શતરંગ / પપ્પા...
- નોન ફિલ્ટર્ડ પપ્પા... જેનું જીવનમાં સ્થાન મોટેભાગે એના અભાવમાં જીવ્યા બાદ જ સમજાય છે ને છતાંય જે આપણા જીવનને અભાવમુક્ત રાખવામાં પોતાનુ

- નોન ફિલ્ટર્ડ
પપ્પા...
જેનું જીવનમાં સ્થાન મોટેભાગે એના અભાવમાં જીવ્યા બાદ જ સમજાય છે ને છતાંય જે આપણા જીવનને અભાવમુક્ત રાખવામાં પોતાનું જીવન ખર્ચી નાખે છે એવો માણસ.
જીવનનો મોટાભાગનો સમય નોકરી/ધંધામાં રચ્યો પચ્યો રહેતો માણસ. ને સાંજ પડે 'સમય નથી આપતો' ની ફરિયાદ હસીને અવગણી દેતો માણસ. કંટાળાનો કકળાટ કર્યા વગર રોજ એકધારું જીવન જીવતો, પડતો આખડતો રહીને પરિવારને અડીખમ રાખતો માણસ. પોતાની ઈચ્છાઓને ભૂલીને પોતાનાઓની જરૂરિયાતો પૂરી કરવા મથતો માણસ. સ્વયંના શોખને શૂળીએ ચઢાવી સહુના શોખ સાચવતો માણસ. કુટુંબના બે ટંક ભોજન માટે રસોડામાં ગયા વગર પરસેવે રેબઝેબ થતો કર્મનિષ્ઠ માણસ. સઘળી હાંફ પોતાની છાતીએ ભરી સ્વજનોનો હાશકારો બની ધબકતો માણસ.
જેની હાજરીમાં હૂંફ કરતા વધારે ધાક અનુભવાય, પણ એની ગેરહાજરી કાયમ ખટકે એવો માણસ. આમ ઓછાબોલો, મોટેભાગે ચૂપ રહે એવો, પણ મૂંઝવણમાં જેના અનુભવી બોલ સધિયારો અને સોલ્યુશન આપે એવો સૂઝબૂઝથી ભરેલો માણસ. સહજતાથી મન ખોલી ન શકાય એની સામે, પણ કદીક કહેવા બેસો તો જજમેન્ટ વગર સાંભળે, સમજે ને જરૂર પડ્યે સંભાળી લે એવો સરળ માણસ.
બીમાર પડે તો કોઈને ય જણાવ્યા વિના ચૂપચાપ દવા લઈને ય દોડતો માણસ. ગળે ડૂમો દાબી, આંસુને અટકાવી, અગવડો સામે આછેરું હસી દેતો માણસ. ભાગ્યે જ વ્યક્ત થતો વ્યસ્ત માણસ. થાકે તો ય થોભે નહી એવો બીજા માટે જાત ઘસી નાખતો જવાબદાર માણસ. બે પેઢીઓને બેલેન્સ કરતાં કરતાં ઝૂકી ગયેલા ખભે ય ટટ્ટાર રહેતો માણસ. પોતાની માનસિક તાણને અવગણીને પરિવારની મોજને પ્રાથમિકતા આપતો માણસ.
મોટા થતાં બાળકોની અને ઘરડાં થતાં માબાપની સગવડો સાચવવામાં લોથપોથ થઈ જતો એક સમયનો સ્વપ્નિલ માણસ. દિવસરાતની દોડધામમાં દોસ્તોથી દૂર થતો જતો એ જૂની મહેફિલનો માણસ. સાહેબોના મ્હેણાં અને ક્લાયન્ટના નખરાનો ભાર ખંખેરી બિલોની ચૂકવણી મેનેજ કરતો એક સમયનો મનમોજી માણસ. રાત પડયે તૂટતો ને સવારે ઊઠીને જાતે જ પોતાને જોડતો જિદ્દી માણસ. રોજ રિટાયર્ડ થવાની રાહ જોતો ને એ દિવસ આવ્યે ધ્રુસકે ધ્રુસકે રડી પડતો કન્ફયુઝડ માણસ.
જતાવી ન શકાતા પ્રેમને કદીક કોઈક એમ જ જાણી શકશે એની રાહમાં રહેતો માણસ. વાળમાં આવતી સફેદી અને ચહેરા પરની કરચલીઓથી વધારે સ્વજનોની વચ્ચેના એકાંતથી અકળાતો માણસ. વ્હાલાઓના વ્હાલથી વંચિત હોવાના આભાસે વ્યસનને વળગીને આધાર શોધતો માણસ. લથડતાં પગ અને થોથવાતી જીભને છુપાવવા ઊંઘી રહેતો આળસુ માણસ. ભાંગેલી કમરે ય કુટુંબની ભીંત બની રહેવા ઝઝૂમતો જડભરત માણસ. આજીવન ઘરનો સ્થંભ બનવામાં અંતે ખૂણે ધકેલાઈ ગયેલો એકલવાયો માણસ.
ફોરએવર ફીટ
નેવર ટાયર્ડ
નેવર સેડ
ટફ બટ નોટ રફ
મેન ઓફ ઇમરજન્સીઝ
અવેલેબલ ફોર ઓલ
ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ
ફેમિલી ફાઇનાન્સર
પ્રોવાઇડાર એન્ડ પ્રોટેક્ટર
યેટ ઓલવેઝ ટેકન ફોર ગ્રાન્ટેડ
એવો એક માણસ... પપ્પા.
- કૃતિ શાહ








