શતરંગ / એક નાનકડી વાર્તા: સ્પીકર
- થ્રિલ માંગે મોર નિતેશ અને અર્પણ હજુ તો સવારનું બધું કામ આટોપીને સાડા દસે વર્ક ફ્રોમ હોમ હોઈને પોતપોતાના સ્ટડી ટેબ

- થ્રિલ માંગે મોર
નિતેશ અને અર્પણ હજુ તો સવારનું બધું કામ આટોપીને સાડા દસે વર્ક ફ્રોમ હોમ હોઈને પોતપોતાના સ્ટડી ટેબલ પર કામ કરવા બેઠા જ હતા કે તેમને જોરજોરથી ગીત વાગવાનો અવાજ સંભળાયો. હજુ તો લેપટોપ માંડ ખોલ્યું જ હતું ત્યાં તેમને ખલેલ પડી એટલે ચહેરા પર અણગમો વર્તાઈ આવ્યો.
‘યાર આજે આટલું વહેલા?’ નિતેશે કીબોર્ડ પરથી હતાશામાં પોતાનો હાથ ખસેડતા કહ્યું.
‘આ ગેંડો સૂતો નહીં આજે મોડે સુધી?’ અર્પણે પણ સહમતીમાં પ્રતિક્રિયા આપી.
‘શું કરવું છે?’
‘આપણાથી થોડું ને કંઈ થવાનું છે. આ સોસાયટીવાળા બધા ભેગા થઈને કહે તો કંઈક થાય.’
‘સોસાયટીવાળાએ કહી તો જોયું છે. પણ ખબર તો છે કે વધુ કોઈ કંઈ કહી શકે તેમ નથી. આર્જવ નાણાવટીની તકતી જોઈને સેક્રેટરીય પાછો ભાગી જાય છે.’ નિતેશે અવાજની ક્ષમતા ઘટાડવા લિવિંગ રૂમની બારી બંધ કરતા કહ્યું.
આર્જવ નાણાવટી એટલે કંકાવટી સોસાયટીમાં નવો જ રહેવા આવેલો સ્થાનિક મેયરનો ભત્રીજો. કહેવા ખાતર તો પોતે એક્ટર. પણ ના શરીરનું ભાન, ન અભિનયનું જ્ઞાન. આખો દિવસ બસ ખાવાનું, પીવાનું ને ટીવી કે કમ્પ્યુટર પર ફિલ્મ્સ જોતા કે ગેમ્સ રમતા પડ્યા રહેવાનું. તેની દિશાવિહીન જિંદગીથી આમ તો સોસાયટીમાં કોઈને લેવાદેવા હતી નહીં. પણ જયારે જયારે આર્જવને ગીતો સાંભળવાનું મન થતું ત્યારે આસપાસના લોકોનો સૂર બગડી જતો. એક જ ફ્લોર પર રહેતા નિતેશ અને અર્પણની હાલત તો વધુ ખરાબ થઈ જતી. ઓફિસમાં હાઈબ્રીડ કલ્ચર હોઈને ત્રણ દિવસ મળતા વર્ક ફ્રોમ હોમની સિસ્ટમ પણ આ આર્જવના કારણે અણગમતી બની ગઈ હતી.
પડોશીઓ ડરતાં ડરતાં આર્જવને ગીતો ધીમે વગાડવા કહેતા ત્યારે તે કહેતો કે ‘હું ક્યાં મારા ઘરની બહાર વગાડું છું. હવે આ અવાજ દીવાલને વટાવીને બહાર જતો રહે એમાં હું શું કરું. આપણે ચાલો અવાજને રોકે એવી દીવાલ બનાવીએ.’ આર્જવ પોતાના કાકાનું નામ નહોતો લેતો, પણ તેના અવાજ અને શબ્દોમાં તેની અદ્રશ્ય હાજરી જરૂર જણાતી.
નિતેશ અને અર્પણને થયું કે આર્જવ જેવા કાકાના પીઠબળથી દાદાગીરી કરતા અને ખુદ પણ કદાવર શરીર ધરાવતા માથાભારે માણસ સામે લડવાનું તેમનું કામ નહીં.
‘કદાચ તે એના કાકાને કહીને આપણને જ અહીંથી કઢાવી નાખે તો ખોટું થાય.’ અર્પણે એક શક્યતા દર્શાવી.
નિતેશે પાર્ટી સોન્ગ્સના એ ઘોંઘાટ સામે થોડું રક્ષણ મેળવવા કાનમાં રૂના પૂમડાં મૂકતા કહ્યું, ‘અહીં જેમના પોતાના ઘર છે એ પણ ચૂપ બેઠા છે તો આપણે તો ટેનન્ટ છીએ, ભાઈ. આપણે રહેવા જ દઈએ.’
બંનેએ કામ શરૂ કરવા પાછું લેપટોપ પર ધ્યાન કેન્દ્રિત કર્યું ત્યાં જ નિતેશ માઉસ હાથમાં લઈને અર્પણને બતાવતા બોલ્યો, ‘આપણે સાવ આવા છીએ?’
‘આવા મતલબ?’ અર્પણને માઉસ જોઈને કંઈ ગતાગમ ન પડી.
‘ઉંદરડા જેવા કાયર અને ડરપોક? ને પેલો મોટા સ્પીકર્સ જેવો ભયાનક!’ નિતેશે સમજ પાડી.
‘ના, એવા તો નથી જ.’
‘તો આ આર્જવનું કંઈક કરવું પડશે. ટેનન્ટ ભલે છીએ, પણ માણસ પણ તો છીએ. આપણું પણ તો આત્મસન્માન હોય કે નહીં.’ નિતેશે પીઠ ટટ્ટાર કરતા કહ્યું.
નિતેશ વાક્ય પૂરું કરે એ પહેલાં અર્પણ ખુરશી પરથી ઊભો થઈને બારણાં નજીક પહોંચી ગયો.
નિતેશે પૂછ્યું, ‘શું કરીશું?’
‘સમજાવીશું. ને નહીં સમજે તો ધમકાવીશું.’ અર્પણે નીડરતાથી કહ્યું.
‘તું ધમકાવીશ એ ગેંડાને?’ નિતેશે હળવા હાસ્ય સાથે પૂછ્યું.
‘મેં તો બહુવચનમાં કહ્યું હતું. સમજાવીશું બસ.’ અર્પણે વિચાર બદલ્યો.
બંનેએ બહાર નીકળીને હિંમત એકઠી કરીને આર્જવના ફ્લેટની ડોરબેલ વગાડી.
થોડીવારે બારણું ખૂલ્યું. ગીતના મોટા અવાજમાં પણ હેડફોન પહેરીને અને હાથમાં ગેમપેડ સાથે બારણાં પાસે ઊભેલા આર્જવે નિતેશ અને અર્પણ સામે જોયું, ‘શું છે?’
‘મારે એક વાત કહેવી છે…’ નિતેશે થોથરાતાં કહયું.
‘અમારે એક વિનંતી કરવી છે…’ અર્પણે શબ્દોમાં ફેરફાર કર્યો.
‘તમે પ્લીઝ…આ વોલ્યુમ થોડું…તમે…’ સામે રહેલા નાના-મોટા કેટલાય સ્પીકર્સના ઘોંઘાટને કારણે આર્જવ તેમને સાંભળે પણ છે કે નહીં એ ચકાસવા નિતેશ અટકીને બોલ્યો.
આર્જવે અંદર ગેમમાં ધ્યાન આપતા આ બંને સામે એક નજર નાખતા કહ્યું, ‘હેં? મેં કંઈ નથી મંગાવ્યું.’
આર્જવનો જવાબ સાંભળીને નિતેશ અને અર્પણ ચોંકી ગયા.
ત્યાં તેમના અચરજમાં વધારો કરતા આર્જવે કહ્યું, ‘તો પણ આ લો ટીપ.’
આર્જવે પોતાની કેપ્રીના ખિસ્સામાંથી દસ-દસની ત્રણ-ચાર નોટ અર્પણના હાથમાં પકડાવી અને બારણું બંધ કરી દીધું.
પોતાના ફ્લેટમાં આવીને બંધ લેપટોપ સાથે જ બેસેલા અર્પણ અને નિતેશે ખૂબ જ આત્મમંથન કર્યું. આર્જવને કારણે સહેવો પડતો ત્રાસ ઓછો હતો કે તેઓ તેની પાસેથી અપમાનિત થઈને પણ આવ્યા હતા.
‘હવે તો એ જ નીતિ પર ચાલવું પડશે. શામ ડેમ દંડ ભેદ.’ અર્પણ ગુસ્સામાં ઊભો થઈને સામેની દીવાલને ટેકવીને પડેલા ક્રિકેટ બેટને હાથમાં લેતા બોલ્યો.
‘સીધો દંડ? વચ્ચે દામ આવે ને?’ નિતેશે મૂંઝવણમાં કહ્યું.
અર્પણે જવાબમાં ફક્ત આર્જવે આપેલી પેલી નોટો બતાવી.
‘ને એ આપણને નહીં મારે એની શું ખાતરી?’
‘આપણે બે છીએ, પાસે હથિયાર છે. બારણું ખોલીને તરત જ બે-ત્રણ ફટકા જાડિયાને મારીને આવી જઈશું. બી જશે અને પછી નહીં વગાડે જોજે. એમ તો પાછા આવા લોકો ફટ્ટુ હોય.’ અર્પણે નિતેશના હાથમાં સ્ટમ્પ્સ પકડાવતા કહ્યું.
‘અને બહાર કોઈ સાંભળી જશે તો?’ નિતેશે પૂછ્યું.
પણ બંનેએ એકબીજા સામે જોયું અને જોરથી હસીને સાથે બોલ્યા, ‘બહાર બીજું કશું સંભળાતું નથી, એ જ તો પ્રશ્ન છે.’
માસ્ક પહેરીને બંને કોઈ જોઈ ન જાય એ રીતે બહાર નીકળ્યા. ડોરબેલ વગાડી અને જેવું આર્જવે બારણું ખોલ્યું કે બેટ અને સ્ટમ્પ વડે બંને આર્જવ કંઈ સમજે એ પહેલા બારણું બંધ કરીને તૂટી પડ્યા. આર્જવે ‘કોણ છો’, ‘શું થયું?’, ‘મને લૂંટી લો, પણ મારો નહીં’ એવી રાડો પાડી, પણ નિતેશ અને અર્પણના સદ્ભાગ્યે બહાર ઘોંઘાટ સિવાય કશું જ ગયું નહીં. આર્જવ થોડી જ વારમાં લોથપોથ મહાકાય શરીર સાથે ગોઠણીયે બેસી પડ્યો.
નિતેશે અર્પણને બહાર નીકળી જવા ઈશારો કર્યો એટલે બંને બહાર નીકળવા લાગ્યા. પણ અર્પણે પાછા વળીને દાઝમાં ઝડપથી એક આખરી ઘા કરવા બેટ માર્યું પણ તે નિશાન ચૂક્યો અને એ આર્જવના માથા પર વાગ્યું. આર્જવ એ ઘાથી સાવ જ ફર્શ પર ઢળી પડ્યો. અર્પણ એ જોઈને ત્યાં જ ઊભો રહી ગયો.
‘અર્પણ ચાલ જલ્દી…’ નિતેશે અર્પણને બહાર ખેંચ્યો અને બંને બારણાં બહાર નીકળી ગયા.
પણ આખરી ફટકાથી આર્જવને એ જ ક્ષણે બ્રેઈનમાં હેમરેજ થયું અને તરત જ તેના શ્વાસ બંધ થઈ ગયા! આ ઘટનાથી બેખબર નિતેશ અને અર્પણ બંને ઓફિસના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા.
* * * * *
માત્ર કલાક પછી જ પોલીસ નિતેશ અને અર્પણને હાથકડી પહેરાવીને લઈ જઈ રહી હતી ત્યારે નિતેશે અર્પણને કહ્યું, ‘ભાઈ, તારી પેલી શામ-દામવાળી વાત નહોતી માનવી જોઈતી.’
‘તેય આત્મસન્માનનું માઉસ દેખાડીને બેટ પકડાવ્યું મારા હાથમાં..’
‘તો બેટ પકડતા પહેલા નાના સ્પીકરમાં વોઇસ રેકોર્ડ થાય એ પણ પહેલા જાણી લેવાય ને.’
‘તોય તને ત્યાં મારા નામની રાડ પાડવાનું કોણે કીધું હતું?’








