શતરંગ / 19મી સદીની એક સાહસી સંશોધક જેણે 21મી સદીના લોકોના દૈનિક જીવનને સરળ બનાવ્યું
- વિજ્ઞાન વિહાર ઇમેજિન, ઓગણીસમી સદીના ઉત્તર

- વિજ્ઞાન વિહાર
ઇમેજિન, ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકાના ઇલિનોય રાજ્યમાં એક નાનું શહેર છે. શહેરનું નામ છે શેલ્બિવીલ. વર્ષ છે 1883. અમેરિકામાં ઔદ્યોગિક ક્રાંતિ પીક ઉપર છે અને ઇલિનોય રાજ્યમાં અનેક ઔદ્યોગિક એકમો અને ફેક્ટરીઝ બની રહયા છે. પરંતુ ક્રાંતિ ઔદ્યોગિક છે. સામાજિક ક્રાંતિ અને ખાસ કરીને મહિલાઓ માટે સમાનતાની વાતો હજુ માત્ર વાતો જ છે. અમેરિકાના ઘણા રાજ્યોમાં તો હજુ મહિલાઓને મતાધિકાર પણ નથી. એવા સમયે એક સ્ત્રીની કલ્પના કરો જે માત્ર 44 વર્ષની વયે વિધવા થાય છે. સ્ત્રીનું નામ છે જોસેફીન. તેને તેર વર્ષની એક દીકરી છે. અગાઉ એક દીકરો જન્મીને માત્ર બે વર્ષની ઉંમરે મૃત્યુ પામેલો. હવે પતિના મૃત્યુ પછી પોતાનું મેન્શન અને સંપત્તિ તો છે પરંતુ સાથે પતિના બિઝનેસના દેવા પણ છે. વળી જોસેફીને માત્ર હાઈસ્કૂલ સુધી અભ્યાસ કર્યો છે અને 19 વર્ષની નાની ઉંમરે લગ્ન કરી છેલ્લા અઢી દાયકાથી પતિ સાથે હાઉસવાઈફ તરીકે રહેતી હોવાથી આ પહેલા અર્થોપાર્જન વિષે ચિંતા કરવાની ક્યારેય જરૂર નહોતી પડી. પરંતુ હવે એ ચિંતા પણ છે.
હવે શું કરી શકાય? એક રસ્તો છે સંપત્તિ અને મેન્શનમાંથી થોડો ભાગ વેંચી બાકીનું જીવન સમયના વહેણને સુપ્રત કરી દેવું અને જ્યાં એ વહેણ લઇ જાય ત્યાં જવું. આપણી વાર્તાની હિરોઈન એવી જોસેફીનને આ રસ્તો મંઝૂર ન હતો. તેને સમયના વહેણમાં હલેસાઓ પોતાના હાથમાં રાખવા હતા અને દિશા જાતે નક્કી કરવી હતી. દિશા હતી તેના એક સ્વપ્ન તરફ અને એ સ્વપ્ન પૂરું કરવા માટે જરૂરી અદભુત ધગશ અને આત્માવિશ્વાસ જ તેના હલેસા. સપનું આમ તો ખુબ સામાન્ય હતું અને થોડું વિચિત્ર પણ; એક એવું મશીન બનાવવું જે વાસણો ધોઈ આપે.
સ્વપ્નના બીજ હજુ થોડા સમય પહેલા જ રોપાયેલા. મૃત્યુ પહેલા પતિ એક મોટો બિઝનેસમેન અને પોલિટિશિયન પણ હોવાને કારણે એ નાના શહેરના સામાજિક નેટવર્કમાં પરિવારનો સારો એવો મોભો હતો. અવાર-નવાર તેઓના ઘરે નાની મોટી પાર્ટી થતી અને પાર્ટી પછી ઘણી વખત ડીનર માટે વપરાયેલા પોર્સેલીનના કિંમતી વાસણો નોકરો દ્વારા ધોતી વખતે તૂટી જતા કે તેમાં સ્ક્રેચીસ પડતા. તેમાંની અમુક તો તેમના છેક સોળમી સદીના વારસાગત ખજાનાની ખુબ કિંમતી સીરામીક ડીશીસ હતી. વારંવાર એવું થવાને કારણે જોસેફીન અપસેટ થઇ જતી. પહેલા તો તેણે નક્કી કર્યું કે અમુક કિંમતી ડીશ એ પોતે ધોશે પરંતુ જ્યારે જાતે ધોઈ ત્યારે પણ સ્ક્રેચીસ પડ્યા એટલે જોસેફીનને લાગ્યું કે એવું મશીન હોવું જોઈએ જે નુકશાન કર્યા વગર આવા ડેલિકેટ વાસણો ધોઈ આપે. તેને થતું કે શા માટે હજુ સુધી કોઈએ આવું મશીન નથી બનાવ્યું? શરુવાતમાં તેણે પતિને વાત કરી પરંતુ તેના પતિએ કોઈ ખાસ રસ ન દાખવ્યો. એટલે જોસેફીને જાતે જ ડિઝાઇન બનાવવાનું નક્કી કર્યું. કોઈ પણ ફોર્મલ ટ્રેનિંગ વગર માત્ર પોતાની સમજ અને ક્રિયેટીવીટીને આધારે મહિનાઓ સુધી મથામણ કરી તેણે એક ડિઝાઇન ફાઇનલ કરી.
હવે સમય હતો એ ડિઝાઇન પ્રમાણે મશીનનો પ્રોટોટાઇપ તૈયાર કરવાનો. પરંતુ એ જ સમયે અચાનક જોસેફિનના પતિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. અચાનક બનેલી આ ઘટનાને કારણે થોડા સમય માટે તો તેનો પ્રોજેક્ટ અટકી ગયો. પરંતુ હવે પરિસ્થિતિ અલગ હતી. પહેલા તેના માટે એ મશીન માત્ર એક જિજ્ઞાસા અને થોડા અંશે ઉપયોગી સાધન બનાવવાની એક ઈચ્છા હતી. પણ હવે એ મશીનનું સ્વપ્ન તેના માટે આઘાતમાંથી બહાર આવવા માટેનું એક પગથિયું તો હતું જ પણ સાથે સાથે તેને એવું લાગ્યું કે જો સફળ થાય તો તે મશીન તેની આર્થિક અનિશ્ચિતતાનો પ્રશ્ન પણ ઉકેલી શકે તેમ હતું. એ સમયે એવું વિચારી શકવું એ જોસેફીનની અદભુત ઓન્ટરપ્રેન્યોરશિપ સ્કિલ અને પોતાની ડિઝાઇનમાં
વિશ્વાસનું પ્રમાણ છે. આ બન્ને તેને પોતાના બાળપણમાં ફેમિલી પાસેથી મળેલા કારણકે તેના દાદા પણ એક ઇન્વેન્ટર હતા અને પિતા એક સિવિલ એન્જીનીયર. વળી એ અપ્રોચ વિષે વિચારી શકવું એ મારા માટે અમુક અંશે એ સમયના અમેરિકામાં નવા આઇડિયાને પ્રમોટ કરતી અને ઓન્ટરપ્રેન્યોર્સને પ્રોત્સાહન આપતી ઈકોસીસ્ટમની પણ સાબિતી છે.
ખેર, 1883માં પતિના મૃત્યુ પછી થોડા જ સમયમાં જોસેફીન ફરી પોતાના પ્રોજેક્ટ ઉપર કામ કરવા લાગી. તેની પાસે હવે એક ડિઝાઇન હતી અને જોસેફીને પોતાની આ ડિઝાઇન માટે પેટન્ટ ફાઈલ પણ કરી દીધી. પણ ડિઝાઇન પ્રમાણે ફેબ્રીકેશન કરવું તેના માટે શક્ય ન હતું. એ માટે તેણે એક પછી એક કેટલાક મિકેનિક્સ હાયર કર્યા અને તેઓને પોતાની ડિઝાઇન પ્રમાણે મશીન બનાવવા કહ્યું. અહીં જોસેફીને પોતે નોંધ્યું છે કે આ કાર્યમાં તેના માટે સ્ત્રી હોવું અને વળી એન્જીનીયરીંગની ફોર્મલ ટ્રેનિંગ ન હોવી એ મોટી અડચણો હતી. દરેક એન્જીનીયર તેની ડિઝાઇન પ્રમાણે મશીન બનાવવાને બદલે તેમાં પોતાની રીતે સુધારા વધારા સૂચવતો કારણકે એક નોન-એન્જીનીયર અને એ પણ સ્ત્રી દ્વારા બનાવેલી ડિઝાઇન ફોલો કરવા માટે એ સમયે પુરુષો તૈયાર જ નહોતા. અંતે કેટલાક મિકેનિક્સ બદલ્યા પછી જોસેફીને એક લોકલ મિકેનિક જ્યોર્જ બટર્સને આ કામ સોંપ્યું. જ્યોર્જે જોસેફીનની ડિઝાઇન ફોલો કરીને 1885માં જોસેફીનના મેન્શનના ગેરેજમાં જ પ્રથમ પ્રોટોટાઇપ ડીશ-વૉશિંગ મશીન તૈયાર કર્યું.
એવું નહોતું કે જોસેફીન પહેલા લોકોએ ડીશ-વોશર બનાવવા પ્રયત્નો નહોતા કર્યા. ઈન ફેક્ટ, એ પહેલા અલગ અલગ ડિઝાઇનના ડીશ-વોશર્સ માટે ત્રણેક પેટન્ટ્સ પણ ગ્રાન્ટ થયેલી. પરંતુ એ દરેક મશીન અને આઈડિયા મૂળભૂત રીતે હાથથી સ્ક્રબ દ્વારા ડીશ ઘસીને ધોવાની પ્રક્રિયાને યાંત્રિક રીતે કરવા પાર આધારિત હતા અને એમાં નાજુક વાસણોને સ્ક્રેચ થવાનો અને તૂટી જવાનો પ્રશ્ન રહેતો જ. જોસેફીને આ પ્રોબ્લેમનું સમાધાન એક બિલકુલ યુનિક આઈડિયા દ્વારા કરેલું. જોસેફીનનુ માનવું હતું કે જો ગરમ પાણીને ડિટર્જન્ટ સાથે મિક્સ કરીને પ્રેશરથી સ્પ્રે કરવામાં આવે તો ડીશ એટલી જ સરસ રીતે ધોવાઈ શકે. એ માટે તેણે તાંબાના મોટા બોઇલર ઉપર લાકડાનું વ્હીલ ફિટ કરી તેમાં ડીશીસ મુકવા માટેના રેક્સ ડિઝાઇન કર્યા અને ગરમ પાણીને સ્પ્રે કરવા માટે બોઇલર ચેમ્બરમાં હાથથી પમ્પીંગ કરી પ્રેશર વધારી શકાય તેવી વ્યવસ્થા કરી. આ એક ઇનોવેટીવ આઈડિયા હતો અને આ પહેલા કોઈએ આવો પ્રયત્ન ડીશ-વોશિંગ માટે કરેલો ન હતો. એટલે 1886માં જોસેફીનને આ ડીશ-વોશિંગ મશીન માટે પેટન્ટ મળી ગઈ.
હવે જોસેફીને એક ઇનોવેટરમાંથી ઓન્ટરપ્રેન્યોર બનવાનું હતું. એટલે તેણે ડીશ-વોશર બનાવવા માટે ગેરિસ-કોક્રેન
ડીશ-વૉશિંગ કંપનીની સ્થાપના કરી. જોસેફીનને ખબર હતી કે તેનું ડીશ-વોશર હજુ ખુબ મોંઘુ છે અને ઘરે ઘરે યુઝ થઇ શકે તે શક્ય નથી એટલે કંપનીએ પોતાનો ટાર્ગેટ હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ તરફ રાખ્યો. અહીં પણ જોસેફીને નોંધ્યું છે કે પોતાના મશીનની માર્કેટિંગ માટે કલાયેન્ટને મળવા જવું તેના માટે એક સ્ત્રી તરીકે સૌથી અઘરું કાર્ય હતું. એ સમયે અમેરિકામાં પણ ખાસ કરીને સ્ત્રીઓએ એકલા ઘરની બહાર નીકળવું સામાન્ય ન હતું. તે પોતે પણ પોતાના પિતા કે પતિ વગર એકલા એ પહેલા ક્યારેય નહિ નીકળેલી. જોસેફીન નોંધે છે કે જ્યારે તે મશીનની માર્કેટિંગ માટે હોટેલ્સ મેનેજરને મળવા જતી ત્યારે હોટેલ્સની લોબીમાં એકલા ચાલવું ખુબ ઓકવર્ડ લાગતું. પરંતુ ધીરે ધીરે તેના પ્રેઝંટેશન્સથી પ્રભાવિત થઈને શિકાગોની કેટલીક હોટેલ્સમાંથી તેને મોટા ઓર્ડર્સ મળ્યા. એ દરમિયાન શિકાગોમાં જ તેઓએ તેમનું ડીશ-વોશર વર્લ્ડ કોલંબિયન એક્સપોઝિશનમાં પ્રદર્શિત કર્યું અને તે ખુબ પોપ્યુલર થયું. એ એક્સપોમાં જોસેફીનને એવોર્ડ તથા પ્રસિદ્ધિ પણ મળ્યા અને ત્યાર બાદ અનેક હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, હોસ્પિટલ્સ અને કોલેજીસ માંથી મોટા ઓર્ડર્સ પણ.
1898માં જોસેફીને પોતાની કંપની એક્સપાન્ડ કરીને ક્રેસન્ટ વોશિંગ મશીન કંપની નામે મોટા પ્રમાણમાં ડીશ-વોશર્સ બનાવવાનું શરુ કર્યું જેમાં જ્યોર્જ બટર્સે મેનેજર તરીકે કાર્ય કર્યું. વીસમી સદીના પ્રથમ દશકમાં આ ડીશ-વોશર અમેરિકામાં ખુબ લોકપ્રિય થયું. આ દરમિયાન જોસેફીન સતત પોતાની ડિઝાઇનમાં સંશોધનો કરતી રહી અને 1913માં 74 વર્ષની વયે મૃત્યુ સુધી તેમાં સુધારા કરતી રહી. જોસેફીનને એક પેટન્ટ તો મૃત્યુ પછી ગ્રાન્ટ થઇ. અંતે તેના મૃત્યુ પછી તેની કંપનીને હોબાર્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીએ ખરીદી લીધી જે દાયકાઓ સુધી એ જ ડિઝાઇનના વોશિંગ મશીન કિચન-એઇડ બ્રાન્ડ નામ સાથે વેંચતી રહી. અંતે વર્લપૂલ કોર્પોરેશને એ કંપનીને પણ ખરીદી લીધી. 2006માં જોસેફીન કોક્રેનને અમેરિકાના મોસ્ટ પ્રોમીનન્ટ નેશનલ ઇન્વેન્ટર્સ હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું. ભારતમાં જો કે ડીશ-વોશર્સ ઘણા મોડેથી આવ્યા અને છેલ્લા દસેક વર્ષથી લોકપ્રિય થઇ રહયા છે. પરંતુ આજે પણ આપણે ભારતમાં કે વિશ્વમાં ક્યાંય પણ જે ડીશ- વોશર વાપરીએ છીએ તેમાં ઘણા ફીચર્સ અને મૂળભૂત ડિઝાઇન હજુ પણ આ બહાદુર, સાહસી અને પેશનેટ ઇનોવેટરની ડિઝાઇન પરથી જ પ્રેરિત હોય છે.
- વિપુલ ખેરાજ








