મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / સંબંધનું ય એક સ્વમાન હોય છે

- નોન - ફિલ્ટર્ડ સહન કરે છે એટલે સશક્ત છે,તું ય સારા એવા પાળે છે વ્હેમ! સમ + બંધ = સંબંધ એટલે સમાન સ્તરે નિભ

શતરંગ / સંબંધનું ય એક સ્વમાન હોય છે

- નોન - ફિલ્ટર્ડ

સહન કરે છે એટલે સશક્ત છે,
તું ય સારા એવા પાળે છે વ્હેમ!

સમ + બંધ = સંબંધ એટલે સમાન સ્તરે નિભાવવામાં આવતું સ્વૈચ્છિક બંધન. સંબંધ સાચવવામાં બંને તરફથી શરતો ઓછી ને સમજણ વધુ જોઈએ. પરંતુ મોટેભાગે એવું બને છે કે એક તરફથી સમજણ વગરની શરતો હોય છે અને બીજી તરફથી બિનશરતી સમજણ! એક વ્યક્તિની અપેક્ષાઓ અંબરને આંબતી જાય છે ને બીજી વ્યક્તિ પોતાની અપેક્ષાઓ ઓગાળીને સઘળું સંભાળતી જાય છે. સમયાંતરે એક વ્યક્તિ સાથેનો સંબંધ બીજા માટે સમાધાન બનીને રહી જાય છે.

સંબંધોમાં ઓછી કે નહિવત્ અપેક્ષાઓ રાખી સતત પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર વ્યક્તિ વિશે તમે શું ધારો છો? એ મૂર્ખ છે, મજબૂર છે કે મજબૂત છે?

એ મૂર્ખ છે!

એને ખબર છે કે એના સમર્પણને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે, છતાંય એ વધુ ને વધુ સમર્પિત બનતો જાય છે. કારણકે એને એવી ઉમ્મીદ હોય છે કે એક દિવસ એના સમર્પણની નોંધ લેવાશે. એની નોંધ લેવાશે! એ એક ઇચ્છાપૂર્તિની આશમાં એ નાની-મોટી દરેક અપેક્ષાઓને આગ ચાંપતો જાય છે. આત્માને અંતિમ બૂંદ સુધી નીચોવી દે છે માત્ર એ ધારણાએ કે એક ક્ષણ આવશે જ્યારે સામેવાળી વ્યક્તિ એને હૃદયપૂર્વક ભેટીને એને ફરીથી જીવંત કરશે!

એ મજબૂર છે!

એ અતિશય સંવેદનશીલ છે. એને બધું અંતિમ હદ સુધી જીવવા જોઈએ છે. એની લાગણીઓ લકવાગ્રસ્ત ન બને ત્યાં સુધી એ હાથ છોડી નથી શકતો. સંબંધમાં રહેવાની, સહેવાની પીડા કરતા છોડવાનું દર્દ એને વધુ રંજાડે છે. ના, પોતાનું નહી, સામેવાળાનું! પોતાના એકાંતમય આનંદ કરતા સામેવાળાની એકલતાનો વિચાર એને વધુ વિચલિત કરે છે. સામેવાળાના જીવનમાં એનું સ્થાન શૂન્ય છે એ જાણવા છતાંય એ પોતાના સ્વમાન, સપનાઓ અને સુખના ભોગે પણ શૂન્યતા જીવતો જાય છે! કારણકે એને એક્ઝીટ લેતા નથી આવડતું. મતલબી બનીને મૂવ ઓન થવા એનું મન નથી માનતું.

એ મજબૂત છે!

એક સમયે એને ખબર પડી જાય છે કે એના સમર્પણ કે સંવેદનાઓની સામે એને અપમાન અને એકલતા સિવાય કંઈ મળતું નથી, કદાચ મળવાનું ય નથી! એને કદી કોઈ શાબાશી નથી મળતી કે નથી કોઈના હૃદયમાં સ્થાન મળતું!સંબંધના આ સત્યને સ્વીકારવામાં એ તૂટે જરૂર છે, છતાંય ભાંગી નથી જતો. એ ચાહીને પણ અફસોસ નથી અનુભવતો, કારણકે એ જાણે છે એણે જે આપ્યું એ આપવું કેટલું અઘરું છે! સંબંધમાં સ્વને હોમી શકે એનાથી વધુ શક્તિશાળી કોણ હોઈ શકે?

છતાંય આખરે એ છે તો માણસ જ ને? મન મારીને જીવતા એ જીવને ય ક્યારેક તો માવજતની જરૂર લાગે ને? પણ મહાન બનવાના મોહમાં એની માણસ તરીકેની ઓળખ એ હાથે કરીને ગુમાવી બેઠો છે! એના અસ્તિત્વની નોંધ લેવાની આદત જ નથી રહી કોઈને. પોતાની જાતને અવગણીને જેની દરેક જરૂરિયાતો સાચવી, જ્યારે એની સહુથી વધારે જરૂર હોય ત્યારે જવાબમાં મળેલી અવગણના અસહ્ય હોય છે. આજીવન શરતો વિના જેમને સાચવ્યા, એ આજે એકવાર પૂરતું એને સાચવવા તૈયાર નથી - આ હકીકત એને અંદર સુધી હચમચાવી દે છે! એ એક ક્ષણમાં એને એનું આખું આયખું અર્થહીન લાગવા લાગે છે. અંદર ભભૂકેલી આઘાત અને આક્રોશની એ આગમાં એની મૂર્ખામી, મજબૂરી અને મજબૂતી સઘળું સ્વાહા થઈ જાય છે.

હવે એ સ્વને હોમીને સમાધાનના સંબંધને સ્વીકારવા તૈયાર નથી. એના માટે આવતીકાલની આશ મૂકીને એક્ઝીટ લેવું વધારે ઈઝી છે. એ જાતે જ જાતને ભેટીને જીવંતતા મહેસુસ કરવા મક્કમ બને છે. કારણકે એ સમજી ચુક્યો છે કે દરેક સંબંધનું ય એક સ્વમાન હોય છે. અને એને જાળવવાની જવાબદારી બંને તરફથી સમાન હોવી જ જોઈએ. એમાં એકતરફી કશું શક્ય જ નથી!

- કૃતિ શાહ

આ સમાચાર શેર કરો