VIDEO: બનાસકાંઠામાં ભર ચોમાસે દુષ્કાળ! ૩.૪૫ લાખ હેક્ટરના વાવેતરમાં આર્થિક તારાજી!
બનાસકાંઠામાં ભર ચોમાસે દુષ્કાળ!
૩.૪૫ લાખ હેક્ટરના વાવેતરમાં આર્થિક તારાજી!
જીવાદોરી બનાસ નદી કોરીધાકોર
બનાસકાંઠા જિલ્લામાં ભર ચોમાસે વરસાદની ખેંચ સર્જાતાં સમગ્ર સરહદી પંથકમાં ઘોર દુષ્કાળના એંધાણ વર્તાઈ રહ્યા છે. જિલ્લામાં મગફળી, મકાઈ અને એરંડા સહિતના ૩.૪૫ લાખ હેક્ટર વિસ્તારમાં કરાયેલું વાવેતર હાલ ભયંકર જોખમમાં મુકાયું છે. બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસ નદી મોટાભાગના સ્થળોએ કોરીધાકોર ભાસી રહી છે, જ્યારે ચોમાસા દરમિયાન માત્ર એક જ વાર પાણીનો રેલો આવ્યો હોવાથી દાંતીવાડા અને સીપુ ડેમમાં પણ જળસંચય નહિવત રહ્યો છે. જિલ્લાના પાલનપુર, વડગામ, અમીરગઢ અને દાંતા સહિતના વિસ્તારોમાં વરસાદી અછતના લીધે ઉભો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોએ મસમોટો વાવણી ખર્ચ કરવા માટે બેંકો અને સાહુકારો પાસેથી વ્યાજે નાણાં લઈને દેવું કર્યું હતું. હવે જો સમયસર વરસાદ નહીં પડે તો પાક નષ્ટ થવાની સાથે સાથે ખેડૂતો માથે દેવાનો મોટો બોજ આવી પડશે. આ પરિસ્થિતિને કારણે કૃષિ ક્ષેત્રની સાથે પશુપાલન અને બનાસ ડેરી સાથે જોડાયેલા ગ્રામીણ અર્થતંત્ર પર પણ ગંભીર નકારાત્મક અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.
દાંતીવાડા અને સીપુ ડેમમાં પાણીની આસમાની તંગી!
દેવાના બોજમાં દબાતો જગતનો તાત
સ્થાનિક ખેડૂત અને આગેવાનોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં સરકારી વરસાદી આંકડાઓને તથ્યવિહીન ગણાવ્યા છે. તેમણે માંગ કરી છે કે કાગળ પરના ડેટા છોડીને ગ્રામીણ વિસ્તારોનો વાસ્તવિક રિ-સર્વે કરવામાં આવે. ઉપરાંત, બનાસ નદીને જીવંત કરવા દાંતીવાડા ડેમમાંથી કેનાલ દ્વારા પાણી છોડવા અને નાના બંધો બાંધી જળસંચય કરવાનું આયોજન હાથ ધરવા ખેડૂત આલમે જોરદાર રજૂઆત કરી છે. બરબાદીના આરે ઊભેલા બનાસકાંઠાના ધરતીપુત્રોની નજર હવે રાજ્ય સરકારના વલણ પર ટકેલી છે. ખેડૂતોની માંગ છે કે નુકસાનીનો તાત્કાલિક ચોક્કસ સર્વે કરી વિલંબ કર્યા વગર રાહત પેકેજની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે. જો સમયસર આર્થિક સહાય નહીં મળે તો આગામી નવી સિઝન માટે ખેડૂતો પાસે નવી મૂડી ઊભી કરવી અશક્ય બની જશે અને સમગ્ર કિસાન આલમ દેવાના વિષચક્રમાં ફસાઈ જશે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

