VIDEO: નક્સલી કમાન્ડર હથિયાર અને નક્સલવાદનો માર્ગ છોડીને મુખ્યધારામાં પરત ફર્યો
છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં એક સમયના નક્સલી કમાન્ડર સિતારામ સોનવાણીની જિંદગી હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. એક સમયે હાથમાં હથિયાર લઈને નક્સલી સંગઠન સાથે જોડાયેલા સિતારામ આજે પોતાની પત્ની બિરાજો અને બાળકો સાથે ગામમાં સામાન્ય જીવન જીવી રહ્યા છે. વર્ષો સુધી નક્સલી સંગઠન સાથે જોડાયેલા રહ્યા બાદ તેમણે હિંસાનો માર્ગ છોડીને સમાજની મુખ્યધારામાં પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. આજે તેઓ પોતાની નાનકડી ખેતી અને મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન સામાન્ય રીતે ચલાવી રહ્યા છે.
સિતારામ યુવાનીમાં પરિવારની આર્થિક મુશ્કેલીઓને કારણે નક્સલી સંગઠન સાથે જોડાયા હતા. શરૂઆતમાં નક્સલીવાદીઓએ સિતારામને બ્રેઇન બોશ કર્યા હતા. નકસલવાદીઓ દ્રારા તેમને નોકરી અને પગારની આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. આ વાતની પ્રેરાઇને સીતારામ સંગઠનમાં સક્રિય બન્યા અને વર્ષ 2000ની આસપાસ તેમને એરીયા કમાન્ડરની જવાબદારી મળી હતી. પરંતુ સમય જતાં નક્સલી જીવનની મુશ્કેલીઓ અને પરિવારથી દૂર રહેવાની પરિસ્થિતિ વચ્ચે તેમની જિંદગી બદલાવા લાગી.
સિતારામના જીવનમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો, જ્યારે તેમની મુલાકાત બિરાજો નામની યુવતી સાથે થઈ. બિરાજો તે સમયે વિદ્યાર્થીની હતી. બંને વચ્ચે પત્રવ્યવહાર શરૂ થયો. બાદમાં જંગલ વિસ્તારમાં બંનેની મુલાકાત થઈ. બિરાજોએ સિતારામને નક્સલી સંગઠનથી દૂર થવા માટે પ્રેરણા આપી. જો સિતારામ નકસલવાદી પ્રવૃતિથી દુર રહે તો લગ્ન કરવાનું પણ વચન આપ્યું. અને થોડા સમય બાદ આસમંમાં જઇને બન્નેએ લગ્ન કરી લીધા.
લગ્ન બાદ સિતારામ અને બિરાજોએ નક્સલી સંગઠનથી દૂર થઈને સમાજની મુખ્યધારામાં પાછા ફરવાનો નિર્ણય લીધો. આખરે સિતારામે 26 ફેબ્રુઆરી 2021ના રોજ તત્કાલીન બલરામપુર-રામાનુજગંજ પોલીસ અધિક્ષક સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, તેઓ ચલવલી વિસ્તાર સાથે જોડાયેલા નક્સલી એરીયા કમાન્ડર તરીકે સક્રિય હતા.
આત્મસમર્પણ અને 14 મહિનાની જેલમાંથી પરત આવ્યા બાદ સિતારામે પરિવાર સાથે સામાન્ય જીવન શરૂ કર્યું. શરૂઆતના સમયમાં તેમને જીવનનિર્વાહ અને રહેઠાણને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હવે સરકારી દ્રારા આત્મસમર્પિત નકસલી માટે પહેલ ‘આત્મસમર્પિત આવાસ’ યોજનામાં પક્કા મકાનનો લાભ મળ્યો છે. હાલમાં બે રૂમનું પક્કું મકાન મળતા પરિવાર ખુશ છે. આ ઉપરાંત સિતારામને સરકારની અન્ય સુવિધા પણ મળી રહી છે. સિતારામની પત્ની બિરાજો માટે પણ આ બદલાવ ખાસ મહત્વનો છે. સિતારામ નક્સલી જીવન છોડીને સામાન્ય સમાજમાં પરત ફરશે કે નહીં તેની ચિંતા હતી, પરંતુ આજે બંને પોતાના બાળકો સાથે ગામમાં સામાન્ય જીવન જીવી રહ્યા છે. બંદૂક અને જંગલની દુનિયાથી દૂર સિતારામ અને તેની પત્નિ પરિવારનું ભવિષ્ય સુધારવા પર ધ્યાન આપી રહ્યા છે.
------ બ્યૂરો રિપોર્ટ - જીએસટીવી

