VIDEO: ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડથી ૩૨ ઘરો જમીનદોસ્ત! ૧૩૦ થી વધુ ગ્રામજનો થયા બેઘર
પશ્ચિમ સિક્કિમના રિંબીમાં કુદરતનો કાળો કેર
ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડથી ૩૨ ઘરો જમીનદોસ્ત!
૧૩૦ થી વધુ ગ્રામજનો થયા બેઘર
પશ્ચિમ સિક્કિમના રિંબી ગામ અને આસપાસના પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલા ભૂસ્ખલન અને અચાનક આવેલી ફ્લેશ ફ્લડની આફતે ભયાનક તારાજી સર્જી છે. પહાડો પરથી ધસી આવેલા માટી, કાદવ અને વિશાળ પથ્થરોના સૈલાબે સમગ્ર ગામને બાનમાં લીધું છે. નદી-નાળાઓમાં આવેલા ઘોડાપૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં અનેક ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે અને અનેક વાહનો, બાઇકો તથા ઘરવખરીનો સામાન પૂરના વહેણમાં તણાઈ ગયો છે.રિંબી પંચાયતના પ્રમુખ મંગલ રાય અને પીડિત સ્થાનિક રોહન સુબ્બાના જણાવ્યા અનુસાર, વિસ્તારના આશરે ૩૨ જેટલા ઘરોને ભૂસ્ખલનથી ગંભીર નુકસાન પહોંચ્યું છે. ગામના અંદાજે ૧૨૬ થી ૧૩૦ લોકોને તાત્કાલિક અસરથી પોતાના ઘરો છોડીને સ્થળાંતર કરવાની નોબત આવી છે. પહાડ પર અટકાયેલા વિશાળ પથ્થરો ગમે ત્યારે નીચે સરકી પડે તેવી ગંભીર સ્થિતિ હોવાથી લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને માર્ગો પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.
વાહનો અને ઘરવખરી તણાઈ તો માર્ગો થયા ઠપ!
જોખમી વિસ્તારોમાં અવરજવર પર મૂકાયો પ્રતિબંધ!
આ હોનારત બાદ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના રિલીફ કમિશનર રિંઝિંગ ચેવાંગ ભુટીયા અને સિક્કિમ સરકાર દ્વારા ત્વરિત રાહત કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રશાસન દ્વારા પ્રભાવિત પરિવાર માટે કામચલાઉ રાહત શિબિર ઊભો કરવામાં આવ્યો છે. જોકે, તમામ અસરગ્રસ્તોનો સમાવેશ શિબિરમાં શક્ય ન બનતાં અનેક લોકોએ પોતાના સંબંધીઓના ઘરે આશરો લેવો પડ્યો છે. પોલીસ અને રાહત ટુકડીઓ દ્વારા જોખમી વિસ્તારોમાં અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.રિંબીથી સામે આવેલા તાજેતરના દ્રશ્યોમાં કાદવમાં ખૂંપેલી ગાડીઓ, પહાડ પરથી પડવાની તૈયારીમાં રહેલા વિશાળ પથ્થરો અને બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમો સ્પષ્ટ જોઈ શકાય છે. ભૂસ્ખલન અને પૂરના સતત વધતા જોખમને પગલે તંત્ર દ્વારા સમગ્ર પશ્ચિમ સિક્કિમમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં માર્ગો ખુલ્લા કરી રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

