VIDEO: ગણેશોત્સવે વડોદરામાં ભક્તિનો માહોલ બાપ્પાના સ્વાગત માટે સંસ્કારી નગરી સજ્જ!
ગણેશોત્સવે વડોદરામાં ભક્તિનો માહોલ
બાપ્પાના સ્વાગત માટે સંસ્કારી નગરી સજ્જ!
મોદકની અવનવી વેરાયટીથી બજારો ધમધમ્યા
સંસ્કારી નગરી વડોદરામાં ગણેશોત્સવના પાવન પર્વને લઈ ભક્તોમાં અદભુત ઉત્સાહ અને રોનક જોવા મળી રહી છે. ભગવાન શ્રીગણેશજીની સ્થાપના અને વિધિવત પૂજન-અર્ચનાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર શહેર ગણપતિ બાપ્પાના સ્વાગત માટે આખરી ઓપ આપી સજ્જ બન્યું છે. ગણેશજીને પ્રિય એવા મોદક, વિવિધ મીઠાઈઓ અને નમકીનની પ્રસાદીની ખરીદી માટે વડોદરાના બજારોમાં ભક્તોનું વિશાળ જનમેદની ઉમટી પડી છે. ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને શહેરના મીઠાઈ અને નમકીનના વેપારીઓએ પણ ખરીદીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વેપારીઓ દ્વારા ખાસ કરીને બાપ્પા માટે મોદકની અવનવી અને આકર્ષક વેરાયટીઓ તૈયાર કરવામાં આવી રહી છે. સંસ્કારી નગરીની એક હજારથી વધુ દુકાનોમાં નિતનવા પ્રકારના મોદક અને મીઠાઈઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. આ તહેવાર દરમિયાન આશરે ૩૦ હજાર કિલોથી પણ વધુ મીઠાઈ અને મોદકની ખપત થવાની વેપારીઓ આશા રાખી રહ્યા છે, જેમાં ખાસ કરીને ૫૬ ભોગના પ્રસાદી પેકેટની ભારે માંગ જોવા મળી રહી છે.
૩૦ હજાર કિલોથી વધુ મીઠાઈના વેચાણની શક્યતા!
મોંઘવારી પણ ન ઓગાળી શકી શ્રદ્ધા, મોદકની ખરીદીમાં ભક્તોનો ભારે ઉત્સાહ!
જોકે, ચાલુ વર્ષે કાચા માલના ભાવમાં વધારો થવાના કારણે મીઠાઈ અને મોદકના ભાવોમાં નજીવો ઉછાળો નોંધાયો છે. વેપારી વિનોદ શાહના જણાવ્યા મુજબ, મોંઘવારીના કારણે ભાવ થોડા વધ્યા હોવા છતાં ભક્તોની શ્રદ્ધા અને ઉત્સાહમાં સહેજ પણ ઓટ આવી નથી. સ્થાનિક ભક્ત સંજય જયસ્વાલે હર્ષ વ્યક્ત કરતાં જણાવ્યું કે બાપ્પાના આગમનને લઈને લોકો મોંઘવારી ભૂલીને પણ મોદક અને મીઠાઈની સજ્જડ ખરીદી કરી રહ્યા છે. હાલમાં વડોદરાના તમામ મુખ્ય માર્કેટો અને ગલીઓમાં ગણેશોત્સવનો ભક્તિમય અને મનોરમ માહોલ છવાઈ ગયો છે. ગણેશજીની પ્રતિમાઓથી લઈને પ્રસાદીની દુકાનો સુધી ચારેકોર તહેવારની ધમધમાટ દેખાઈ રહી છે. વિઘ્નહર્તાના આગમન પૂર્વે જ વડોદરાવાસીઓ ભક્તિના રંગે રંગાઈ ગયા છે અને તહેવારની ભવ્ય ઉજવણી માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

