VIDEO: હૈદરાબાદમાં ગણેશોત્સવની મીઠી ઉજવણી બાપ્પાના દર્શન માટે તૈયાર કરાઈ અનોખી ‘કેન્ડી ગણેશા’ થીમ!
હૈદરાબાદમાં ગણેશોત્સવની મીઠી ઉજવણી
બાપ્પાના દર્શન માટે તૈયાર કરાઈ અનોખી ‘કેન્ડી ગણેશા’ થીમ!
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ગણેશોત્સવને લઈને શ્રદ્ધાળુઓ અને યુવા મંડળોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થીના આ પાવન પર્વ નિમિત્તે હૈદરાબાદના ગોલ્લા કીડકી વિસ્તારમાં આવેલી શિવ મંદિર ફ્રેન્ડ્સ યુથ એસોસિએશન દ્વારા એક અનોખી અને આકર્ષક પહેલ કરવામાં આવી છે. આ યુવા મંડળે આ વર્ષે બાપ્પાની સ્થાપના માટે સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી અને બાળકોના મન મોહી લે તેવી કેન્ડી ગણેશા થીમ તૈયાર કરી છે. મંડળના સભ્ય પ્રણય કુમારે આ વિશિષ્ટ આયોજન અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૩૭થી ૪૦ વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે, જેમાં છેલ્લા ૧૯ વર્ષથી દર વખતે એક અલગ અને નવીનતમ થીમ આધારિત ગણપતિજી તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે આખી પંડાાલ સજાવટ અને વિઘ્નહર્તાનો આખો મંડપ વિવિધ પ્રકારની રંગબેરંગી ચોકલેટ અને ટોફીનો ઉપયોગ કરીને આકર્ષક રીતે ડેકોરેટ કરવામાં આવ્યો છે.
વિવિધ કેન્ડીઝથી સજાવ્યા વિઘ્નહર્તા, પંડાલોમાં જામ્યો ભક્તોનો જમાવડો!
બાપ્પાના સ્વાગત માટે બાળકોથી લઈને દરેકમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ!
આ કેન્ડી ગણેશા થીમ પસંદ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નાના બાળકોને પ્રકૃતિ અને આસ્થા સાથે જોડવાનો છે. બાળકો એ ભગવાનનું સ્વરૂપ ગણાય છે તે વિચારધારાને ધ્યાનમાં રાખીને બાળકો આ મનોરમ દ્રશ્ય તરફ આકર્ષાય અને આનંદ અનુભવે તે માટે આ થીમ બનાવવામાં આવી છે. આ અનોખા ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર અને નાના બાળકો સાથે ઉમટી રહ્યા છે. હૈદરાબાદથી સામે આવેલા રંગબેરંગી દ્રશ્યોમાં કેન્ડીઝથી સજ્જ ગણપતિજીનો અદ્ભુત રૂપ અને ભક્તોનો ઉત્સાહ સ્પષ્ટપણે જોઈ શકાય છે. શ્રદ્ધાળુઓ અને નાના બાળકો આ અનોખા કેન્ડી ગણેશના દર્શન કરીને અત્યંત ખુશ થઈ રહ્યા છે. હૈદરાબાદના આ યુવા મંડળનો આ પ્રયાસ માત્ર પર્યાવરણ સંરક્ષણનો સંદેશ નથી આપતો, પરંતુ તહેવારની ઉજવણીમાં એક નવો આહલાદક અને મીઠો રંગ પણ ઉમેરી રહ્યો છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

