VIDEO: પાટણમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના હાલ બેહાલ!
પાટણમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના હાલ બેહાલ!
૨.૬૧ લાખ હેક્ટરમાં લહેરાયો ખરીફ પાક!
કેનાલ અને બોરવેલ બન્યા ખેડૂતોનો સહારો
રાજ્યભરમાં શ્રાવણ માસ એટલે કે ઓગસ્ટ મહિનામાં વરસાદે ખેંચ આપી છે. આકાશમાં વાદળો બંધાય છે પરંતુ વરસતા ન હોવાથી ખેતી પર આંશિક અસર પડી રહી છે. આમ છતાં, પાટણ જિલ્લામાં હાલ ખેતીનું ચિત્ર ચિંતાજનક નથી અને ખેડૂતો હજુ પણ સાર્વત્રિક વરસાદની આશા રાખી રહ્યા છે. પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગરભાઈ પટેલ સાથેની વાતચીત મુજબ, જિલ્લામાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં અને નોર્મલ છે. પાટણ જિલ્લામાં કેનાલ, ટ્યુબવેલ અને બોરવેલ જેવા સિંચાઈના સાધનો ઉપલબ્ધ હોવાથી ખરીફ પાકના વાવેતરને હાલ મોટો વાંધો આવ્યો નથી. જિલ્લામાં કુલ ૨ લાખ ૬૧ હજાર ૫૬૯ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું સફળ વાવેતર થયું છે. મુખ્યત્વે એરંડા, બીટી કપાસ, કઠોળ, તેલીબિયાં, ઘાસચારો, મગફળી અને શાકભાજી જેવા પાકો ખેતરોમાં લહેરાઈ રહ્યા છે. સિંચાઈની સુવિધાને લીધે પાટણના મોટાભાગના વિસ્તારોમાં પાક સારો ઊભો છે.
તાલુકાવાર સ્થિતિ જોઈએ તો પાટણ, સિદ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા અને હારીજ તાલુકામાં પાકની સ્થિતિ ઘણી સારી છે. આ વિસ્તારોમાં હજુ સુધી વાતાવરણ કે પાક રોગચાળાની કોઈ પ્રતિકૂળ અસર જોવા મળી નથી. બીજી તરફ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર જેવા પંથકોમાં ખેતી પર આશરે ૩૦ ટકા જેટલી અસર જોવા મળી છે, કારણ કે ત્યાં અગાઉના પાણી હજુ પૂરેપૂરા સુકાયા નથી અને પાકને માફકસરના વરસાદની જરૂરિયાત છે. ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર, હાલ પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં આગામી દિવસોની સ્થિતિ હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પર નિર્ભર રહેશે. જો એક અઠવાડિયા પછી વરસાદ પડશે તો પાકને નવું જીવન મળશે અને ઉત્પાદન પણ સારું રહેશે. હાલ તો પાટણનો ખેડૂત સિંચાઈના પાણીના સહારે પોતાના પાકને બચાવી રહ્યો છે અને શ્રાવણી સરવડાંની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

