શતરંગ / કુરુક્ષેત્રમાં બનેલી એક અનન્ય ઘટના...
- નાની નાની વાતો માનવહૃદયના જન્મે એવા બધા સુકોમળ ભાવ સુકાય જાય એવી ભીષણ પીશાચી લાગણીશૂન્યતામાં બ

- નાની નાની વાતો
માનવહૃદયના જન્મે એવા બધા સુકોમળ ભાવ સુકાય જાય એવી ભીષણ પીશાચી લાગણીશૂન્યતામાં બધા જ લડી રહ્યા છે. જ્યારે એક એક ક્ષણ કીમતી, કાતિલ અને જોખમી છે, એવે વખતે કુરુક્ષેત્રમાં એક અદભૂત ઘટના બને છે.
વાત શરુ કરતાં પહેલા નાનકડી સ્પષ્ટતા કરી લઈએ કે આપણે અહીં જે કંઈપણ વાત કરીએ છીએ એ ગીતાપ્રેસ ગોરખપુર પ્રકાશિત મહાભારતના આધારે જ વાત કરીએ છીએ. મહાભારત પછીથી મહાભારત પર રચાયેલ કોઇપણ સાહિત્ય કે લોકસાહિત્ય કે ડાયરામાં થતી હોય એવી કલ્પનાઓ અહીં નહિ આવે.. આ બહુ જરૂરી ચોખવટ છે કેમ કે આ મૂળ કૃતિઓ પછીથી અમુક કવિ કે સર્જકો દ્વારા રચાયેલ સાહિત્ય કે લોકસાહિત્યને લીધે આપણે ત્યાં રામાયણ-મહાભારત બાબતે બહુ ભેળસેળ થયું છે.
ખેર, મૂળ વાત પર આવીએ,,,,આપણે ગયા વખતે કૃષ્ણના સારથીકર્મની વાત કરી હતી.
મહાભારત તો સમુદ્ર છે. આપણે એને નાના અંશોમાં જ પામી શકીએ. મહાભારતનું પૂરી યુદ્ધ વર્ણવવાની શક્તિ માત્ર મહર્ષિ વેદવ્યાસની છે…એટલે આખું યુદ્ધ તો અલગ જ વાત છે પણ એમાંથી માત્ર જયદ્રથવધનો ચૌદમો દિવસ વિષે વાત કરીએ તો આવા તો કેટલાય લેખ થઈ શકે એવી એ અનન્ય ચેઝ છે !
અભિમન્યુ મરાયા બાદ તેરમાં દિવસની રાત્રે અર્જુનની પ્રતિજ્ઞા કે, “આવતી કાલે જો જયદ્રથ રણભૂમિથી ભાગી નહિ જાય તો હું સુર્યાસ્ત પહેલા એનો વધ કરીશ. અને જો એમ નહિ કરી શકું તો હું અગ્નિસ્નાન કરી લઈશ...”
અર્જુનની પ્રતિજ્ઞા સાંભળીને રાત્રે કૌરવસેના ખળભળી ઉઠે છે. જયદ્રથ તો દુર્યોધન, કર્ણ, દ્રોણ, અશ્વત્થામા વગરે બેઠા છે ત્યાં આવીને કહે છે કે, “હું અત્યારે જ મારા દેશ એટલે કે સિંધ જવા નીકળી જાઉં છું...નહિ તો અર્જુન મને નહિ છોડે...” પણ જયદ્રથ ને આમ જવા દેવામાં આવે તો દ્રોણ, કર્ણ, અશ્વત્થામા અને કઈ કેટલાય મહારથીઓ અને આટલા મોટા સૈન્યની કેવી બદનામી થાય? કે આટલા મોટા યોદ્ધાઓ થઈને તમે સૌ એક દિવસ માટે એક અર્જુનથી તમે એને બચાવી ના શક્યા...અને બીજી બાજુ દુર્યોધન અને એના સૌને એ પણ લાલચ કે જો એક દિવસ માત્ર એક દિવસ બધા ય ભેગા મળીને જયદ્રથને સાંજ સુધી બચાવી લઈએ તો તો પછી અર્જુન પોતે જ જીવતો અગ્નિસ્નાન કરી લેવાનો છે ને...અને અર્જુનની પાછળ બાકીના પાંડવો પણ પોતાનો જીવ ત્યાગી દેશે...એટલે કૌરવસેનાના સેનાપતિ ગુરુ દ્રોણે જયદ્રથની રક્ષા માટે સજ્જડ વ્યૂહ રચ્યો...એ વ્યૂહ કેવો હતો એની વાત આપણે ‘નાની નાની વાતો’માં કરી હતી. એટલે ફરી એમાં ડીટેલમાં નહી જઈએ…
બીજા દિવસે સવારે જયદ્રથને ફરતે રચાયેલા અછીદ્ર કિલ્લામાં-એકપણ છિદ્ર ના હોય એવા મહારથીઓના-યોદ્ધાઓના-લાખોનાસૈન્યના-હાથીઓના-ઘોડાઓના કિલ્લામાં અર્જુન અને કૃષ્ણ બાકોરું પાડતા ઘૂસે છે. જયદ્રથ અર્જુનથી 6 કોશ એટલે કે 18 કિલોમીટર દુર છે. ને વચ્ચે આખી કૌરવસેના...રસ્તામાં આવતા એક એક યોદ્ધાને પરાસ્ત કરીને અર્જુનના બાણથી ય તેજ ગતિએ કૃષ્ણ રથ હાંક્યે જાય છે. કૃષ્ણ અને અર્જુનનું જે તાદાત્મ્ય છે એવું અદ્ભુત ટ્યુનીંગ આખાય કુરુક્ષેત્રમાં કોઈનું ય નથી. અર્જુનના અંતરને કૃષ્ણ બરાબર વાંચે છે, અને કૃષ્ણના આંતરભાવોને અર્જુન સંપૂર્ણત: સમજે છે. રથી અને સારથીનું આ અદ્વેત પામેલું-બેમાંથી એક થઇ ગયેલું યુગલ- વિરોધીઓના દળ સોંસરવું સડેડાટ રસ્તો કરતુ જાય છે.
કુરુક્ષેત્રના આ ચૌદમા દિવસે કૃષ્ણ અને અર્જુને લીમીટેડ ટાઈમમાં પૂરી કરવાની આ જીવસટોસટની દોડ છે. આખી રણભૂમિ માનવસંહારના ઝનુન લથબથ છે. માનવહૃદયના જન્મે ને એવા બધા સુકોમળ ભાવ સુકાય જાય એવી ભીષણ પીશાચી લાગણીશૂન્યતામાં બધા જ લડી રહ્યા છે. જ્યારે એક એક ક્ષણ કીમતી , કાતિલ, જોખમી છે, એવે વખતે કુરુક્ષેત્રમાં એક અદભૂત ઘટના બને છે.
એવે વખતે કૃષ્ણ અને અર્જુનને પોતાના ઘોડાઓનો થાકેલા અને વિંધાયેલા શરીરનો વિચાર આવે છે. જયદ્રથ હજુ દુર છે, સૂર્ય અસ્તાચળ પર આગળ વધી રહ્યો છે, સુર્યાસ્ત થવામાં બહુ સમય નથી છતાં અશ્વોના ઘાવ અને થાક જોઇને અર્જુન હૃદયમાં અનુકંપા જન્મેં છે. આવું ભીષણ ઝપાઝપી અને કાપકાપીમાં વચ્ચે ઘોડાઓને ઘડીક છુટ્ટા કરીને એના શરીરમાં વાગેલા બાણ કાઢીને એના ઘા સાફ કરવાનું, ઘોડાને બે ઘડી આરામ આપવાનું સુચન અર્જુન કૃષ્ણને કરે છે. અને કૃષ્ણ કહે છે: મમાપી એતન મતમ્...મારો પણ એજ મત છે. કહ્યુંને કે આ રથી-સારથીનું અદ્વેત પામી ગયેલું યુગલ છે.
પોતાના મહેલના આંગણામાં હોય એટલી સ્વસ્થતાથી કૃષ્ણ ઘોડાને રથની ધુન્સરીમાથી છુટ્ટા કરે છે. અર્જુન નીચે ઉભો છે. દુર્યોધનનું આખું સૈન્ય આ તકનો લાભ લઈને કૃષ્ણ અર્જુન પર તૂટી પડવાનો પ્રયાસ કરે છે. આવે વખતે યુદ્ધની આંખોદેખી સંભળાવતા સંજયને ધ્રુતરાષ્ટ્ર ઉતાવળમાં પૂછે કે, “કૃષ્ણ ઘોડાઓની સારવારમાં લાગેલા છે, અર્જુન રથ વિના નીચે ઉભો છે ત્યારે આપણા યોદ્ધાઓએ અર્જુનને મારી કેમ ના નાખ્યો?”
સંજય કહે છે કે મહારાજ, આપણી આખી ય સેના અર્જુન પર ચારેબાજુથી હલ્લો કર્યો પણ રથ વિના ય અર્જુને એકલે હાથે ચારેબાજુએ લડીને સૌને પરાસ્ત કર્યા…
એકબાજુ અર્જુન નીચે ઉભો ઉભો લડે છે અને આ બાજુ પીઠ પર પુરુષોત્તમનો હાથ ફર્યો ત્યાં તોખારાઓ તાજા થઇ ગયા.પણ કૃષ્ણે જોયું કે ઘોડા તરસ્યા છે. એણે અર્જુનને કહ્યું અને અર્જુને તીર મારીને આખી ય મેદનીને હટાવીને કહ્યું કે આ રહ્યું જળાશય...એક તીરે અર્જુને નાનકડું તળાવ ઉભું કર્યું , એની ફરતે તીરની દીવાલ ઉભી કરી..હવે એ દીવાલો વચ્ચે જળાશયમાં કૃષ્ણ ઘોડાઓને પાણી પાય છે, નવડાવે છે. તમે વિચાર તો કરો આ દૃશ્ય...આવા સંગ્રામ વચ્ચે એ કેટલું અદ્ભુત દૃશ્ય હશે!
કસુંબો:
છેલ્લે એક પ્રશ્ન કરું? યુદ્ધમાં નિયમોનું છડેચોક નિયમોનું ઉલ્લઘન કરનારા એવા રોદણા રડે કે કર્ણનું રથનું પૈડું યુદ્ધ મેદાનમાં ખુંપી ગયું ત્યારે અર્જુને પૈડાને બહાર કાઢવા જેટલો સમય ન આપ્યો...પણ આ જ્યારે આ ઘટના બને છે. ત્યારે અર્જુન રથ વિના રણમેદાનમાં નીચે ઉભો છે ત્યારે કોણે એને સમય આપ્યો હતો...ત્યારે આખી દુર્યોધનની સેના ચારેબાજુથી એના પર તૂટી પડી હતી.આજે ય ઘણા ય આવી કાગારોળ કરતા હોય છે...એમાનામાં ય ક્યાંક થોડોક ધ્રુતરાષ્ટ્ર આવી વસ્યો છે એવું સમજવું...
- કાનજી મકવાણા








