મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / કલાકારના નામ સાથે જોડાઈ જતાં સર્જનો-પાત્રો

- ફિલ્મગાથા તમારા પ્રિય કલાકાર તમારા મનોજગતમાં કઈ રીતે ચિત્રિત થયા છે, કહી શકો? આમિર ખાનથી શરૂ કરવું છે

શતરંગ / કલાકારના નામ સાથે જોડાઈ જતાં સર્જનો-પાત્રો

- ફિલ્મગાથા

તમારા પ્રિય કલાકાર તમારા મનોજગતમાં કઈ રીતે ચિત્રિત થયા છે, કહી શકો?

આમિર ખાનથી શરૂ કરવું છે કે અમજદ ખાનથી?

આ પ્રશ્નના જવાબમાં જ તમારા સ્મૃતિ પટ પર 'લગાન' અને 'શોલે' ફિલ્મના નામ ઉપરસી આવવાના કારણકે ભુવન અને ગબ્બરસિંહ હવે અજરાઅમર થઈ ગયા છે. અરે, આમિર-અમજદને છોડો, આશુતોષ ગોવારિકર અને રમેશ સિપ્પીના નામ સાથે પણ તેમણે બનાવેલી આ ફિલ્મો ફેવિકોલની જેમ ચીપકી ગઈ છે. કલાકારો સાથે આવું જ થતુંહોય છે. તેની કેરિયર ભલે બે ત્રણ દશકા લાંબી હોય અને તેના સર્જનો ભલે બે કે ત્રણ આંકડામાં હોય પણ તેનું શ્રેષ્ઠ-સર્જન તેનો પીછો કયારેય છોડતું નથી. બીજા શબ્દોમાં, જે તે કલાકારની સરખામણી તેના શ્રેષ્ઠ સર્જન સાથે જ થતી રહે છે. સંજય દત્ત ગમે તેવા અને ગમે તેટલાં પાત્રો ભજવે પણ એ આજીવન 'મુન્નાભાઈ' થકી જ લોકોની સ્મૃતિમાં જીવવાનો છે. શત્રુઘ્ન સિંહાએ 'મેરે અપને'માં છેનુનો રોલ કરીને બધાનું ધ્યાન ખેંચેલું પણ લોકો તેને (કાલીચરણ તરીકે નહીં પણ) વિશ્વનાથ તરીકે જ યાદ રાખશે કારણકે (જલી કો આગ કહેતે હૈ, બુઝી કો રાખ કહેતે હૈ) વિશ્વનાથનો એક સંવાદ અમરત્વ પામી ગયો છે.

શોલેના સાંભા (મેકમોહન)ના બે શબ્દોની જેમ: પૂરે પચાસ હજાર.

બહુ ઈન્ટરેસ્ટિંગ છે આ સ્ટડી. લોકપ્રિયતા અને શ્રેષ્ઠતા તમારી એક એવી કાયમી છબી બનાવી દેતી હોય છે, જેને તમે ખુદ જ ઓવરકમ કરી શકતા નથી. અમરીશ પૂરી એટલે જ 'મોગેમ્બો' તરીકે લોકહૃદયમાં છપાઈ ગયા છે. કુલભૂષણ ખરબંદા શાન ફિલ્મના (જાણકારો-શોખિનો માટે) 'શાકાલ' જ રહેશે, ભલે 'શાન' ફિલ્મ ફલોપ થઈ હોય અને ભલે કૂલભૂષણ ખરબંદાએ 'અર્થ' સહિતની અનેક અર્થપૂર્ણ ફિલ્મો કરી હોય. સિનેમા-સાહિત્યના શોખિનો માટે તો નસીરુદ્દીન શાહ જ હવે 'મીર્ઝા ગાલિબ'
છે જે રીતે શરદબાબુનો સાચો દેવદાસ દિલીપકુમાર જ છે. (પર્સનલી તો ગુલઝાર અને જગજિત સિંહ
પણ 'મીર્ઝા ગાલિબ' ટીવી સિરિયલમાં જ સર્વશ્રેષ્ઠ હોવાનું અમને લાગે છે.) વાત દિલીપકુમાર સુધી
ગઈ જ છે તો લગે હાથો રાજકપુર અને દેવઆનંદની વાત પણ કરી લઈએ. રાજકપુરે તો મોટાભાગે
એકસરખા જ પાત્રો ભજવ્યા છે પરંતુ તિસરી કસમ અને જાગતે રહો કરતાં તેઓ 'જોકર' તરીકે વધુ સ્વીકાર્ય છે તો દેવસાહેબ ફિલ્મી રસિયાઓ માટે જહોની (મેરા નામ) તરીકે અવ્વલ અને અભિનેતા
તરીકે 'ગાઈડ' અને 'તેરે મેરે સપને' માટે હંમેશા સ્મરણમાં રહેશે.

પણ ગુરૂદત્તને 'પ્યાસા'થી ઓળખવા કે 'કાગઝ કે ફૂલ'થી સન્માનવા એ અવઢવ રહે છે. બલરાજ સાહની માટે પણ આવી મૂંઝવણ થાય તેમની બે ફિલ્મો માટે: દો બીઘા જમીન અને ગર્મ હવા. બે ફિલ્મોની મીઠી મુંઝવણ તો રિયલ સુપરસ્ટાર રાજેશ ખન્ના માટે પણ થાય. અભિનયના અભ્યાસુઓનું
કહેવાનું છે કે સિનેમાના પરદે રાજેશ ખન્ના જેવું પ્રભાવી રીતે મરતાં કોઈને આવડતું નથી. તેની આવી
જ બે ફિલ્મો હતી: સફર અને આનંદ. જો કે વોટિંગ કરાવીએ તો 'આનંદ'ને વધુ માર્ક મળવાની શકયતાઓ ખરી કારણકે-આનંદ મરા નહીં, આનંદ મરતે નહીં!

આ કોલમના નવી જનરેશનના વાચકો માટે કહેવાનું કે શાહરૂખ ખાનના ચોપડે હજુ એવી એકાદી ફિલ્મ ચડી નથી કે જેનું નામ તરત લઈ શકાય. સલમાન ખાન અને ઋત્વિક રોશન માટે પણ એવું જ. તમે ઈરફાનખાન માટે બેધડક 'પાનસિંહ તોમર'નું નામ લઈ શકો કે ધર્મેન્દ્ર માટે સત્યકામ, મીનાકુમારી માટે સાહેબ બીબી ઔર ગુલામ કે ઓમ પૂરી માટે અર્ધસત્ય કે ડેની ડેન્ઝોપ્પા માટે 'ધૂંઘ' કે
પરેશ રાવલ માટે ('હેરાફેરી' રાખો તો ય વાંધો નથી) તમન્ના કે સર કે સરદાર ફિલ્મનું નામ લઈ શકો છો!

– એન્ડ અમિતાભ બચ્ચન.

બીગ બી ઉપરાંત રાજેશ ખન્ના, દિલીપકુમાર જ એવા અભિનેતા છે, જેમની સેકન્ડ ઈનિંગ પણ નોંધનીય રહી છે.

દિલીપકુમારે બીજી ઈનિંગમાં કર્મા, સૌદાગર, દુનિયા જેવી અનેક સુપર હિટ ફિલ્મો આપેલી પણ 'મશાલ' આ બધામાં એક વહેંત ઊંચી હતી તો રાજેશ ખન્નાએ 'અવતાર' ફિલ્મમાં આવું જ પાવરપેકડ પર્ફોમન્સ આપ્યું હતું અને બચ્ચન દાદા તો બીજી ઈનિંગમાં ભરપૂર ખિલ્યાં છે પણ 'બ્લેક' અને 'પા'માં એક અદાકાર તરીકે તેઓ બેમિસાલ હતા.

પ્રથમ ઈનિંગની 'બેમિસાલ'માં પણ તેઓ લાજવાબ હતા. આપો જવાબ : હા કે ના?

... આમ તો આ અધ્યાય અખંડ ધૂણીની જેમ ચાલી શકે એવો છે પણ છેલ્લા ચટકારા સાથે વાત પૂરી કરીએ. કે. આસિફસાહેબની ઓળખ એટલે મોગલ-એ-આઝમ ફિલ્મ. તેમણે બહુ ફિલ્મો કરી પણ નહોતી પરંતુ મોગલ-એ-આઝમે એક હજ્જારાનું કામ કર્યું. પૃથ્વીરાજ કપૂર માટે પણ આ ફિલ્મ એકદમ
મહત્વની કારણકે તેમાં તેમણે શહેનશાહ અકબરનું પાત્ર જાનદાર રીતે ભજવેલું વરસો પછીની વાત છે.

ઋષિ કપૂર હિમાચલ પ્રદેશમાં કોઈ ફિલ્મનું શૂટીંગ કરી રહ્યા હતા ત્યારે રાતે હોટેલ પર મુંબઈથી લાઈટનીંગ કોલ આવ્યો (ત્યારે લેન્ડલાઈનના જ ફોન હતા સમાજ જીવનમાં). સામે છેડે મનમોહન દેસાઈ હતા પણ વાતચીતમાં ડિસ્ટર્બન્સ બહુ હતું તેથી સ્પષ્ટ સંભળાતું નહોતું. ઋષિ કપૂરને માત્ર એટલું સમજાયું કે મનમોહન દેસાઈ તેમને નવી ફિલ્મમાં લેવા માંગે છે, જેમાં તેણે 'અકબર'નું પાત્ર ભજવવાનું છે.

દાદાની જેમ દમામદાર રીતે 'અકબર'નું પાત્ર હું ન ભજવી શકું અને એવી સરખામણી પણ ઈચ્છનીય નથી, એમ વિચારીને ઋષિ કપૂરે પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી. મુંબઈ આવ્યા પછી અને મનમોહન દેસાઈએ મળીને સમજાવ્યા પછી ઋષિ કપૂરને સમજાયું કે તારે શાહજહાં અકબરનું નહીં, અમર-અકબર-એન્થનીના અકબર ઈલાહાબાદીનું પાત્ર ભજવવાનું છે…

એ રીતે જો કે દાદા-પૌત્રએ એક જ નામના બે કિરદાર ભજવ્યાંનો રેકોર્ડ જરૂર બની ગયો!

- નરેશ શાહ

આ સમાચાર શેર કરો