શતરંગ / એક તાનાશાહની મૂર્ખામી અને નાનકડી ચકલીને કારણે 4 કરોડ લોકો ભૂખ્યાં મરી ગયા!
- પન્ના પલટીએ આમ તો જ્યારે તાનાશાહ શબ્દ વાપરીએ ત્યારે તેની આગ

- પન્ના પલટીએ
આમ તો જ્યારે તાનાશાહ શબ્દ વાપરીએ ત્યારે તેની આગળ અલગથી વિશેષણ રૂપે મૂર્ખ, પાગલ કે દંભી લગાવવાની જરૂર નથી. જોકે, લી ક્યુઆન હ્યુ જેવા અપવાદ સરમુખત્યાર કે જેમણે પોતાના પ્રયત્નો અથવા તો જીદથી ભૂખમરી અને બદહાલીમાં રહેલા સિંગાપોરને જોતજોતામાં દુનિયાનો સૌથી વિકસિત દેશ બનાવી દીધી. ખેર, અહીં જે તાનાશાહ, મૂર્ખ અને દંભી તાનાશાહની વાત કરવાની છે તેણે લી ક્યુઆનથી બિલકુલ વિપરિત પોતાની મૂર્ખતા અને દંભના કારણે આશરે 4 કરોડથી વધુ લોકોને ભયંકર મોતની ભેંટ ચડાવી દીધા!
વાત છે પાડોશી દેશ ચીનની. 1949માં પીપલ્સ રિપબ્લિક ચાઈનાના લીડર, કૉમ્યુનિસ્ટ વિચારધારાવાદી માઓ ઝદોંગ (ઘણા લોકો માઓત્સે તુંગ પણ ઉચ્ચારે છે)ની સત્તા બની. સત્તા પર આવતાની સાથે જ તેમણે એક પૉલિસી રજૂ કરી, નામ આપ્યું ચાઈના લીપ ફોરવર્ડ. માઓનું કહેવું હતું કે, ચીને વિકાસની દોડમાં હવે ચાલવાનું નથી, છલાંગ મારવાની છે અને આ પૉલીસી દ્વારા તેઓ ચીનને છલાંગ મારતું જોતા હતા. આ પૉલિસી અંતર્ગત ચીનની તમામ જમીનો પરની પ્રાઈવેટ ઑનરશીપને ખતમ કરવામાં આવી અને ખેડૂતોને કહેવામાં આવ્યું કે, તેઓ પાક ઉગાડે અને મોટો હિસ્સો સરકારને આપે. ઉત્પાદન વધારવા માટે સરકાર દ્વારા આધુનિક મશીનો પૂરી પાડવામાં આવી પણ અપેક્ષિત એવો કોઈ બદલાવ દેખાયો નહીં.
માઓએ અધિકારીઓને સર્વે માટે મોકલી તપાસ કરાવી. ખેડૂતો તરફથી જવાબ મળ્યો કે, અમે પ્રયત્નો તો પૂરતા કરીએ છીએ પરંતુ, જીવ-જંતુ, મચ્છર, વાંદરા અને ચકલીઓ પાક બરબાદ કરી નાખે છે એટલે ઉત્પાદન વધતું નથી. અધિકારીઓએ આ વાત માઓ સમક્ષ મૂકી, બસ...પછી તો માઓની સોય ચકલી પર અટકી ગઈ કે, ચકલીઓ બધો પાક ખાઈ જાય છે અને ચીનનો વિકાસ રૂંધાય છે. માઓનું મન થયું અને ફરમાન જારી કરવામાં આવ્યું કે, જ્યાં પણ ચકલી દેખાય તેને મારી નાખવી! માનવામાં ન આવે પણ આખો દેશ થાળીઓ વગાડી, ઢોલ-નગારાં પીટીને (આપણે થોડાં વર્ષો કરેલું એવું જ!) ચકલીઓને ઉડાડવવા લાગ્યો. ચકલીને બેસવા જ ન મળે અને છેવટે તે થાકી-હારીને પોતાનો જીવ ગુમાવવા લાગી. કેટલાંકે તો બંદૂકથી ચકલીઓને વીંધી નાંખી. 3 થી 4 મહિના સુધી આવી કત્લેઆમ ચાલી અને આખરે આખા ચીનમાંથી ચકલીનું નામોનિશાન ગાયબ થઈ ગયું!!
થોડા વર્ષો વિત્યાં, માઓએ કહેલું એને અનુસરીને લોકોએ આખા દેશમાંથી ચકલીઓનો ખાત્મો તો બોલાવી દીધો પણ ખેત પેદાશમાં વધારો થવાને બદલે ઘટાડો થયો! અને ઘટાડો એટલે જેવો તેવો નહીં, બધું જ તબાહ થઈ ગયું. 1959માં ઉત્પાદન એ હદે ઘટી ગયું કે, દુષ્કાળની સ્થિતિ પેદા થઈ. તેના પછીના બેથી અઢી વર્ષ એટલા ભયંકર હતા કે, લોકોને ખાવામાં માટે અનાજ મળવું દુર્લભ થઈ ગયું. લોકો પશુઓને મારીને ખાવા લાગ્યા, એ ન મળે તો ક્યાંક પડેલું-સડેલું માંસ ખાવા લાગ્યા, ઘણી જગ્યાએ તો લોકો નરભક્ષી બની ગયા સુધીના બનાવો બન્યા! 1959 થી 1961 સુધી ચાલેલા આ દુષ્કાળમાં આશરે 4 કરોડથી વધુ લોકો ભૂખમરાને કારણે મોતને ભેંટ ચડ્યા!
હવે તમને એમ થશે કે, દુષ્કાળ અને ચકલીઓની હત્યા વચ્ચે શું સંબંધ?! અસલમાં, બન્યું એવું કે, ચીનના ખેતરોમાં આ દુષ્કાળના વર્ષો દરમિયાન એટલા બધા જીવ-જંતુઓ, કીટકો વધી ગયા કે તે પાક ઉગે તે પહેલા જ તેને ખાઈ જતા, પરિણામે ઉપજ થતી જ નહોતી. બીજી તરફ, જે ચકલીઓને માઓએ દુશ્મન સમજીને મારવાનો આદેશ આપેલો તે ખેતરમાં રહેલા આ જ જીવ-જંતુઓ અને કીટકોને ખાઈ જતી હતી. હવે સાહેબની દૂરંદેશીના કારણે ચકલી વિહોણો થઈ ગયેલો દેશ એક માનવનિર્મિત દુષ્કાળમાં એવો ફસાયો કે, જેના લીધે કરોડો લોકોએ ભૂખથી તડપી-તડપીને મરવું પડ્યું. માનવામાં ન આવે તેવી આ ઘટના તદ્દન સાચી છે અને ઈતિહાસમાં આજે પણ આને કોઈ તાનાશાહની સૌથી મોટી મૂર્ખામી માનવામાં આવે છે.
- આગંતુક








