શતરંગ / ત્રીજી આંખ કે કાપેલી પાંખ?
- નાગણ નોકરી પંચ મશીન જેટલું વાહિયાત છે એનાથી વાહિયાત છે ઉપર નીચે કે આગળ પાછળ લગાવેલા સીસીટીવી કેમેરા. જેમણે પણ

- નાગણ નોકરી
પંચ મશીન જેટલું વાહિયાત છે એનાથી વાહિયાત છે ઉપર નીચે કે આગળ પાછળ લગાવેલા સીસીટીવી કેમેરા. જેમણે પણ આ સીસીટીવી કેમેરાની શોધ કરી છે એમને મારા પ્રણામ. ના ના બહુ સારું કાર્ય કર્યું છે તમે. એકદમ ઉમદા. ખૂબ સરસ. કેટલી સેફ્ટી વધી છે નહિ?!! અફકોર્સ! નોકરીની સેફ્ટી ભલે ને ન હોય, મેનેજમેન્ટના મગજની તો છે જ ને! ઑયો રૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરા અને નોકરીના સ્થળે લગાવેલા સીસીટીવી કેમેરા બન્નેમાં બહુ જાજો ફરક નથી, ફરક ખાલી બન્ને સ્થળે થતી પ્રક્રિયાઓમાં રહે છે પણ જે નજરે બન્નેને જોવામાં આવે છે એ તો એકસરખી જ છે.
પહેલી વખત દસમા ધોરણમાં ભણતી વખતે ટ્યુશન ક્લાસ વાળા ગણિતના સરનો નિયમ જોયો. ક્લાસમાં લાગેલ સીસીટીવી કેમેરા પર તેઓ રૂમાલ ઢાંકી દેતાં. પોતે ગણિતમાં એક્સપર્ટ. એમની પાસે ગણિત શીખવા માટે વિદ્યાર્થીઓ પડાપડી કરે ને એમને રાખવા માટે સંચાલકો. પણ એમની એક શરત હતી કે મારા ક્લાસ પર આ ત્રીજી આંખ મને ન જોઈએ!! કારણ એટલું જ કે મારા કામ પર ભરોસો ન હોય તો વિદ્યાર્થીઓની માર્કશીટ ચકાસી લેવી પણ મને ચકાસવા નહિ બેસવાનું.
ધીમે ધીમે આ ત્રીજી આંખનો વ્યાપ અને ત્રાસ વધતો ગયો. નોકરીના સ્થળે ખૂણેખૂણે આ કેમેરા લાગવા માંડ્યા છે. અમુક અમુક કંપની તો વોશ રૂમ બહાર પણ રાખે છે જેથી કર્મચારી ત્યાં ઊભા રહીને સમય પસાર કરે છે કે નહિ એ જોઈ શકાય. તો તમે કામ શાંતિથી કરવા દો, પ્રેશર કે ટોર્ચર ન કરો એટલે કોઈ વોશ રૂમ અંદર કે બહાર ટાઈમ પાસ કરવા ન જાય આટલી સાદી સમજ મારા વતી કોઈ એમને આપી દેજો!! ક્યારેક તો એવું કહેવાનું મન થાય કે લે ભાઈ દરેક કર્મચારીના પછવાડે કેમેરા લગાવી દે એટલે જ્યાં આવ જા કરે કે જે કર્મકાંડ કરે એની માહિતી મળતી રહે ને દીવાલોમાં કેમેરા લગાવવાનો ખર્ચો ય બચી જાય. કોર્પોરેટ ક્ષેત્રે કારકિર્દી ઘડી રહેલા યુવાનો પોતાના પર્સનલ કમ્પ્યુટર કે મોબાઈલમાં શું પ્રક્રિયા કરે છે એની જાણ પાડોશીઓની પંચાત જેવા કેમેરા કરે ત્યારે સાલું લાગી આવે. અમુક કંપનીમાં તો સ્પેશિયલ સ્ટાફ રોકવામાં આવે છે જે આ સીસીટીવી કેમેરાની હિલચાલ પર નજર રાખે એ પણ કાનમાં હેડ ફોન લગાવીને એટલે જો કોઈ કર્મચારી બોસ વિશે કે કંપની વિશે સત્ય બોલતો જણાય તો અસત્યના પ્રયોગો માફક હણાય ને પાછો મોટો ગુનેગાર ગણાય! આ લોકોનું ચાલે તો કર્મચારીઓના બેગમાં, સ્કૂટર કે કારમાં ને ઘરમાં ય પોતાના ખર્ચે કેમેરા નખાવે એમ છે ને બિચારા નોકરિયાત જીવને જીવવા જેવા ન રહેવા દે. એ કામ કરે છે કે નહિ એ તો અલગ મુદ્દો છે પણ એ બીજું શું કરે છે, કંપનીમાં આવીને કામ સિવાય એણે કશું કરવાનું નથી ને એનું કોઈ જીવન જ નથી એવું એને ન લાગવા માંડે ત્યાં સુધીનો જાપ્તો ગોઠવી દેવામાં આવે. ચાલુ નોકરીએ ફોનમાં વાત કરતો, ખાતો પીતો, ભૂલથી ગૂગલ પર સર્ચ કરતો કે બગાસું ખાતો ઝડપાયો કેમ નહિ એની રાહમાં આ ત્રીજી આંખ ચેપડા ભરેલી રહે એટલે એને ચોખ્ખી કરવા કઈંક કાંડ કરતાં રહેવા. શું છે કે આટલો ખર્ચો કરીને આવી ગોઠવણ કરી હોય તો એના પૈસા વસૂલ કરવા એકાદ બે ગુનાઓ કરી નાંખવા, બહુ બહુ તો નોકરી જાય પણ આ લોકોનો ઈગો તો ટકી રહે ને એ જોવાનું. હવે કોઈ એવી દલીલ કરશે કે સીસીટીવી કેમેરા કર્મચારીઓ પર નજર રાખવા માટે જ નથી હોતા તો એમને એટલું જ કહેવાનું કે કીડીને કણ, હાથીને મણ ને તમને પણ... મળી રહેશે કોઈ દલીલ કરવા વાળું કે આનો જવાબ આપવા વાળું. હમરા મૂડ નાહિ હૈ, ટાટા બાય બાય. નોકરી માટે અણગમો કે નોકરી કરનાર માટે કંટાળો વધતો જાય છે એનાં અનેક કારણો છે. પહેલા પગાર ઓછા અને લપ પણ ઓછી હતી, આજે પગાર વધ્યા છે ને મગજમારી પણ વધી ગઈ છે. માણસો અને મશીન બેઉને હેન્ડલ કરવા અઘરા થતાં જાય છે ને કોણ કોને હેન્ડલ કરે છે એ નક્કી કરવામાં જિંદગી જતી જાય છે. જો બોસ પંચ મશીન હોય, ગૂગલ વગરનું કમ્પ્યુટર નામનું ડબલું હોય, ત્રીજી આંખ જેવા સીસીટીવી કેમેરા હોય કે જમ જેવો બોસ હોય; પાંજરું હોય કે નેસ્ટ, નાગણ નોકરી ઇઝ બેસ્ટ.. ફુરરરરર. આવું બોલ્યા સિવાય છૂટકો નથી! - સ્નેહલ તન્ના





