મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / અમર સિંહ "ચમકીલા": અંધકારમાંથી ચમકીને અંધકારમાં જ ગુજરી ગયેલા ગાયકની કથા!

- જોગીજ્ઞાન સ્વજનો, દોસ્તો કે સમાજ બહુ દિલદાર અને બહુ વિચિત્ર છ

શતરંગ / અમર સિંહ "ચમકીલા": અંધકારમાંથી ચમકીને અંધકારમાં જ ગુજરી ગયેલા ગાયકની કથા!

- જોગીજ્ઞાન

સ્વજનો, દોસ્તો કે સમાજ બહુ દિલદાર અને બહુ વિચિત્ર છે. તમે ભૂખે મરતા હો તો એ તમને અનાજના દાણા નાખી દેશે. તમે બેકાર હો તો એ તમને કામ અપાવશે. અંગત કડકીમાં એ બની બેઠેલા મહામાનવો અમુક રોકડ મદદ પણ કરશે. પણ, પણ જ્યારે તમે થોડાક આગળ નીકળી જશો, તમારે બે પાંચ ઓળખાણો હશે, પોતાના આઝાદ મિઝાઝ મુજબ જીવવા જશો, એ પણ કોઈને નડ્યા વગર, ત્યારે એ બધા તમારા દુશ્મન થઈ જશે! છે ને સાવ વિરોધાભાસી વલણ?

અમર સિંહ ઉર્ફે ચમકીલાની જીવનયાત્રા કંઈક આવી જ હતી. પંજાબની સાવ નીચી જ્ઞાતિમાં જન્મેલો. આમ તો બેકાર, ભણતર ખાસ નહિ, (ઇન્કમટેક્સ એટલે શું એ પણ ખબર ના હોય એવો!) પણ એક કળા એને ઈશ્વરે બક્ષિશમાં આપેલી. ગીતો લખવાની અને ગીતો ગાવાની. એમાં એને જોડી મળી એક ફિમેલ ફ્રેન્ડની, જેની સાથે એણે પાછળથી બીજા લગ્ન કરી લીધા. (પહેલી પત્ની ગુરુમલ કૌરને શરૂઆતમાં નારાજગી દૂર કરવા ભરપોષણ આપ્યું, પણ ધીમે ધીમે એણે બન્ને પત્નીઓની દોસ્તી કરાવી દીધી. પછી તો જ્યારે બન્ને મળે ત્યારે ચમકીલા માટે સાથે રસોઈ બનાવે.) અને પહેલા આલ્બમથી જ સુપરહિટ. પછી તો ઢગલાબંધ આલ્બમ બન્યા. કહેવાતું કે અન્ય ગાયકોના ટોટલ આલ્બમ માર્કેટમા વહેંચતા, એટલા તો ચમકીલાના એક એક આલ્બમ ખપી જતા!

પણ આ જ તો સફળતા હતી એની. જે આગળ જતાં નડવાની હતી!

પંજાબના ચલણ મુજબ એણે પત્ની અમરજોત સિંહ સાથે "દ્વિઅર્થી" લોકગીતો લખવાના શરૂ કર્યા. પણ ધર્મના ઠેકેદારોએ ઉપાડો લીધો. આમાં પણ વિરોધાભાસ હતો. લાખો લોકોનો રોકસ્ટાર હતો અને યુવાનો, પીઢ, વૃદ્ધ બધા જ એના ગીતોના દિવાના હતા. પણ એકાંતમાં. બાકી જાહેરમાં તો સંસ્કારી અને સારા માણસ બનવાનું. એ જ તો હિન્દુસ્તાનનું દંભી, ડબલ સ્ટાન્ડર્ડ આચરણ. જેમાં ડબલ મિનિંગ ગીતો રાજી થઈને સાંભળવાના. પણ જાહેર તો અદબ વાળીને મોઢા પર આંગળી મૂકી દેવાની!

એક બાજુ ખાલીસ્તાની આંતક, એક બાજુ લોકલ વડીલો, સમાજોનું દબાણ. અંતે આદેશ આવી ગયો કે પંજાબમાં જો ચમકીલાએ રહેવું હોય તો, સમાજને બગાડનારા ગીતો ના ગાવા. ચમકીલા ય ઝૂકી ગયો. એણે અમરજોત કૌર સાથે મળીને ત્રણ આલ્બમ બનાવ્યા. એમાં કચવાતા મને ગીતો ગાયા તો ખરા, પણ એ ગીતો લખાવ્યા બીજા કોઈ પાસે. ત્રણેય આલ્બમ હિટ ગયા. પણ એ એનો પેશો નહોતો. એને તો ત્યાં જવું હતું જ્યાં યુવાનો એના દ્વિઅર્થી ગીતો સાથે નાચી ઉઠે. (પંજાબી, ભોજપુરી અને ઇવન જુના જમાનામાં ગુજરાતમાં પણ ડબલ મિનિંગના ગીતો-ડાયલોગો આપણે જોયા જ છે.)

એણે ફરીથી બધી બીક મૂકીને, સાવ બેપરવાહ થઈને પોતાની અસ્સલ શૈલીમાં, પોતે જાતે લખીને પોતાનું પરફોર્મન્સ પંજાબના ચોકમાં લાવીને મૂકી દીધું. એના ગીતો પાછળ લોકો નાચી નાચીને પરસેવે રેબઝેબ થઈ જતા, પણ પેલા ધર્મધુરંધરોના પેટમાં તેલ રેડાયું. થોડાક દિવસ બધું શાંત રહ્યું. પછી ફરીથી ધમકી, કોઈ ઘરની બહાર હુમલા કરવાની કોશિશ કરી જાય, કોઈ બ્લેકમેઇલ કરીને રૂપિયા લઈ જાય, કોઈ મારી નાખવાની ધમકી આપે... આ બધાનું પરિણામ એ આવ્યું કે શરાબ અને નશાની ગોળીઓમાં એ ખુવાર થઈ ગયો. છતાં ઝુક્યો તો નહીં જ! અને એક દિવસ.... ભરબજારે એનું અને એની પત્નીનું ખૂન થઈ ગયું, 1988માં, નિર્દયતાથી ગોળી મારીને. માત્ર અઠ્ઠાવીસ વરસની ઉંમરે!

જાણે એ ફિલ્મના જ એક ગીતની જેમ કહેતો હોય, - મૈનુ વિદા કરો, મુજે જાના હૈ ઉસ પાર, આ તરફ તમે બધા જ સાફસુથરા સંસ્કારી છો, મેલો તો હું એક જ છું. તમે બધા પવિત્ર છો અને દરિયામાં જેટલા પાપ છે એ ફક્ત મારા કારણે જ છે! તમે જૂઠું તો નહીં જ બોલતા હો, આ મારી દુનિયા છે જ નહીં જ્યાં તમે બધા રહો છો!!! કારણ કે, કલાકાર હતો એ. થોડો સંવેદનશીલ, થોડો દુનિયાની નજરમાં સ્વાર્થી, થોડો બહાદુર, થોડો ગભરુ, પણ સચ્ચાઈના અવાજ વાળો, બહાર કોઈને ના ગણકારનારો અને અંતરાત્માના અવાજ પ્રમાણે ઇમાનદારી અને ખુદ્દારીથી જીવનારો...

ખૈર, આ વર્ષે 12 એપ્રિલે, નેટફ્લિક્સ પર રજૂ થયેલી આ ફિલ્મને લો બજેટ અને પ્રમાણમાં સુપરસ્ટાર ના કહેવાય એવા કલાકારો દીલજીત દોસાંજ અને પરણિતી ચોપરાને લઈને ઈમ્તિયાઝ અલીએ કળાની દુનિયામાં રંગ રાખ્યો છે. કળા હો મનોરંજન નહિ! માટે જેણે "રોકસ્ટાર" અને "જબ વી મેટ"ની પીડા અનુભવી હશે એને ગમશે. બાકીનાને....નો આઈડિયા!

લાસ્ટ બટ નોટ ધી લિસ્ટ, ઇમ્તિયાઝે કપિલના શોમાં હમણાં કહ્યું કે, મને આ ફિલ્મ માટે દિલજીત દોસાંજની ભલામણ શાહરૂખે કરેલી. શાહરૂખે મને કહ્યું કે- આ ભારતનો બેસ્ટ એકટર છે... અને દિલજીતે શાહરુખની ભલામણને ચમક આપીને "ચમકીલા"નો સિતારો ચમકાવી દીધો!

-ડો.ભગીરથ જોગિયા

આ સમાચાર શેર કરો