મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / બિસ્માર્ક: જેની તુલના સરદાર પટેલ સાથે કરવામાં આવે છે

- ઇતિહાસગાથા “આજની આપણી મહાન સમસ્યાઓ બહુમતીના પ્રસ્તાવો અને ભાષણોથી નહીં, પણ લોહી અને તલવારથી

શતરંગ / બિસ્માર્ક: જેની તુલના સરદાર પટેલ સાથે કરવામાં આવે છે

- ઇતિહાસગાથા 

“આજની આપણી મહાન સમસ્યાઓ બહુમતીના પ્રસ્તાવો અને ભાષણોથી નહીં, પણ લોહી અને તલવારથી હલ થશે.”

આ શબ્દો છે જર્મન સામ્રાજ્યના સર્જક ઑટો વૉન બિસ્માર્કના. જેમણે પોતાની ગૃહનીતિ અને વિદેશનીતિ દ્વારા જર્મનીને યુરોપની મહાસત્તા બનાવી. ભારતના દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને એક અખંડ ભારતનું નિર્માણ કરવામાં જેમ સરદાર પટેલનો ફાળો છે, તે જ રીતે જર્મનીનું એકીકરણ કરીને તેને એક મહાસત્તા બનાવવામાં બિસ્માર્કની અગત્યની ભૂમિકા છે. તેથી જ ઘણા લોકોએ સરદાર પટેલને ‘ભારતના બિસ્માર્ક’ કહીને બન્નેની ગેરવ્યાજબી તુલના કરી છે. તો ચાલો જાણીએ ‘જર્મનીના એકીકરણની પ્રક્રિયા અને તેમાં બિસ્માર્કનું પ્રદાન’.

1789માં થયેલી ફ્રાન્સની ક્રાંતિની અસર વિશ્વના અન્ય દેશોમાં પણ દેખાવા લાગી. યુરોપમાં ફૂંકાયેલા રાષ્ટ્રવાદના વાવટાની અસર જર્મનીમાં પણ થઇ. નાના નાના રાજ્યો વચ્ચેના કાયમી સંઘર્ષો અને ઝગડાઓના કારણે લોકોમાં પણ એક રાષ્ટ્ર સ્થાપવાની મહેચ્છા જાગૃત થઇ. એકીકરણની પ્રક્રિયાની શરૂઆતમાં નેપોલિયન બોનાપાર્ટે જર્મની પર વિજય મેળવીને 300 જર્મન રાજ્યોનું 100 જેટલા રાજ્યોમાં એકીકરણ કર્યુ. ત્યારબાદ વિયેના સંમેલન દ્વારા આ 100 રાજ્યોમાંથી 39 રાજ્યોની રચના કરવામાં આવી. પરંતુ આ 39 રાજ્યો પર ઓસ્ટ્રિયાનું વર્ચસ્વ લાદવામાં આવ્યું હતું. જેનું કાર્ય જર્મનીમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ ન થાય, તેનું ધ્યાન રાખવાનું હતું.

પ્રશિયાના રાજા ફ્રેડરિક વિલિયમે ઓસ્ટ્રિયાના રાજવી મેટરનિકના પ્રભાવ હેઠળ આવીને રાષ્ટ્રવાદી લોકો પર અત્યાચાર કરવાનું શરુ કર્યું. આથી, ત્યાંની વિદ્યાપીઠોએ જર્મનીના એકીકરણનું નેતૃત્વ સંભાળી લીધું. જે માટે ‘જેના’ નામની વિદ્યાપીઠને  તેનું મુખ્ય કેન્દ્ર બનાવીને યુવક સંગઠનો રચવામાં આવ્યા અને આંદોલનો કરવામાં આવ્યા. ઘણાં શિક્ષિત યુવકોએ આવેશમાં આવીને રાષ્ટ્રવાદના વિરોધીઓની કત્લેઆમ પણ કરી.

આ ઉપરાંત ત્યાંના કેટલાક ગુપ્ત સંગઠનોએ પણ ઓસ્ટ્રિયાના વિરોધમાં દેખાવો કર્યા. અને  કાર્સલેન્ડ નામના યુવાને રશિયાના ગુપ્તચર કોટેજવ્યુની હત્યા કરી. તેથી આ તકનો લાભ લઈને મેટરનિકે જર્મનીમાં આજ્ઞાપત્રો (જે ‘કાર્લ્સબાદના આજ્ઞાપત્રો’ તરીકે ઓળખાય છે) દ્વારા રાષ્ટ્રવાદને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે નિષ્ફળ રહ્યો. 

ઈ.સ.1840માં પ્રશિયામાં ફ્રેડરિક વિલિયમ સત્તા પર આવ્યો. તેથી રાષ્ટ્રવાદની પ્રક્રિયાને વધુ વેગ મળ્યો. ઈ.સ. 1848માં ફ્રેંક્ફર્ટ સંમેલન યોજવામાં આવ્યું. જેનો ઉદ્દેશ્ય જર્મની માટે નવું બંધારણ ઘડવાનો હતો. પરંતુ તે નિષ્ફળ રહ્યું. તેથી ઈ.સ. 1850માં પ્રશિયાના રાજા વિલિયમ ચોથાએ એક બંધારણ તૈયાર કરાવ્યું. જેને મંજુર કરાવવા માટે ‘ઈરાફર્ટ સંમેલન’ યોજવામાં આવ્યું હતું. પરંતુ ઓસ્ટ્રિયાને તેમાંથી બાકાત રાખ્યું હોવાથી તેના વડાપ્રધાને પ્રશિયાને યુદ્ધની ધમકી આપી. યુદ્ધના ડરથી પ્રશિયાના રાજાએ ઓસ્ટ્રિયાને પણ જર્મનસંઘમાં સામેલ કર્યું. જેથી પ્રગતિવાદી લોકો નાખુશ થયા અને આ સંમેલ પણ નિષ્ફળ રહ્યું. ત્યારબાદ જર્મનીના એકીકરણનું કાર્ય બિસ્માર્કે હાથમાં લીધું.

બિસ્માર્ક પ્રશિયાના જમીનદારના પુત્ર હતા. કાયદાનું શિક્ષણ મેળવીને તેઓ  પ્રશિયાના ન્યાયતંત્રમાં વહીવટદાર તરીકે જોડાયા હતા. ત્યારબાદ  1847માં ત્યાંની જ ધારાસભાના સભ્ય બન્યા. ઈ.સ. 1851માં પ્રશિયાના રાજા દ્વારા ફ્રૅન્કફર્ટની ફેડરલ ધારાસભામાં તેમની નિમણૂક થઇ ત્યારે તેઓ જાણીતા બન્યા. આ સમયગાળામાં યુરોપના રાજકારણનો તેમને સારો એવો અનુભવ મળ્યો. ઈ.સ. 1859માં તેમને પ્રશિયાના એલચી તરીકે રશિયા તથા તે પછી 1862માં ફ્રાન્સ મોકલવામાં આવ્યા અને એ જ વર્ષે સપ્ટેમ્બર 1862માં તેમને પ્રશિયાના વડાપ્રધાન બનાવવામાં આવ્યા. આટલા સમયમાં તેઓ એક અનુભવી રાજનીતિજ્ઞ અને મુત્સદ્દી બની ગયા હતા. 

બિસ્માર્ક નિરંકુશ રાજાશાહીમાં માનતા હોવાથી સત્તા પર આવતાની સાથે જ તેણે ‘લોહી અને તલવાર’ની નીતિ અમલમાં મૂકી. દરેક સમસ્યાઓનું સમાધાન લોહી અને શસ્ત્રો દ્વારા જ લાવી શકાશે આવું એલાન કરતાની સાથે જ તેણે વર્તમાનપત્રો પર અંકુશ મૂક્યો અને વિરોધીઓના બળવાને ડામવાનું કાર્ય કર્યુ. આ જર્મનીના એકીકરણની શરૂઆત હતી. 

 ઈ.સ. 1864માં ડેન્માર્ક સામે, 1866માં ઓસ્ટ્રિયા સામે અને 1870માં ફ્રાંસ સામે યુદ્ધ કરીને બિસ્માર્કે જર્મન રાજ્યોનું એકીકરણ કર્યું અને જર્મન સંઘની રચના કરી. જેના પ્રથમ સમ્રાટ પ્રશિયાના રાજા વિલિયમ પહેલો અને પ્રથમ વડાપ્રધાન બિસ્માર્ક બન્યા. જર્મન સંઘના વડા તરીકે પોતાની ગૃહનીતિ અને વિદેશનીતિ વડે તેણે જર્મનીને યુરોપને મહાસત્તા બનાવી. 

ઈ.સ. 1890માં સત્તા પર આવેલા વિલિયમ કૈસર બીજાને બિસ્માર્કનું વડાપ્રધાન પદ પરથી એકહથ્થુ નિર્ણયો લેવાનું વલણ યોગ્ય ન લાગતા તેણે બિસ્માર્કને રાજીનામું આપવાની ફરજ પાડી. આમ, 20મી માર્ચ 1890ના રોજ  લુઈ 14મો અને નેપોલિયન બોનાપાર્ટ પછીના આ મહાન રાજનીતિજ્ઞની રાજકીય કારકિર્દીનો અંત આવ્યો. તેમને લ્યુએનબર્ગના ડ્યૂકની તથા ફિલ્ડમાર્શલની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

- રક્ષા ત્રાપસિયા

આ સમાચાર શેર કરો