VIDEO: સતત ૩૫ દિવસથી વરસાદ ખેંચાતાં સુરેન્દ્રનગરમાં ભયાનક સ્થિતિ! તલ, મગફળી અને કપાસનો પાક બળીને ભસ્મીભૂત!
સતત ૩૫ દિવસથી વરસાદ ખેંચાતાં સુરેન્દ્રનગરમાં ભયાનક સ્થિતિ!
તલ, મગફળી અને કપાસનો પાક બળીને ભસ્મીભૂત!
પશુપાલકો પર મોંઘવારીનો માર
સુરેન્દ્રનગર જિલ્લામાં અષાઢ અને શ્રાવણ માસ વીતી ગયા છતાં છેલ્લા ૩૫ દિવસથી વરસાદ સંપૂર્ણપણે ખેંચાઈ જતાં અતિ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઝાલાવાડનો વિશાળ ખેડૂત સમુદાય હાલ ભારે સંકટમાં મુકાયો છે. ચોમાસાની શરૂઆતમાં વાવણી કર્યા બાદ અવિરત વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ગાયબ થઈ જતાં ખેતરોમાં ઉભા પાકો મુરઝાવા લાગ્યા છે અને જિલ્લાભરમાં દૂકાળ જેવા ડરામણા દ્રશ્યો સર્જાયા છે. વરસાદના લાંબા વિરામના કારણે ખેતરોમાં વાવેતર કરેલા તલ, મગફળી અને કપાસ જેવા રોકડિયા પાકો પાણી વગર બળીને ખાખ થઈ રહ્યા છે. મસમોટા બિયારણ, ખાતર અને મજૂરીના ખર્ચા કરીને વાવણી કરનાર ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. પાક નિષ્ફળ જવાની પૂરી શક્યતાઓને પગલે ખેડૂતો માથે દેવાનો મોટો બોજ આવી પડવાનો ભય સતાવી રહ્યો છે. બળતા પાકને જોઈને ધરતીપુત્રો ભારે આક્રોશ અને હતાશા અનુભવી રહ્યા છે.
ઘાસચારો રૂપિયા 4૦૦ એ પહોંચ્યો, પશુઓ માટે સંકટ ઊભું થયું!
પાક નિષ્ફળ જતાં મોટો આર્થિક ફટકો, મદદ માટે તંત્ર પાસે ગુહાર!
વરસાદી ખેંચની સીધી અસર પશુપાલન ક્ષેત્ર પર પણ પડી છે. જિલ્લામાં લીલા અને સૂકા ઘાસચારાની અછત સર્જાતાં તેના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ ઘાસચારાનો ભાવ પ્રતિ મણ રૂપિયા ૪૦૦ સુધી પહોંચી જતાં પશુપાલકોની કમર ભાંગી ગઈ છે. આ અંગે ખેડૂતોએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ખેતી અને પશુપાલન બંને બરબાદીના આરે છે. ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી ત્વરિત સહાયતાની ગુહાર લગાવી છે.સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઝાલાવાડના ધરતીપુત્રો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાને તાત્કાલિક અસરથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જોરદાર માગ કરવામાં આવી છે. આ ઉપરાંત પશુધનને બચાવવા માટે જિલ્લામાં તાકીદે કેટલ કેમ્પ ખોલવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. જો સરકારી સ્તરેથી તાત્કાલિક સર્વે કરી આર્થિક પેકેજ અને રાહત કાર્યો શરૂ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતો ઉગ્ર આંદોલન આદરશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

