શતરંગ / અસત ફટાકડાની જેમ ફૂટી જાય છે અને સત જ્યોતની જેમ અજવાળે છે!
- ગીતા Talks સત એટલે માત્ર આત્મા નહિ, પણ સત એટલે અંદરની સુંદરતા-પ્રસન્નતા, સત

- ગીતા Talks
સત એટલે માત્ર આત્મા નહિ, પણ સત એટલે અંદરની સુંદરતા-પ્રસન્નતા, સત એટલે આત્મવિશ્વાસ,
એવું કહેવાય છે કે પરિવર્તન જ શાશ્વત છે-Change is the only permanent thing. પણ બધા જ પરિવર્તનો બાદ પણ જે રહે છે એ શું હોય છે? એક સમયે ડાયનાસોર જેવા મહાકાય પ્રાણીઓ પૃથ્વી પર હતા, આજે નથી. એક સમય પછી કદાચ આપણે પણ નહિ હોઈએ. એમ થાય કે જીવનનો અંત મૃત્યુ છે તો મૃત્યનો અંત પણ કૈક તો હશેને ! તો જીવન અને મૃત્યુની આ ઘટમાળમાં એવું શું છે જે અવિનાશી રહે છે? ગીતામાં શ્રી કૃષ્ણ આ વાતને વિશાળ અર્થમાં લઇ જાય છે.
કૃષ્ણએ ગીતાના બીજા અધ્યાયમાં કહેલા સોળમાં શ્લોકના સંદર્ભે સત-અસતને સમજીએ...
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः।
उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः।।2.16।।
અહીં કૃષ્ણ અર્જુનને કહે છે કે,” અસતનું અસ્તિત્વ નથી અને સતનો અભાવ નથી. જે કોઈ તત્વદર્શી જ્ઞાની છે એ આ બંનેને એટલે કે સત અને અસતને યોગ્ય રીતે જોઈ શકે છે.”
આ શ્લોક ગીતાનો મુશ્કેલ શ્લોક ગણાય છે પણ આપણે આપણી અલ્પમતિ પ્રમાણે બને એટલી સરળ રીતે વિચારવા પ્રયાસ કરીએ. સૌથી પહેલા એ તો સમજવું પડે કે સત શું? અસત શું? સત એટલે જે સમય સાથે વહી નથી જતું, જે eternal, જે permanent છે, જે હંમેશા રહે છે એ સત છે. અસત એટલે એનાથી વિરુદ્ધ. જે અમુક સમય કે વર્ષો કે અમુક કાળ સુધી સીમિત હોય, જે બદલાતું રહે છે એ અસત. જે temporary છે એ અસત છે. ગહન અર્થમાં જોઈએ તો આ શરીર અસત છે પણ આત્મા સત છે.
કૃષ્ણ કહે છે કે અસતનું અસ્તિત્વ નથી અને સતનો અભાવ નથી. અંધકાર હોય ત્યારે આપણને એમ થાય કે અંધકારનું અસ્તિત્વ છે. પણ ખરેખર તો એ અજવાળાની ગેરહાજરી હોય છે, પણ અજવાળાનો અભાવ નથી હોતો. અજવાળું આવી જશે એટલે અંધકારનું કોઈ અસ્તિત્વ નહિ રહે. સૂર્યનું કિરણ છે એ આપણને અજવાળે છે છતાં એ અસત છે, એ કિરણ આવીને ઓલવાઈ જશે, બીજું કિરણ આવશે, ત્રીજું કિરણ આવશે, પણ સૂર્ય છે એ સત છે. દરિયામાં ઉઠતી લહેરો અસત છે. પણ દરિયો સત છે. કોઈ વૃક્ષ નીચે છાંયે બેઠા હોઈએ તો છાંયો તો ફરતો રહેવાનો, એ રીતે છાંયો અસત છે પણ વૃક્ષ સત છે.
આપણે બધાએ ક્યાંકને ક્યાંક એ અનુભવ્યું જ હશે કે મને આ ડ્રેસ કે આ શુઝ કે આ વસ્તુ મળી જાય એટલે મજામજા... પણ જયારે એ મળી જાય પછી થોડા સમયમાં એમાંથી પણ આપણું મન નીકળીને આગળ ઝંખના કરવા લાગે છે. દુરથી કોઈ સુંદર પર્વતને જોઈને ત્યાં દોડી જવાની ઈચ્છા થાય, પણ ત્યાં પહોચીને વળી થોડા વખતમાં ઘરે આવવાનું મન થાય. બે ત્રણ ટંક જાતભાતના પકવાન જમી લઈએ એટલે વળી એજ સાદી હળવી કઢી-ખીચડી ખાવાની ઈચ્છા થાય છે. આવી મજા કે રોમાંચ લાંબો સમય રહેતા નથી...તો આપણા જીવનમાં એવું સત શું છે આપણને સતત હળવા રાખી શકે?
જે તે વસ્તુ પામવાની ખુશી, કે જે તે જગ્યાએ જઈને થયેલ રોમાંચ, કે કૈક ખાવાના ચટકા એ ફટાકડા જેવા હોય છે, સળગે અને ફૂટી જાય. ક્ષણિક મજા આવે અને પૂરું થઇ જાય. પણ સંતોષ, આભારનો ભાવ, સ્વીકાર, સહજતા એ જ્યોત જેવું કામ કરે છે, જે આપણી અંદર અજવાળું પાથરતું રહે છે.
હમણા એક દિવસ અફઘાનીસ્તાન ગઝની શહેરનો ટ્રાવેલ વ્લોગ મારા ધ્યાનમાં આવ્યો. એ જ ગઝની જ્યાથી મુહમ્મદ ગઝની સોમનાથ મંદિરને લૂંટવા આવ્યો હતો. પણ આજે તો ગઝનીના કિલ્લા અને સિટીની હાલત સાવ ગરીબડી છે. બીજી બાજુ આજે ય સોમનાથ મંદિર એની પૂરી શાનથી ઊભું છે. એ વ્લોગ વીડિયો નીચે કોઈએ કમેંટ કરી હતી કે, “ हम टूट कर भी खड़े होने वाले लोग है, वो लूट कर भी कंगाल ही रहने वाले लोग है” સોમનાથ મંદિર ફરી ફરી ઊભું થતું રહ્યું. જે સત હતું એના સ્વરૂપ ભલે બદલાતા રહે પણ આજે ય સત્તા એની જ છે. ને જે અસત હતું એ અમુક સમયે ભલે હાવી થતું રહ્યું પણ સરવાળે એનું કોઈ અસ્તિત્વ નથી હોતું.
સતને અડી ભલે ન શકાય પણ એને અનુભવી તો શકાય. અસત એ મૃગજળ જેવું છે જયારે સત એ ગંગાના નીર જેવું. સત એટલે અંદરની સુંદરતા, સત એટલે આત્મવિશ્વાસ, અંદરની પ્રસન્નતા.
ગીતા વિચાર:
મનુભાઈ પંચોળી –‘દર્શક’દાદા એવું કહેતા કે ભગવદ ગીતાએ કૃષ્ણનું વિચારમંદિર છે. આપણે ગુજરાતમાં, દેશ વિદેશમાં કૃષ્ણના કેટલા બધા મંદિરો છે, સોમનાથ પ્રભાસમાં તો બહુ સુંદર ગીતામંદિર ય છે. પણ સ્વયં ગીતા એ પણ કૃષ્ણનું મંદિર જ છે, આ વિચાર મંદિર છે.
- મિલી મેર








