શતરંગ / શું ખાંસી કે છીંક ખાવાથી પણ તૂટી શકે છે હાડકાં?
- જાગૃતતા જરૂરી ઘણાં લોકોને નાની અમથી ઇજાને કારણે પણ હાડકું ભાંગી જાય છે. મોટી ઉંમરમાં આ સમસ્યા થઈ

- જાગૃતતા જરૂરી
ઘણાં લોકોને નાની અમથી ઇજાને કારણે પણ હાડકું ભાંગી જાય છે. મોટી ઉંમરમાં આ સમસ્યા થઈ શકે છે પરંતુ આજના યુગમાં યુવાઓ પણ આ પરેશાનીથી પીડાય છે. હાડકાંની આ બીમારીને ઓસ્ટીયોપોરોસીસ કહેવામાં આવે છે.
ઓસ્ટીયોપોરોસીસ કેમ થાય છે?
માયો ક્લીનિક અનુસાર, શરીરમાં નવા હાડકાં બનવા અને જૂના હાડકાંના કમ્પાઉન્ડ તૂટી જાય તે સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ 20 ની ઉંમર બાદ આ પ્રક્રિયા ધીમી પડે છે અને મોટાભાગે 30 ની ઉંમર સુધી બોન માસના સર્વોત્તમ સ્તર સુધી પહોંચી જાય છે. તમને ઓસ્ટીયોપોરોસીસ થવાની કેટલી સંભાવના છે તે આંશિક એ બાબત પર નિર્ભર કરે છે કે તમારું યુવા અવસ્થામાં બોન માસ કેટલું હતું? તે જેટલું વધારે હશે, તેટલી જ ઓસ્ટીયોપોરોસીસ થવાની સંભાવના ઓછી થાય છે.
કોને સૌથી વધુ જોખમ?
→ ખરાબ લાઈફસ્ટાઈલ
→ વધુ પડતા ઉપવાસ કે ડાયેટિંગ કરવાથી
→ શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડી ની ઉણપ
→ સિગારેટ અને આલ્કોહોલનું સેવન
→ મેનોપોઝની ઉંમરની સ્ત્રીઓ
→ વજન ઝડપથી ઓછું થવું
→ કેટલીક દવાઓનું સેવન
→ કસરત ના કરવી
ઓસ્ટીયોપોરોસીસના લક્ષણો
ક્લીવલેન્ડ ક્લીનિક અનુસાર, ઓસ્ટીયોપોરોસીસના શરૂઆતી કોઈ લક્ષણો હોતા નથી , તેથી જ તેને સાયલન્ટ ડિઝીઝ પણ કહેવામાં આવે છે. તેમ છતાં નીચે મુજબના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડોક્ટરનો સમ્પર્ક કરવો જોઈએ. જેમ કે..
- હાડકાં વારંવાર તૂટવા
- સામાન્ય ઇજાના કારણે પણ ફ્રેક્ચર થવું
- પીઠના નીચેના હિસ્સામાં દર્દ
- શરીરના બધાં જ હાડકામાં થોડા દબાણથી પણ દુઃખાવો થવો
- શ્વાસ લેવામાં તકલીફ
- ઊંચાઈમાં ઘટાડો
- પોશ્ચરમાં બદલાવ વગેરે.
★ ઓસ્ટીયોપોરોસીસ હાડકાં સાથે સંબંધિત એક એવી બીમારી છે, જેનું સમયસર નિદાન કે ઉપચાર ના કરવામાં આવે તો વ્યક્તિ વિકલાંગ થઈ શકે છે. આ બીમારી સામાન્ય રીતે કરોડરજ્જુ, નિતમ્બના હાડકાં (Hip Bones) અને કાંડાના હાડકાં (Wrist Joint) ને પ્રભાવિત કરે છે.
★ રિસર્ચ ગેટમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, માત્ર ભારતમાં જ 18 થી 59 વર્ષના ઉંમરના પ્રતિ 5 માંથી 1 વ્યક્તિ ઓસ્ટીયોપોરોસીસથી પીડાય છે. આ દર્દીઓમાં મહિલાઓની સંખ્યા વધારે છે.
ઓસ્ટીયોપોરોસીસનું નિદાન કેવી રીતે થાય છે?
→ ઓસ્ટીયોપોરોસીસનું નિદાન (Dexa Scan) બોન ડેન્સીટોમેટ્રીથી થાય છે. જેમાં તમારાં હાડકામાં કેટલું બોન માસ છે એની તપાસ થાય છે.
આ બીમારીથી કેવી રીતે બચવું?
- કેલ્શિયમ અને વિટામિન ડી યુક્ત, લો કેલરી ડેરી પ્રોડક્ટનું સેવન કરવું
- લીલા શાકભાજી અને કેલ્શિયમયુક્ત ભોજનનું સેવન કરવું.
- નિયમિત કસરત કરવી
- ધુમ્રપાન ના કરવું અને દારૂનું સેવન ના કરવું
- મેનોપોઝલ મહિલાઓએ ચોક્કસ તપાસ અને સારવાર લેવી
- મેનોપોઝ પછી હાડકાંને મજબૂત રાખવાની દવા આજીવન નિયમિતપણે લેવી.
મેનોપોઝ અને ઓસ્ટીયોપોરોસીસ
→ ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટવાના લીધે મેનોપોઝલ મહિલાઓને ઓસ્ટીયોપોરોસીસ થવાનુંરિસ્ક રહેલું હોય છે.
→ પ્રથમ 5 વર્ષમાં જ મહિલા 10% બોન માસ ગુમાવી દે છે.
→ નિયમિત કસરત કરવાથી બોન લોસ રેટ ઘટી જાય છે અને ફ્રેક્ચરનું રિસ્ક પણ ઘટી જાય છે.
→ ફિઝિયોથેરાપીસ્ટની સલાહ મુજબની કસરત અને ડોક્ટરની સલાહ મુજબની દવા અને હોર્મોન થેરાપી ખૂબ જ ફાયદાકારક છે.
- ડૉ. મેઘા પટેલ (એમ.પી.ટી. ઓર્થો)








