મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / બેડરૂમનું બંધારણ બેઉ પાર્ટનરને Freedom Of Expression આપે છે ખરું?

- એય, સાંભળે છે? સંતોષ સાથે એક પ્રોઢ લેડી કહે છે, “મારામાં સ્ત્રી સહજ લજ્જા ખુબ.

શતરંગ / બેડરૂમનું બંધારણ બેઉ પાર્ટનરને Freedom Of Expression આપે છે ખરું?

- એય, સાંભળે છે?

સંતોષ સાથે એક પ્રોઢ લેડી કહે છે, “મારામાં સ્ત્રી સહજ લજ્જા ખુબ. પણ ધીમે ધીમે મારા હસબન્ડે મને પલોટી, એમણે અંગત ક્ષણોમાં મને સંપૂર્ણ પણે ખીલતી કરી.”

એકવાર મેં એફ્બીમાં એક પોસ્ટ લખેલી કે,

‘તને ચાહું છું,
તારા પગની રજથી લઈને
તારા માથાની સુગંધ સુધી
તારા હુંફાળા સંબોધનોથી લઈને
ચરમક્ષણોની ગાળો સુધી
તને ચાહું છું.’

આ પોસ્ટ પછી એક પ્રોઢ લેડીએ મને ઈનબોક્સમાં બહુ શાલીન ભાષામાં મેસેજ કર્યો હતો કે, “હું જ્યારે પરણીને આવી ત્યારે પહેલી જ વારની આવેગપૂર્ણ અંગત ક્ષણોના મારા હસબન્ડે મને કહેલું કે તારે આ ક્ષણોમાં જે કઈ બોલવું એ બોલી શકે છે, મને ગમશે...મારામાં સ્ત્રી સહજ લજ્જા ખુબ...પણ ધીમે ધીમે મારા હસબન્ડે મને પલોટી (એમણે આ જ શબ્દ વાપર્યો હતો કે મને પલોટી...પલોટવું એટલે તાલીમ આપવી...ખાસ કરીને યુવાન ઘોડી કે ઘોડાને તાલીમ આપવા બાબતે ‘પલોટી’ એવો શબ્દ વપરાતો હોય છે.) મારા હસબન્ડે જરા પણ જજમેન્ટલ થયાં વિના અંગત ક્ષણોમાં મને સંપૂર્ણ રીતે ખીલતી કરી, એમણે હંમેશા મને ઝીલી લીધી. આ કોરોનાની મહામારીમાં મારા હસબંડ જતા રહ્યા. પણ એમની સાથે મેં જે જીવન વિતાવ્યું છે, એ સ્મરણો હવે મારા જીવનને સંતોષ આપે છે !”

આ લેડીએ આ વાત કહી ત્યારે એમના દામ્પત્યનો સંતોષ મને બહુ આનંદ આપી ગયો. આ વાત બહુ સમજવા જેવી છે, બેડરૂમમાં આનંદની અનુભૂતિ તો જ થઇ શકે જો અભિવ્યક્તિની આઝાદી હોય. આપણું દેશનું બંધારણ તો આપણને અભિવ્યક્તિની આઝાદી(freedom of expression) આપે છે. પણ બેડરૂમનું બંધારણ બેઉ પાર્ટનરને freedom of expression આપે છે ખરું? બેડરૂમના અંગત જીવનમાં એકબીજાની ખૂબીઓ સાથે ખામીઓની ય વાત કરીને સંબંધને વધુ સુંદર બનાવવા ખુલીને અભિપ્રાય આપી શકાય છે ખરો? અંગત ક્ષણોમાં ઉન્હુકારા સિવાય જે બોલવું હોય એ બોલી શકાય છે ખરું?

દિલ્હીની NSD (નેશનલ સ્કુલ ઓફ ડ્રામા)માં વર્ષો સુધી પ્રોફેસર રહેલા રામગોપાલ બજાજ રંગભૂમિને સમજાવતા એક વાત કહે છે કે, “ભાષામાં સ્વરો છે એ અનુભૂતિ છે અને વ્યંજનો છે એ અભિવ્યક્તિ છે.” આ જ વાતને બેડરૂમની શૃંગારભૂમિ પ્રકાશમાં સમજવા જેવી છે. વિશ્વની દરેક ભાષામાં બે પ્રકારનાં ઉદ્ગારો છે: 1) સ્વરો, 2) વ્યંજનો...ભાષાશાસ્ત્રીઓ માને છે કે સ્વરો તો શાશ્વત હતા અને છે. જેમ કે આ, ઈ, ઉ, ઓ વગેરે...આ બધા ઉદ્ગારો બુમ કે ચીસ પાડવાં કે ઉન્હુકારા કે આક્રંદ કરવા જેવી સાહજિક ક્રિયાઓમાં આપણા મોંએથી અવાજ રૂપે પ્રગટ થાય જ છે. પણ ભાષા ત્યારે બની જયારે વ્યંજનોની શોધ થઇ અને વ્યંજનો ભાષામાં વ્યવસ્થિત ગોઠવાયાં. ભાષાએ માનવ વિકાસને અદ્ભુત ગતિ આપી છે. વ્યક્તિ સ્વરો અને વ્યંજનો બેઉને ખુલીને ત્યારે જ વાપરી શકે જ્યારે એને વ્યક્ત થવાની આઝાદી હોય. બાકી માત્ર સ્વરોથી કામ ચાલતું હોય છે.

હર્ષ કે શોક તમે કશું પણ અનુભવો એટલે સ્વરો તો હોંકારા કે ઉન્હુકારા રૂપે આવી શકે...પણ વ્યંજનો છે એ અભિવ્યક્તિ છે. આપણું માનસ એવું છે કે આપણો આનંદ ત્યારે બેવડાય જ્યારે આપણે અનુભવીએ છીએ એ આપણા વ્યક્તિઓના કહી શકીએ, આપણું હૃદય એવું છે કે આપણને દુઃખ અનુભવાય ત્યારે એ દુઃખ બહાર કાઢી નાખવા પણ આપણે કોઈ સહૃદય પાસે અભિવ્યક્ત થવું પડે.

અંગત ક્ષણોમાં આ અનુભૂતિ અને અભિવ્યક્તિ બેઉનો સંયોગ થાય ત્યારે સંભોગનો વધુમાં વધુ આનંદ લઇ શકાતો હોય છે. દંપતીને બેઉ તરફે એ ભરોસો હોય કે આ ક્ષણોમાં આપણી અંદરની વિચિત્રતાઓ કે પશુતા બહાર આવે તો મારો/મારી જીવનસાથી એને કોઈ અન્ય રીતે જજ નહિ કરે, કોઈ વાતને મર્દાનગી કે ચારિત્ર્ય સાથે જોડવામાં નહિ આવે. બાકી તો એવું થાય કે સેક્સ બાબતે સ્ત્રી પુરુષને કોઈ સજેશન આપે તો પુરુષ એને મર્દાનગી સાથે જોડી લે તો તો એનો અહંકાર ઘવાય જાય. એવી જ પુરુષની પશુતાને યોગ્ય રીતે ઝીલવામાં ન આવે તો એ બેડરૂમમાં ક્યારેય પૂર્ણ રૂપે બહાર નહિ આવે.

નાટ્ય શાસ્ત્રમાં નવ રસ છે: શૃંગાર, હાસ્ય, કરુણ , વીર, રૌદ્ર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત રસ. બેડરૂમમાં જો freedom of expression હોય તો સ્ત્રી અને પુરુષ પોતાના સંબંધમાં શૃંગારથી શરુ કરીને શાંત થવા વચ્ચે આ બધા જ રસ જીવી શકે. આખો દિવસ બહારની દુનિયામાં સંયમ, સંસ્કાર, સભ્યતા લઈને ચાલવાનું હોય છે. પણ બેડરૂમ જ એક એવી જગ્યા છે જ્યાં દંપતી થોડા સમય માટે બધો ભાર ઉતારીને હળવા થઈ શકે.

હોંકારો:

સંબંધોમાં તો વ્યક્ત થવાની અને મૌન રહેવાની આઝાદી મહત્વની છે. વ્યક્તિને જ્યારે એનો આત્મીય જન (soul mate) મળે ત્યારે એનું મૌન પણ બોલાવા લાગતું હોય છે અને બોલવું પણ મૌન જેવું લાગતું હોય છે.

- કાનજી મકવાણા 

આ સમાચાર શેર કરો