શતરંગ / મૂછોવાળા ગુજરાતી સાહિત્ય સર્જક
- છલકાયે જામ પ્રકાશ મહેરાની ફિલ્મ ‘શરાબી’માં અમિતાભ બચ્ચનના મુખે પોતાના પિતાની ઓફિસના કર

- છલકાયે જામ
પ્રકાશ મહેરાની ફિલ્મ ‘શરાબી’માં અમિતાભ બચ્ચનના મુખે પોતાના પિતાની ઓફિસના કર્મચારી અભિનેતા મુકરી માટે કહેવાયેલ સંવાદ છે, ‘મૂછે હો તો નથ્થુલાલ જૈસી, વરના ના હો.’ જવાબમાં અભિનેતા મુકરી કહે છે કે, ‘યે તો આપકા બડડપન હૈ.’ ત્યારે પ્રતિઉતરમાં અમિતાભ બોલે છે કે, બડડપન તો ઉસકા જીસકી મૂછે બડી હો, હમારા તો કોઈ પન નહિ, યે દેખીયે મેદાન સફાચટ!’
મૂળ તો રમુજમાં પણ મૂછનો મહિમા કર્યો છે. આ જ પ્રકાશ મહેરાની ફિલ્મ ‘ઝંઝીર’માં અભિનેતા પ્રાણ શાહુકાર પાસે જ્યારે પૈસાની માંગણી કરે છે ત્યારે પોતાની મૂછના બાલ પર એ માંગે છે!
મૂછનો મહીમાં ઘણો છે અને એ માટેની કહેવતો, રૂઢિપ્રયોગ પણ સાહિત્યમાં છે. આપણે આ લેખમાં હવે સાહિત્ય તરફ ખેડાણ કરીશું.
‘ધૂમકેતુ’ ઉપનામથી ગુજરાતી સાહિત્યમાં લખતા ગૌરીશંકર જોશી પણ મૂછો રાખતા! એમની એક ટૂંકી વાર્તા ‘જુમો ભિસ્તી’નામની છે. આ વાર્તામાં જુમો નામનો એક મુસલમાન એક વખતે સાહેબી ભોગવતો હોય એ વખાનો માર્યો પતરાંના ઝૂંપડામાં રહેતો થઈ જાય છે, એનો એક માત્ર સાથી-મિત્ર એણે પાળેલો પાડો એની સાથે હોય છે અને એ પાડા પર પાણીની મશકો નાખીને વહેલી સવારે બધાને પહોંચાડવાનું કામ કરતો હોય છે અને એ પાડા નું એક ઝમાનમાં કોઈ સાહિત્ય શોખીન હિન્દુ મિત્રે વેણુ નામકરણ કરેલું હોય છે.
એક વહેલી સવારે પાડા વેણુ સાથે નીકળેલો જુમો પોતાના પ્યારા મિત્ર પાડા ને ટ્રેઇનના પાટામાં પગ ફસાઈ ગયેલો જુએ છે અને બીજા લોકોની મદદ માંગવા દોડતો જાય છે, એ વખતે બે શોખીન જુવાનને એ જુએ છે અને દોડતો જઈને એ જુવાનોને વીનવે છે.
‘એ ભાઈસા’બ! મારો વે... મારો પાડો અબઘડી કપાઈ જશે. જુઓ પણે જુઓ-પાટામાં સપડાયો છે!’
‘ઓહો!..જા જા, ફાટકવાળા પાસે દોડ...’
‘તમે માબાપ, ટેકો કરો તો પગ નીકળી જાય, જીવ બચે.’
‘અમે? તું દોડ-દોડ ફાટકવાળાને કહે! એમ કહીને એ બન્ને તો ચાલતાં થઈ ગયા!
વાર્તા આગળ ચાલે છે..હવે ટ્રેઇનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. ‘દોડો! દોડો!... મારુ જાનવર કપાય છે!’
જુમાએ હતું એટલું બળ કરીને ચીસ પાડી; પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી!
જુમાએ ગાડીનો અવાજ નજીક આવતો જોઈને પોતાની લાકડી ફેંકી દીધી અને ‘યા પરવરદિગાર, એવી મોટેથી રાડ પાડી!’
આટલું કરીને જુમો પોતાના પાડા ની ગોદમાં ભરાઈ જાય છે અને એને કહે છે કે, દોસ્ત આપણે બન્ને સાથે જઈશું! પાડો વેણુ પ્રેમથી જુમાને પંપાળે છે અને જ્યારે ગાડી એકદમ નજીક આવે છે ત્યારે પોતાના માથા વડે જુમાને ઉપાડીને ટ્રેઇનના પાટા ની બહાર ફેંકી દયે છે, જુમાંનું શરીર વેણુના લોહીથી ખરડાય જાય છે!
ધૂમકેતુ સાહેબ વાર્તાનો અંત કરે છે.. ‘હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત,એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે, અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને ‘વેણુ!..વેણુ!..વેણુ!.. એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે!
ધૂમકેતુની વાર્તામાં બે શોખીનો હાથમાં નેતરની સોટી લઈને ચાલ્યા જતા હોય છે, આ દ્રશ્ય અને સંવાદમાં માસ્ટર સ્ટ્રોક છે, લેખકે જરાય મુખર થયા વગર કહેવાતા ઉચ્ચ ગુજરાતી સમાજના લોકોની વાસ્તવિકતા બતાવી દીધી છે, જ્યારે એ બન્ને મદદ કરવા દોડી જાય તો પાડા નો જાન બચી જાય પણ મદદ કરવાને બદલે ફક્ત સલાહ આપી ભાગી જનાર માનસિકતાને ઉઘાડી આપી છે ગૌરીશંકર જોશી યાને ધૂમકેતુ એ!
બડડપન તો ઉસકા જીસકી મૂછે બડી હો, ધૂમકેતુ મૂછ રાખવાનો હક ધરાવનાર મહાન ગુજરાતી સર્જક હતા!
- હકીમ રંગવાલા








