VIDEO: ડાંગમાં ચોમાસાની મહેર સોળે કળાએ ખીલ્યું કુદરતી સૌંદર્ય
ડાંગમાં ચોમાસાની મહેર
સોળે કળાએ ખીલ્યું કુદરતી સૌંદર્ય
સાપુતારામાં પર્યટકોની જામી ભારે ભીડ!
ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગની ગિરિકંદરાઓમાં ધુમ્મસની ઘેરી ચાદર અને ઝરમર વરસાદી ઝાપટાં વચ્ચે અત્યંત આહલાદક અને મનમોહક માહોલ સર્જાયો છે. ચોમાસાના આ સોહામણા વાતાવરણને માણવા માટે દેશ અને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ તરફ વળી રહ્યા છે. ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓ ધુમ્મસિયા વાતાવરણ વચ્ચે નૌકા વિહાર અને વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઝની મજા માણી રહ્યા છે. સાથોસાથ ડાંગના પ્રસિદ્ધ ગિરા ધોધ, પાંડવ ગુફા અને હનુમાનજીના જન્મસ્થળ તરીકે પૌરાણિક મહત્વ ધરાવતા અંજન કુંડ પાસે આવેલી અંજન ગુફા પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. ઊંચા પહાડો પરથી કૂદકા મારતા ધોધ અને લીલીછમ વનરાજી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહી છે.
ધુમ્મસની ચાદર અને ઝરમર વરસાદ વચ્ચે પ્રવાસીઓ મંત્રમુગ્ધ
પહાડી ધોધ અને ટ્રેકિંગની મજા માણવા પ્રવાસીઓ ઉમટ્યા!
અંજન ગુફા સુધી પહોંચવા માટે પ્રવાસીઓએ આશરે એકથી બે કિલોમીટર સુધીનું સાહસિક ટ્રેકિંગ કરવું પડે છે. જોકે, આ મુશ્કેલ ચડાણ બાદ સામે આવતો અદભુત નજારો પ્રવાસીઓનો તમામ થાક ઉતારી દે છે. પહાડ પરથી પડતા ધોધની પાછળ ઊભા રહીને પાણીના પ્રવાહ સાથે પ્રકૃતિને નિહાળવાનો અનુભવ અવિસ્મરણીય બની રહ્યો છે. પ્રવાસીઓએ ડાંગના આ અદભુત સૌંદર્ય અને ટ્રેકિંગના અનુભવને અત્યંત યાદગાર ગણાવ્યો હતો. ડાંગના પહાડો અને ગુફાઓ પરથી વહેતા ધોધ સામે ઉભા રહીને પ્રવાસીઓ સેલ્ફી અને ફોટોગ્રાફી દ્વારા આ મનમોહક ક્ષણોને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.. ચોમાસાની આ ઋતુમાં ડાંગનું પ્રાકૃતિક વાતાવરણ, શાંતિ અને સાહસિક પ્રવાસન પ્રવાસીઓ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ રહ્યું છે, જેના કારણે સમગ્ર ડાંગ પંથક હાલ પર્યટકોથી ધમધમી રહ્યો છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

