શતરંગ / એનિમેશન અને કાર્ટુન: કુતુહલની દુનિયા!
- સિંગલ સ્ક્રિન जज़्बात भी हिन्दु होते है चाहत भी मुसलमॉं होती है...दुनिया का इशारा था लेकिन स

- સિંગલ સ્ક્રિન
जज़्बात भी हिन्दु होते है चाहत भी मुसलमॉं होती है...
दुनिया का इशारा था लेकिन समझा न इशारा, दिल ही तो है...
- साहिर
૧૯૯૬ની સાલ હતી, ઘરમાં સરસ ફિલિપ્સનું ટીવી આવેલું, અને મને યાદ છે કે પપ્પા એ ખાસ જીદ સામે નમતું જોખીને ઘરનું સૌથી પહેલું રિમોટ કંટ્રોલ વાળું ટીવી લઇ દીધેલું. કાર્ટુન નેટવર્ક ત્યારે નવું નવું શરુ થયેલું અને સાંજ સુધી કાર્ટુન આવતાં અને સાંજે અંગ્રેજી ફિલ્મોની એક ચેનલ TNT શરુ થઇ જતી! દુરદર્શન પર રવિવારે સવારે ડિઝની અવરમાં ‘ડક ટેલ્સ’ અને ‘ટેલ સ્પિન’ જોઇને જલસો પડી જતો, અને એ કાર્ટુન અને એનિમેશનથી અવગત થવાનું જિંદગીનું પહેલું એક્સપોઝર હતું. વિકલ્પો ઓછા હતાં, કુતુહલ અપાર હતું. સોની ટીવી ત્યારે નવું નવું હતું અને આઈ ડ્રિમ ઓફ જિની અને બિવિચ્ડ જેવા ડબ્ડ શોઝ ધુમ મચાવી રહ્યા હતા.
કાર્ટુન્સ કરવટ લઇ રહ્યા હતાં, કોઈ એવી ચેનલ જે આખો દિવસ કાર્ટુન બતાવે એ પણ હિન્દી અને અંગ્રેજી બંને વર્ઝનમાં તો બાળકોને બીજું શું જોઈએ? ટોમ એન્ડ જેરી તો ખરું જ પણ બીજા કયા કયા કાર્ટુન્સ આપણી લાઈફનો, આપણા બાળપણનો હિસ્સો હતા અને હંમેશા રહેશે! ચાલો આજે સ્માર્ટફોન સાઈડમાં મુકીને એ સમયને યાદ કરીએ જયારે આપનો રવિવાર પણ અલગ હતો અને આપણું વેકેશન પણ! એવું તો શું હતું એ કાર્ટુન્સમાં જે આજે પણ એટલું જ યાદ છે અને એનિમેક્સ, નિકેલોડિયન અને ડિઝની બબ્બે ચેનલ્સ હોવા છતાં આજે ઘણું બધું મિસિંગ લાગે છે!
• મોરાલ મેસેજ: સાંજે પાંચ વાગ્યે આવતું અલાદ્દીન હોય કે ડક ટેલ્સ, ફ્લિન્સટોન્સ હોય કે પાપાય, હંમેશા લાઈફ લેસન્સ અને કેપ્ટન પ્લાનેટમાં તો સરસ મજાની પર્યાવરણ અને ગ્રહને બચાવવાની વાત. કેવી સરળતા થી મેસેજ પણ આપી દેવાનો અને કોઈ બાબા જેવી ફાલતું ઉપદેશાત્મક વાતો પણ નહિ!
• સાદાઈ અને વોર્ડરોબની સરળતા: સ્કુબી ડુ અને ડક ટેલ્સ જોઇને કે પછી જ્હોની બ્રાવો જોઇને થતું કે આ લોકો ખરેખર રોજ એ જ કપડા કેવી રીતે પહેરી શકતા હશે! દોસ્તો માત્ર કપડા જોઇને જ ઈમ્પ્રેસ ન થાય એ આ કાર્ટુન્સ જોઇને સમજી શકાતું. કપડા કરતા કરેલા કાર્યો અને સ્વભાવ વધુ મહત્વનાં છે એવું આ કાર્ટુન્સ સતત સમજાવતા.
• આઉટડોર્સની ધમાલ! ધ માસ્ક થી લઈને રોડ રનર, ચિપ એન્ડ ડેલ થી લઈને સ્વેટ કેટ્સ બધે જ આઉટડોર ગેમ્સ, નવા નવાં સાહસો અને પરાક્રમ મસ્ટ હતાં! ડોરેમોન અને નોબિતા કે અત્યારનાં બીજા કોઈ કાર્ટુનની જેમ ‘તારી પાસે આઈ ફોન નથી?’ તો આઈફોન તો હોવો જ જોઈએ એવું ન કહેવામાં આવતું! પાવરપફ ગર્લ્સ અને જેટ સન્સમાં તો સતત સફરની રોચક વાતો કરવામાં આવતી, એકદમ દિલ ધડક રીતે.
• શાકભાજી ખાવ અને ફિટ રહો! પહેલા બહુ માર ખાતો અને મહેણાં સાંભળતો પાપાય છેવટે ‘સ્પિનચ’ નું ટીન ખોલીને ખાઈ જતો અને એનામાં તાકાત આવતા જ એ ખરો પાપાય – ધ સેલર મેન બની જતો અને બ્લુટોને ધિબેડી નાંખતો. પેલું સિગ્નેચર મ્યુઝિક વાગતું અને ઓલિવ પાપાય પર ફિદા થઈને ફ્લાઈંગ કિસ પર કિસ આપતી. ત્યારે થતું કે બસ આપણી પાસે એક ઓલિવની જ કમી હતી.
• રિલેશન મેટર્સ: ફ્લિન્સટોન્સ હોય કે ડેક્સટર્સ લેબોરેટરી, યા તો આખું કુટુંબ સાથે હોય યા તો ભાઈ બેનની વાત હોય, મીઠ્ઠા ઝઘડાઓ અને રિસાવાનું-મનાવવાનું, પાવર પફ ગર્લ્સમાં ફિમેલ પાવરની પણ વાત હતી.
આ સિવાય વિષય વૈવિધ્ય અને વાર્તા વસ્તુની ડાયવર્સિટી પણ ગજ્જબ હતી. ત્યારે જ્હોની બ્રેવો જેવો વ્યક્તિ છોકરીઓને ઈમ્પ્રેસ કરતો, ક્યાંક પ્લેનેટ બચાવવાની વાત, ક્યાંક અંકલ સ્પ્રુજ અને એમનાં ભત્રીજાઓ હ્યુઈ, લ્યુઈ, ડ્યુઈ અને લોભ થી માનવતા અને સાહસની વાતો! ક્યાંક અસ્સલ કિડ અને બલ્લુનાં સાહસો, ક્યાંક ટોમ એન્ડ જેરીની અમર જુગલ બંદી તો ક્યારેક લુની ટુન્સમાં અલગ અલગ કેરેક્ટરની ખિચડી અને રિચી રિચ પણ કેમ ભૂલાય?!
દિવસો વિત્યા, વર્ષો વિત્યા અને એનિમેશન સ્ટાઈલ બદલાઈ! ચાઇનીઝ કાર્ટુન્સની ઘુષણખોરી પણ વધી. પોગો, એનિમેક્સ જેવી ચેનલ્સ પર છોટા ભીમ સિવાય ડોરેમોન, નોબિતા અને એન્ડી પર્ક. માઈટી રાજુ, સુનૈના, તાકેશીઝ કેશલ જેવા જેપનિઝ કાર્ટુન્સ પણ ખરા! હવે બાળકોને કાર્ટુન સાથે બીજા શોઝ પણ એટલા જ ગમે છે પણ અગેઇન કાર્ટુનમાં પણ કાવાદાવા અને ખટપટ, દેખાદેખી જેવા કન્ટેન્ટ ઘુસાડી દેવાય છે. હવેનાં કાર્ટુન્સ એટલા નિર્દોષ હોતા નથી જેટલા એ હોવા જોઈએ! હંગામા ટીવી અને ડિઝની XD પર ક્સ વગરનાં પોકેમોન, ફ્રિકટાઉન અને બે-બ્લેડ જેવા શોઝ બતાવાય છે!
તમારા ફેવરિટ કાર્ટુન શોઝ કયા હતા? તમને લાગે છે કે નાઈન્ટીઝ જેવા સુપર મિનીંગ ફુલ અને ફેન્ટસીનાં નવા આયામો સર કરે એવા કાર્ટુન્સ ફરી બની શકે? દિલ થી કહેજો!
ડેઝર્ટ:
हर आदमी में होते है दस बीस आदमी...
जिस को भी देखना हो कई बार देखना...
- निदा फ़ाज़ली
- ભાવિન અધ્યારુ








