શતરંગ / મનની વાત
- સ્વાન્ત: સુખાય આમ તો કોઈ પોતાના મનની વાત જાહેરમાં કરે જ નહીં. મનમાં શું શું ભર્યું છે એ શાને સૌની સાથે વહેંચવું? હા

- સ્વાન્ત: સુખાય
આમ તો કોઈ પોતાના મનની વાત જાહેરમાં કરે જ નહીં. મનમાં શું શું ભર્યું છે એ શાને સૌની સાથે વહેંચવું? હા, મન તો દરિયો છે જેમાં કેટલુંય ધરબાતું રહે છે અને એમાંનું ઘણું તો આપણી જાણ બહાર જ એકઠું થતું રહે છે. કેવી અદભૂત છે પ્રકૃત્તિની આ વ્યવસ્થા?. અરે ભાઈ, તમારાં કોમ્પ્યુટર તો હવે આવ્યાં પણ અમારું મન તો અનાદિકાલથી કુબેરભંડારી બનીને બેઠું છે. એક કવિ એ તો લખી પણ નાખ્યું કે ‘મન હી દેવતા, મન હી ઈશ્વર, મન સે બડા ન કોઈ’ અને એનાથી યુગો પૂર્વે ઉપનિષદ રચયિતા ઋષિએ તો ઉદઘોષ કરેલો જ છે કે मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयो:|
પણ ના, આજે કોઈ ફિલસૂફીની વાતો નથી કરવી. વાત કરવી છે કેવળ મનની. મારું, તમારું, આપણું મન. તો ચાલો આજે તો કહી જ દઉં કે મારા મનમાં શું શું છે. એક દિવસ સમય કાઢીને મેં મનનો પટારો ખોલ્યો. પછી તો પેલા જાદુગરના ખીસામાંથી નીકળતી છેડાવિહીન રંગબેરંગી પટ્ટી જેવી હાલત થઈ ગઈ. બધું નીકળ્યા જ કર્યું, અટકે જ નહીં. સાતમા ધોરણમાં ભણતી વખતે હથેળીમાં વાગેલાં કંપાસના અણીદાર સાધનનો ઘાવ નીકળ્યો. મેં મારી હથેળી સામે જોયું, ત્યાં તો કશું જ ન હતું. પણ મારા મને રુઝાઈ ગયેલા એ ઘાવનો ડાઘ પણ સાચવીને રાખેલો એ કેવી નવાઈ ! અરે, પેલી ઘટના પણ અદલ આજે જ બની હોય એમ એણે સાચવેલી. બન્યું હતું એવું કે ઊંચા ઓટલાવાળી નિશાળમાં કોઈએ મારેલા ધકકાથી બંદા પડેલા અને હાથનું હાડકું ભાંગ્યું હતું. દવાખાને પહોંચતા સુધીમાં રડી રડીને સુઝી ગયેલી આંખની તસવીર અને એ અવિરત ડૂસકાં પણ એણે સાચવી રાખેલા. મૂછનો દોરો ફુટ્યા પછીના દિવસોમાં સાથે ભણતી કન્યા અકારણ જ ગમવા લાગેલી એ શરમાળ ક્ષણો પણ અકબંધ નીકળી મનના આ દાબડામાંથી. એ દિવસોમાં ભણતર ચડતું કે નહીં એ ખબર નહિ પણ સારા ગુણ મેળવ્યા પછી થતાં વખાણનો કેફ દિવસો સુધી અનુભવાતો એ સ્મરણ પણ મનમાં આબેહૂબ સચવાયેલું મળી આવ્યું. પાછું આ મન કેવું નટખટ કે વનપ્રવેશે ઘસાયેલા ઘૂંટણ બાબતે કશું સંઘરે નહીં અને સાયકલ શીખતી વેળાએ છોલાયેલા ઘૂંટણની પીડા બરોબર સચવાયેલી છે. અત્યારે શ્રોતાઓ સામે અસ્ખલિત વહેતી વાણી પ્રત્યે બેધ્યાન આ મનમાં એ વાત પણ સચવાઈ છે જ્યારે વાર્તા સ્પર્ધામાં બોલવા ઊભા થઈ અવાચક થઈ જવાયું હતું. આજે મંદિરમાં ઈશ્વર સામે જોઈ રહેતી આ આંખો જ્યારે કોલેજના મુગ્ધાવસ્થાના દિવસોમાં કોઈ તારામૈત્રક રચતી હતી ત્યારની એ ક્ષણો પણ આ બેશરમ મનમાં સચવાયેલી પડી છે. મોડી રાત્રે સૂમસામ સડક પર ધોધમાર વરસાદમાં મિત્ર સાથે અનરાધાર પલળયાનો આનંદ પણ મનના ખજાનામાં નવોનકોર જ રહ્યો છે હોં?
આ તો મન છે ભાઈ, એને ‘મની’ માટે બિલકુલ આકર્ષણ નહીં એટલે તો એણે નથી સાચવ્યા મારા પહેલાં કે છેલ્લાં વેતનના કોઈ આંકડાઓ ! હા, ભેરૂબંધો સાથે શેરી ક્રિકેટમાં લીધેલી વિકેટ કે દોડેલાં રન હજુ એણે સાચવ્યા છે. સજાવેલા સપનાઓ હોય કે વિખૂટા પડેલાં સ્વજનોની સ્મૃતિઓ હોય, ઇચ્છાઓના ભંગાર થયેલા અવશેષો હોય કે પ્રાપ્તિના પરિતોષની ક્ષણો હોય, પીડાના પ્રસંગો હોય કે આનંદના અવસરો હોય, મેળાપની મધુરતા હોય કે વિખૂટા પડ્યાની વેદના હોય, કોઈ જ પૂર્વગ્રહ કે પક્ષપાત વગર આપણું મન તટસ્થપણે બધું સંઘરે છે. મન એક એવું સંગ્રહસ્થાન છે કે જેના મુલાકાતી તરીકે આપણાં સિવાય કોઈને પ્રવેશ કરવાની મંજૂરી નથી. અને એમ જુઓ તો પ્રત્યેક હાલતોચાલતો માનવી જાણે એક હરતુંફરતું મ્યુઝીયમ ! આ મનની માયા જો સમજાય જાય તો માધવની લીલા પણ સમજાય જ જાય. આ મન છે તો બધુ છે અને મન આપણું અંગત હોવાનું કહીએ છતાં એના પર આપણું કશું આધિપત્ય નહીં. હા, આપણા અસ્તિત્વ પર એ જ હકૂમત ચલાવે. એક સત્ય એ પણ છે કે મનોભૂમિ અને સમરાંગણ વચ્ચે એક સામ્ય છે અને એ કે બંને પર અનેક યુધ્ધો થાય છે. આ મન પ્રદેશે પડતાં દુષ્કાળને જ મનોવૈજ્ઞાનિકો વિષાદ કે ડિપ્રેશન કહેતા હોય છે. આ મન એ જ આ શરીર નામના હાર્ડવેરને ચલાવનારું સોફ્ટવેર છે. મનની ચંચળતાને કારણે ઉપદેશકોએ તેને મર્કટ કહ્યું છે પણ મન તો માર્કટની પાસે પણ હોય જ ને?
આપણા કવિઓ લેખકોએ પણ મનને બહુ લાડ લડાવ્યા છે. લોકગીતોમાં મનનો માણીગર બહુ પ્રચલિત શબ્દ છે. ‘મન હોય તો માળવે જવાય’, ‘મન ચંગા તો કથરોટ મેં ગંગા’ જેવી અનેક કહેવતો આપણી ભાષાનું ભૂષણ છે. કવિ રાજેન્દ્ર શુક્લ લખે છે કે
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ કે અણસમજ એ ખુદ સરજતું હોય છે
આમ તો આ મન મારા જ અસ્તિત્વનો હિસ્સો છે પણ એ આ બધું કયા સંતાડીને રાખે છે એની મને પણ ખબર નથી. કોઈ ને ખબર હોય તો કહોને આ મન આપણે જ્યારે આ પૃથ્વી પર ન હોઈએ ત્યારે કયાં રહેતું હશે?
- પ્રણવ ત્રિવેદી








