શતરંગ / બહારની દુનિયામાં પગ મુકતા પહેલા શીખો: ના પાડવાની કળા
- જિજીવિષા મારી 16 વર્ષની દીકરી ઊંઘતા પહેલા દરરોજ મારી પાસે મારી પોતાની વાત

- જિજીવિષા
મારી 16 વર્ષની દીકરી ઊંઘતા પહેલા દરરોજ મારી પાસે મારી પોતાની વાતો સાંભળવાનું પસંદ કરે છે.ગઈ કાલે તેમને મને થોડી અટપટી વાતો પૂછી, 'મમ્મી તુ દરેક જગ્યાએ પોતાની જ બોસ કેવી રીતે બની શકે છે?'મેં તેમને મારા નોકરીના શરૂઆતના દિવસોની વાત કરી, જયારે હું ટીનેએજમાં હતી.જયારે મને અમારા બોસ, નાના નાના કામ પુરા કર્યા બાદ, મારી પીઠ થાબડતાં, મારા વાળમાં હાથ ફેરવતા. વધુ નજીક આવવાની કોશિશ કરતાં. એકાદ વખત હું સમજી ના શકી પરંતુ મને આ ન્હોતું ગમતું. કેમકે એ શાબાશી આપવા પાછળ કારણ અલગ હતું.'
દીકરી: 'મમ્મી, તો કેમ તેનો વિરોધ ના કર્યો કે આ વાત કોઈની સાથે શેર ના કરી?'
'એ મારા બોસ હતાં, મારે તેમની ઉપર ના જવુ જોઈએ,ઈનફેક્ટ, એવો કોઈ ખાસ ગુનો પણ ન્હોતો કે હું જોબ છોડું'. મારી દીકરીએ મારી ઝાટકણી કાઢી 'એ બોસ હોય તો શુ, જે આપણને ખુંચે એ વાત ચલાવી જ કેમ લેવાય, તુ બધી રીતે હોશિયાર હોય પણ તુ તારા શરીરને, અને તારા સન્માનને ના સાચવી શકે તો તેનો શુ અર્થ?'
એમની આ વાત મારા મનમાં આનંદની લહેરકી પ્રસરાવી ગઈ, એટલીસ્ટ મારી દીકરીએ કઈ બાબાતોમાં સ્ટેન્ડ લેવું જોઈએ તે શીખી રહી છે.
ટીનએજ હોય કે બાળપણ,90% છોકરીઓને ગુડ ટચ અને બેડ ટચ વચ્ચેનો તફાવત ખબર હોય જ છે. એ વાત ટોટલી અલગ છે કે તેઓ જાહેરમાં બોલી શકતી નથી. અથવા તો પરિણામોની ચિંતાને લીધે કોઈની સાથે શેર કરી શકતી નથી. અને જો નનૈયો કે વિરોધ થાય તો પણ ઘણી વાર ધાક ધમકીને લીધે એ ચૂપ રહેવાનું પસંદ કરે છે, કેમકે તે રસ્તો સહેલો છે.
આ બાબતો ઘણી જ જટિલ છે, એટલે કેમકે તમે આવી બાબાતોમાં ઘણી વાર સ્પષ્ટ નિર્ણયૉ લઈ શકતાં નથી, નજીકનાં સગા, મિત્રો,બોસ આવી હરકતો કરે ત્યારે સૌથી મોટી અડચણ આસપાસના લોકો અને સબંધો હોય છે. અને આવાં લોકો, એજ વાતનો ફાયદો ઉઠાવતાં હોય છે.અને જો પરિસ્થિતિ અનુકૂળ રહી અને એ લોકો સફળ રહ્યા તો વાત આગળ જતાં ખુબજ બગડી શકે છે.
આવી પરિસ્થિતિમાં, આવી વાતોની ખુલ્લી ચર્ચા સૌથી વધુ મહત્વની છે.બાળકો આવી બાબતોની સંકોચ વગર ચર્ચા કરી શકે તેવું વાતાવરણ ઘરમાં હોવું જરૂરી છે. છોકરીઓ જ નહિ છોકરાઓ માટે પણ આ સિક્યોરિટી ખૂબ જરૂરી છે. સૌથી પહેલા તો એ સમજવું ખૂબ જરૂરી છે કે જે વાતો નથી જ પસંદ, એમની ચોખ્ખી ના પાડતાં શીખો., અમુક માણસો એટલા ટ્રીકી હોય છે કે તેઓ મીઠી વાતોમાં તમારી બધી જ જાણકારી મેળવી લે છે, જેથી એ ફાયદો ઉઠાવી શકે, તમારા માટે અનુમાન બાંધી શકે અને તમારા વિશે જાણી શકે.એટલે બહારના લોકો સાથે તમારા ટાઈમ શિડ્યુલ, એડ્રેસ,ફોન નંબર,અંગત મિત્રોના નામ શેર કરવાનું ટાળો. દરેક નવા સબંધને સમય ચોક્કસ આપો. કેમકે આ દુનિયામાં માતા પિતાના પ્રેમ સિવાય દરેક વસ્તુની કિંમત ચૂકવવી પડે છે, એટલે વગર સ્વાર્થે કોઈ આપણું થવાનું નથી એટલી સામાન્ય સમજ કેળવો. કોઈ પણ ગ્રુપમાં ભળ્યા પહેલા ખાતરી કરો કે એમાં તમારા અંગત મિત્રો હોય અને જો ના હોય તો તે લોકો સાથે એકલું જવાનું ટાળો. ઓફિસના કલાકો સિવાય એક્સટ્રા કામ કરવાનો આગ્રહ ટાળો.જાહેરમાં ખીખીખોરી કરવાનું ટાળો. જાહેર જગ્યાએ કોઈ વ્યક્તિ વિચિત્ર વર્તન કરવા લાગે ત્યારે એમની સાથે મોટા અવાજે વાતો શરૂ કરો જેથી તે લોકોના ડરથી શરમાશે. કોઈ પણ સ્થળે આવવા જવા માટે મોટા રોડ કે ભીડભાડ વાળી જગ્યા પસંદ કરો.સ્કૂલમાં શિક્ષક હોય કે ઉંચા હોદ્દાના ઓફિસર, વાતો બધી જ સાંભળો પણ કરો એજ, જે યોગ્ય હોય, એનાથી એમનું અપમાન પણ નહીં થાય અને તમારું સન્માન પણ જળવાશે.
નજર અને દ્રષ્ટિ, દરેક સબંધોમાં મહત્વની ભૂમિકા ભજવે છે, કોઈ પણ સામેની વ્યક્ત પોતાની મર્યાદા, આપણી નજર થકી જ બાંધી લે એટલો આત્મવિશ્વાસ કેળવો. આજ વિશ્વાસ તમને બિનજરૂરી માણસોથી દૂર રાખવામાં મહત્વપૂર્ણ બનશે.
- જીજ્ઞા જોગીયા








