VIDEO: સૌરાષ્ટ્રનું અનોખું ગણપતિ ધામ મૂષક નહીં, પણ સિંહ પર બિરાજમાન છે ઢાંકના સિદ્ધિવિનાયક!
સૌરાષ્ટ્રનું અનોખું ગણપતિ ધામ
મૂષક નહીં, પણ સિંહ પર બિરાજમાન છે ઢાંકના સિદ્ધિવિનાયક!
પત્ર લખીને દુઃખ ઠાલવે છે ભક્તો, વિદેશથી પણ આવે છે ચિઠ્ઠીઓ!
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલું ઐતિહાસિક ઢાંક ગામ હાલ ગણેશોત્સવના પાવન પર્વે ભક્તિના રંગે રંગાયું છે. અહીં સ્થિત સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિર સમગ્ર દેશ અને સૌરાષ્ટ્રમાં પોતાની અનોખી વિશેષતાઓને કારણે શ્રદ્ધાનું મોટું કેન્દ્ર બન્યું છે. સામાન્ય રીતે ગણેશજીનું વાહન મૂષક હોય છે, પરંતુ આ પૌરાણિક મંદિરમાં સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતિદાદા મૂષકને બદલે સિંહ પર બિરાજમાન છે. આ પવિત્ર સ્થાને ગણેશ ચતુર્થી નિમિત્તે ૧૦૦૮ મોદકના યજ્ઞ અને મહાઆરતી સાથે ૧૧ દિવસીય મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મંદિરની સૌથી અનોખી અને રોચક પ્રથા પત્રવ્યવહારની છે. અહીં દેશ-વિદેશના ભક્તો પોતાના સુખ-દુઃખ, મનોકામનાઓ અને મુશ્કેલીઓ ટપાલ કે પોસ્ટકાર્ડ મારફતે દાદાને મોકલે છે. વર્તમાન મહંત ભરતગીરી બાપુ આ તમામ પત્રો ગણેશજીની મૂર્તિ સમક્ષ ભાવપૂર્વક વાચી સંભળાવે છે. દરરોજ અહીં ૨૦ થી ૨૫ પત્રો આવે છે, જે ગણેશોત્સવ દરમિયાન ૧૦૦ સુધી પહોંચી જાય છે. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી પણ શ્રદ્ધાળુઓ દાદાને પોતાની મનોવ્યથા લખીને અરજ મોકલે છે.
સંતાનપ્રાપ્તિથી લઈ વિઘ્નહરણ સુધી, ૧૦૦% કામ પૂરા કરતા વિઘ્નહર્તા!
શ્રદ્ધા અને આસ્થાનો અદ્ભુત સંગમ બન્યું ઉપલેટાનું ઢાંક ગામ!
આ સ્થાનનો ઇતિહાસ આશરે ૨૦૦૦થી ૫૦૦૦ વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. લોકવાયકા મુજબ પ્રાચીન પ્રેહપાટણ ગામ શ્રાપના કારણે દટાઈ ગયા બાદ દાદાની કૃપાથી પુનઃ વસ્યું હતું. તેમજ મહાભારત કાળમાં પાંડવોએ પણ અહીં શિવ પરિવાર અને ગણેશજીની પૂજા કરી હતી. દર્શનાર્થે આવતા કાંતિભાઈ કલોલા જેવા ભક્તો જણાવે છે કે લગ્નના ૧૭ વર્ષ બાદ પત્ર લખવાથી તેમને ત્યાં સંતાનપ્રાપ્તિ થઈ હતી. તેવી જ રીતે પ્રીતિબેન ભટ્ટ અને સ્મિતાબેન પટેલ જેવા અનેક શ્રદ્ધાળુઓના દાદાએ પરચા પૂરી વિઘ્નો હર્યા છે. આજે મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાપૂજા, ૧૦૦૮ મોદકનો ગણપતિ યજ્ઞ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું છે. વિશેષ વાત એ છે કે અહીં ભક્તો પાસે કોઈ પણ પ્રકારનો ફાળો કે દાન માંગવામાં આવતું નથી, જે મંદિરની પવિત્રતામાં ઉમેરો કરે છે. આસ્થા, ચમત્કાર અને ઐતિહાસિક પરંપરાનો અનોખો સંગમ સમા આ ધામમાં ગણેશોત્સવ દરમિયાન હજારો ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

