શતરંગ / વર્લ્ડ કપ જીતવાની ક્ષમતા ધરાવતી ટીમ કે વ્યક્તિગત એષણાઓ પૂરી કરવાની છૂટ?
- ટાઈમ આઉટ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમનારા T20 વર્લ્ડ ક

- ટાઈમ આઉટ
વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમનારા T20 વર્લ્ડ કપ માટે ભારતીય સ્કવોડની જાહેરાત થઇ ગઈ છે. ક્રિકેટ ચાહકોનો એક પક્ષ એવી ઈચ્છા ધરાવતો હતો કે આ ટીમમાં યુવાનોને વધુ તક આપવામાં આવે પરંતુ એ શક્ય બન્યું નથી.
જેમ એક કહેવત છે કે મનુષ્ય વિચારે છે એને જ પ્રભુ નકારી દેતો હોય છે. આ જ રીતે ક્રિકેટ ફેન્સની ઈચ્છાને કેવી રીતે નકારી દેવી એ BCCI દાયકાઓથી કરતું આવ્યું છે. જો કે ક્રિકેટ ફેન્સની વિચાર ક્ષમતા એ સિલેક્ટર્સની વિચાર ક્ષમતાની કક્ષાએ હોય જ એ શક્ય નથી. તેમ છતાં જાહેર થયેલી આ ટીમ એ વર્લ્ડ કપ જીતવાની ક્ષમતા કરતાં વ્યક્તિગત ઈચ્છાઓ પૂરી કરવાવાળી ટીમ હોય એવું વધારે લાગે છે.
અહીં એ કહેવાનો કોઈજ પ્રયાસ નથી કે જાહેર થયેલી ટીમ વર્લ્ડ કપ જીતી નહીં આવે, પરંતુ અત્યારે, આજે આમ બનવાની શક્યતાઓ ધૂંધળી દેખાય છે.
લગભગ ત્રણેક મહીના પહેલાં BCCI સેક્રેટરી જય શાહે એક જાહેર સમારંભમાં કહી દીધું હતું કે આવનારા T20 વર્લ્ડ કપની ટીમની કપ્તાની રોહિત શર્મા જ કરશે. રોહિત શર્માએ બેશક ગયા વર્ષના 50 ઓવર્સના વર્લ્ડ કપમાં જબરદસ્ત બેટિંગ કરી હતી અને ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં તેની કપ્તાની પણ જવાબદાર હતી.
પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી T20 ફોર્મેટમાં રોહિતનું ફોર્મ ઉપર-નીચે નહીં પરંતુ સીધું નીચે જ જઈ રહ્યું છે. આ વર્ષની IPL જ જુઓને? રોહિત શર્માએ એવો કોઈ ચમત્કાર કર્યો નથી કે તેને મુંબઈ ઇન્ડિયન્સની ટીમની પ્લેયિંગ ઈલેવનમાં પણ લઇ શકાય. તેમ છતાં IPLસુધી રાહ જોવાને બદલે જય શાહે રોહિતને કપ્તાન જાહેર કરવાની ઉતાવળ કરી જ દીધી.
વિરાટ કોહલીના ફોર્મ વિશે કોઈને જ ફરિયાદ નથી પરંતુ કોઈક વખત તેની સ્ટ્રાઈક રેટ બાબર આઝમને સમકક્ષ જઈને ઉભી રહે છે. આ બધું ક્રિકેટ ફેન્સ કદાચ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં ચલાવી લે પરંતુ વર્લ્ડ કપની એક-એક મેચ જ્યારે મહત્વની હોય ત્યારે સ્ટ્રાઈક રેટનું મહત્વ આપોઆપ વધી જતું હોય છે. મહાન ખેલાડીઓ જો કે ટીકાકારોને ખોટા સાબિત કરવામાં માહેર હોય છે આથી વર્લ્ડ કપમાં કોહલી જુદી રીતે રમે તે શક્ય છે.
વ્યક્તિગત રીતે હું ઋષભ પંતને પસંદ કરવા છતાં તેના પર વિશ્વાસ ક્યારેય નથી કરી શક્યો. તે બેશક આક્રમક બેટિંગ કરે છે અને ઘણી વખત વિચિત્ર શોટ્સ પણ મારીને આપણું મનોરંજન કરતો હોય છે પરંતુ તેનું સાતત્ય અને ટેમ્પરામેન્ટ હંમેશાં પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો કરતું રહ્યું છે. આ વખતે IPLમાં પંતે કેટલીક નોંધપાત્ર ઇનિંગ્સ જરૂર રમી છે પરંતુ સાતત્યનો તો અત્યારે પણ અભાવ છે જ. ઉપરાંત એ એક મોટી સર્જરી બાદ ક્રિકેટ ફિલ્ડ પર ઉતર્યો છે તેમ છતાં તેના પ્રત્યે ભાવનાત્મક લાગણીઓ જોડાઈ હોવાથી તેનું સિલેક્શન થયું હોય એવું વધુ લાગી રહ્યું છે.
હાર્દિક પંડ્યા વિશે કહીએ એટલું ઓછું. કારણ કોઇપણ હોય પરંતુ તેના ગુજરાત ટાઈટન્સ છોડ્યા પછી ન તો તેનું ફોર્મ દેખાયું છે કે ન તો તેની કપ્તાનીમાં ધાર દેખાઈ રહી છે. આ વર્ષની IPLમાં મુંબઈ ઇન્ડિયન્સની નિષ્ફળતા પાછળ હાર્દિક પંડ્યાની બેરંગી કપ્તાની મહત્વપૂર્ણ કારણ રહ્યું છે. આટલું ખરાબ ફોર્મ હોવા છતાં હાર્દિક પંડ્યાને વર્લ્ડ કપ જનારી ટીમમાં તો સામેલ કરવામાં આવ્યો જ છે પરંતુ તેને વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. આ સિલેક્શન પાછળ કયો તર્ક રહેલો છે તેના વિશે કોઈજ દલીલ આપી શકાય તેમ નથી.
ડિટ્ટો સૂર્ય કુમાર યાદવ વિશે પણ કહી શકાય. તેણે પણ IPLમાં મોડી એન્ટ્રી કર્યા બાદ અમુક ઝબકારા જ દેખાડ્યા છે પરંતુ ફોર્મમાં સાતત્યનો અભાવ છે. પરંતુ તેની બેટિંગ સ્ટાઈલ અને દુનિયાભરના બોલર્સનો તેના પ્રત્યેનો ડર જ તેને કોઇપણ T20 ટીમમાં સામેલ કરવા માટે પૂરતાં કારણો છે એમ કહી શકાય.
રવીન્દ્ર જાડેજાના T20 વર્લ્ડ કપનાં આંકડા જોઇને તે પણ આ ટીમનો સભ્ય કેમ છે એવો પ્રશ્ન જરૂર થાય છે. જો કે જાહેર થયેલી ટીમમાં ફક્ત બોલિંગ સબળી હોવાનું દેખાય છે. જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવ પોતાની કારકિર્દીના શ્રેષ્ઠ ફોર્મમાં છે. જો કે અક્ષર પટેલને એક પણ મેચ રમવા મળશે કે નહીં એ એક પ્રશ્ન છે અને તેની બેટિંગ કે બોલિંગ પણ આ વર્ષે IPLમાં કશો નોંધપાત્ર દેખાવ કરી શકી નથી.
આ બધું વિશ્લેષણ કર્યા બાદ એક જ વિચાર આવે છે કે રોહિત, વિરાટ, બુમરાહ વગેરેએ એક પણ T20 વર્લ્ડ કપ જીત્યા નથી. વળી રોહિતે તો 50 ઓવરનો વર્લ્ડ કપ પણ નથી જીત્યો. એટલે હવે આ તમામની કારકિર્દી જ્યારે અસ્તાચળ પર છે ત્યારે ચાલોને તેમને બધાને એક તક આપી દઈએ અને જો વર્લ્ડ કપ જીતે તો એ લોકો પણ ગર્વથી કહી શકે કે અમે પણ T20 વર્લ્ડ કપ જીત્યા છે એ માટે આ ટીમ બનાવવામાં આવી હોય એવું વધુ લાગે છે.
ખરેખર તો 2007 T20 વર્લ્ડ કપનું ટેમ્પ્લેટ જ દરેક T20 વર્લ્ડ કપ માટે ફિક્સ હોવું જોઈએ. આ ફોર્મેટમાં ઘોડાઓ નહીં પરંતુ વછેરાઓને દોડાવવા જોઈએ. એકાદ-બે અનુભવી ખેલાડીને બાદ કરતાં તદ્દન યુવાન ખેલાડીઓને જ આ ફોર્મેટમાં રમાડવા જોઈએ. બે વર્લ્ડ કપ રમવાની તક એક ખેલાડીને આપી અને પછી બીજા નવા ખેલાડીઓને તક આપવી જોઈએ. યુવાન અને નીશ્ફિકર ખેલાડીઓ આ પ્રકારના ફોર્મેટમાં અનુભવીઓ કરતાં વધુ જોશથી રમી શકે છે એ આપણે 2007માં જોઈ ચૂક્યા છીએ. જ્યારે આ વખતની T20 વર્લ્ડ કપની ટીમના મોટાભાગના ખેલાડીઓનું તાજેતરનું ફોર્મ અને જોશ જોઈએ ત્યારે એક પ્રશ્ન મનમાં જરુર આવે કે...
‘તો પછી ઋતુરાજ ગાયકવાડ, રીંકુ સિંઘ અને સાઈ સુદર્શન જેવા ખેલાડીઓએ કયો ગુનો કર્યો હશે?’
- સિદ્ધાર્થ છાયા








