પાકિસ્તાનના 327 રનના પડકારને બરાબરનો ઝીલ્યો હતો અને રાહુલ દ્રવિડ, વિનોદ કાંબલી, રોબિન સિંઘ અને નયન મોંગિયાની લડાયક બેટિંગને લીધે ભારત પાકિસ્તાનના સ્કોરની નજીક પહોંચી ગયું હતું પરંતુ છેવટે તે ટાર્ગેટથી ફક્ત 35 રનથી દૂર રહી ગયું હતું. એ સમયે આ પ્રકારનો રનચેઝ કરવો એ પણ બહુ મોટી વાત હતી.
મુદ્દો અહીં એ છે કે રનર અલાઉડ કરવાની સ્થિતિમાં સઈદ અનવરે એ રન પણ બનાવ્યા હતા જે તે રનર ન હોત તો ન બનાવી શકત. જો ખરેખર એના પગનો સ્નાયુ ખેંચાઈ ગયો હોત તો તે એક રન પણ દોડી ન શકત. આવામાં તેણે ફક્ત ફટકાબાજી જ કરવાની હતી જેમાં તે ગમે ત્યારે આઉટ થઇ ગયો હોત અને 194 શું પૂરા 100 રન પણ ન બનાવી શકત.
કદાચ એવો વિચાર આવે કે એમાં શું હવે આવું તો થાય, તો આપણે સઈદ અનવરનો ઈતિહાસ તપાસીએ. સઈદ અનવર એક એવો આળસુ ખેલાડી હતો જેને ફિલ્ડીંગ કરવી ગમતી નહીં. 2003ના વર્લ્ડ કપમાં સેન્ચ્યુરીયનમાં સચિન તેન્દુલકરની પેલી ઐતિહાસિક ઇનિંગ અગાઉ પાકિસ્તાને જ્યારે પહેલી બેટિંગ કરી હતી ત્યારે આ જ અનવરે સેન્ચુરી કરી હતી અને પછી તે ભારતની સમગ્ર બેટિંગ દરમ્યાન ફિલ્ડીંગમાં આવ્યો ન હતો.
યાદશક્તિ એવું કહી રહી છે કે એક વખત ઇંગ્લેન્ડમાં પણ એક વખત ટેસ્ટ મેચમાં અનવરે લાંબી ઇનિંગ રમીને ફિલ્ડીંગ ન ભરવાનું પસંદ કર્યું હતું અને મેચ બાદ રેફરીએ તેને આ બાબતે ખખડાવ્યો હતો. સઈદ અનવરના આ સ્વભાવની સાક્ષી તેની જ ટીમના ખેલાડી વસીમ અક્રમે ઘણા જાહેર કાર્યક્રમોમાં આપી છે.
કદાચ અનવરના આળસને જ ધ્યાનમાં લઈને પહેલાં ICCએ નિયમ બનાવ્યો કે જે ખેલાડી મેચ અગાઉ નાનીમોટી ઈજા ધરાવતો હશે અને તેમ છતાં તેને પ્લેયિંગ ઇલેવનમાં સ્થાન અપાશે તો તેને કોઇપણ સંજોગોમાં રનરનો લાભ નહીં મળે.
પરંતુ ત્યારબાદ તો ICCએ રનરનો નિયમ જ કાઢી નાખ્યો. એટલે આજકાલ તો મેચ દરમ્યાન પણ સ્નાયુ ખેંચાઈ જાય કે અન્ય કોઈ કારણસર બેટર રન નથી દોડી શકતો તો તેને રનર મળતો નથી. કાં તો તેણે ફટકાબાજી કરીને આઉટ થવાનું રહે છે અથવાતો તે જ્યાં શક્ય હોય ત્યાં ધીમેધીમે ચાલીને પોતાનો રન પૂરો કરી શકે છે.
પાકિસ્તાનીઓ સ્વાભાવિક રીતે સઈદ અનવરની એ ઇનિંગને વન ડે ક્રિકેટની મહાનતમ ઇનિંગ્સમાંથી એક ગણે છે, પણ એમ તો તેઓ ભારત સામેના ત્રણેય યુદ્ધો જીતી ગયા હોવાનું પણ માને છે, બરોબરને?
- સિધ્ધાર્થ છાયા








