શતરંગ / અર્જુન! સુખને સહન કર અને દુ:ખ ને ઉજવ...
- ગીતા Talks આજે આટલા મનોરંજનો-સગવડો વચ્ચે ય આપણને શેનો અભાવ ડંખે છે? મનુભાઈ પંચોળી-દર્શકદાદાનું

- ગીતા Talks
આજે આટલા મનોરંજનો-સગવડો વચ્ચે ય આપણને શેનો અભાવ ડંખે છે?
મનુભાઈ પંચોળી-દર્શકદાદાનું એક નાટક છે: ‘પરિત્રાણ’. એમાં કૃષ્ણ-કુંતીનો એક સુંદર સંવાદ છે.
કુંતી પૂછે છે કે, " કૃષ્ણ! તું તો જ્ઞાની છે, મને એક પ્રશ્નનો જવાબ આપીશ?"મારા પુત્રો તો ધર્મિષ્ઠ છે. એમને યજ્ઞો કરાવ્યા છે, દાન દીધા છે, રંકજનોને પોષ્યા છે, મારા યુધિષ્ઠિરે ક્યારેય કોઈનું ય અહિત કલ્પ્યું નથી, તો કૃષ્ણ મને એ કહે કે તેમને આ દુઃખો આ શા માટે? બાળપણથી એ કે હું કોઈ સુખ પામ્યા નથી ઘડીક રાજમહેલમાં છાંયો મળ્યો બાકી તો એક વનથી બીજા વનમાં અને બીજામાંથી ત્રીજા વનમાં. મારા પુત્રોને ઝેર આપવાના પ્રયત્નો થાય, અમને જીવતા સળગાવી દેવાના કાવતરાં થાય, દ્રૌપદી આવી તોપણ એ આવી ત્યારથી અમારી વચ્ચે દુઃખની ચિતા પર જ ચડી, કૃષ્ણ ! તું કહે છે કે જે પાપ કરે છે તેને ભોગવવું પડે. પણ મારા દીકરાઓએ આ દુઃખ શા માટે ભોગવવું પડે છે?'
કૃષ્ણ કહે છે: " ફોઈ, તમે બહુ આકરો પ્રશ્ન કર્યો છે, મોટા મુનીઓ પણ મૂંઝાઈ જાય એવો છે, પણ ફોઈ હું એક વાત પૂછું? ફોઈ! આ ગાંધારી અહી રાજમહેલમાં રહે છે એ સુખી છે ? આ ધૃતરાષ્ટ્ર અહી સિંહાસન પર બેઠા છે એ સુખી છે? જેને દુર્યોધન,-દુ:સાશન-કૌરવો જેવા સંતાનો હોય એ મહેલોમાં ય કેવી રીતે સુખી હોય? અરે ફોઈ! દુર્યોધન પોતે ય શું સુખી છે? જે મહેલોમાં રહેતો હોય છતાં વનમાં રહેતા ભાઈઓનાં દ્વેષમાં સતત બળતો હોય એ કેવી રીતે સુખી હોય? ને સામે પાંડવો દુઃખી છે એ એવું જગત ભલે કહેતું હોય પણ મને એવું લાગતું નથી. મહેલમાં રહેનારા સુખી અને જંગલમાં રહેનારા દુઃખી એવું ય નથી. સગવડને આપણે સુખ સમજી બેઠા છીએ.
ફોઈ, દ્રૌપદીને પણ પાંડવોની સંગાથે જ સુખ મળ્યું છે, તમે જ કહો એને પાંડવોને છોડીને અહી રહેવાનું કહ્યું હોત તો એ અહી રહી હોત?. ફોઈ! પાંચેય ભાઈઓ અને પાંચાલી વચ્ચે ત્યાગ અને સ્નેહ છે એ સુખ નથી તો શું છે?
ફોઈ! કોઈને ય જીવનમાં સંપૂર્ણ સુખ કે સંપૂર્ણ દુઃખ એવું નથી હોતું, ત્યારે પાંડવોએ સુખ અને દુઃખ બેઉને ઉજવ્યા છે ને બેઉને સહન કર્યા છે. "
અહીં કુંતીએ પૂછ્યું એમ ગીતામાં અર્જુને પણ આવું પૂછે છે. અર્જુનની બધી કન્ફયુઝન, પ્રશ્નો, વિષાદ સાંભળ્યા પછી ગીતામાં કૃષ્ણ બીજા અધ્યાયના ૧૧માં શ્લોકથી બોલવાનું કરું છે અને કૃષ્ણ બોલવાનું શુર કરે એ પછી ચોથો જ શ્લોક છે કે,
मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः।
आगमापायिनोऽनित्या: तांस्तितिक्षस्व भारत।।2.14।।
આ મને બહુ ગમતો શ્લોક છે ! આ શ્લોકનો ભાવાનુવાદ કરીએ તો કૃષ્ણ એવું કહે છે કે “હે કુંતીપુત્ર! ઇન્દ્રિયોનાં વિષયમાં (मात्रास्पर्शास्तु) અનુભવાતા સુખ ને દુ:ખ તો ઠંડી- ગરમીની જેમ (शीतोष्णसुखदुःखदाः) આવતા-જતા રહે છે, એ અનિત્ય છે, आगमापायिनोऽनित्या:) માટે હે ભારત! તેમને તું સહન કર."
આ શ્લોકમાં મને જે વાત સૌથી વધુ ગમી એ છે: તું એને સહન કર-तितिक्षस्व...કૃષ્ણ કહે છે કે સુખ અને દુઃખ બેઉને સહન કર. દુઃખ તો ઠીક , એ સુખને ય સહન કરવાનું કહે છે. સુખને સહન કર એમ કહે છે કે ત્યારે કૃષ્ણ એમપણ કહેતા જણાય છે કે દુઃખને માણ. સુખમાં સંયમ ધારણ કરવાની વાત છે તો દુઃખમાં એના સહજ સ્વીકારની વાત છે.
આપણા વડીલો કહેતા હોય છે કે, "ખરેખર આ તમારો જમાનો જીવવા જેવો જમાનો છે, સુખ,સગવડ,મોજ, મજા, મનોરંજનના કેટલા સાધનો છે...અમારા જમાનામાં તો આમાનું કઈ નહોતું..." એમના જમનામાં આવી ફેસીલીટી કે એન્ટરટેઈનમેન્ટના સાધનો ભલે નહોતા, જીવન હાડમારી અને મહેનતવાળું ભલે હતું છતાં ત્યારે ક્યારેય સ્ટ્રેસ કે ડીપ્રેશનની ચર્ચાઓ નહોતી. આજે આટલા મનોરંજનો-સગવડો વચ્ચે ય આપણને શેનો અભાવ ડંખે છે ? આજે આપણા જેવા લોકો વનમાં તપસ્યા કરવાતો ન જઈ શકે. ત્યારે કોઇપણ પરિસ્થિતિમાં અંદરથી સહજ હોવું એ જ કદાચઆપણું તપ છે. કૃષ્ણ એ સુખ અને દુ:ખમાં આ સંતુલનનો મહિમા કરે છે.
ગીતા વિચાર:
શ્લોકમાં જે છેલ્લે સહન કરવા વાળી વાત છે, એ પહેલી નજરે મોટા ભાગના લોકોને બોરિંગ લાગે કે 'હા સહન તો કરીએ જ છીએ ને.' પણ આ શ્લોકમાં કૃષ્ણનો ઈશારો સહન કરવાથી પ્રસન્નતા તરફ હોય એમ લાગે છે. કે સુખ કે સમૃદ્ધિ છે, તો એનો ય દેખાડો કર્યા વિના પ્રસન્ન રહી શકાય છે? ને દુઃખ છે તો એના ય રોદણા રોયા વિના ખુશ રહી શકાય છે?
- મિલી મેર








